સમુદ્રાન્તિકે - 11 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમુદ્રાન્તિકે - 11

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(11)

એ જનસમૂહના મેળાપ પછી મારું મન આનંદિત રહેવા લાગ્યું. હવે માર્ગમાં જે કોઈ માણસ મળે તેને હું હાથ ઊંચો કરીને ‘રામરામ’ કહેતો અને પૂછતો, ‘કાં! કેમ છો?’ અને દરેક વખતે એક જ જવાબ મળતો. ‘એ, રામ. હાંકલા છે બાપ.’

આ ભીષણ દારિદ્રયના પ્રદેશમાં, દાણા-પાણીની અછતના દેશમાં, કાળી મજૂરી પછી પણ, પૂરતા વળતર વગરની ધરા પર ‘હાંકલા’ કેવી રીતે હોઈ શકે? તે હું ક્યારેય નથી સમજતો. પણ એ જવાબ સાંભળતાં જ મારા રોમ રોમ પુલકિત થઈ જાય છે, અને હું કબીરાને તબડાવી મૂકું છું.

લગભગ એકાદ અઠવાડિયું વીત્યું હશે. એક બપોરે કાળા, ઘૂંઘરાળા વાળવાળો, સુદૃઢ બાંધાનો એક પુરુષ મારી કચેરી પર આવ્યો. તેના આગળના વાળમાં એક લટ સફેદ થવા માંડી છે.

‘બાવાજીએ મોકલ્યો છે,’ તેણે આવતા વેંત કહ્યું. ‘તારે શ્યાલ જાવાનું છે?’

હું કંઈ જવાબ આપું ત્યાર પહેલાં અવલ કચેરીમાં આવી. તેણે આ માણસને આવતાં જોયો હશે.

‘શું વાત છે?’ તેણે આવતાં વેંત અમને બંનેને પૂછ્યું.

‘શ્યાલ જાવાનું છે’ મારે કંઈ કહેવાનું થાય તે પહેલાં પેલાએ જવાબ આપ્યો. ‘બેટનો ખારવો છું.’

‘એમને જવું હશે તો વરાહસ્વરૂપથી જશે,’ અવલે કહ્યું, ‘દરિયો ખૂલવા દો. પછી વાત.’

અમે જેને વારારુપ કહીએ છીએ તે સ્થળનું ખરું નામ વરાહસ્વરૂપ છે તે મને આજે છેક ખબર પડી.

‘પણ બાવાજીએ કીધું છ. મછવો હવેલીયે લગાડવાનો છ.’

‘અહીં કોઈ દિવસ મછવો લાગ્યો છે?’ અવલ જીદ પર આવી ગઈ હોય તેમ તેનો સ્વર ઊંચો થયો. હું હજી મૌન હતો. મેં મારા કાગળો સંકેલીને એક તરફ મૂક્યા.

‘આઘે દરિયામાં લગાડીને હોડીએ ઊતરસું.’ ખારવાએ કહ્યું.

‘હોડીએથી મછવામાં ચડવાનું તમને ખારવાવને આવડે. અમને નો આવડે.’ અવલે સ્પષ્ટ કહ્યું.

અવલ ભાગ્યે જ આટલી લાંબી વાત કરે, તરત નિર્ણય આપી દેવાની અને દૃઢતાથી બોલવાની તેની રીત હું જાણું છું. ખારવો જો અવલને જાણતો હોત તો તે આટલી દલીલ કરવા રોકાવાને બદલે ચાલ્યો ગયો હોત. પરંતુ તે પણ શ્રદ્ધાવાન લાગ્યો. તેણે નિશ્ચયપૂર્વક કહ્યું, ‘તો ઠેઠ લગી હોડીએ ઉતારું.’

હવે અવલની આંખો વિસ્તરી. આશ્ચર્ય પામતી હોય તેમ તે બોલી, ‘ઠેઠ બેટ લગી હોડીમાં!’

‘હોવે.’

‘તું બેટ માથે રેય છે?’

‘હોવે.’

‘બેલીનો વર તો નહીં?’ અવલે ઝીણી નજરે જોતાં પૂછ્યું.

‘હોવે. ક્રિષ્નો. ક્રિષ્નો ટંડેલ.’

‘અવલે ક્રિષ્નાનું નિરીક્ષણ કર્યું. પળ-બે પળ વિચાર કર્યો અને પછી શાંતિપૂર્વક કહ્યું, ‘સારું, લઈ જજે સંભાળીને. પણ મોટી હોડી લાવજે.’

