સમુદ્રાન્તિકે - 9 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સમુદ્રાન્તિકે - 9

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(9)

ચોમાસું પૂરું થઈ ગયું. દિવાળી વીતી. સબૂર તે દિવસે ગયો તે પછી આવ્યો જ નથી. પગીને એક-બે વખત સબૂર અંગે પૂછેલું પણ કામ મળે ત્યાં દંગો નાખનારા ઘર-બાર વગરના માણસની પાકી ખબર તેને પણ ન હતી. હું મારા કામમાં ખૂંપેલો રહ્યો.

ડિસેમ્બરની આખરમાં નકશા મંજૂર થઈને આવ્યા. જે વિચાર દરખાસ્ત કરતી વેળાએ મને આવ્યો હતો તે જ વિચાર ઉપરની કમિટીને પણ આવ્યો હશે. આખોએ ગ્રીનબેલ્ટ મંજૂરો થયો; પરંતુ તે સરકારના વન ખાતાને બાવળ, સરુ અને બીજાં હલકા પ્રકારનાં વૃક્ષો ઉછેરવા, સોંપી દેવાયો છે. મેં ફરી ફરીને કાગળ જોયા. એસ્ટેટ બંગલાથી દક્ષિણે સમુદ્રતટ પર માત્ર ત્રણેક એકરનો વિસ્તાર વન-ખાતાને નથી આપ્યો. અને મારી સત્તામાં સોંપ્યો છે. દક્ષિણ સીમા મેં જોઈ નથી. તે તરફ છેક મોટા બંદર સુધી કોઈ ગામ નથી. આજે આ નકશામાં છૂટી દર્શાવાયેલી જમીન જોઈ આવવાનું મને મન થયું. પગી રજા લઈને તેને ગામ ગયો છે. તે અઠવાડિયા પછી આવે ત્યારે દક્ષિણમાં જઈ આવવાનું મેં નક્કી કર્યું.

ટપાલ ભેગી થઈ છે, નૂરભાઈ ચોકીએ નીકળ્યો ત્યારે કોઈ જતા-આવતાને મોકલી આપવા કહ્યું છે. ટપાલ તો રવાના કરવી પડશે. હું કોઈની રાહમાં હતો ને એક બપોરે સબૂર દરવાજે દેખાયો. તે નીચું મોં કરીને કચેરી સામે ઊભો રહ્યો.

‘કેમ દેખાતો નથી?’ મારે દર વખતે પૂછવો પડતો પ્રશ્ન આજે ફરી પૂછ્યો.

‘બેલાંમાં કામે ગ્યો’તો. નૂરભાયે મોકલ્યો.’

‘ટપાલ લઈને તાલુકે જવાનું છે. જઈશ?’ તેણે મસ્તક નમાવીને હા પાડી.

‘જો સબૂર,’ અચાનક તેને શુભ સમાચાર આપવાનું મને મન થઈ આવ્યું. ‘તારે જમીન માટે અરજી લખીને મને આપવાની.’

‘અટાણે?’ તેના અવાજમાં અચાનક હર્ષ છલકાઈ ઊઠ્યો.

‘ના અત્યારે નહીં. હજી તો મારે જમીન જોવા દણખાદા છેવાડે જવાનું છે. સરવણ આવે એટલે જઈ આવીશ. પણ તું મળતો રહેજે. ગુમ ન થઈ જતો.’

‘પગી નો હોય તો હું હાર્યે હાલું?’ સબૂર અધીરો થઈ ગયો.

મેં વિચાર્યું કે પગી, હોય તોપણ, સાંકળ ભરવા કે ઘોડી ગોઠવવા સિવાય બીજું શું કરવાનો છે? એટલું તો સબૂર પણ કરી લેશે.

‘સારું, કાલે સવારે આવજે. પહેલાં જઈ આવીશું જમીન જોવા. પછી તું ટપાલ લઈને તાલુકે જજે.’ મેં કહ્યું. સબૂર ગળગળો થઈ ગયો. તે કંઈક બોલવા ગયો; પરંતુ તેનું ગળું ભરાઈ આવ્યું. તે એકદમ નીચું જોઈ ગયો અને દરવાજા બહાર ચાલ્યો ગયો.

