64 સમરહિલ - 39 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 39

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 39

ઉંધેમાથે પડેલા ત્વરિતને ક્યાંક કશોક ફફડાટ થતો હોવાનો અહેસાસ થયો.

રેગિસ્તાનમાં ઊઠેલા ચક્રાવાત વચ્ચે રાતભર એ આથડયો હતો. તેના પગ તળેથી રેતી સતત સરકતી જતી હતી. ચહેરા પર વાગતી પવનની થપાટ સામે આંખો ખુલ્લી રહી શકતી ન હતી અને નીચેથી સરકતી રેતીને લીધે તેના પગ સ્થિર રહેતા ન હતા.

આંખ સામે ઢુવાઓ પર વિકરાળ કદના ઓળા ઊઠતા હતા, હવામાં ચિત્રવિચિત્ર આકારો સર્જાતા હતા અને નીચે પછડાતા હતા. રેગિસ્તાનની સુમસામ ક્ષિતિજ પર નાચતી એ ભુતાવળ, સિસકારા જેવા તીણા અવાજે ફૂંકાતો ચક્રાવાત, રણની છાતી ફાડીને ચોમેર પ્રસરી ગયેલું કાળુમેંશ અંધારું અને શરીરની ભીતરથી ઊઠતો કારમો ફફડાટ…

બાળપણના સંસ્કારને અનુસરીને મોટા અવાજે તેણે ભવાનીષ્ટકમ ગાવાનું શરૃ કર્યું. પોતાના જ અવાજના કંપનને લીધે તેને એકલતામાંથી ઉદ્ભવતો ભય ઓછો થતો લાગ્યો. કેટલીય વાર પડયા, આખડયા પછી પણ હતી એટલી તમામ તાકાત એકઠી કરીને તે તોફાની, વેગીલા, બેકાબુ ચક્રાવાત સામે બાથ ભીડતો આગળ વધતો રહ્યો. ઢુવા પર પહોંચ્યા પછી પણ ત્યાં ઊભા રહેવાનું આસાન ન હતું. રેતીનો અફાટ દરિયો જાણે અંદરથી વલોવાતો હોય તેમ ચોમેરથી રેતીના ઘોડાપુર ઉમટયા હતા.

ઢુવા પરથી ઊડતી જતી રેતીને લીધે તેના પગ સતત અંદર ખૂંચતા જતા હતા. આમ ને આમ તો એ ક્યાંક રેતીના ઢેરની નીચે ગરકાવ થઈ જશે તો?

શરૃઆતમાં એ થોડો ગભરાયો. ઢુવા પર બેસીને સંતુલન જાળવવાનું બેહદ મુશ્કેલ હતું. છેવટે તેણે ઊભેલા રહીને જ ચીજ-વસ્તુઓ બાંધેલા પોટલાને આંખ આડું ધર્યું. અંધારાથી આંખો થોડીક ટેવાઈ અને પવનના વેગ-દિશા પ્રમાણે પોટલું ફેરવતા જવામાં તેને ફાવટ આવી એટલે હવે તે રેગિસ્તાનનો બદલાયેલો મિજાજ પારખવા લાગ્યો. હવે તેને સમજાતું હતું કે તે પોતે દર્રામાં સૂતો હતો ત્યારે ઢુવાઓ પરથી ફેંકાતી રેતી તેના પર ખડકાવા લાગી હતી. અત્યારે જ્યાં દર્રા છે ત્યાં સવાર સુધીમાં ઢુવો ખડકાઈ જશે અને હવે પોતે જેના પર ઊભો છે એ ઢુવામાં ઊંડી દર્રા પડી જશે.

સરકતા ઢુવા પર ઊભા રહેવું એ બેહદ અઘરી કસોટી હતી, પણ જીવતા રહેવાનો એ એકમાત્ર રસ્તો હતો. જો એ સંતુલન ગુમાવીને દર્રામાં પછડાયો તો ફરીથી ઢુવા પર પહોંચવાની હવે તેની ત્રેવડ ન હતી.

આંખ-મોં આડે પોટલાની આડશ ધરીને મોટે મોટેથી તેણે ભવાનિષ્ટકમ બોલવાનું ચાલુ રાખ્યું. તેને સમજાતું હતું કે આ નિર્જન એકલતામાં, આ સન્નાટા વચ્ચે તેની હામ પોતાના જ અવાજને લીધે ટકી રહેતી હતી. ભવાનિષ્ટકમ એકધારું બોલીને એ કંટાળ્યો એટલે બીજા સ્તોત્ર બોલવાના શરૃ કર્યા. આવડતા હતા એ તમામ સ્તોત્રો પૂરા થયા એટલે ફિલ્મોના ગીતોના રાગડા તાણવા માંડયા.
આખરે જીવતા રહેવાની આ લડાઈ હતી.

