સમુદ્રાન્તિકે
ધ્રુવ ભટ્ટ
(2)
‘લે, હાલ, હવે વયું જવાસે,’ જાનકી મારી પાસે આવીને બોલી, અહીંના માણસોની બોલી એક ખાસ પ્રકારના, મનને કાનને ગમે તેવા લહેકાવાળી છે. દરેક જણ વાત શરૂ કરતાં પહેલાં, ‘લે, તંયે, હવે’ એવું કંઈક બોલીને પછી જ આગળના શબ્દો બોલે છે. કદાચ એથી આખીયે વાતની રજૂઆત વધુ સચોટ અને ભાવવાહી બને છે.
હું હજી ઊભો થાઉં ત્યાં તો જાનકી ખડકો ઊતરવા માંડી. નીચે પહોંચીને તેણે બૂમ પાડી, ‘કાંડા સમણું પાણી છે. તને બીક લાગશે...?’ પછી પાણી અને સામા ખડક તરફ જોતાં ફરી બોલી, ‘બીક લાગે તો મારો હાથ પકડી લેજે.’
નથી લાગતી રે, નથી લાગતી... હું તો તારો દોર્યો દોરાવાનો છું. તું સ્વયં જગજ્જનની મારો હાથ ઝાલીને મને દોરવાની, પછી આ સમુદ્ર મને શી રીતે ભય પમાડવાનો? ‘બીક નહીં લાગે, પણ તારા જેટલી ઝડપ મારાથી નહીં થાય. થોડી ધીમે ચાલજે.’
‘તે ઈ તો એવું જ થાય ને? દરિયે હાલવાનો હેવા નો હોય પછી એવું જ થાય.’ કોઈ વડીલના ગાંભીર્યથી તે બોલી.
‘હા ભૈ, હા...’ મેં તેના જેવો લહેકો કરવાનો પ્રયત્ન ર્ક્યો. ‘તું તો રોજ અહીં આવે. ને હું તો આ પહેલી વખત આવું છું.’
‘રોજ રોજ ક્યાંથી આવીયે? વાડીયે કામ કેવું હોય છે ઈ ખબર છે?’
આ નબળી ભૂમિ પર મહામહેનતે, પરાણે ધાન પકવતા ખેડુની હાલતનો મને વિચાર આવ્યો. અથાક મહેનતને અંતે પણ કેટલું અને કેવું પાકશે તેની ધારણા ક્યારેય ન બાંધી શકતો આ માનવી કયા આંતરિક બળે, એક અજાણ્યા માણસને ઉષ્માભર્યો આવકાર નિરાંતે આપી શકતો હશે? મારા પ્રદેશના સમૃદ્ધ ખેડૂતો, પુષ્કળ જળ-ભરી નહેરો અને પ્રયોગશાળાએ પ્રમાણિત કરેલાં ધાન્યોના ગણતરીપૂર્વકના ઉતારા છતાં ‘ખેતીમાં કશું મળતું નથી’ની ફરિયાદ કરતા જ સાંભળ્યા છે. સંપત્તિનો અતિરેક માનવીને લોભી બનાવે અને અભાવ તેને ઉદાર બનાવે તે કેવો વિરોધાભાસ છે?
શિકોતર પહોંચતા સુધી જાનકીએ મારો હાથ પકડી રાખ્યો. ઉપર પહોંચતાં તે મંદિરની જાળી સામે ઘૂંટણિયે પડી. પછી રમવા માંડી. સૂર્ય અસ્તાચળે પહોંચ્યો ત્યાં સુધી અમે ત્યાં રોકાયાં અને નમતી સંધ્યાએ પાછાં ફર્યાં.
તે રાત્રે વાલબાઈ નામની સાવ અપરિચિત, ગરીબ ખેડૂત-સ્ત્રી ચાંદનીને અજવાળે મને જમાડવા બેઠી. તેણે આ અજાણ્યા જણને ‘તું કોણ છે?’ એટલું પૂછવાની જરૂર પણ ન જાણી. પોતે કોને ક્યા કારણે આ અન્ન આપે છે તે જાણવાની ઇચ્છારહિત હે અન્નપૂર્ણા, મારા સભ્ય જગતથી સુદૂર, આ અજાણ્યા-એકલવાયા સમુદ્રતટ પર તારી ઝૂંપડીના આંગણામાં બેસીને હું આ ભોજન પામું છું તે શા કારણે? શા સંબંધે?
તે રાત્રે તે ખેડૂતકુટુંબ વચ્ચે હું રહ્યો. ખુલ્લા નભ તળે કાથી ભરેલા ખાટલામાં પડ્યા પડ્યા મે મારો વિગત સમય નિહાળ્યા કર્યો. બે-ત્રણ દિવસ પહેલાં તો હું મારા પરિચિત વાતાવરણમાં સ્વજનોની સાથે હતો. આજે આ સાવ અજાણ્યા સ્થળનો પરિચય પામ્યો. એક સાંજના આ પરિચયમાં પણ એવું કોઈ તત્ત્વ ભળી ગયું છે, કે આ ટૂંકો સહવાસ મારા જીવનનો એક હિસ્સો બની રહેશે. નાનકડી બાળા જાનકી શી રીતે મારા પુરાણા મિત્ર જેટલી પરિચિત થઈ ગઈ તે મને સમજાતું નથી. આવતી કાલે તો હું અહીંથી ચાલ્યો જઈશ. ફરી આ બધાંને ક્યારે મળાશે તેની મને ખબર નથી. જાનકીની, વાલબાઈની અને તેના પતિની વિદાય લેતાં કદાચ મને દુ:ખ થશે. દુ:ખ નહીં થાય તો પણ એક ઘેરી ઉદાસી જરૂર છવાશે મન ઉપર. શા માટે આવું થાય છે? આટલા ટૂંકા પરિચયમાં આટલી નિકટતા અનુભવવાની મારી સભ્યતા, મારી કેળવણી નથી; છતાં આ નાનકડા જગત પ્રત્યે મને આટલો લગાવ કેમ થાય છે?
‘આંય તને કોઈ ના નો પાડે.’ રહી રહીને મને જાનકીના એ શબ્દો યાદ આવે છે. તેના આ નાનકડા વાક્યે તે નાનકડી બાળકીનું સર્વવ્યાપી સ્વરૂપ દર્શાવ્યું હતું. તેનું, તેનું પોતાનું, તેના આગવા અધિકાર હેઠળનું જગત અને તે સ્વયં તે દુનિયાની અધિષ્ઠાત્રી. કોઈની પરવા વગર, મુક્ત બંધનરહિત, ખુલ્લા નભ તળે, આ સદાકાળ નિર્બંધ જળરાશિભર્યા સમુદ્રના સહવાસે ઊછરતી, આ નાળિયેરીનાં પર્ણો પર પથરાતી ચાંદની અને લહેરાતા પવન સમી હે મુક્ત બાળા, તારા રાજ્યમાં કોઈને કશી વાતની ના કહેવાની જરૂર ક્યારેય ઊભી જ ન થાઓ.
ચંદ્ર ધીમે ધીમે આવતો ગયો. સમુદ્રનો મધુર રવ ધીમે ધીમે ગર્જનમાં ફેરવાતો ગયો. પેલા, શિકોતરના માર્ગે સાંજે પડેલાં અમારાં પગલાં ફરી ભરતીનાં મોજાં તળે દબાઈ ગયાં હશે તે વિચારતાં વિચારતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ન પડી.
***