સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 30
ત્વરિતનો લોહી નીંગળતો ચહેરો, છાતી સુધી ચડી ગયેલું લોહીથી ખરડાયેલું ગંજી, દર્દ-ભય અને ઉશ્કેરાટને લીધે ચહેરા પર પથરાયેલી વિકૃતિ, કરોડરજ્જુના ત્રીજા મણકામાં જીવલેણ ગોળી ખાઈને ઊંધેકાંધ પટકાયેલા અલાદાદની ખુલ્લી રહી ગયેલી આંખોમાંથી નીતરતો ખૌફ અને આ દરેક ભયાવહતાના બેકગ્રાઉન્ડમાં સનસનતી ગોળીઓની બૌછાર…
ભોંયરામાંથી બહાર નીકળી રહેલો છપ્પન બેહદ હેબતાયેલો હતો. ત્વરિતે તેને ભોંયરામાં ધકેલ્યો અને મૂર્તિ ઊઠાવીને તે બહાર નીકળ્યો એટલી વારમાં આટલું બધું શું થઈ ગયું? કોણ આવી બેરહેમીથી તેમના પર ફાયર કરી રહ્યું હતું? સૌથી પહેલી ગન ચલાવનાર આદમી તરીકે તે અલાદાદની લાશને તો ઓળખી ગયો પણ એ કોણ હતો? કોણે તેને ઢાળી દીધો? ક્યાંક ત્વરિતના હાથે જ તો…
કાચી સેકન્ડમાં છપ્પનના મગજમાં સવાલોનો ઝંઝાવાત ફૂંકાઈ ગયો. એ ત્વરિત તરફ આગળ વધ્યો અને હજુ તેને પહેલો સવાલ પૂછે એ પહેલાં તો ત્વરિતની ભયાર્ત આંખો છપ્પનની પીઠ પછવાડેનું દૃશ્ય નિહાળીને ફાટી રહી.
'છપ્પનિયા ભાઆઆઆગ...' ત્વરિતે ઝાટકા સાથે તેના હાથમાંથી મૂર્તિ ઝૂંટવી લીધી અને તેને નીચે પાડી દીધો એ ઘડીએ ડઘાયેલા છપ્પનનું હૈયું ધબકારા ચૂકી ગયું હતું. ભયથી છળી ઊઠેલી આંખે તેણે જરાક ગરદન ઘૂમાવીને પાછળ જોયું.
ઢુવાઓની નર્મ, ગુદાજ, સરકતી બિછાત પર લાંઘ પછાડતા ઊંટોનો કાફલો બિહામણા ગાંગરાટા નાંખતો સપાટાભેર નીચે ઉતરી રહ્યો હતો. માતેલા અસવારોની હિંસક ચિચિયારી, દરેક દિશાએથી બેફામપણે ગર્જી રહેલી બંદૂકો, દૂર મંદિરની ઊંચી પરસાળમાંથી ફેંકાતો ઘંટારવનો કારમો અવાજ અને ખુબરાના મેદાનમાં ઉતરીને છત્રી તરફ છપ્પન અને ત્વરિતની દિશાએ દોડી રહેલા દસ-બાર આદમીઓએ આદરેલી સ્ટેનગનની ધણધણાટી…
ઘાંઘા થયેલા છપ્પનના હોશ ઊડી ગયા.
***
હવે થોડી ક્ષણોનો ફ્લેશબેક...
પરિહારના કાફલાએ ખુબરાનું આખું ચોગાન આવરી લીધું અને બબ્બે સ્નાઈપર રાઈફલે છેક દોઢ કિલોમીટર છેટેથી બહાર આવીને ફાયર કરી રહેલા પાકિસ્તાનીઓને ફરી ઢુવા પાછળ લપાઈ જવા મજબૂર કરી દીધા એ જ ઘડીએ અલાદાદ ઊભો થઈને છત્રીની આડશમાં ભાગ્યો. એ ઓટલા પાછળ લપાવા જતો હોય તેવું ઘડીક લાગ્યું. ત્યાં બીજો ય કોઈક આદમી (ત્વરિત) હોવાનું ભળાતું હતું પરંતુ ઓટલાની આડશને લીધે નિશાન લઈ શકાય તેમ ન હતું.
