64 સમરહિલ - 40

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 40

દિવસભર આકરો તાપ સહીને તેની સંવેદના હવે અકારી ગઈ હતી. ઉઘાડા શરીરમાં ઠેકઠેકાણે ચામડી તરડાઈ ગઈ હતી, ફોલ્લા ઉપસી આવ્યા હતા, હોઠમાંથી કાળી લ્હાય ઊઠતી હતી. ઢુવાઓના એકધારા ઢાળ પછવાડે તેને સરોવર હિલોળાતા વર્તાતા હતા અને એ જોઈને રૃંવેરૃંવેથી તેને પ્યાસ ફાટતી હતી. આંખોના દિવા ઓલવાઈ જવા આવ્યા ત્યાં સુધી એ લથડિયા ખાતો દોડતો રહ્યો હતો.

આખરે તેના હોશ જવાબ દઈ રહ્યા હતા. ઢુવાના ઢાળ પર તે લથડયો અને ત્યાં જ ફસકાઈ પડયો. માથા પર ચકરાવો મારતા ગીધ તિરછી ઊડાન ભરીને નીચે ઉતર્યા હોય એવું તેને લાગતું હતું પણ હવે તેને હડકારવાની હામ તે ખોઈ રહ્યો હતો.

રેતીના ઢેર પર તેની ગરદન લૂઢકી ગઈ હતી. જડબાની ઈજાને લીધે સૂજી ગયેલો ચહેરો બેહદ વિકૃત લાગતો હતો. તેની આંખો અધખુલ્લી હતી પણ  આછા, ચળકતા રંગોના લિસોટા સિવાય તેને કંઈ ભળાતું ન હતું. નાકના ફોયણાંમાંથી અનિયમિત રીતે ટૂંકા ઉચ્છવાસ નીકળતા હતા અને એ ઉચ્છવાસથી ઊડતી રેતી તેના ચહેરા પર ચોંટતી જતી હતી.

અચાનક તેના બાવડામાં ઊંડે સુધી કશુંક ભોંકાતું હોય તેમ લાગ્યું અને દર્દનો કારમો ઉંહકારો તેના સૂકાયેલા ગળા સુધી આવીને અટકી ગયો. કલાકોથી શિકારનો પીછો કરીને ઉતાવળા થયેલા ગીધે તેના બાવડામાં અણીદાર ચાંચ ભોંકીને માંસનો લોચો ઉખાડી લીધો હતો. શિકાર તરફથી કોઈ પ્રતિકાર ન થયો એટલે ગીધે ફરી ચાંચ ભોંકી અને ઢુવા પર ઉતરેલા બીજા ગીધ પણ મિજબાનીમાં જોડાયા.
પીડાથી ખુલી ગયેલી આંખોમાં રેલાતા રંગોના લપેડા વચ્ચેથી તેને ગીધનો આકાર ઝાંખોપાંખો કળાતો હતો, સાવ કાન પાસે થતો પાંખોનો ફફડાટ તેને સંભળાતો હતો પણ આંગળી ઊંચકવાની ય હવે તાકાત રહી ન હતી. દોઝખ જેવા રણની વેરાની વચ્ચે જીવતેજીવ આમ ફોલાઈ જવાના તકદીરથી તેનું હૈયું ધુ્રસ્કે ચડયું.

બાવડામાં, સાથળમાં, નિતંબમાં ભોંકાઈ રહેલી ચાંચ, કારમું દર્દ, અસહાય વિવશતા, ઘેરાતી સાંજે ફૂંકાતો રેગિસ્તાનનો સન્નાટો…

- અને અચાનક કશોક ધડાકો થયો એ સાથે તેના બાવડામાં ચાંચ ભોંકી રહેલું ગીધ ઉથલી પડયું. તરત બીજા ધડાકા સાથે ઊડવા મથતા ગીધ પણ પટકાયા. વધુ બે ધડાકા પછી ઘડીક નિરવ સ્તબ્ધતા પ્રવર્તી રહી. પછી તરત હાંકોટા જેવો કશોક અવાજ પડઘાયો. રેતીમાં પછડાતા ડાબલા જેવો અવાજ નજીક આવવા લાગ્યો.