પરિસ્થિતિના આવા સમૂળા પરિવર્તનથી મને નવાઈ લાગી. આ ખારવો બેલીનો વર છે એટલું જાણવા માત્રથી અવલ મને જવા દેવા કેમ તૈયાર થઈ ગઈ? મારી સલામતીની ખાતરી તેને બેલીના નામે થઈ કે બેલીના વરના નામે? જે હોય તે. પરંતુ આજે હું એક કઠિન પરિસ્થિતિમાં મુકાતો રહી ગયો છું. કારણ કે અવલે જો હોડીમાં સફર કરવાની ના પાડી હોત તો હું તેની ઉપરવટ જઈને આ ખારવાને હોડી લગાવવાનું કહેવાનો હતો.

ક્રિષ્ના ગયો. બીજે દિવસે સવારે હોડી લાગી જશે તેવું કહેતો ગયો.

અવલ મારો સામાન બાંધવા બેઠી. થોડુંઘણું બાંધ્યા પછી ઘરે ગઈ અને એકાદ કલાકમાં બીજા બે-ત્રણ ડબરા મારા સામાનમાં ઉમેરવા પાછી આવી પહોંચી.

‘આટલો બધો સરંજામ મારે લઈ જવાનો છે?’

‘બેટ માથે કંઈ મળવાનું નથી.’ તેણે મારા સામે જોયા વગર જવાબ આપ્યો.

‘પણ એકલા માણસને કેટલુંક જોઈએ?’

અવલ એક ઝટકા સાથે બેઠી બેઠી જ મારી તરફ ફરી. તેણે હાથમાંનો ડબરો નીચે મૂક્યો. ‘એકલા જ છો તમે આ દુનિયામાં? તમે આવું ત્રીજી વખત બોલ્યા છો-તે શું જોઈને?’ કહી તે પાછી સામાન પૅક કરવા વળી. હજી તેનો ગુસ્સો ઊતર્યો ન હતો, ‘પાછા મને પૂછતા હતા કે અનાજ વાડીએ ઊતરાવ્યું શા માટે?’ કહીને તેણે મારા સામે મુખ ફેરવ્યું, અને ઉમેર્યું ‘પોતાની જરૂર પૂરતું કરી લેનારના હાથમાં હું આટલું ધાન સોપું તો કેમ કરીને?’

તે દિવસની વાતનો જવાબ અવલ આટલે દહાડે અને આ રીતે વાળશે તેવું મેં નહોતું ધાર્યું. જોકે ‘મારા પૂરતું હું કરી લઈશ.’ એવું મેં કહેલું, પરંતુ એનું અર્થઘટન અવલે કર્યું તેવું મેં નહોતું કર્યું.

‘પણ એનો અર્થ...’ હું આગળ બોલું ત્યાર પહેલાં મારી અંદરથી મને કોઈએ રોક્યો. મારા એ કથનનો અર્થ અવલે કર્યો તેવો ન થતો હોય તો બીજો ક્યો થાય? તેનો ઉત્તર મારા મનને મળ્યો નહીં. ઊંડેઊંડે મેં કબૂલી લીધું કે અવલ માત્ર આક્ષેપ નથી કરતી. તે ચુકાદો આપે છે. હું જે કંઈ બોલ્યો હતો તે મેં પૂરા સાનભાન સાથે, શુદ્ધ બુદ્ધિથી કરેલું વિધાન જ હતું તેનો અર્થ એ જ થાય જે આ ક્ષણે અવલે કરી બતાવ્યો.

આજે અચાનક મને લાગ્યું કે અવલ મારી મિત્ર નથી. તે દુશ્મન નહીં થાય; પરંતુ મિત્ર તો નથી જ. અને છતાં આ અમિત્રને તે પોતાની પૂરી ક્ષમતાથી સાચવવાની. તેના સુખ માટેના ઉપાયો કરતી રહેવાની. અમે નથી સાથે રહેવાનાં, ન તો અલગ. હું જ્યાં સુધી અહીં રહીશ ત્યાં સુધી આ ઊંડો પણ અળગો વહેવાર ચાલતો રહેવાનો છે.

રાત્રે મોડે સુધી મને ઊંઘ ન આવી. અને જાગવાનું પણ વહેલું બન્યું. પગી કોઈક સાથે રકઝક કરે છે તેવું લાગતાં મે ઘડિયાળ જોઈ. સવારના સાડાત્રણ થયા હતા. અત્યારે પગી કોની સાથે માથું કૂટે છે તે જોવા હું બહાર આવ્યો-તો ક્રિષ્ના! યોગીઓ મધ્યરાત્રી પછીના સમયને બીજા દિવસની સવાર ગણે તે હું સમજી શકું છું. પણ ‘સવારે આવીશ’ કહીને ગયેલો ક્રિષ્ના ટંડેલ ત્રણ-સાડાત્રણ વાગતામાં ટપકી પડશે એવું મેં નહોતું ધાર્યું.

