મોત ની સફર
દિશા આર. પટેલ
પ્રકરણ - 9
લ્યુસીનાં પિતાજી નાથન જોડેથી મળેલી લ્યુસીની ડાયરી પરથી વિરાજ અને એનાં મિત્રોને ખબર પડે છે કે લ્યુસી પેરિસનાં કેટાકોમ્બ માં જઈ ફિલોસોફર સ્ટોન શોધવાનાં અભિયાન પર નીકળે છે.. પણ એ ત્યાં પહોંચી કે નહીં એનો ડાયરીમાં કોઈ ઉલ્લેખ ના હોવાથી એ લોકો લ્યુસીનાં બોયફ્રેન્ડ માઈકલ ને મળે છે.. માઈકલ જણાવે છે કે લ્યુસી ની સાથે એને પણ પેરિસ જવાનું નક્કી કરી લીધું હતું.
"લ્યુસીની કોલેજ શરૂ થયાં નાં એક મહિના પછી લ્યુસી જોડે જયારે મારે વાત થઈ ત્યારે એને કહ્યું કે એ બે દિવસ બાદ પેરિસ જાય છે.. તો હું પણ સીધો પેરિસ પહોંચી જાઉં.. લ્યુસીનાં કહ્યાં મુજબ હું પણ એને કહ્યું હતું એ સમયે પેરિસ જઈ પહોંચ્યો.. પોતાની રંગીન મિજાજી માટે જાણીતાં આ શહેરની હવાઓમાં રહેલી ફૂલ ગુલાબી ઠંડક પણ મને એ સમયે તો તડપાવી રહી હતી.. કારણકે જે જગ્યાએ રોમાન્ટિક પળો પસાર કરવાં મળવાનું હોય એ જગ્યાએ લ્યુસી અને હું એક મોત ની સફર ઉપર જવાંનાં હતાં.. "
"લ્યુસી ને મેં પેરિસ પહોંચી કોલ કર્યો તો માલુમ પડ્યું કે લ્યુસી પણ ત્યાં આવી ગઈ છે.. અને અમે એફિલ ટાવર નજીક એક કાફેમાં એકત્રિત થવાનું નક્કી કર્યું.. હું ત્યાં પહોંચ્યો ત્યારે લ્યુસીની સાથે એક યુવક અને એક યુવતી હતી.. લ્યુસીએ જણાવ્યું કે એમનાં નામ કાર્તિક અને યાના છે. લ્યુસીનાં મોંઢે એમનો ઉલ્લેખ પહેલાં પણ હું સાંભળી ચુક્યો હતો એટલે મારે એ લોકોને વધુ સવાલ કરવાની જરૂર ના પડી. "
"માઈકલ, ત્રણ દિવસ પહેલાં પેરિસમાં જોરદાર વરસાદ પડ્યો હતો તો સુરક્ષા ખાતર કેટાકોમ્બમાં પ્રવેશ ત્રણ વિક બંધ કરવામાં આવ્યો છે.. "લ્યુસીએ મને આવતાં ની સાથે જ એવાં સમાચાર આપ્યાં જેની ઉપર ખુશ થવું કે દુઃખી એ જ નહોતું સમજાતું.
"તો હવે આગળ શું કરીશું. ? .. પાછું ઈંગ્લેન્ડ જતું રહેવું છે.. ? "મેં લ્યુસીને સવાલ કર્યો.
"ના.. પાછું જવાનો કોઈ અર્થ નથી.. આજે નહીં તો કાલે હું ફિલોસોફર સ્ટોન શોધવા જવાની જ હતી. તો પછી આજે જ કેમ નહીં.. ? "લ્યુસી બોલી.
"પણ તે તો કહ્યું કે કેટાકોમ્બ માં પ્રવેશ બંધ છે.. ? "મેં લ્યુસીની તરફ જોતાં કહ્યું.
"એની વ્યવસ્થા થઈ ગઈ છે.. ત્યાં જે રાતે સિક્યુરિટી ગાર્ડ છે એને પૈસાની લાલચ આપી કાર્તિકે મનાવી લીધો છે.. અને આપણી મદદ માટે રોની કરીને એક ગાઈડની પણ સગવડ કાર્તિકે કરી દીધી છે.. "લ્યુસી ચહેરા પર સ્મિત સાથે બોલી.