આંધળીભીંત થઈ ગયેલી આંખો ઘૂમાવીને એ અવાજની દિશા પકડવા મથતો રહ્યો. હાથ ફંફોસીને પગરવને પામવા મહેનત કરતો રહ્યો. તેની આંખો ખુલ્લી હતી પરંતુ ભુરા, પીળા, લીલા રંગોની ચળકતી આભા તળે તેને કશું પરખાતું ન હતું. મંદ થઈ રહેલી શ્રવણશક્તિને ગેબી પડઘામાં વિંટળાયેલા અજાણ્યા અવાજો સંભળાતા હતા.

ઢુવાની દર્રા પરથી ચાર-પાંચ ઊંટનો કાફલો ઉતર્યો. અસવારના બૂચકારા સાથે હળવો ગાંગરોટો નાંખીને સલૂકાઈભેર ઊંટ ઝંકોરાયા. કાઠડા પરથી આદમીઓ ઉતર્યા. તેને સીધો કર્યો અને કોઈક બોલ્યું, 'ઓહ માય ગોડ... ઓહ નો... હી ઈઝ... હી ઈઝ ધ મેન...'

હતી એટલી તાકાત એકઠી કરીને એ શ્વાસ લેવા મથતો હતો, આંખોમાં દૃશ્ય ઝિલવા જતો હતો, પડઘાની જેમ સંભળાતા અવાજ પાછળનો અર્થ પામવા ઝુરતો હતો અને કોઈક તેના પર ઝૂકીને બોલી રહ્યું હતું, 'ઓહ નો... હી ઈઝ ત્વરિત... પ્રોફેસર ત્વરિત કૌલ...'

તેને ઓળખી જનારો આદમી રાઘવ હતો, એસીપી રાઘવ માહિયા.

ત્યારે, ત્વરિતના તકદીરમાં લખાયેલું એક ભયાનક પ્રકરણ આટોપીને રેગિસ્તાન પર અંધારપછેડી ઓઢાડી રહેલી તેની નિયતિ મરકી રહી હતી.

***

અહીં ખૂબરામાં ગેરસમજનો જંગ ખેલાવાના સંજોગો રચાઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ રાજનંદગાંવમાં ઝુઝાર શું કરી રહ્યો હતો?

તેણે બરાબર કેડો દબાવ્યો હતો.

મારૃતિ ફેબ્રિકેશન વર્ક્સની વખારમાં પાર્ક કરેલી ફોર્ડ ઈકોસ્પોર્ટ તેણે પારખી લીધી હતી. બંગલાની જાળી બનાવવાની છે અને એ માટે પોતે ડિઝાઈન પસંદ કરવા આવ્યો છે એમ કહીને તે દમામભેર અંદર ઘૂસ્યો હતો અને દૂર પડેલી ઈકોસ્પોર્ટના સિફતપૂર્વક ફોટા પાડીને રાઘવને મોકલી આપ્યા હતા.
કેકવો આમાં ક્યાંક સંડોવાયો છે એવી તેને પાક્કી ખાતરી હતી પણ રાઘવ આવે ત્યાં સુધી તેણે ચૂપકીદી રાખવાની હતી. ગાડી પર નજર રાખવાનો બંદોબસ્ત ગોઠવીને તેણે ચીનાબજાર તરફ નિસ્સાન પેટ્રોલ હંકારી.

રાજનંદગાંવનો ચીનાબજાર વિસ્તાર તેની રંગીની માટે મશહુર હતો. જૂના મોડેલના વાહનોના સ્પેરપાર્ટ્સ અને દુનિયાભરની તમામ જાણીતી પ્રોડક્ટની સસ્તી નકલો અહીં મળતી. લેમ્બ્રેટા, વિજય સુપર, ફાલ્કન જેવા સ્કૂટર, યેઝદી જેવી ભૂલાઈ ગયેલી મોટરસાઈકલના પાર્ટ્સની શી ખબર, કોને જરૃર પડતી હશે પણ જૂના મોડેલની નિસ્સાન પેટ્રોલ ગાડીને પ્યાર કરતા ઝુઝાર જેવા શોખીનો માટે આ બજાર ખાસ હતી.

