64 સમરહિલ - 29 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 29

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 29

છત્રીના ઓટલા પર એક પગ ટેકવીને બીજા પગે ત્વરિતે ઝિંકેલી બળકટ લાતનો કારમો પ્રહાર ખાધા પછી અલાદાદના ગળામાંથી ઘડીક અવાજ સુદ્ધાં નીકળી શક્યો ન હતો.

પાંસળીમાંથી લવકારા નીકળી રહ્યા હતા અને મોંમાંથી લાળ પડવા લાગી હતી. બીજો કોઈ આદમી હોત તો ત્વરિતની આવી વજનદાર લાત ખાધા પછી ઘડીભર ઊભો ન થઈ શક્યો હોત, પણ આ અલાદાદ હતો. પારાવાર પીડા અને મોંમાંથી સરી રહેલા કણસાટ વચ્ચે ય તેણે તાયફો માપી લીધો હતો.

પોતે દરેક દિશાએથી બૂરી રીતે ઘેરાઈ રહ્યો છે તેનો અહેસાસ થયા પછી રેગિસ્તાનની તમામ વિપદાઓ વચ્ચે ઉછરેલા હબ્બારનું લોહી ઉકળી આવ્યું હતું. ઢૂવાઓ પરથી સ્ટેનગનનું ફાયરિંગ શરૃ થઈ ગયું હતું મતલબ કે તેના સાથીદારો બચાવમાં આવી રહ્યા હતા.

બે દાયકાથી મોતના વેપારના આ ગોરખધંધામાં ગળાડૂબ પડેલો અલાદાદ રેગિસ્તાનની રસમ બરાબર જાણતો હતો. અહીં ઘેરાઈ ગયેલા કે પકડાયેલા સાથીને છોડાવવા માટે કન્સાઈન્મેન્ટ જોખમમાં મૂકવાનું કોઈને પરવડે નહિ. પોતાનો માણસ ઘેરાઈ રહ્યો છે એ પારખીને બાકીના સાથીદારો બે જ કિસ્સામાં ગન ચલાવીને પોતાની હાજરી છતી કરે, ૧) જો ફાયરિંગ કરીને સ્થિતિ પર પોતે ચોક્કસપણે હાવી થઈ શકે તેમ હોય તો અને ૨) ચારે બાજુથી ઘેરાઈ ગયાનો અહેસાસ થયા પછી હવે મરણિયો હલ્લો બોલાવવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો હોય તો.

એ સિવાય, ઘેરાયેલા સાથીને તેના તકદીરના હવાલે છોડીને માલ-સામાન બચાવવા પલાયન થઈ જવું એ રેગિસ્તાનનો વણલખ્યો કાયદો હતો.

આમ છતાં, અલાદાદના બચાવમાં તેના સાથીઓ સ્ટેનગન ધણધણાવી રહ્યા હતા. અલાદાદે પોતાની રીતે તેનો અર્થ તારવી લીધો. સામે આ બે આદમી છે એટલાં પૂરતું જ જોખમ હોવું જોઈએ. ડાબી તરફના ઊંચા ઢુવા પરથી ફાયરિંગ થવાથી ચોકની વચ્ચે ઊભો રહીને ગન ચલાવતો જવાન આડશ શોધવા બ્હાવરો બની ગયો પરંતુ છત્રીના ઓટલા પાછળ લપાયેલો આદમી (ત્વરિત) કોઈ રીતે રેન્જમાં આવે તેમ ન હતો. એ જો ત્યાંથી ગન ચલાવે તો પોતે આસાનીથી નિશાન બની શકે.

પાંસળીના તીવ્ર દર્દથી કણસતા અલાદાદે મહામુસીબતે પડખું ફેરવ્યું. છાતીના હાડકામાં કાટ ખાઈ ગયેલા નકૂચામાંથી નીકળતા આગળિયા જેવી કિચુડાટી થતી હતી અને તેનાં મોંમાથી પારાવાર દર્દની ટીસ ઊઠી જતી હતી. ભૂરાયા થયેલા અલાદાદે લેટેલી હાલતમાં જ ત્વરિતની દિશાએ ગોળી ચલાવી દીધી.