દશમ કે અગિયારશ હશે આજે. ઢળવા જતા ચંદ્રના પ્રકાશમાં અમે બાવળિયા પાસે કેડી પર થઈ કાંઠે આવ્યા. મહેલવાળા ખડક સાથે રેતાળ પટ સંધાય છે. ત્યાં પાણી થોડું ઊંડાણવાળું છે. ક્રિષ્ના છેક ત્યાં સુધી હોડી ખેંચી લાવ્યો છે.

‘બેટથી ક્યારે નીકળેલો?’ મેં પૂછ્યું.

‘કાલ્ય તો બાવા કણે સૂઈ ર્યો’તો.’ ટંડેલે કહ્યું. ‘બાવાયે જ જગાડ્યો. ભરતી ઊતરે ઈ પેલા પોગવું પડે. નીકર હોડી લાગે કાલ બપોરે.’

તેની હોડી ચલાવવાની કુશળતા તેણે આવા મોજાંના સમયે પણ ખડકો વચ્ચે, રાત્રે, હોડી લઈ આવીને સાબિત કરી આપી છે.

અમે હોડીમાં ગોઠવાયા. સરવણે ખડક પર ઊભા રહીને સામાન અંબાવ્યો. ક્રિષ્નાએ વાંસથી હોડી ઠેલી. એક પછી એક ખડકો પર વાંસ ગોઠવીને તે હોડીને ખડકથી દૂર રાખતો હતો. મોજું આવે ને હોડી ખડકો તરફ ધકેલાય ત્યારે મારા દેહમાંથી ધ્રુજારી પસાર થઈ જતી. ક્રિષ્ના અતિશય બળપૂર્વક વાંસને ખડક પર દબાવી રાખતો. ધીમે ધીમે તે હોડીને ખડકો વચ્ચેથી બહાર કાઢી લાવ્યો. હવે અમે ખુલ્લા સમુદ્ર પર આવી ગયા હતા. હોડી તરંગો પર નાચતી આગળ વધી. સરવણ ટેકરી ચડીને કાંટમાં અદૃશ્ય થઈ ગયો હતો. હવે ઢળતી ચાંદની, હોડી અને સમુદ્ર વચ્ચે ક્રિષ્નો અને હું એકલા જ હતા.

જગસમસ્ત શાંત, નિ:સ્તબ્ધ થઈને સૂતું હોય તેવે સમયે રજતપટ-શા ચમકતા જળરાશિ પર, એક નાનકડી હોડીમાં બેસીને ત્રીસ-ચાલીશ ફૂટ ઊંચા, કાળા, કરાલ ખડકો પાસેથી પસાર થવાનો અનુભવ અવર્ણનીય છે.

એક તરફ ચાંદનીમાં ચળકચળક થતો તરંગરાશિ, પશ્ચિમાકાશે જતો ચંદ્ર, બીજી તરફ ઊંચી કાળી ભાઠોડાની હાર. પ્રકૃતિની આ મહાન રચનાઓ વચ્ચે સરકતી, સફેદ શઢ ફરકાવતી હોડી. ગંધર્વો અને કિન્નરોને માટે સર્જાયું હોય તેવું આ રમ્ય, નિતાંત સૌંદર્યમય જગત અત્યારે તેની ચરમ સુંદરતાથી વિલસ્યું છે. પ્રકૃતિ આ નીરવ રાત્રીએ પોતાનાં તમામ રહસ્યો ખુલ્લાં કરી દે છે. જેને હું હંમેશાં નિર્જન, ઉજ્જડ, પછાત અને સત્ત્વહીન ગણતો આવ્યો છું. તે પ્રદેશનું આવું અતુલ સૌંદર્ય જેણે માણ્યું નથી તેને માત્ર લખીને કે કહીને હું પૂરેપૂરું વર્ણવી શકવાનો નથી.

‘ફાવે છે ને તને?’ ક્રિષ્નાના પ્રશ્ને મારું ધ્યાનભંગ કર્યું.

‘બહુ મજા પડે છે’ મેં કહ્યું.