ઝુઝાર જેવા શોખીનોને અહીં આવવા લલચાવતી બીજી બાબત હતી દુકાનોના મેડા ઉપર નાનકડી બારીઓમાંથી ઝાંખતી છરહરી છોકરીઓ. જમીનદારીના જમાનાથી અહીં ચાલતો તવાયફોનો દોરોદમામ હવે ઘસાઈ ચૂક્યો હતો અને હવે લખનૌ, રામપુર, સિવાન કે બર્દવાનની કેળવાયેલી તવાયફોની તહેઝિબને બદલે બાંગ્લાદેશી સ્ત્રીઓના ભદ્દા ચેનચાળા જ રહ્યા હતા.

ઝુઝારે હલિમ, કબાબ વેચતા એક ખુમચા પાસે ગાડી થંભાવી અને ઉપરની તરફ ડોકિયું કર્યું. જાંબલી રંગની લિપસ્ટિક કરેલી એક છોકરીએ તેની સામે જોઈને મારકણું સ્મિત કર્યું પણ ઝુઝારને તેના અલ્લડ ઈશારાની પરવા ન હતી. ભરચક જવાનીમાં ગ્વાલિયરના શેઠની બીજી વારની પત્નીના પ્રેમમાં પડયા પછી અને લાગણીના સંબંધ જોડીને ઊંધેકાંધ પટકાયા પછી રોમાન્સના નામ માત્રથી તેને કંપારી છૂટતી હતી.

દમામભેર એ ગાડીમાંથી ઉતર્યો. તેના અનુભવી દિમાગે બરાબર હિસાબ માંડી લીધો હતો. કેકવાના ધાબા જેવી જગ્યા હોય અને કબાડા કરનારા લોકો ત્યાં રોકાય ત્યારે છોકરીની હાજરી વગર વર્તુળ પૂરું ન થાય. કેકવાની પૂછપરછ કરવાની ન હતી પરંતુ રાઘવ આવે ત્યાં સુધીમાં પોતે શક્ય તેટલી કડી હાથ કરી લેવા માંગતો હતો. આસપાસની દુકાનના વેપારીઓ માટે દાદર ચડીને ઉપર જતાં લોકોની કોઈ નવાઈ ન હતી. કોઈની પણ સામે નજર નાંખ્યા વગર ઝુઝાર રૃઆબભેર સાંકડી ગલીમાં ડાબા હાથે વળીને દાદર ચડી ગયો.

પોણી કલાક પછી નીચે ઉતર્યો ત્યારે તેના ચહેરા પર પોતાની ગણતરી સાચી પડી હોવાનો સંતોષ ઝળકતો હતો પણ મગજમાં સવાલો ઊગવા માંડયા હતા. અહીંથી ત્રણ છોકરીઓ કેકવાના ધાબા પર ગઈ હતી. બસંતકુમાર (ત્યાં છપ્પને એવી ઓળખ ઘડી કાઢી હતી) નામનો રાયપુરનો કોઈક આદમી એડવાન્સ પૈસા આપીને ત્રણ છોકરીને કશેક સહેલગાહે લઈ ગયો હતો.

સાંજે સાડા સાત વાગ્યે ગઢબિદરાના પાટિયા પાસે રાઘવ તેને મળ્યો એટલે ઝુઝારે તમામ ડિટેઈલ્સ કહી દીધી.

બે આદમી કેકવાના ધાબા પર ઉતર્યા. એ રાત્રે કોઈક છોકરી કશુંક આપી ગઈ અને પછી ધમાલ મચી ગઈ. બીજા દિવસે એક આદમી ધાબા પર જ રહ્યો અને બસંતકુમાર નામનો આદમી રાજનંદગાંવ આવ્યો અને છોકરીઓને ત્યાં લઈ ગયો. ફોર્ડ ઈકોસ્પોર્ટ હવે એક ગોડાઉન જેવી જગ્યાએ પડી છે અને બંને આદમી ત્રણ ઔરત સાથે કેકવાના ધાબેથી નીકળી ચૂક્યા છે.

'બસંતકુમાર કોણ હોઈ શકે?' ત્વરિત પર વહેમાઈને પોતે સાચી દિશાએ જઈ રહ્યો છે તેનો અહેસાસ થવાથી રાઘવનો આત્મવિશ્વાસ બેવડાતો હતો.

'એ આદમી અહીં વારંવાર આવે છે, છુટા હાથે રૃપિયા વેરે છે પણ મને લાગે છે કે એ તેનું સાચું નામ ન હોય' ઝુઝારે આવી જગ્યાઓનો પૂરતો મહાવરો કેળવ્યો હતો.