"તો હવે ક્યારે જવું છે ફિલોસોફર સ્ટોન શોધવા.. ? "હું કમને બોલ્યો.
"આજે રાતે એકજેક્ટ 12 વાગે.. રોની પણ સીધો કેટાકોમ્બ આવી જશે.. આગળ ની સફર માટે જરૂરી વસ્તુઓ સાથે લઈ લીધી છે.. "લ્યુસીએ મારાં સવાલનાં જવાબમાં કહ્યું.
"આખરે હવે મારી જોડે લ્યુસીને ત્યાં જતાં રોકવાનો કોઈ માર્ગ વધ્યો નહોતો એટલે હું એની સાથે કેટાકોમ્બ જવાં રાજી થઈ ગયો.. રાતનાં 12 વાગે અમે જયારે કેટાકોમ્બ પહોંચ્યા ત્યારે એક અશ્વેત યુવક પણ ત્યાં હાજર હતો. લ્યુસી એ જણાવ્યું એનું નામ રોની છે અને રોની આ કેટાકોમ્બ થી માહિતગાર છે. સિક્યુરિટી વાળાં એ અમને અંદર પ્રવેશ કરાવી દીધો. આ સાથે જ અમારી ફિલોસોફર સ્ટોન શોધવાની સફર શરૂ થઈ ગઈ. "
"અમે કુલ પાંચ લોકો નીકળી પડ્યાં હતાં એક એવાં મિશન ઉપર જ્યાંથી જીવિત પાછાં આવીશું કે નહીં એ વાત ઉપર પણ મને તો સંદેહ હતો.. લ્યુસી, કાર્તિક અને યાના તો આર્કિયોલોજીસ્ટ હતાં એટલે આવાં મિશનો એમને પહેલાં પણ પાર કર્યાં હતાં અને જોડે રોની પણ આ ભયાનક જગ્યાએ અંદર સુધી જવાનો અનુભવ ધરાવતો હતો એટલે એ લોકોને વધુ તકલીફ ના પડી.. પણ હું તો કેટાકોમ્બ ની અંદર મોજુદ માનવ અસ્થિઓનો ઢગ જોઈને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. છતાં લ્યુસી તરફ નો પ્રેમ મને એની જોડે ચાલવાની હિંમત બક્ષી રહ્યો હતો. "
"અમે લોકો જેવાં દોઢેક કિલોમીટર જેવું સીધાં રસ્તે ચાલ્યાં હોઈશું ત્યાં રોની એ બધાં ને જણાવ્યું કે અહીંથી હવે એકદમ સીધો ઢોળાવવાળો રસ્તો છે... જે સતત અડધો કિલોમીટર સુધી વાંકા ચૂંકા રસ્તે આગળ વધે છે.. રસ્તામાં હજારો આત્માઓ તમારી નજરે પડશે પણ તમારે એની તરફ ધ્યાન આપ્યાં વગર એકબીજાનો હાથ પકડી આગળ વધવાનું છે.. "
"આ સાંભળી લ્યુસી બોલી આ પાતાળ નું પ્રથમ લેયર છે.. આવાં બીજાં છ લેયર પછી ફિલોસોફર સ્ટોન એ લોકોનાં હાથમાં હશે. થોડાં આગળ વધ્યાં હોઈશું ત્યાં જ રોનીએ કહ્યું એ મુજબ સેંકડો ચહેરાઓ અમારી આસપાસ દેખાવા લાગ્યાં.. અમે ટોર્ચ નાં પ્રકાશમાં કંઈપણ બોલ્યાં વગર ચૂપચાપ આગળ વધતાં રહ્યાં અને આમ જ એક કિલોમીટર સુધી ચાલ્યાં બાદ એક સાંકડી ગલી આવી.. આ ગલી ની બહાર એક પહોળો રસ્તો હોવાનું રોની એ જણાવ્યું.. પણ સાથે જ એક ચેતાવણી પણ આપી કે હવે આગળ તમારાં નજીકનાં આપ્તજનોની આત્માઓ તમને આત્મહત્યા કરવાં ઉકસાવતી હોય એવો ભાસ થશે.. એવું ના થાય એ માટે અમારાં કાને હેડફોન ભરાવી એમાં ફૂલ વોલ્યુમમાં ગીતો ચાલુ કરવાનું લ્યુસીએ સજેસ્ટ કર્યું.. આવું બધું અહીં હોવાનું જાણતી લ્યુસી પહેલેથી જ આ બધી બાબતો માટે તૈયાર હતી.. "