જવાબમાં બ્હાવરા બનેલા ત્વરિતે ય કશું પણ સમજ્યા વિના ફક્ત સ્વબચાવમાં ગન ફૂંકી નાંખી.
ત્વરિતની મુશ્કેલી એ હતી કે ઓટલાની આડશને લીધે તે સ્ટેનગનની રેન્જથી બચી શકતો હતો પરંતુ એમ કરવા જતાં અલાદાદ અને ચોકમાંથી ફાયરિંગ કરી રહેલો આદમી એ બંનેનું નિશાન બની જતો હતો. બેય મોરચા સંભાળી શકાય એ માટે છલાંગ મારીને ઓટલાના ખૂણે તે લપાયો, પરંતુ તેને લીધે બીએસએફના આદમીને અલાદાદ ભળાતો બંધ થઈ ગયો હતો એટલે ત્વરિત એ દિશામાં ય ગોળી ચલાવે છે તેનો પણ ખ્યાલ આવતો ન હતો.

પડયા પડયા અલાદાદે બૌછાર વરસાવી એટલે ત્વરિતે ચોગાન તરફની ખૂણાની ધાર પાસે લપાઈ જવું પડયું અને કોઈ આડશ વગર ખુબરાના વચ્ચેના સમથળ ચોગાન પર ઊભેલો બીએસએફનો આદમી ય જમીન પર સપડાક લેટી ગયો.

ખંધા અલાદાદે બરાબર દાવ ખેલ્યો હતો. બંને પિસ્તોલને ઘડીભર મૂંગી કરી દીધા પછી એ ફાયરિંગ કરતો છત્રી ઓળંગીને ઢુવા ભણી દોટ મૂકી શકે તેમ હતો.

- અને હવે તેની પિસ્તોલના મેગેઝિનમાં માંડ એકાદ રાઉન્ડ બચ્યો હતો.

ત્વરિત બંને દિશાએ ફાયરિંગ કરી રહ્યો હતો. દર્દ પર કાબૂ મેળવીને અલાદાદ ફરીથી ઊભો થઈ ભાગવા મથતો હતો.

બરાબર એ જ વખતે મંદિરના પાછળના સાંકડા, ટૂંકા ઢૂવાઓની ધાર પરથી કમાન્ડન્ટ વિશ્વનાથ પરિહારના ઊંટસવારો કારમી કિલકારી કરતા ખુબરાનો ઢાળ ઉતર્યા હતા. ખુદ પરિહારે લાંબા સમય પછી સ્નાઈપર રાઈફલ ચલાવીને દૂરના ઢુવાઓ પરથી સ્ટેનગનનું ટ્રિગર એકધારું દબાવી રહેલા પાકિસ્તાનીઓને તિતરબિતર કરી દીધા હતા.

મંદિરના ઓટલે ચડેલા બીએસએફના જવાનોએ યાત્રાળુઓને અંદર ધકેલીને પોઝિશન લઈ લીધી હતી. અચાનક બદલાયેલા માહોલથી હેબતાયેલી ફાતિમા અને ચંદા એકમેકની કોટે વળગીને ઓરતોના જમેલા ભેગી પરાણે ગળામાં ચીસો અટકાવી રહી હતી.

હવે ત્વરિત માટે મુશ્કેલી સર્જાઈ હતી. એ જો ઓટલાના ખૂણે ઊભો રહે તો બીએસએફની ગોળીઓનો શિકાર બને. રેતના વંટોળ, સુક્કી હવામાં ખુબરાની ક્ષાર ઓકતી જમીન પર પછડાતો નમતી બપોરનો મારકણો તડકો અને એક પછી એક છૂટતી ગોળીઓની બૌછાર વચ્ચે ત્વરિત મંદિરની દિશામાં નજર સુદ્ધાં માંડી શકે તેમ ન હતો.

જો તેણે નજર માંડી હોત તો બીએસએફનો ગણવેશ તે પારખી શક્યો હોત અને તો એ દિશાએ ભાગવામાં જ તેને નૈસર્ગિક સલામતી જણાઈ હોત.