સવારે હજી તો હું ઊઠ્યો હતો ને મેં અવલને આવતી જોઈ. ભાગ્યે જ કવાર્ટર પર આવતી અવલને સવારના પહોરમાં આવતી જોઈને મને નવાઈ લાગી. પરસાળમાં આવતાં તે બોલી, ‘શા માટે મને પાપમાં નાખો છો?’

‘કેમ? શું કર્યું મેં?’ અવલની વાત મને જરા પણ ન સમજાઈ.

‘તે ન કરું? સબૂરિયો રાત રોકાવાનો છે તે મને કહેવરાવાય નહીં? હવેલીના ઓટલે આજ સુધી કોઈ ભૂખ્યું નથી સૂતું.’

‘મેં એને રાત રોક્યો જ નથી.’

‘તે તમે જાણે સબૂરિયાને ઓળખતા જ નથી! જમીનની વાત સાંભળ્યા પછી તે ઘેર જઈને સૂઈ જશે એવું તમે માની લીધું? બેઠો છે રાતનો દરવાજા બહાર.’ અવલના સ્વરમાં ઠપકાનો ભાવ હતો.

‘સારું, સારું. હવે તું કહેતી હોય તો એને બોલાવીને માફી માગું. બીજું તો શું થાય?’ મેં મજાકભર્યા સ્વરે કહ્યું.

‘તમારા પર મારું એટલું જોર ચાલતું હોત તો સારું હતું.’

‘હવે એને ખવરાવવું હોય તો ખવરાવ. અમારે હમણાં જ નીકળવું પડશે.’

‘એ માટે મારે તમે કહો એટલી રાહ જોવાની નથી હોતી. એ બેઠો ખાઈ-પીને તૈયાર. તમે તૈયાર થાવ એની રાહ જોતો.’ કહીને અવલ ગઈ.

મેં સબૂરને બૂમ મારીને બોલાવ્યો. કચેરીની ચાવી આપીને કહ્યું, ‘ઘોડી અને સાંકળ લઈને તું ચાલવા માંડ. ખીલા અને દૂરબીન હું લેતો આવું છું.’

‘ક્યાં લગણ પોગું?’

‘તું તારે સટે સટે ચાલવા માંડ. અડધે પહોંચીશ ત્યાં હું તને આંબી જઈશ.’

સબૂરના ગયા પછી હું નકશા જોઈને મારે ક્યાં સુધી જવાનું છે તે અંદાજ બાંધવા બેઠો. કોઈ નક્કર નિશાનીઓ સિવાય અમારી દક્ષિણ સીમા ક્યાં છે તે ખબર નહોતી પડતી. થોડા રેકોર્ડ્ઝ તપાસ્યા. કેટલો સમય ગયો તે ખબર ન રહી. ઓચિંતી અવલ આવી ત્યારે જ ખબર પડી.

‘તમે હજી ગયા નથી?’ અવલે કહ્યું. ‘પેલો રાહ જોતો હશે.’

‘ઓહ! નકશા જોવામાં સમયનો ખ્યાલ ન રહ્યો. હવે એ ગાંડિયો મોટાબંદરે પહોંચીને જ રોકાશે.’

‘તમે નીકળો. એ રુક્મીપાણાથી આગળ નહીં જાય. મેં તેને ત્યાં રોકાવાનું કહ્યું છે. આપણી હદ ત્યાં ગણાય છે.’

‘વાહ રે, અહીં તો પથ્થરોનાં પણ નામ છે ને! તેં પાડ્યું કે તારા બંગાળી શિષ્યે?’ મેં નકશાનો વીંટો વાળતાં, હસીને કહ્યું.

‘હું તો કોઈનું નામ ન પાડું. ભગવાન રુક્મિણીનું હરણ કરીને નાસ્યા ત્યારે રુક્મીએ તેને ત્યાં રોકેલા. એ જગ્યાએ રુક્મી ભગવાનના હાથે હાર્યો એટલે તે રુક્મીપાણો કહેવાય છે.’