'મૂવ લેફ્ટ...' પરિહારે મંદિરના ઓટલા પરથી ઠેકડો માર્યો. એક ટીમ જમણી દિશાએથી ઓટલાની તરફ લપકતી હતી અને પોતે મંદિરની સ્હેજ ડાબે, અલાદાદ જ્યાંથી ઉતર્યો હતો એ ટિંબા તરફ જાય એટલે ત્યાં લપાયેલા આદમીઓ દરેક દિશાએથી ઘેરાઈ જાય.
પરિહાર અને સાથેના જવાનો હજુ તો દોટ મૂકી રહ્યા હતા એ જ વખતે ઓટલા પાછળ લપાયેલા બે પૈકી એક આદમી (અલાદાદ) ભળાયો. એ લાંબી ડાંફ ભરીને ઓટલો કૂદી ઢુવા તરફ જવા ધસતો હતો એ પરિહારે પારખ્યું અને તેમણે સ્નાઈપરનું ટ્રિગર દબાવી દીધું. ગડથોલિયું ખાઈને એ આદમી નીચે ફસડાયો હતો. હવે એક (ત્વરિત) બાકી રહ્યો. પરિહારે મંદિર આસપાસ ઊભેલા તમામ જવાનોને ઓટલા તરફ આગળ ધપવા ઈશારો કર્યો અને પોતે ય દાંત ભીંસીને દોટ મૂકી. લોહીનું એક ટીપું ય ન વહે એવા ચુસ્ત આયોજન સામે અત્યાર સુધીમાં બે લાશો ઢળી ચૂકી હતી. તેમાં એક આદમી પોતાનો ય હતો તેનું ખુન્નસ પરિહારના મગજ પર સવાર થઈ ગયું હતું.
અલાદાદની મૂવમેન્ટ પારખીને પરિહારે ફાયરિંગ ચાલુ કર્યું એ જ વખતે મંદિરમાં જોરશોરથી ઘંટારવ ગાજી રહ્યો. ચોંકેલા પરિહારે એ દિશામાં જોયું પરંતુ બીજા આદમી (ત્વરિત)ને અને ઢુવા પરથી ઉતરતા કાફલાને નિશાન બનાવવા માટે તેઓ હવે મંદિર ભણી વધુ વાર તાકી શકે તેમ ન હતા.
અચાનક શરૃ થયેલા ફાયરિંગને લીધે ગભરાઈને છેક મંદિરના નૃત્યમંડપ અને ગર્ભદ્વાર સુધી લપાઈ ગયેલા યાત્રાળુઓએ આપત્તિમાંથી બચવા માટે ઘંટારવ ચાલુ કરી દીધો હશે તેમ પરિહારને લાગ્યું. પરિહારે ઘડીક તો એ અવાજ પ્રત્યે બેપરવાઈ દાખવીને નિશાન તાકવાનું જારી રાખ્યું પરંતુ બંદૂકના ધડાકા, નજીક આવતા જતા ટાર્ગેટ અને ક્ષણે-ક્ષણે વધુને વધુ કસાઈ રહેલા સકંજાના અત્યંત તંગ માહોલમાં આ ઘંટારવ તેમને બેહદ બિહામણો અને ડરામણો લાગતો હતો.
'અરે કોઈ રોકો ઉન્કો યાર...' તંગદીલી, ઉશ્કેરાટ અને ગુસ્સાથી ફાટાફાટ થતા પરિહારે મંદિરની દિશામાં જ એકાદ ફાયર કરી દેવાની તલબ પર કાબૂ મેળવીને પાછળ આવતા જવાનને કહ્યું.