પરંતુ તે ઓટલાના ખુણેથી સરકીને ભોંયરાના પ્રવેશ ભણી ભાગ્યો. તેનો એ નિર્ણય ખોટો હતો છતાં માનવસહજ હતો. બીએસએફની અંધાધૂંધ ધણધણાટીને લીધે સ્ટેનગન ચૂપ થઈ ગઈ હતી એટલે ત્વરિતને જીવની સલામતી સૌ પહેલા એ દિશામાં જ વર્તાય. વળી, છપ્પન પણ અહીંથી જ બહાર આવવાનો હતો.

ત્વરિતને આ તરફ લપકતો જોઈને અલાદાદ વધારે ઘાંઘો બન્યો. હવે તેને સ્ટેનગનનું રક્ષણ મળતું ન હતું અને તેની પોતાની પિસ્તોલમાં મેગેઝિન ખાલી થવા આવ્યું હતું. એટલે રઘવાયા બનેલા અલાદાદે તમામ જોખમને કે પાંસળીના દર્દને ગણકાર્યા વગર જ કમરમાંથી ઝૂકેલી હાલતમાં ત્રાંસી દોટ મૂકી.

રેતીના પોચા, સરકતા ઢગલા પર દબાતા પગલે વેગપૂર્વક કેમ દોડવું એ રેગિસ્તાનના કાચિંડા જેવા અલાદાદે ગળથૂથીમાં જ શીખી લીધું હતું. ત્વરિતની આંખ ફરી એ પહેલાં તેની છાતી સામે પહાડ જેવો અલાદાદ ઝળુંબી રહ્યો હતો અને શરીરમાંથી ઊઠતી એકેય સહજ પ્રતિક્રિયા ત્વરિત દાખવી શકે એ પહેલાં તો ગોફણ વિંઝતો હોય એવી તાકાતથી જમણો હાથ છેક પીઠ પાછળ ખેંચીને અલાદાદે ચાબૂકની જેમ પિસ્તોલનો કુંદો ત્વરિતના જડબામાં ઠોક્યો હતો.

અણધાર્યા, વેગીલા અને તાકાતવાન પ્રહારને લીધે ત્વરિતના ગળામાંથી દર્દની ચીસ નીકળે એ પહેલાં મોંમાંથી લોહીનો ઘળકો નીકળી ગયો.

એ ઢીંચણભેર ફસકાઈ પડયો. જડબાના લવકારા, મોંમાંથી વછૂટતી લોહીની ધાર, થરથર કાંપતું શરીર, ભય-આઘાત અને પીડાને લીધે પેટમાં વળ ખાઈ રહેલા આંતરડા અને કારમા દર્દને લીધે મીંચાઈ રહેલી આંખો વચ્ચેથી તેણે અલાદાદને છલાંગભેર ઓટલા પર ચડતા જોયો.

ત્વરિત હજુ બીજુ કંઈ સમજે, વિચારે એ પહેલાં જ તેના માથા પરથી સુપરસોનિક વિમાનની ચિચિયારી જેવી સનસનાટી સેકન્ડના દસમા ભાગમાં પસાર થઈ ગઈ અને તેનાંથી પંદર ફૂટ આગળ ઓટલા પર ચડીને ઢુવા ભણી કૂદવા જતો અલાદાદ કારમી ચીસ નાંખીને નીચે પગથિયા પર ઝિંકાયો.

ચોંકાવી દેતા સનકારાથી ત્વરિત હોશમાં આવ્યો. તેની પીઠ પાછળથી ગોળીઓ છૂટી રહી હતી. ઓટલા પરથી કૂદવા જતો અલાદાદ વિંધાઈ ગયો હતો, મતલબ કે તે પોતે પણ આસાન રેન્જમાં હતો. પોતે કેવી કફોડી હાલતમાં મૂકાયો છે તેનો તેને ખ્યાલ આવ્યો એ સાથે હતી એટલી તાકાત એકઠી કરીને તેણે ભોંય પર પડતું મૂક્યું અને જમીન પર ઢસડાઈને ઓટલાની પાછળ લપક્યો.

