સમુદ્રાન્તિકે - 6 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમુદ્રાન્તિકે - 6

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(6)

આજે રવિવાર છે. જોકે આ સ્થળે રાત પડે અને દિવસ ઊગે તે સિવાયની કાળગણના અર્થહીન છે. આ ઉજ્જડ, વેરાન પ્રદેશમાં છૂટાછવાયા વસતા માનવી એક વરસાદથી બીજા વરસાદ સુધીના સમયને ‘વરહ’ કહે છે; અને એક સૂર્યોદયથી બીજા સૂર્યોદયના સમયને ‘દા’ડો.’. વાર-તારીખ જેવી કોઈ સમસ્યા તેમના જીવનમાં નથી. પણ મારે તો આજે રજાનો દિવસ. કચેરી આજે નહીં ખૂલે. સરવણ આજે શહેર જશે. સાધન-સામગ્રી અને ટપાલ લઈને કાલે પાછો ફરશે.

હું પરસાળમાં આવ્યો તો જોઉં છું કચેરી તો ખુલ્લી છે. સરવણ સાંકળ, ઘોડી, દૂરબીન - જમીન માપણીનાં સાધનો કાઢે છે.

‘કેમ સરવણ? આ શું કરે છે?’

‘ખેરાથી મુખીએ કે’વરાવ્યું છ. આજ માપણી ચાલુ કરવી હોય તો મોકળાશ છે.’

ખેરાથી શરૂ કરીને દક્ષિણ સીમા સુધીની આ વેરાન ભૂમિને માપીને નવા નકશા બનાવવાનું કામ કંઈ નાનું નથી. ઓછામાં ઓછાં ત્રણેક વર્ષે આ સર્વે પૂરો થાય. ‘આજે રજાના દિવસે જ મુખીએ મુહૂર્ત કાઢ્યું હોય તો ભલે તું જા, હું તૈયાર થઈને આવું છું. ને આ બધું લઈને તું જવાનો શી રીતે?’

‘ગધેડું મોકલ્યું છ મુખીએ. થોડુંક હું જાલી લેઈસ. ધીમે ધીમે વયા જાસું.’

વાહ રે તકદીર! રેલવે, બસ, ટેક્સી, રિક્ષા આ બધાં વચ્ચેથી ઊંચકાઈને હું આવી પડ્યો છું આ અશ્વ-ગર્દભના વાહનયોગ મધ્યે. આ પ્રદેશમાં હું નહોતો આવ્યો ત્યારે કોઈએ મને કહ્યું હોત કે માત્ર ચાર-પાંચસો માઈલ દૂર એક એવા પ્રદેશ છે જ્યાં આધુનિક વાહન ક્યારેય ગયું નથી તો કદાચ તે વાત હું માની ન શકત.

પગી ગયો પછી મેં કબીરાને તૈયાર કર્યો. ઉપરના માર્ગે ચાલવાને બદલે મેં ખડકાળ ટેકરી પાર કરીને કબીરાને દરિયે ઉતાર્યો. ઓચિંતુ એક મોજું આવીને બંગલાવાળી ભેખડ પર પછડાયું. ભીનાં શીકરો મારા અને કબીરાના શરીર પર છંટાયાં. છેલ્લા બે-ત્રણ દિવસથી હું દરિયાને ભૂલી ગયો હતો, તે યાદ કરાવવા જાણે તેણે નાનકડું અડપલું કર્યું. હું અશ્વ પરથી ઊતરી ગયો. બૂટ કાઢીને પલાણ પર ટાંગ્યા અને અશ્વ દોરતો, દરિયામાં પગ પલાળતો ખેરાની દિશામાં ચાલવા માંડ્યો.

એકાંત સમુદ્રતટ પર ચાલવાની મોહિની મને લાગવા માંડી છે.

ઊઘડતી સવારે આ અફાટ, વિસ્તરેલા સમુદ્રતટ પર નિ:શબ્દ ચાલ્યા કરવાનો આનંદ મારી રગેરગમાં પ્રસરી ગયો. બંગલાના ખડક પાસેથી એક રેતાળ અર્ધવૃત્ત સમુદ્રતટ વિસ્તરે છે. તે અર્ધચંદ્રાકારની બીજી ટોચ પર એવો જ કાળો ખડક ઊભો છે. ત્યાં પહોંચીશું એટલે આવું જ બીજું અર્ધવૃત્ત દેખાશે. આમ અસંખ્ય અર્ધવૃત્તોમાં વિસ્તરતો આ નિતાંત સુંદર દરિયાકિનારો આગળ ચાલ્યો જતો હશે.