"આ રસ્તે આગળ વધતાં અમને ઘણીવાર અમારાં કોઈ સ્નેહીજન નો અવાજ આછો-પાતળો કાને તો પડ્યો પણ હેડફોન ભરાવેલાં હોવાથી અમને એ શું કહી રહયાં હતાં એ સ્પષ્ટ ના સંભળાયું માટે અમે હેમખેમ એ રસ્તો ઓળંગી આગળ વધી શક્યાં.. આ સાથે જ બીજું આવરણ પણ અમે સકુશળ પાર કરી લીધું હતું.. "
"રોની એ આગળ જણાવ્યું કે હવે પછીનો રસ્તો કોઈપણ જાતની તકલીફ વગર પૂર્ણ થઈ જશે.. પણ એ માટે તમારે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ.. જો એવું નહીં હોય તો ડેવિલ તમને પોતાની સાથે હેલમાં(નરકમાં) લઈ જશે.. માટે તમારાં મનમાં ભગવાન નું સ્મરણ કરી આગળ વધશો તો તમને કંઈ નહીં થાય.. આટલું કહી રોની એ અમને એક મીણબત્તી આપી અને એને પ્રગટાવી.. અમારાં હાથમાં સળગતી મીણબત્તી રાખી અમે પોતપોતાનાં ઇષ્ટ દેવ ને યાદ કરતાં આ ત્રીજું આવરણ પણ સરળતાથી પસાર કરી ચુક્યાં હતાં. "
"જેમ જેમ અમે એક પછી એક આવરણ ઓળંગી આગળ વધી રહ્યાં હતાં એમ એમ લ્યુસીનાં ચહેરા પર ગજબની બેતાબી અને ચમક જોવાં મળી રહી હતી.. પોતાનાં માતા-પિતા નું સપનું પૂરું કરવાં જઈ રહેલી લ્યુસીને ખુશ જોઈ મને પણ ખુશી થઈ રહી હતી. "
"રોની એ જણાવ્યું છે હવે જે રસ્તો એ લોકો પસાર કરશે એ ફક્ત 100 મીટર માંડ છે.. પણ આ રસ્તો ફક્ત 6 ઈંચ નો જ છે.. જો થોડી ચૂક થઈ તો નીચે એક મોટી ખાઈ છે જેમાં અત્યાર સુધી સેંકડો લોકો પડીને પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે.. તો હવે પછીનું દરેક પગલું ખૂબ સાચવીને પસાર કરવું પડશે.. અને હવે પોતે આગળ નહીં આવે એવું રોનીએ જણાવ્યું.. "
"રોની ને છેક સુધી આગળ અમારી સાથે આવવાં અમે બહુ મોટી રકમની લાલચ આપી પણ એ પોતાની વાત પર મક્કમ રહ્યો.. અને એ અમને ત્યાં મઝધારે મૂકીને પાછો વળી ગયો. રોનીનાં આમ ત્યાંથી પાછું જતું રહેવું સાફ-સાફ દર્શાવતું હતું કે આગળ ની સફર મોત ની સફર છે.. અને કોઈ ગમે તેટલાં રૂપિયાની લાલચે પણ હાથે કરીને પોતાની જીંદગી જોખમમાં ના જ મુકે.. આમ છતાં અમારે તો હવે બાકીની સફર પુરી કરવાની જ હતી. "