કેટલો સમય વિત્યો તેનો કોઈ અંદાજ આવતો ન હતો. તેના કંઠે ભયાનક શોષ પડતો હતો અને શ્વાસનળી સૂકાઈ જવાથી તીવ્ર ખાંસી ઉપડતી હતી. જીવતા રહેવા માટે સંતુલન રાખવું જરૃરી હતું, સંતુલન રાખવા માટે હામ ટકાવવી આવશ્યક હતી, હામ ટકાવવા માટે ગાતા રહેવાનું હતું, ગાતા રહેવા માટે ખાંસી રોકવી પડે તેમ હતી, ખાંસી રોકવા માટે પાણી પીવું પડે તેમ હતું પણ પાણી ન પીવા માટે મનોબળ મક્કમ રાખવાનું હતું.

અત્યારે જો તે બચી ગયો તો પણ જો પાણી નહિ હોય તો એ આઠ-દસ કલાકથી વધારે ખેંચી શકવાનો ન હતો.

ભીસ્તીની ફાટેલી પખાલ જેવો કર્કશ અવાજ થઈ ગયો, સૂકાયેલા ગળામાં જાણે ઊભા કાપા મૂક્યા હોય તેવી તીવ્ર જલન ઉપડી તો પણ એ ગાતો રહ્યો. હોશ ટક્યા ત્યાં સુધી ગાતો રહ્યો.

હવે તેને કશોક ફફડાટ સંભળાતો હતો. હોશમાં આવેલું તેનું ચેતાતંત્ર ધીમે ધીમે સક્રિય થવા લાગ્યું હતું. તેને અહેસાસ થતો હતો કે તે રેતીના ઢેર પર ઊંધેકાંધ પડયો હતો.

તેણે હળવેથી માથું ઊંચક્યું. આસપાસ જોયું. મારકણા પ્રકાશથી તેની આંખો અંજાઈ જતી હતી તો પણ તેણે ડોળા ફાડી-ફાડીને જોયા કર્યું. રેગિસ્તાન વધુ એકવાર આકરા તડકા વચ્ચે હાંફી રહ્યું હતું. રાતભર ફૂંકાયેલા પવનના તોફાને રેગિસ્તાનના કંઈક ઢુવાની ફેરબદલ કરી નાંખી હતી અને છતાં ય રણનો ચહેરો એવોને એવો એકધારો રહ્યો હતો... કોઈ ઠામ-ઠેકાણા, સરનામા વગરનો.

ફરીથી તેને કશોક ફફડાટ સંભળાયો. તેણે ચારે દિશાએ જોયું અને તે છળી ઊઠયો. તેની બરાબર પીઠ પાછળ એક અલમસ્ત પહાડ જેવો ઢુવો ખડકાઈ ગયો હતો અને ઢુવાની ટોચ પર બેઠેલા ચાર-પાંચ ગીધ તેની સામે લાલચભરી આંખે તાકીને પાંખો ફફડાવી રહ્યા હતા.

ત્વરિતની બદહાલીમાં તેમને આજનું ભોજન તૈયાર થઈ રહેલું જણાતું હતું.

હવામાં ચકરાવો મારીને ગીધ તેની નજીક આવવા ગયા એટલે ત્વરિત ગભરાયો. તેણે હાથમાંનું પોટલું ફંગોળીને ગીધને ભગાડવાનો પ્રયાસ કર્યો અને પોતે ફરીથી દર્રા ઉતરતો ગયો. ગીધ ઘડીક દૂર જતા રહે, ઘડીક વારમાં ઊંચે આકાશમાં લાંબો ચકરાવો મારીને તેના માથા પરથી પસાર થઈ જાય. ત્વરિત તેમને મોટા અવાજે હડકારીને, રેતીનો દોથો તેમના તરફ ઉછાળીને, પોટલું ફંગોળીને ગીધને ભગાડતો રહ્યો અને પોતે ય ભાગતો રહ્યો.