થોડે આગળ ગયો તો બાવળની કાંટમાંથી એક માણસ દરિયા તરફ જતો દેખાયો. મને ચાલતો જોઈને ઊભો રહ્યો. હું પાસે પહોંચ્યો તો હાથ ઊંચો કરીને કહે, ‘એ, રામ રામ.’

ઉત્તરમાં મેં ડોકું હલાવ્યું.

‘આમ એકલા કેણી પા હાલ્યા?’

‘ખેરા જઉં છું. સરવણ આગળ ગયો છે.’

‘તમ જેવું લોક એકલું નીકળે ઈ બરોબર નંઈ.’ તેણે કહ્યું. ‘દા’ડે તો વાંધો નંઈ; પણ સાંજુકના કે રાત્યવરત એકલું નો જાવું. ક્યાંક નાર ભેગો થઈ જાય તો હેરાણ કરે.’

‘નાર! એટલે શું?’

‘હોય ઈ. જનાવર છે. દાડે ભાઠોડામાં પડ્યા રેય. રાત્યે બારા નીકળે. કૂતરાં, બકરાં તાણી ખાય.’

‘તમે દીપડાની વાત કરો છો?’

‘દીપડા તો પેલાં હતા. હવે ક્યાં છે? આઘાં વયાં ગ્યાં. જંગલું કપાણ્ય થૈ ગ્યાં એટલે દીપડો નો રેય. નાર-ઝરખડાં પડ્યા રેય.’

‘કેવું હોય નાર?’

‘શિયાળવા રેખું; પર ઈના કરતાં મોટું. વળી આદમીથી બીયે નંઈ. વાંહે પડે.’

નાર નામનું કોઈ પ્રાણી હોવા વિશે મેં અગાઉં કદી સાંભળ્યું નથી. કદાચ અહીંના લોકો વરુને નાર કહેતા હોય કે પછી વગડાઉ કૂતરા નાર કહેવાતા હોય.

‘સારું, હું ધ્યાન રાખીશ.’ કહીને હું આગળ ચાલ્યો.

આવા સૂમસામ એકાંતે મને મારો વિગત કોલાહલ તીવ્રતમ લાગણીથી સાંભરે છે; પરંતુ હવે શરૂઆતમાં થતી એવી ઉદાસીનતા ભરાઈ આવતી નથી. કોણ જાણે કેમ પણ ધીમે ધીમે હું આ ખારા અમાપ જળરાશિ સાથે, ઊંચી, ભયાવહ કરાડો સાથે; ધૂળ ઉડાડતા ખારાપાટ સાથે અને વનખાતાના માણસોએ સર્જેલી આ બાવળિયાની કાંટ સાથે અજાણપણે બંધાતો જઉં છું. આ સદાકાળ મુક્ત, હસતો, રમતો, ભરતીમાં ક્રોધે ભરાઈને ઘૂઘવતો અને ઓટ થયે શાંત ધ્યાનસ્થ મુનિ બની જતો, અચલ, સદાસત્ય સમુદ્ર અને પોતાના અદૃશ્ય પાશથી બાંધતો જાય છે. ભરતી સમયે ખારા પાણીમાં ઢંકાઈ જતી અને ઓટ થતાં જ મીઠી મધુર બની જતી જળવીરડીઓ! પ્રકૃતિ એક પછી એક રત્નો બિછાવતી રહે છે અને મોહ પમાડતી જાય છે.