"માંડ 6 ઈંચ સાંકડી કેડી પર આગળ વધતાં વધતાં તો અમારાં હૃદયનાં ધબકારા બમણાં થઈ ચુક્યાં હતાં.. છતાં એકબીજાને હિંમત આપતાં આપતાં અમે ચારેય જણા એ ચોથું આવરણ પૂર્ણ કરી એ સાંકડો રસ્તો ઓળંગીને આગળનાં રસ્તે આવી પહોંચ્યા હતાં.. હું તો વળીને પાછળ જોતો ત્યાં મને વિશ્વાસ જ નહોતો આવતો કે અમે આટલો સાંકડો રસ્તો પાર કરીને જ્યાં હાજર હતાં ત્યાં પહોંચ્યાં હતાં. "
"પાતાળ નાં છેલ્લાં આવરણ સુધી પહોંચવાની એ સફરનાં ચાર આવરણ તો અમે જેમ-તેમ કરી પાર કરી ચુક્યાં હતાં પણ હવે પછી અમારી જોડે રોની નહોતો.. એટલે એનાં વગર આગળ વધવું વધુ કપરું સાબિત થવાનું હતું.. રોની નાં કહ્યાં મુજબ એ ચોથું આવરણ પાર કરીને પોતે તો આગળ નથી જ ગયો પણ એક-બે લોકો જે પાંચમા આવરણ સુધી પહોંચી ડરનાં લીધે આગળ નહોતાં વધ્યાં એમનાં કહ્યાં મુજબ હવે પછી નું આવરણ એ gate of hell.. એટલે કે નરકનો દરવાજો હતો.. "
"રોની આવું કેમ કહી રહ્યો હતો એનો અહેસાસ અમને ત્યારે થઈ ગયો જ્યારે અમે પાંચમા આવરણ નાં રસ્તે આગળ વધ્યા.. દસેક ફૂટ પહોળો આ રસ્તો રાતાં પ્રકાશથી પ્રજ્વલ્લિત હતો.. આ પ્રકાશ ક્યાંથી આવી રહ્યો એ તો નહોતું સમજાઈ રહ્યું પણ રસ્તો સરળતાથી દેખી શકાય એટલો પ્રકાશ જરૂર હતો.. જે અમને ટોર્ચ વગર પણ આગળ વધવામાં મદદ કરી રહ્યો હતો. "
"આગળ વધતાં એક આરસ નો બનેલો રસ્તો હતો.. આ રસ્તાની શરુવાતમાં જ લેટિનમાં કંઈક લખેલું હતું.. "Oculus autem Dei creaturae non habent facultatem audiendi .. Quod anima devorans. "
જેનો અર્થ હતો.. "આંખ નથી ધરાવતાં પણ સાંભળવાની શક્તિ ધરાવતાં આ જીવ મનુષ્યોની આત્મા નું ભક્ષણ કરે છે.. "
"આ શબ્દો શું કહેવા માંગતા હતાં એ અમને એ વખતે તો ના સમજાયું પણ જેવાં અમે આરસનાં એ રસ્તા પર પગ મૂક્યો એ સાથે જ અમે સમજી ગયાં કે એ લેટિનમાં લખાયેલાં શબ્દો આખરે કહી શું રહ્યાં હતાં.. એ રસ્તો એક લાકડાં નાં દરવાજા જોડે પૂર્ણ થતો માલુમ પડતો હતો.. અને અમે જ્યાં ઉભાં હતાં ત્યાંથી એ લાકડાં નો દરવાજો અડધો કિલોમીટર દૂર હોય એવું લાગી રહ્યું હતું. "
"પણ.. પણ.. આ અડધો કિલોમીટર ની સફર અમારી જીંદગી ની સૌથી વધુ ભયાવહ સફરમાંથી એક બની રહી.. આ રસ્તે સેંકડો ની સંખ્યામાં hell creature હતાં. બે હાથ અને બે પગ જમીન પર ટેકવીને ચાલતાં આ સજીવો નું માથું મનુષ્ય નું હતું પણ એમનાં માથે શીંગડાં મોજુદ હતાં.. આ પ્રાણીઓનાં મોંઢામાંથી વિચિત્ર પ્રકારનો પદાર્થ નીકળી રહ્યો હતો.. "
"અમે નિરીક્ષણ કર્યું કે એ સજીવો ઘણીવાર અંદરોઅંદર અથડાતાં તો ઘણીવાર દીવાલો ની સાથે.. જેનો અર્થ હતો કે એમને આંખો તો હતી પણ નામની.. એ સજીવો જોઈ નહોતાં શકતાં.. પણ જેવો અમે એ રસ્તે પગ મૂક્યો એ સાથે જ અમારાં પગરખાં નાં અવાજે એ સજીવોનું ધ્યાન અમારી તરફ દોર્યું.. "