‘એમ? ભગવાન અહીંથી ગયેલા? તો તો તારી વાડીએ જરૂર રોકાયા હશે.’ હું આજે મજાકના મૂડમાં જ હતો.

‘ન માનતા હો તો ન માનશો. અહીં ઠેકઠેકાણે મીઠી વીરડી અમસ્તી નીકળે છે? ને રુક્મીપાણા પાછળ તો દરિયે સાત મીઠી વીરડી છે.’ કહેતી તે પાછી વળી. જતાં જતાં કહ્યું, ‘હવે જલદી જાવ તમે. હું બંગલો વાળીને થાળી મૂકી જઈશ.’

‘જાઉં છું. કબીરાને તૈયાર કરતાં હું બોલ્યો ‘ને તારી વાત માની લઉં છું. તારા ભગવાન જ્યાંથી પસાર થયા ત્યાં...’ હું આગળ બોલું ત્યાર પહેલાં દૂર પહોંચી ગયેલી અવલે પાછળ ફરીને પોતાના કાન પર હાથ મૂક્યા. પછી હાથ વડે જ જલદી જવાનું સૂચવીને બંગલા તરફ ચાલી ગઈ.

લગભગ બે કલાકે હું દક્ષિણ સીમાડે પહોંચ્યો. એક વિશાળ ભેખડની ટોચ પર સબૂર બેઠો છે. મેં કબીરાને કિનારા પરથી ઉપરના માર્ગે લીધો.

ઉપર જતાં જ મને ફાળ પડી. અહીં માટીનું નામનિશાન નથી. ચાર-પાંચ એકરમાં પથરાયેલી કાળમીંઢ લીસી શિલા છે. તેના સમુદ્ર તરફના છેવાડે બેઠો બેઠો સબૂર મારી રાહ જુએ છે.

મેં નકશા પથ્થર પર પાથર્યા અને ઝીણવટથી તપાસ્યા. દક્ષિણ સીમાની જે ફાજલ જમીન, વનખાતાને નથી સોંપાઈ, તે આ જ સ્થળ હોવાની મને ખાતરી થઈ. ચાર-પાંચ એકરની જંગી કાળી, સપાટ શિલા!

આ સ્થળે એક વખત રુકમિએ અનુભવી હશે તેથી વધારે અસહાયતા આજે હું અનુભવું છું. આવી પરિસ્થિતિનો મુકાબલો મેં ક્યારેય નથી કર્યો. સબૂરને શો જવાબ દઈશ? આવો સખત પથ્થર, જમીન ગણીને, તેને આપવાનો છે તે જાણીને તેને શું થશે? આવી ક્રૂર મશ્કરી બદલ તે મને ક્યારે માફ નહીં કરે. મને લાગવા માંડ્યું કે અતિ ઉત્સાહમાં આવી જઈને હું બેદરકાર રહ્યો છું અને સબૂરને મેં દગો કર્યો છે.

મેં સબૂરને પાસે બોલાવ્યો. હિંમત એકઠી કરીને હું બોલ્યો, ‘સબૂર મારી કંઈક ભૂલ થઈ છે. મેં આ જગ્યા પહેલાં જોઈ ન હતી. જે જમીન મારી સત્તામાં છે તે-’ મેં ગળું ખોંખાર્યું અને બીજી દિશામાં મોં ફેરવીને બોલી નાખ્યું, ‘તે આ પથ્થરવાળો જ ભાગ છે, બાકીની જમીન તો વનખાતાને અપાઈ ગઈ છે.’

મને હતું કે સબૂર ઊભો થઈને ચાલ્યો જશે. પરંતુ ખૂબ સ્વાભાવિક રીતે બોલતો હોય તેમ તેણે કહ્યું, ‘તે કાવડિયા નોં ભરવાના હોય તયેં આવી જમીનું જ આલે ને.’