એક અર્ધવૃત્ત પૂરું થાય એટલે બે-એક માઈલ દૂર નીકળી આવ્યા ગણાઈએ. બીજા છેડાની ભેખડ પાસે પહોંચીને મેં કબીરા પર પલાણ કર્યું. કબીરો ભીની રેતમાં દોડવા માંડ્યો અને બીજું અર્ધવૃત્ત પૂરું કરીને અડધાએક કલાકમાં તો અમે તેના સામા છેડે પહોંચી ગયા. અહીંથી ઉપરના માર્ગે ચાલીએ તો ખેરા જલદી આવી જાય. તે વિચારે મેં ખડકો પાસે પહોંચીને કબીરાને ઢોળાવ પર ચડાવ્યો. ભેખડને મથાળે કોઈ ગાતું હતું. જરા આગળ જતાં સ્વર સાથે શબ્દો પણ સ્પષ્ટ થયા:

અંત:પુરાન્તર ચરીમનિહત્ય બન્ધુ -
સ્ત્વામુદ્વહે કથમિતિપ્રવદામ્પુપાયમ |
પૂર્વેદ્યુરસ્તિ મહતી કુલદેવિયાત્રા,
યસ્યાં બહિર્નવવધૂર્ગિરિજામુપેયાત્ ||

ઉપર આવીને જોઉં છું તો ખડકને મથાળે નાની મઢૂલી પાસે બેઠો બેઠો એક અલમસ્ત બાવો આ ગાય છે. મેં કબીરાને રોક્યો.

‘આવ ભગત, આવ.’ તેણે મને જોતાં કહ્યું, અને ઊભો થયો.

અચાનક હું ‘ભગત’ ક્યાંથી થઈ ગયો? મેં કંઈ જવાબ ન આપ્યો. બાવાજી ઊભા હતા ત્યાંથી આગળ આવ્યા અને મને અશ્વ પરથી ઊતરવામાં મદદ કરતાં બોલ્યા, ‘ક્યોં? ભગત નામ પસંદ નહીં પડા તેરેકુ? તો ક્યા બોલું હેં? બોલ, દોસ્ત બોલું?’

‘આપ જો ચાહે કહીએ.’ મેં કહ્યું.

‘કહાં ખેરા જાવોગે?’

‘જતો હતો તો ખેરા. તમે જે ગાતા હતા તે સાંભળીને અહીં આવ્યો.’

‘જૂઠ બાલતા હૈ રે!’ બાવો હસી પડ્યો. ‘ગાના સુના તો ઉપર આયા કે ઉપર આયા તો ગાના સુના?’

‘ઉપર આવતાં સાંભળ્યું. પણ તમે ગાતા ન હોત તો પૂરી ભેખડ ન ચડત. પેલી તરફથી રસ્તે ચડી જાત.’

હાં ભાઈ, અબ તેરે પાસ યે સંન્યાસી જીતેગા ક્યાં? કહેતા તે મુક્ત મને હસ્યો પછી કહે, ‘અબ બોલ, તુઝે ક્યા પસંદ આયા, ગાના કે અવાઝ?’

‘દોનોં’, મેં કહ્યું. ‘જોકે સંસ્કૃત શબ્દો સમજાય. પણ અર્થ સમજતા થોડી વાર લાગે.’

‘અચ્છા?’ બાવો ખુશ થતાં તાળી પાડીને બોલ્યો. ‘યે રુકમિની સ્તવન થા, જો મૈં બોલ રહા થા. સુના હૈ પહેલે કભી?’

‘ના, આજે તમને ગાતા સાંભળ્યા.’

‘ક્યું? અવલસે કભી નહીં સુના? વો તો રોજ ગાતી હે. હમેં ભી તો ઉસીને સીખાયા.’

અવલ કોઈ સ્ત્રીનું નામ છે તે મને અત્યારે ખબર પડી. કોણ છે આ રહસ્યમયી? જે છેલ્લા અઠવાડિયાથી મને નિયમિત ભોજન મોકલે છે અને આટલે દૂર, આ બાવાને શુદ્ધ સંસ્કૃત સ્તવન શીખવે છે; છતાં પણ ક્યાંય દેખાતી નથી. અચાનક મને પ્રથમ દિવસે દાદર પર મળેલી સ્ત્રી યાદ આવી. તે જ કદાચ અવલ હોય. ભાષા તો તેની પણ શુદ્ધ હતી. સંન્યાસીને એક સ્ત્રી વિશે પૂછવાનું મેં ટાળ્યું. પણ અવલ વિશેની મારી જિજ્ઞાસા વધી જરૂર ગઈ.