"એ સજીવોની સાંભળવાની શક્તિ ગજબની હતી એનો પુરાવો અમને મળી ગયો હતો.. જો દીવાલ પર લેટિનમાં લખેલું સત્ય હશે તો જો ભૂલથી પણ અમે એમની પકડમાં આવી ગયાં તો અમારી આત્મા નું એ ભક્ષણ કરશે એ વાત દીવા જેવી સાફ હતી.. ડરનાં લીધે મારી, યાના ની અને કાર્તિકની હાલત ખરાબ હતી.. પણ લ્યુસીનાં ચહેરા પર સહેજ ડર નહોતો.. આમ પણ ડર થી આગળ જીત હોય છે એ વાત પર વિશ્વાસ રાખતી લ્યુસીને પોતાનાં ફિલોસોફર સ્ટોન શોધવાનાં અભિયાન ને પૂર્ણ કરતાં કોઈ રોકી શકે એમ નહોતું. "
"લ્યુસી એ અમારી તરફ જોયું અને ઈશારા માં જ અમને પોતપોતાનાં શૂઝ કાઢવાનું કહ્યું.. લ્યુસી આવું કેમ કહી રહી હતી એ અમે સમજી ગયાં અને અમે અમારાં શૂઝ હાથમાં લીધાં અને લ્યુસીની પાછળ પાછળ જીસસ નું નામ લઈને આગળ વધવાનું શરૂ કર્યું.. "
"સર, શું લેશો.. જમવાનું કે પછી બીજું કંઈક.. "માઈકલ ની વાત ચાલુ હતી ત્યાં રેસ્ટોરેન્ટનો વેઈટર એ લોકો જ્યાં બેઠાં હતાં ત્યાં આવીને બોલ્યો.
વેઈટર નાં આવવાથી માઈકલ બોલતાં બોલતાં અટકી ગયો.. જમવાનો સમય થઈ ગયો હોવાં છતાં માઈકલ ની વાતોમાં મગ્ન બધાંએ જમવાનું મંગાવવાનાં બદલે ફ્રેશ ઓરેન્જ જ્યુસ ઓર્ડર કર્યો. વેઈટર ઓર્ડર લઈને ગયો એ સાથે જ માઈકલે પોતાની અધૂરી મુકેલી વાત કહેવાનું શરૂ કર્યું.
★★★
વધુ નવાં ભાગમાં.
આગળ શું બન્યું હતું પેરિસ કેટાકોમ્બ ની સફર દરમિયાન.. ? શું લ્યુસી એ ફિલોસોફર સ્ટોન શોધી કાઢ્યો હતો.. ? ફિલોસોફર સ્ટોન અને ડેવિલ બાઈબલ વચ્ચે શું સંબંધ હતો.. ? ડેવિલ બાઈબલ આખરે કોની જોડે હતી.. ? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો.. ? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં.. ? લ્યુસીનાં મૃતદેહ જોડે મોજુદ બીજાં બે મૃતદેહ કોનાં હતાં.. ? અને એ લોકો ત્યાં ગુફામાં કેમ અને કઈ રીતે પહોંચ્યા.. ? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.
આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.
માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.
આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ
દિલ કબૂતર,
રૂહ સાથે ઈશ્ક
ડણક
અનામિકા
The haunted picture
સેલ્ફી: the last ફોટો... પણ વાંચી શકો છો.
-દિશા. આર. પટેલ
***