The office
"The office" આ એક દત્તક લીધેલી વેબ સિરીઝ છે. અંગ્રેજી "the office" જે USમાં રિલીઝ થઈ હતી તેમનું અહીં હિન્દીમાં ઉઠાંતર. અરે કોપી-પેસ્ટ. આ સિરીઝ "હોટસ્ટાર સ્પેશ્યલ અને bbc સ્ટુડિયો ઈન્ડિયા" સહભાગીમાં પ્રોડ્યુસ કરેલી છે.
ચલો એક ચક્કર ઓફિસની અંદર લગાવીએ..
"વિલકીન્સ ચાવલા" નામની એક શાખા. એ શાખાનો રાજા એટલે જગદીપ ચડડા(મુકુલ ચડડા). આખી વેબ સિરીઝ જગદીપ માટે જ બની છે. ત્યાં કામ કરતા 7/8 લોકો.
T.p મિશ્રા(ગોપાલ દત્ત) આ શાખાનો મેનેજર. આમ તો મેનેજર ઓછો અને "બોસનો ચમચો" વધુ હોય છે. અને ઓફિસમાં બધા એમના ઈશારે ચાલવા જોઈએ એવો આગ્રહ એમનો. પણ બીજા બધા પણ એમના તાત. હવે બોસ કોમેડી હોય તો પછી સિરિયસ થઇને શુ કામ કરવું? બાકી, અમિત અને પમ્મીનું થોડું ઈલુ-ઈલુ, જે દરેક જોબરને રિયલ લાઈફમાં પણ હોય છે. પોતાના સ્ટાફમાં કોઈક તો એવું હોય ક જેને કારણે ત્યાં કામ કરવાની મજા આવતી હોય. યુ નો.. "ઓફીસ ક્રશ".
ગૌહર ખાન એમની હેડ બોસ. અને વેરી સ્ટ્રીક. અને જગદીપ ચડડા એટલો જ મસ્તીલો બોસ. ખર્ચા બધી જાય તો સ્ટાફ કટોતી કરવાની થાય, અને ત્યાંથી કઈક સ્ટોરી જેવું લાગે. બાકી, એમ થાય કે ડાયલોગ્સમાં જોક્સ તો લખ્યા પણ હસાવી ન શક્યા.
જગદીપ ચડડાનો એક જ મોટિવ હોય છે કે ઓફિસમાં સ્ટ્રેસ ન હોવો જોઈએ, ઓફિસમાં ખામોશી ન રહેવી જોઈએ. એટલે એ પોતે જ વાત વાતમાં જોક્સ માર્યા કરે. નવરા બેઠા કોઈ પણની મસ્તી કરી લે, ઓફિસમાં નાટક, કબડ્ડીનો મેચ, એવું તો ઘણું કરે. બસ, કામ ન કરે. અને પોતાના વખાણ દર ત્રીજી મિનિટે આવે.. ત્યારે સ્ટાફવાળાનું રિએક્શન જોવા જેવું ખરું.
પાંચ કલાક ઉપરની આ વેબ સિરીઝ. 13 એપિસોડ. લખવા વાળાને વધુ મહેનત નહિ થઈ હોય કેમ કે નકલ જ કરી છે. અને ડોક્યુમેન્ટરી બનાવી કે વેબ સિરીઝ એજ ન ખબર પડે.
જોવી જોઈએ કે નહિ???
વિલકીન્સ ચાવલની ઓફિસની જેમ તમે નવરા હોય અને કઈ કામ ન હોય તો જોવાની હિંમત કર્યા જેવી. પણ યાર 13 એપિસોડ પુરા જોઈ શકશો??? અને જોઈ જાવ તો બોસ, તમારામાં પેશન છે. તમારામાં ધીરજ છે. તમારામાં કંટાળો જોવાની સહનશક્તિ પણ છે. એવું મનમાં બોલીને ખુશ થઈ શકો છો.
અભિનય શાખા.
જગદીપ ચડડાના પાત્ર પ્રમાણે જોઈએ તો એમને અભિનય બેસ્ટ કર્યો છે. બાકી બધાનો પણ અભિનય સારો છે. આવી સ્લો વેબસિરિઝમાં ફેસના હાવભાવ જ મહત્ત્વના હોય છે. એટલે અભિનયને વખાણી શકાય.
રોહિત સિપ્પી અને ડેબી રાવ બંને મળીને 13 એપિસોડ બનાવ્યા છે. ડાયરેક્શનમાં પણ સેમ ટુ સેમ નકલ થઈ છે.
એવું કઈ મજબૂરી થઈ હશે કે આવી લાંબી કંટાળાજનક વેબસિરીઝ બનાવી પડી હશે. જો બનાવવી જ હોત તો 3 કલાકની થોડો મસાલો ઉમેરી પણ સારી બની શકે ને.
હોટસ્ટાર સ્પેશ્યલ વાળાએ આંખો બંધ કરીને કોપી કરવાનું સ્ટાર્ટ કરી દીધું. આ એમની ત્રીજી વેબસિરીઝ છે. જે કોપી-પેસ્ટ કરી છે.
જગદીપ ચડડા જેવા 'જોક્સીલા' બોસને જોવાની ઈચ્છા હોય તો હિંમત કર્યા જેવી ખરી. અને પોતાનું પેશન માપવું હોય તો પણ તક સારી છે.
આવી નીરસ વેબસિરિઝને કોમેડી કઈ રીતે કહેવી? નથી ચિલ કે નથી ચુલ. માત્ર છે 'એપ્રિલ ફૂલ'.
બાકી, આ વેબસિરિઝને ફેમસ બનાવવા યુવરાજ સિંહનો પણ ઉપયોગ કર્યો છે. એ વેબસિરિઝમાં તો નથી પણ પ્રમોશન કરાવવા એક વીડિયોમાં જોવા મળે છે. જો આપણે સમજદાર હોઈએ તો ત્યાં જ ખબર પડી જાય કે આ વેબસિરિઝ કેવી હશે?
કેમ કે, એ વિડીયોના અંતે યુવરાજ એકદમ લાલચોળ થઈને બોલે છે. "ભાડ મેં જાયે વિલકીન્સ ચાવલા...."
- જયદેવ પુરોહિત