'હમ્મ્મ્..' રાઘવે મનોમન પોતાનું ગણિત ગણી લીધું. ત્વરિત એકલો નથી અને મામલો ફક્ત આ એક મૂર્તિ ચોરવા પૂરતો ય નથી. એ લોકો ક્યાં ગયા છે એ જાણવા હવે કેકવાનું મોં ખોલાવ્યા વગર આરો નથી. કેકવાની કુંડળીમાં ય પૂરતા કુંડાળા છે એ જોતાં લોકલ પોલિસને વિશ્વાસમાં લેવી જોઈએ.

રાઘવની એ દીર્ઘદૃષ્ટિ જ આખરે તેને ફળી હતી. રાઘવ રાજનંદગાંવની સ્થાનિક પોલીસ સાથે ગુત્થી સૂલઝાવવામાં પરોવાયેલો હતો ત્યારે મોડી રાત્રે પરિહારે મોકલેલી ફાતિમા-ચંદાની વિગતો, તસવીરો રાજનંદગાંવ પોલિસમાં પહોંચી હતી. એ સાથે પરપોટો ફૂટવાની શરૃઆત થઈ હતી. ખુદ રાઘવે મોડી રાતે કમાન્ડન્ટ વિશ્વનાથ પરિહાર સાથે વાત કરી ત્યારે બેયના મનમાં અણધાર્યા ઘટસ્ફોટ થવા લાગ્યા.
મધ્યપ્રદેશ પોલિસનો એસીપી પ્રાચીન મૂર્તિઓની ચોરીનો એક કેસ ટ્રેક કરી રહ્યો છે એવું જાણ્યા પછી પહેલીવાર પરિહારને લાપતા આદમીઓ વિશે બત્તી થવા માંડી હતી. તે હવે સ્પષ્ટ થવા માંડયો હતો કે લાપતા આદમીઓને આતંકવાદીઓ સાથે કોઈ કનેક્શન નથી. એ બધા મૂર્તિ ચોરવા માટે જ અહીં આવ્યા હોઈ શકે અને સંજોગોવશાત પાકિસ્તાનીઓ સાથેની મુઠભેડમાં ભેરવાઈ ગયા હોવા જોઈએ.
વ્હાઈટ રમનો ગ્લાસ એક શ્વાસે ગટગટાવી ગયા પછી હવે પરિહારને પહેલી વાર હાશકારો થઈ રહ્યો હતો.

આ તરફ પરિહારે પાસેની વિગતો જાણ્યા પછી રાઘવને પણ હવે પાક્કા પાયે ખાતરી થઈ ગઈ હતી કે તે ત્વરિતનો પીછો કરીને અજાણતા જ મૂર્તિચોરીનું એક મહાખેપાની રેકેટ ઝડપવા ભણી આગળ વધી રહ્યો છે.

ત્વરિત અને તેની સાથેનો આદમી લાપતા છે. બે ઓરત ઝડપાઈ ગઈ છે. ત્રીજી ઓરત ક્યાં છે એ ખબર નથી. ત્રીજો કોઈ આદમી સ્નાઈપર રાઈફલ લઈને ત્યાં હાજર હતો. એ કોણ હોઈ શકે? એક છોકરીએ ય ફાયર કર્યું હતું. ફાતિમા-ચંદા સાથે ગયેલી ત્રીજી બાંગ્લાદેશી છોકરી તો ત્રીશી વટાવી ગયેલી હતી, જ્યારે પરિહારે આપેલું વર્ણન તો ૨૨-૨૫ વર્ષની કોઈ ખૂબસુરત છોકરીનું હતું. વળી, બજારૃ ઓરત એમ આવી સ્થિતિમાં ગન ચલાવી નાંખે એ ય શક્ય ન હતું.

ગૂંચવાયેલા રાઘવે એ જ ઘડીએ ડેરા સુલ્તાનખાઁ જવા નીકળવાનો નિર્ણય કરી લીધો હતો.

(ક્રમશઃ)

***

રેટ કરો અને રિવ્યુ આપો

vrund vyas 2 દિવસ પહેલા

Namrata Shah 3 દિવસ પહેલા

Sunhera Noorani 1 અઠવાડિયા પહેલા

Meena Kavad 2 અઠવાડિયા પહેલા

Kinjal Pandya 3 અઠવાડિયા પહેલા

શેર કરો