પણ ત્વરિત કરતાં ગીધને રેગિસ્તાનની રસમ વિશે બરાબર ખબર હતી. ભાગી-ભાગીને અહીં માણસ ક્યાં ભાગવાનો છે? ગીધના ચકરાવા ચાલુ જ રહ્યા. છેવટે કંટાળેલો ત્વરિત ત્યાં જ ફસકાઈ પડયો. પોટલામાંથી મશક કાઢીને ગળું ભીંજવ્યું. હવે ફક્ત બે ઘૂંટડા પાણી બાકી હતું. દિવસ કેટલો પસાર થયો તેનો કોઈ અંદાજ આવતો ન હતો અને રાત કઈ રીતે વિતશે તેની કોઈ ગતાગમ ન હતી.
દિશાના કોઈ ભાન વગર, સમયના કોઈ અહેસાસ વગર એ ચાલતો જ રહ્યો. લ્હાય નાંખતા તાપ અને કોઈ છાંયડા કે આડશ વગર કારમી લૂ ખાઈને તેનો ચહેરો તતડી ગયો. છાતી સાથે બાંધેલી મૂર્તિ ધગધગતા ડામની પેઠે ચંપાતી હતી પણ તોય એ મૂર્તિ છોડવા તૈયાર ન હતો. ખુલ્લી છાતીમાં ચારે તરફ મૂર્તિના કદ-આકારના ઊભા-આડા ઘારા પડી ગયા હતા અને મૂર્તિની નીચેની ચામડીમાં જાણે આગ પ્રગટાવી હોય તેવી જલન ઉપડતી હતી. પાણીના છેલ્લા બે ઘૂંટડા વધ્યા હતા. થોડુંક પાણી આંગળા પર લઈને તેણે લ્હાયથી ધગધગતી છાતી પર રેડયું અને પછી વધેલો એક નાનકડો ઘૂંટ ફરીથી ગળા નીચે ઉતાર્યો.

તેની આંખોમાં કારમું ધુ્રસ્કું તગતગી ગયું. કદાચ તે જિંદગીનું આ છેલ્લું આચમન કરી રહ્યો હતો? હવે પાણી વગર એ કેવી રીતે રેતીના આ અફાટ દરિયાની પાર જશે?

તેની આંખો સામે જેલમનો ભર્યો ભર્યો કાંઠો છલકાઈ ઊઠયો. સુર્ખ, ઠંડી હવાની લહેરખીથી વિંટળાયેલું તેનું ઘર, રસોડામાં તેને ભાવતી સફરજનની બિરંજ બનાવતી તેની મા, પૂજાઘરમાં મોટેમોટેથી સાંખ્યદર્શનના પાઠ કરતા તેના દાદા, સાંજે ઓફિસેથી પાછા ફરતા તેના પોલિસ અમલદાર પિતાના બુટનો ડરામણો અવાજ…

હવે એ બધુ જ અહીં આ અજાણ્યા, સુકાભઠ્ઠ રેગિસ્તાનમાં જ રહી જશે?

ઘરના, બાળપણના સ્મરણથી ડગમગી ગયેલા તેના કદમ ગીધની પાંખોના ફફડાટથી પાછા ઉંચકાયા. એક-એક ડગલું ઠેકીને પાછળ આવતાં, માથા પર ચકરાવા મારતા, જાણે તેનો શ્વાસ માપતા હોય તેમ છેક નીચે ઉતરીને તરાપ મારી જતા ગીધોને ઊડાડતો એ ભાગતો જ રહ્યો... ભાગતો જ રહ્યો.
હવે તેની અંજાયેલી આંખો ત્રાસી ચૂકી હતી. રેગિસ્તાનના એકધારા સિલેટિયા રંગના ઢુવા હવે લાલ-પીળા રંગોની ઝાંયમાં ઓસરી રહ્યા હતા. રૃંવેરૃંવેથી તેને પ્યાસ ફાટતી હતી. પાણીની આશામાં તેણે મજબૂત પ્લાસ્ટિકની મશક પણ તોડવા માંડી અને જરાક સરખી ભીનાશ ચાટવાના ઝાંવા ય મારી જોયા.

હવે આંખોના દિવા ધીમે ધીમે ઓલવાતા હોય તેમ તેને ઝાંખું ભળાતું હતું. દૃશ્યભ્રમ તેના ચિતતંત્રને ઘેરી વળ્યો હતો. માથા પર ફફડાટ મચાવતા ગીધ હવે તેના ખભા પર બેસવા મથતા હોય તેમ લાગતું હતું, ઘડીકમાં જેલમના ઘૂઘવાટા સંભળાતા હતા, ઘડીકમાં તેના નાકમાં બિરંજની મીઠી સોડમ પ્રવેશતી હતી, ખુબરામાં છૂટતી ગોળીઓનો અવાજ સંભળાતો હતો, દૂરના ઢુવાઓ પર પાણીના સરોવર હિલોળાતા દેખાતા હતા અને સરોવના એ હિલોળા પછવાડેથી ઊંટસવારોનો કારવાઁ આવતો ભળાતો હતો…

તેના ગળામાંથી અવાજ નીકળતો ન હતો અને તે ચીસ પાડવા મથતો હતો…

પોતાની માને પોકરાવા મથતો હતો અને તેનાંથી બોલાતું ન હતું.

હિલોળાતા સરોવર નજીક આવી રહ્યા હતા, ખભા પર બેઠેલા ગીધ તેને તાકી રહ્યા હતા, સરોવર પાછળથી ઊંટસવારો નજીક આવી રહ્યા હતા…

- અને આંખો સામે રચાતી દૃષ્યોની એકધારી ભ્રમણા વચ્ચે તે ફસકાઈ પડયો.

(ક્રમશઃ)