સિને-GRAM ~ જયદેવ પુરોહિત
MALAAL
મલાલ શબ્દનો અર્થ થાય છે "પછતાવા". હકીકતે 136 મિનિટ પુરી કરો ફિલ્મની, પછી જે એહસાસ થાય એ "મલાલ દેખને કા મલાલ..."
આ ફિલ્મની સ્ટોરી એટલી ચવાયેલી છે કે હવે ચાવવાથી દાંત દુખવા લાગે, જડબું પણ દુઃખી જાય પણ ચિગમમાંથી રસ ન જ નીકળે. આમપણ આજકલ ફિલ્મો ચવાયેલી જ આવે છે.
2004માં આવેલી તેલુગુ ફિલ્મ "7G Rainbow Colony"ની રિમેક છે. યુ નો.. કોપી પેસ્ટ...!!
ચલો "મલાલ" પર નજર તો કરીએ...
1998ની આ સ્ટોરી. મુંબઈની ચોલમાં ફિલ્મ શરૂ થાય અને ત્યાં જ ખતમ. શિવા મોરે(મિઝાન જાફરી) ચોલનો ટપોરી છોકરો, એમનું ઘર એટલે જાણે બધાને સાથે એક ઘરમાં રહેવાની સજા મળી હોય. ચોલમાં રખડવાનું, દાદાગીરી કરવાની અને પાર્ટીનું કઈ કામ હોય તો જવાનું. બસ, આટલું જ કામ. ત્યાં ચોલમાં એક ત્રિપાઠી પરિવાર રહેવા આવે. જે મહારાષ્ટ્રીયન હોય છે. પૈસાદાર પરિવાર પણ શેરબજારમાં ખાલી ખમ થઈ ગયા પછી અહીં ચોલમાં રહેવા પહોંચે છે. એમની પુત્રી આસ્થા ત્રિપાઠી(શારમીન સેગલ) C.Aનો અભ્યાસ કરતી હોય છે. એક સીધી છોકરી જેમને ઘરના પરિસ્થિતિની સારી રીતે જાણ છે. એક દીવાલે જ બન્ને રહેતા હોય છે શિવા અને આસ્થા.
ક્રિકેટ મેચમાં એમ્પાયરની ધોલાઈ કરીને શિવા ઘરે જતો હોય ત્યાં વચ્ચે સીડી પર બન્નેની પહેલી મુલાકાત થાય છે. ક્રોધી શિવા અને શાંત આસ્થા. પછી તો પાડોશી એટલે વાટકી વહેવાર શરૂ થાય. બીજી તરફ શિવાને ખબર પડે કે આ ત્રિપાઠી છે. તો ચોલના માલિકને ફોન કરીને ધમકાવે છે કે તમે મરાઠી સિવાય બીજાને મકાન ભાડે કેમ આપ્યું.
બન્નેની મુલાકાત થતી રહે છે પરંતુ હજી પ્રેમ જેવું કશું ન હોય. ગણપતિ ઉત્સવનો ફાળો માંગવા જાય છે ત્યાં 1000 રૂપિયા શિવાની ટપોરી ટિમ માંગે છે પરંતુ ત્રિપાઠી પરિવાર પાસે 500 જ હોય છે. ત્યાં ફેમેલી સ્ટેટ્સની વાત થોડી થાય છે. એ ફાળો કરી બધા મિત્રો છત પર દારૂ પીવા જાય પણ ત્યાં આસ્થા નાના છોકરાઓને ટ્યુશન આપતી હોય છે જેમાં શિવાની નાની બેન પણ હોય છે. ત્યાં થોડી રકઝક બાદ શિવાને આસ્થા ગમવા લાગે છે.
બસ, પછી બન્ને મળે, વાતો કરે અને છુટા પડે. બીના મુસીબત કે પ્યાર કહાં. આસ્થાની સગાઈ એમના બાળપણના દોસ્ત આદિત્ય સાથે નક્કી થાય. અને શિવા અને આદિત્ય બન્ને દુશ્મન. વાત ફરી ફેમેલી સ્ટેટ્સ પર પહોંચે.
આસ્થાએ શિવાને આખો ચેન્જ કરી નાખ્યો હોય, દારૂ છોડાવ્યો, સિગારેટ મુકાવી, ટપોરીવેડાં બંધ કરાવ્યા, શિવા અને એમના પિતા વચ્ચે સમાધાન કરાવ્યું. અને શેરબજારની એક ઓફિસમાં નોકરી પર રાખ્યો. પણ આસ્થાના પપ્પાને શિવા ગુંડો જ લાગતો. છતાં છુપીરીતે બન્ને મળતા.
સામાન્ય વાત કરતા બન્ને ચાલ્યા જતા હોય ત્યાં આસ્થાને એક ટ્રક ઉડાવી દે. એમને બચાવવા જતા શિવા પણ ગાડીને અડફેટે આવી જાય. શિવા બચી જાય છે અને આસ્થા ત્યાં જ મૃત્યુ પામે છે. બસ, વાર્તા પુરી.
કદાચ તમને સ્ટોરી વાંચવાની મજા આવી હશે. પરંતુ આ સ્ટોરી જોવાનો કંટાળો જરૂર આવશે.
ડાયરેકટર, હિરો અને હિરોઈન ત્રણેયનું પહેલું ફિલ્મ. મંગેશ હડાવાલે ડાયરેકટર છે. અને સૌથી મોટો આઘાત એ કે "સંજયલીલા ભણસાલી"એ આ ફિલ્મને પ્રોડ્યુસ કર્યું છે. એમનું મ્યુઝિક પણ આપ્યું છે પરંતુ એકપણ એવું ગીત નથી જે તમારા હોઠે ચોંટી જાય.
હા, જાવેદ જાફરીનો દીકરો એટલે મિઝાન. એમનો અભિનય ઠીકઠાક છે. ડાન્સ સારો કરી લે છે. પહેલા ફિલ્મ જેવો. અને ભણસાલીની સંબંધી શારમીન બહુ કઈ ખાસ નહિ. અને આમપણ મિઝાન અને શારમીન બન્ને કોલેજ ફ્રેન્ડ એટલે ટિકિટ મળી ગઈ. હવે સ્ટાર-કિડ છે તો ફિલ્મ મળી ગયું. એવું સમજી લો ને...!! આગળ હજી એક બે મળી જશે, ચમકશે કે ખરશે એ ખબર નહિ.
આ એક એવી "love story" છે જેમાં નથી 'love' કે નથી 'story'....!! કઈ છે તો એ છે મલાલ...!!
પબ્લિક રિસ્પોન્સ પછી ભણસાલીને પણ કદાચ મલાલ રહે તો કઈ ખોટું નહિ.
એક બે મસ્ત લવ સોન્ગ અને સ્ટોરીને થોડી ટેસ્ટી બનાવી શક્યા હોત, અને એકપણ ડાયલોગ્સ એવો નથી કે જે અહીં હું લખી શકું.
રીવ્યુ વાંચી ફિલ્મને સ્ટાર ન આપતા નહિ તો "એક" પણ માંડ આપશો, તમારે મને સ્ટાર આપવાના છે. કારણ કે તમારી બદલે મેં આ કંટાળાજનક ફિલ્મ જોઈ. તમારો સમય બચાવ્યો.
ચલો, ફિર મુલાકાત હોગી... !!
બાકી.. મલાલ જોવાનો મલાલ તો રહેશે..!!
- જયદેવ પુરોહિત