‘અરે પણ...’ હું આશ્ચર્યથી સબૂર સામે જોતાં કંઈ કહેવા ગયો, પરંતુ મને તરત સમજાયું કે સબૂરને સાચી સ્થિતિ સમજાઈ નથી. હું એને સમજાવી પણ નથી શકવાનો. એ કામ આ જગતમાં કદાચ કોઈ કરી શકે તો તે અવલ સિવાય બીજું કોઈ નહીં.

મેં થોડો વિચાર કર્યો. અહીં સુધી આવ્યો છું તો જમીન માપી લેવી એમ ધારીને મેં કહ્યું, ‘ચાલ માપી તો લઈએ.’

બંગલે પહોંચીને હું સબૂરને સમજાવવા માંડ્યો, ‘સબૂર, પૈસા વગર જમીન સારી ન મળે તે સાચું. પણ આ તો એકલો પથ્થર છે. જમીન તો છે જ નહીં. અને તને જમીન મળે તો ઝાડ ઉગાડવાં પડે તેવી શરત સરકાર કરે. ત્યાં તું બેલાની ખાણ કરવાનો વિચાર કરતો હો તો એ નહીં થાય.’ મેં બને તેટલી સરળ ભાષામાં તેને સમજાવવા કોશિશ કરી.

‘પણ મને પાણા લેવામાં વાંધો નો હોય તો સરકારને દેવામાં સું વાંધો પડે?’ તે પોતાની વાતને વળગી રહ્યો.

મને થોડો ગુસ્સો આવ્યો. પણ મેં કાબૂ રાખતાં કહ્યું, ‘જો, હું તને થોડા પૈસાની મદદ કરું. ખેતી થાય તેટલી તો નહીં, પણ તારું ઘર થાય ને શાકભાજી ઊગે એટલું ફળિયું હોય એટલી જમીન તને હું મારા પૈસાથી અપાવી દઉં તો?’

હવે સબૂર કંઈ બોલ્યો નહીં. તે નીચું જોઈને બેસી રહ્યો. પછી ઊભો થતાં કહે ‘ટપાલ દઈ દે એટલે જાઉં.’

મેં મૂંગા મૂંગા ટપાલ અને થોડા પૈસા આપ્યા. તે ભાંગતા પગલે ચાલ્યો ગયો. દરવાજે થોડી વાર રોકાયો. મને લાગ્યું કે તે રડે છે. પરંતુ ત્યાં જઈને તેને આશ્વાસન આપવા જેટલી શક્તિ મારામાં ન હતી.

અવલ થાળી મૂકવા આવી અને રોકાઈ. હું આજના પ્રસંગથી થાકીને નિરાશ થઈ આરામ ખુરશીમાં પડ્યો હતો. અવલ પાછી ન ગઈ એટલે હું ઊભો થયો, ‘કેમ? કંઈ કામ છે?’

‘સબૂરને જમીન નહીં મળે?’

તેની આ વાતને સરકારી કામમાં દખલ ગણવી કે નહીં તે વિચારતાં મેં કહ્યું, ‘તને ખબર છે? ત્યાં નર્યો પથ્થર છે. જોયા વગર બોલ બોલ ન કરીશ’ સબૂર પરનો કે પછી મારી જાત પરનો ગુસ્સો મેં અવલ પર ઉતાર્યો.

‘જોયા વગર નથી બોલતી. મને ખબર છે તમે રુક્મીપાણો માપી આવ્યા છો તે.’અવલ મારી સામે જમીન પર બેસતાં બોલી ‘ને તમારા સરકારી કાગળિયામાં મને કંઈ સમજ ન પડે. હું તો એટલું કહેવા બેઠી છું કે પાણો તો પાણો, તમારા હાથમાં હોય ને તમે આપી દેશો તો સરકાર આડા હાથ દેવા નથી આવવાની. આપશો તો એ પાણો ય તમને યાદ કરશે.’

રડવું કે હસવું એ મને સમજ ન પડી. પાણો મને યાદ કરશે કે નહીં કરે; પરંતુ હું એ કાળમીંઢ શિલાને ક્યારેય ભૂલી શકવાનો નથી.

‘પણ અવલ તું તેને સમજાવ’, મેં દલીલ ખાતર કહ્યું.