***
ઢુવા પાછળ લપાયેલા પાકિસ્તાનીઓએ પોતાની દિશામાં ઊંટસવારોનો કાફલો આવતો જોયો એ સાથે જ તેમના ગાત્રો ગળવા લાગ્યા. પારોઠના પગલાં ભરવાનું હવે શક્ય ન હતું. હવે ખુબરાને વટીને મંદિરની ઉત્તરે રેગિસ્તાનમાં લપકવું એ એકમાત્ર વિકલ્પ બચતો હતો, પણ એ રસ્તે ય ઘેરાવ નહિ હોય તેની શું ખાતરી? ઉસ્માનઅલીના ચહેરા પર તીવ્ર તંગદીલી પથરાઈ ગઈ. આઈએસઆઈનો એ 'તારિક' હતો.
ભારતમાં હથિયારો, કેફી પદાર્થો, નકલી નોટો અને આત્મઘાતી હુમલાખોરો ઘુસાડવા માટે આઈએસઆઈ અને અલ-કાયદાએ અમ્બ્રેલા નેટવર્ક તૈયાર કર્યું હતું. હિઝબુલ મુજાહિદ્દિન નામનું આતંકી સંગઠન પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં કાર્યરત હતું એટલે કાશ્મીરથી પંજાબ સુધીની સરહદ પર આઈએસઆઈ હિઝબુલ સાથે સાંઠગાંઠ રાખતું હતું.
રાજસ્થાનથી છેક કચ્છની જમીની સરહદમાં થતી ઘૂસણખોરી જૈશ-એ-મહંમદ અને બીજા એવા આતંકી જૂથોની જવાબદારીમાં હતી. ઉત્તર ભારતની સરહદ સાથે વાયા નેપાળ વ્યવહાર ચાલતો અને તેમાં ઈન્ડિયન મુજાહિદ્દિન અગ્રેસર હતા.
આઈએસઆઈ અને અલ-કાયદા સાથે મળીને દેશભરમાં ક્યાંય પણ આતંકી હુમલાનો પ્લાન બનાવે પછી તેમાં જરૃરી સાધન-સરંજામની વિગતો તૈયાર થાય. બારૃદ, હથિયાર, રૃપિયા, માણસો વગેરે આવશ્યકતા આઈએસઆઈ પૂરી પાડે. પાકિસ્તાનમાંથી તેના કન્સાઈન્મેન્ટ નીકળે એટલે છેક ભારત સુધી પહોંચાડવાની જવાબદારી 'તારિક' (ફ્રન્ટ રનર) તરીકે ઓળખાતા એજન્ટને સોંપવામાં આવે. મોટાભાગે પારકરના રેગિસ્તાનમાં અથવા વજીરીસ્તાન, ખૈબર-બોલન ઘાટીમાં વસતાં માથાભારે, બર્બર કબીલાઓના સરદારો જ તારિક તરીકેનું કામ કરતા હોય. આવા લોકો રેગિસ્તાનના વિષમ હવામાન, ભૂગોળથી પરિચિત પણ હોય અને ભારતની સરહદે સીમા સુરક્ષાના છીંડા પાડવા, પારખવામાં માહેર પણ હોય.
માલસામાન સાથે તારિક સલામત રીતે સરહદ વટાવી દે પછી મુખબિર તરીકે ઓળખાતા સ્થાનિક મળતિયાની ભૂમિકા શરૃ થાય. તારિક આઈએસઆઈને વફાદાર હોય તો મુખબિર આતંકી સંગઠનને જ ઓળખતો હોય. નંબર ૧ કદી નંબર ૩ના સંપર્કમાં ન હોય અને નંબર ૨ને ખબર ન હોય કે નંબર ૪ કોણ છે.