બાવાજીએ મને છાશ પાઈ. નીચે ઢોળાવ પર ઘાસની છાપરી. મથાળે મઢૂલી, બે ગાય, કમંડળ અને ઢોલક-પેટીથી વિશેષ સંપત્તિ આ સંન્યાસી પાસે હોય તેવું લાગ્યું નહીં. આ વેરાન, નિર્જન સ્થળે તેનો નિર્વાહ શી રીતે ચાલતો હશે?

‘અહીં એકલું બહુ લાગતું હશે નહીં?’ મેં પૂછ્યું, ‘રોજ એકધારું જીવ્યે જવાનું.’ મારા મનનો આ સ્થાન પ્રત્યેનો અણગમો હું છુપાવી ન શક્યો.

‘ક્યા એકલા ને એકધારા?’ ગુજરાતી હિન્દી મિશ્ર ભાષામાં બાવાએ કહ્યું, ‘દેખ, યે જો સમંદર હે, મૈંને ઉસે એકહી રૂપમેં કભી ભી નહીં દેખા. યે હરપલ નયા રૂપ લેતા હૈ. યે પથ્થર હૈ. યે રાસ્તા, પેડ, પૌધે, યે મિટ્ટી યે સબ જો ઈસ પલમેં હૈ અગલે પલમેં વહી હોંગે ક્યા? દોસ્ત, પ્રકૃતિ એક હી રૂપ ફિરસે કભી નહીં દિખાતી. હંમેશાં બદલતી રહતી હે.’

મારા મનમાં પ્રકાશ પથરાયો. મને સમજાઈ ગયું કે આ અફાટ સમુદ્રને રોજ રોજ જોયા કરવા છતાં મને કંટાળો કેમ નથી આવતો. એક પાછળ બીજા એમ અવિરત ચાલ્યા આવતા, તેનો તરંગો જોઈ રહેવાનું મને શા માટે ગમે છે? એ હવે સ્પષ્ટ થયું. પેલે પારથી પાણી લાવીને આ કિનારે બિછાવતો અને અહીંથી લઈ જઈને કોઈ અગોચર સ્થાનમાં જળ રેલાવતો આ મહાસાગર નિતાંત નવીન છે. કદાચ આ કારણે જ તેનું દર્શન આટલું તાજગીસભર હશે.

‘ન મૈં યહાં અકેલા હું,’ બાવાજીએ કહ્યું. ‘યે સમંદર, યે રેત, યે ઝાડીકે કાંટે ઔર સબસે ઉપર રાતમેં ચમકતે તારે. સબસે બાતે કરનેકી આદત હો ગઈ હૈ. ઈનસે બાતે કરને કે લીયે પૂરા જીવન કમ પડેગા ઔર તું કહેતા હૈ મૈં અકેલા હું? પાગલ હૈ, રે! તું.’

પાગલ હું છું કે આ ચાંદ-તારા સાથે વાતો કરતો ઘેલો બાવો? પથ્થરો અને દરિયા સાથે વાતો કરનાર માનવી વિશે બાંધી શકાય તેવી તમામ ધારણા મેં આ બાવા વિશે બાંધી અને જવા ઊભો થયો.

ખેરા પહોંચ્યો તો દરિયાકિનારે વિશાળ વડ તળે સરવણ અને મુખી મારી રાહ જોતા હતા.

‘હું વચ્ચે એ બાવા પાસે રોકાઈ ગયો તેથી મોડું થઈ ગયું.’ મેં કહ્યું.

‘બંગાળી મળ્યો?’ શામજી મુખીએ પૂછ્યું. ‘અડધો ગાંડો લાગે પણ માણાં છે અઘરો.’

‘તે બંગાળી છે?’

‘કેય છે. બંગાળથી આવ્યો છ. આંય વિહ વરહ થ્યા પડ્યો છ. ઈના દેશમાં હલદિયા કે એવા ક્યાંકનો છે.’

કોણ જાણે ક્યા ગાંડપણનો પ્રેરાયો તે પૂર્વનો સમુદ્રતટ છોડીને ભાગ્યો હશે તે છેક પશ્ચિમના આ સાગરતટે આવી પડ્યો છે. વિચારતાં વિચારતાં મેં દૂરબીન હાથમાં લીધું; અને અમે અશ્વને વડ તળે બાંધીને ખારાપાટમાં ચાલી નીકળ્યાં.

***