‘હું તો તમને સમજાવું કે એ અબુધને? એ જમીન સબૂરને પોકારતી હશે એટલે જ આ બધું ગોઠવાયું હશે.’

કોણ જાણે કેવા પ્રદેશમાં હું આવી પડ્યો છું? અહીં ધરતી સાદ કરે છે, માણસો સાંભળે છે. પથ્થરો યાદ રાખી શકે છે. માનવીઓ ભૂલી જાય છે. હજારો વર્ષ પહેલાં એક રાજકુમારીનું અપહરણ કરીને ભગવાન અહીંથી નીકળ્યા હોય અને એ એક માત્ર કારણે આ દરિયે મીઠી વીરડીઓ હોય. દંતકથાઓના પ્રદેશમાં હું ભૂલો પડી જાઉં તે પહેલાં મારે આ કામ છોડીને ચાલ્યા જવું જોઈએ.

મેં ચિડાઈને કહ્યું, ‘અવલ, અવલ, તું સમજતી કેમ નથી? બારેમાસ ધોધમાર વરસાદ પડે તોયે ત્યાં ઘાસનું એક તરણું પણ ઊગે તેમ નથી. આવો પથ્થર લઈને તે કરશે શું?’

અવલ એકદમ ઊભી થઈ ગઈ, ‘મરશે રે! માથા પટકીને. તેની ચિંતા તમારે શા દુ:ખે કરવાની?’ કહીને તે જવા વળી. પગથિયાં ઊતરતાં જરા રોકાઈને મારા તરફ જોયા વગર એણે ભાવવાહી સ્વરે કહ્યું, ‘સબૂરને તો ત્યાં મરવું યે ગમશે.’ પછી રહસ્યોક્તિ કરતી હોય તેમ બોલી, ‘આપણને નથી સૂઝતું એવું કંઈક એને સૂઝતું હશે’ કહીને તે ચાલી ગઈ.

મને લાગ્યું કે એક અભણ, ગરીબની તલાટીને ચોપડે નામ લખવાની મહેચ્છા પૂરી થતી હોય, મૃત્યુની પથારી પાસે લીધેલી પ્રતિજ્ઞા પૂરી થતી હોય તો મારે એમાં સહાયરૂપ થવું જોઈએ. અવલ દરવાજે પહોંચે ત્યાર પહેલાં મેં કહ્યું, ‘અવલ સબૂર આવે એટલે તેની પાસે અરજી લખાવી લેજે.’

અવલ રોકાઈ ગઈ. હસતાં હસતાં પાછી આવી. ‘શું લખવાનું છે? હું લખી નાખું અને ઓલો પાછો આવે ત્યારે અંગૂઠો લઈશું.’

હું હસી પડ્યો. ‘સારું, તું જા.. અરજી પણ હું લખીશ બસ?’ મેં કહ્યું. ‘એ કામ પણ હવે મારા માથે જ છે ને?’

અવલ આનંદમાં આવી ગઈ. લગભગ દોડતી હોય તેમ તે દરવાજા તરફ ચાલી ગઈ. મેં અરજી લખી, અને સબૂર આવે ત્યારે અંગૂઠો પાડવાનું કામ અવલને સોંપવા હું તેની વાડીએ જઈને કાગળ આપી આવ્યો. ‘લે, આ કાગળ અંગૂઠો પડાવીને આપી જજે. ને કહેજે સબૂરને, આનાથી વધુ મારાથી કંઈ નહીં થાય. મારી પાછળ ન પડે.’

‘કર્યાનું ભાન રાખીએ તો ફળ ન મળે,’ અવલે કહ્યું. ‘ને સબૂર તમારી પાછળ નહીં પડે. તમે એને બોલાવશો નહીં ત્યાં સુધી તમારે બારણે એનો પગ નહીં થવા દઉં.’

અવલે મને એવું કહ્યું તે મને જરા પણ ન ગમ્યું. મને લાગ્યું કે આ ઉપકાર સામે અપકાર જેવું થયું. પણ હું કંઈ બોલ્યો નહીં. પાછો આવ્યો અને કામમાં ડૂબી ગયો.

***