આ સમગ્ર જાળું રચવામાં આઈએસઆઈનો રાજદ્વારી ફાયદો એ કે કોઈક વાર ભારતીય લશ્કરના હાથે પકડાઈ જવાય તો પણ ભારત કદી પાકિસ્તાનનો કે આઈએસઆઈનો હસ્તક્ષેપ સાબિત ન કરી શકે.
કારણ કે, માલ મોકલાયા પછી તારિકથી લઈને મુખબિર સુધીની એકપણ કડીમાં ક્યાંય આઈએસઆઈની સામેલગીરીનો પૂરાવો ન હોય.
સિંધના રણની સામે પાર હૈદરકોટનો રહેવાસી ઉસ્માનઅલી દોઢ દાયકાથી આઈએસઆઈ માટે કામ કરતો હતો. રેગિસ્તાનના ભોમિયા તરીકેની તેની સાખ હતી અને નેટવર્ક એવું જોરદાર કે ઘરનો ઉંબરો વટતો હોય એવી સહજતાથી સરહદ ઓળંગીને છેક બિકાનેર, બાડમેર, જેસલમેર સુધી ફરી આવે.
રૃપિયા વેરીને સીમા સુરક્ષામાં છીંડા પાડવામાં માહેર ઉસ્માનનો માલ કદી ન પકડાય એવી શેખી પર તેનો આખો કબીલો મૂછે લીંબુ લટકાવીને ફરતો. આજે પહેલી વાર એ ઉસ્માનને પતલી ગલી શોધવાનો વારો આવ્યો હતો.
પાછળથી દસેક ઊંટસવારો તેમના તરફ આવી રહ્યા હતા. ખુબરા તરફ ગોળીઓ છૂટતી હતી. અલાદાદ વિંધાઈ ગયો હતો એ તેમણે બાયનોક્યુલરમાં પારખી લીધું હતું પણ એ ગોળી મંદિર તરફથી છૂટી હતી કે અલાદાદની બરાબર પાછળ ઊભેલા આદમીએ (ત્વરિતે) છોડી હતી તે સમજી શકાય તેમ ન હતું. રેગિસ્તાનના એક-એક કણને લોહીમાં વણી ચૂકેલો ઉસ્માન રેતીને બાથ ભરતો હોય તેમ બેય હાથ પસારીને નીચે લેટી ગયો. કટોકટીની ઘડીએ શું કરવું તેનાંથી બરાબર ટેવાયેલા તેના સાથીઓએ જરાક પણ ઘાંઘા થયા વગર ગન સાબદી કરી નાંખી અને પોતપોતાની કિટમાં પાણીની બોટલ, ડ્રાયફ્રુટ્સના પેકેટ, એમ્યુનિશન, હેન્ડગ્રેનેડ્સ વગેરે બારુદ વહેંચી લીધો. હવે સૌનું ધ્યાન રેતીમાં અડધું માથું ખોસીને લેટેલા ઉસ્માનઅલી પર હતું.
રણમાં થઈ રહેલાં હવામાનના પલટાને કે દૂર ક્યાંક થઈ રહેલી હલચલને પારખવાનો રેગિસ્તાની નસ્લનો આ પરંપરાગત કિમિયો હતો. પવનની લહેરખીને લીધે એકસરખી ભાત ઉપસાવતા રેતીના અડાબીડ ઢગલાંઓ પર પગેરા પારખવા, ઢુવાઓ પરથી સરકતી રેતીની ધ્રુજારી નીરખીને આવી રહેલા વંટોળ કે ઝંઝાવાતની રૃખ પારખવી વગેરે આવડત વાંચીને, વર્ણવીને સમજી ન શકાય. એ માટે સદીઓથી રેગિસ્તાનને બાથ ભરીને વસતા કબીલામાં જન્મ લેવો પડે. ઉસ્માન તેમાં ઉસ્તાદ હતો.