ગોળીઓની ધડાધડી સામે ઓટલાની આડશને લીધે હવે તે કામચલાઉ સલામત હતો. ગંજી ઊંચું કરીને તેણે લોહી ઓકતા મોં પર ફેરવ્યું. અલાદાદે કરેલા બળુકા પ્રહારને લીધે તેના ડાબા જડબાના બે દાંત પડી ગયા હતા, ગાલ પર મોટો ચીરો પડી ગયો હતો અને આગળના દાંત વચ્ચે આવી જવાથી જીભ કચરાઈ ગઈ હતી.

અસહ્ય દર્દને લીધે તેની આંખોમાંથી પાણી ઝમી રહ્યું હતું. ભય, ઉશ્કેરાટ અને થડકાટને લીધે શરીરની નસોમાં લોહીનું દબાણ ફાટાફાટ થવા માંડયું હતું. ગંદા થયેલા ગંજીને ઉલટાવીને તેણે આંખો લૂછી સ્હેજ ગરદન ઊંચકી ત્યારે આ છેલ્લી અડધી કલાકમાં પહેલીવાર જરાક હાશકારો થઈ આવ્યો.

કારણ કે, ફાયરિંગનો અવાજ, કોઈકના પડવાનો અવાજ અને કારમી ચીસથી ડઘાયેલો છપ્પન અધૂકડો બેસીને છાતી સરસી મૂર્તિ ચાંપીને બહાર આવી રહ્યો હતો.

છપ્પને ત્વરિતને જોયો.

છેક છાતી ઉપર ચડેલું ગંજી, જમીન પર ક્રાઉલિંગ કરીને ધૂળથી ખરડાયેલો પાયજામો, લોહી નીંગળતો ચહેરો, ખભા પર લટકતી રાઈફલ અને બેય હાથમાં તાકેલી પિસ્તોલ... દેખાડવાની અને બતાડવાની બેય ગન આજે તેણે રાખી જાણી હતી...

'મૂર્તિ સલામત છે ને?' આંખો ફાડીને જોઈ રહેલો છપ્પન ત્વરિતના સવાલથી વધુ ડઘાયો, સાલાને કંઈ ઝોડ વળગ્યું છે કે શું? આ હાલતમાં ય પોતાની સલામતી કરતાં તેને મૂર્તિની સલામતી સૂઝે છે?

'આ કોણ આપણા પર ગોળીઓ છો...?' છપ્પનનું વાક્ય પૂરું થાય એ પહેલાં તેની પીઠ પાછળ તાકી રહેલા ત્વરિતના ચહેરા પર કાળીચૌદશની મધરાતે ક્યાંક અગોચર જગ્યાએ જાણે ચળિતર જોઈ લીધું હોય તેવા બિહામણા ભાવ અંકાયા. છપ્પન કશું સમજે એ પહેલાં ઝાટકો મારીને તેણે મૂર્તિ પોતાની પાસે ખેંચી લીધી, બીજા હાથે કચકચાવીને છપ્પનનું બાવડું ઝાલીને તેને નીચો પાડી દીધો અને તેના ગળમાંથી ચીસ ફાટી ગઈ,

'છપ્પનિયા ભાઆઆઆઆગ...'

- એ વખતે જાણે હુણના બર્બર, હિંસક ધાડા ધસી આવ્યા હોય તેમ રેગિસ્તાનના આ સપાટ ખુબરાની બંને તરફ કારમી કિલકારી ફરી વળી હતી. ઘડીક શાંત પડેલી બંદૂકો ફરીથી ગરજવા માંડી હતી, મંદિરમાં જાણે આરતી થતી હોય તેમ અચાનક જોરજોરથી અનિયમિત પણ અસ્ખલિત ઘંટારવ ચાલુ થઈ ગયો હતો અને શરીર સાથે મૂર્તિને ચાંપવા જતા ત્વરિતને અટ્ટહાસ્ય કરી રહેલી મૂર્તિ જાણે બોલી રહી હોય તેમ લાગતું હતું, સ્વરૃપમ્ ત્વદિયં ન વિન્દન્તિ દેવા...

(ક્રમશઃ)