જેટલી ચૂપકીદીથી રેત વચ્ચે તેણે માથું ખોસ્યું હતું એટલી જ ત્વરાથી એ ઊભો થયો. માથું ધૂણાવીને વાળ, મોં, કાનમાં પથરાયેલી રેતી ખંખેરી ચહેરા પર ગમછો ઝાટક્યો.
ઉસ્માને ફટાફટ પરિસ્થિતિનું આકલન કરી લીધું હતું. પાછળ ઢુવાઓ વટીને દસ-બાર જેટલા ઉંટસવારો આવી રહ્યા હોવાનું તેનું અનુમાન હતું. ખુબરાના ચોગાનમાં ય પંદર-વીસ જવાનો ગન ચલાવી રહ્યા હતા. પોતે બહુ જ બૂરી રીતે ઘેરાઈ રહ્યા હતા અને હવે ખુબરો ઓળંગીને ડાબી દિશાએ રેગિસ્તાનનો લાંબો ચકરાવો મારવાનો એકમાત્ર વિકલ્પ બચતો હતો.
'ચારો તરફ પ્યાજ બિખેર દો...' સ્વસ્થતાપૂર્વક તેણે પહેલો ઓર્ડર છોડયો.
પાછળ આવી રહેલા ઊંટસવારોને કેમ રોકવા એ ઉસ્માનને શીખવવુ પડે તેમ ન હતું. તેણે ફટાફટ પોતાનો રક્સેક ચેક કરીને ખભા પાછળ ભેરવ્યો. એક હાથમાં લાઈટ મશીનગન ઊઠાવી અને બીજા હાથે છાતી ફરતા કારતૂસના હારડા પાથર્યા. તેના સાથીદારોએ ઢુવાના ઢાળમાં ચારે તરફ બોમ્બ ફેંકી દીધા. બે કન્સાઈન્મેન્ટ અડધે સુધી નીચે ઉતરી ચૂક્યા હતા. એટલે બાકીનો સામાન ઊઠાવીને નીચે ઉતરવાનું ખાસ મુશ્કેલ ન હતું.
ઉસ્માને એકપણ શબ્દ બોલ્યા વગર સાથીદારો સાથે ફક્ત આંખ વડે જ સંતલસ કરી લીધી. એ કુલ આઠ જણા હતા. અન્ય છ જણાં કન્સાઈન્મેન્ટ લઈને નીચે ઉતર્યા હતા અને બંદૂકના ધડાકા શરૃ થવાથી ત્યાં જ લપાઈ ગયા હતા. ચૌદના આ કાફલાને હવે હેમખેમ પાર ઉતારવાની કપરી જવાબદારી ઉસ્માન પર હતી. તેની સુરમો આંજેલી ઘેરી, પાણીદાર આંખોમાં ખુન્નસની ટશર ફૂટી નીકળી હતી.
'ટ્રિગર દબાતે રહો, મંઝિલ કરિબ આતી રહેગી..'
એકમેકને કવર ફાયર મળી રહે એ રીતે ત્રણ દિશામાં બે-બે આદમીની હાર બનાવીને તે નીચે ઉતર્યો એ જ ઘડીએ તેમની પાછળ આવતા ઊંટસવારોએ, સામે મંદિરના ચોગાનમાંથી સ્નાઈપર રાઈફલે તેમનું સ્વાગત કરી લીધું. જવાબમાં સ્હેજપણ ઘાંઘા થયા વગર ઉસ્માનના આદમીઓએ પણ ગન ધણધણાવી નાંખી.
તેમને બરાબર ખબર હતી, પાછળ આવતા ઊંટસવારો તરફથી હવે ફક્ત પાંચ જ મિનિટ સુધી જોખમ હતું.
ટાઈમરમાં પાંચ મિનિટનો ટાઈમ સેટ કરીને એ દિશાએ તેમણે પંદરેક બોમ્બ ઉલાળી દીધા હતા.
(ક્રમશઃ)