‘આંય વયો આવ મારી પાસે.’ તેણે મને પાછળ બોલાવ્યો. હું મોરાના પાટિયા પરથી ઊભો થયો. દોરડું થાંભલો, હોડીની કિનારીનો ટેકો લેતો છેક પાછલા ભાગે સુકાન પાસે પહોંચ્યો. શઢ હજી ફૂલ્યો નથી. ક્રિષ્નાએ શઢનો મુખ્ય વાંસ ઊંચકીને સ્થંભની બીજી તરફ ફેરવ્યો કે શઢ ફૂગ્ગાની જેમ ફૂલ્યો. હોડીએ ગતિ પકડી. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ કિનારાનું ફલક ખૂલતું ગયું. આખા કિનારા પર પથરાયેલા અનેક અર્ધવૃત્તો એકસાથે દેખાયા. રજતવર્ણા આકાશ તળે કાળા ખડકો પર ઊભેલી હવેલી, પાસે જ છાયાચિત્ર સમી અવલની નાળિયેરી અને દક્ષિણ સીમા પર રુક્મીપાણાનું સળંગ ભાઠોડું.

મને સબૂર યાદ આવ્યો. મન થોડું કડવાશથી ભરાઈ આવ્યું. તે હજી મને મળવા નથી આવ્યો, આની પાછળ કદાચ અવલનો જ હાથ હોય. તેણે તે સાંજે મને કહેલું વાકય આજે પણ ખૂંચ્યું. પરંતુ સમુદ્રમાં રહીને ધરતી નીરખવાનો આનંદ મારી ખિન્નતાને દૂર ઘસેડી ગયો.

દરિયા પર રહીને જમીનને જોવાનો અને ભૂમિ પર રહીને સમુદ્રને નીરખવાનો - બંને પ્રસંગોને પોતપોતાનું આગવું માધુર્ય હોય છે. તેમાં પણ શુદ્ધ, શ્વેત ચંદ્રપ્રકાશ તળે, પાછલી રાતની નીરવ શાંતિમાં આ દર્શન અગમ્ય અનુભવ કરાવે છે. ઢળતા ચંદ્રની ચાંદની પણ મધ્યાકાશે ચમકતા પૂર્ણચંદ્રની તોલે આવે તેટલી ઉજ્જવળ છે. માનવ વસવાટવાળા કોઈ પણ સ્થળે મેં આટલો ચંદ્રપ્રકાશ કદી નથી જોયો. સમુદ્ર પર છવાયેલ રજરહિત આકાશની પાર પથરાતી આ ધવલ બિછાત સમુદ્રને ચળકતો કરી મૂકે છે.

‘દરિયે ખરી મજા તો રાતની સફરમાં,’ ક્રિષ્નાએ કહ્યું. ‘હોડામાં જાંયે તે વેળા રાતે જે મજા આવે ઈ દિવસે નો આવે.’

‘આપણે હોડામાં તો છીએ.’

‘હોડામાં એટલે નાવમાં નહીં’ ક્રિષ્નાએ હસીને કહ્યું. ‘હોડામા એટલે માછીમારીયે ગ્યા હોઈએ તે વેળાએ.’

ક્રિષ્ના ખારવો હતો પણ તેની ભાષા જરા-તરા સંસ્કારી લાગી. જોકે તે દરેકને ‘તુ’કારે બોલાવવાની ટેવવાળો તો છે જ. કદાચ આ પ્રદેશમાં એવો જ રિવાજ હશે.

‘આ પેલા દરિયે ગ્યો છ ક્યારેય?’ ક્રિષ્નાએ પૂછ્યું.

‘એકાદ વખત. પણ એ તો લોંચમાં. આવી શઢવાળી નાવમાં નહીં.’

‘નાવ ગણો કે લોંચ, જોખમ તો બધે સરખું. બધાને બે જણ હંકારે એક ઉપરવાળો ને બીજો દરિયો.’

‘અને ત્રીજો ખારવો,’ મેં ઉમેરો કર્યો.

‘દરિયાની મરજી ઉપરવટ હોડી હંકારી જાણે ઈ ખારવો જલમવો બાકી છે.’ ક્રિષ્નાએ કહ્યું, અને પગ લંબાવીને બેઠો. ‘ખારવો સુકાન જાલી રાખે કાં શઢ સાચવે. મશીનવાળી હોડી હોય તો કાં’ક થોડુંક વધુકું જોર મારી લેય. બાકી બીજું કાંય નો કરી શકે.’ માત્ર સુકાન પકડી રાખવા સિવાય ક્રિષ્ના પણ કંઈ કરતો નથી. શઢ વધૂ ફૂલે ને હોડી ઝૂકે ત્યારે દોરી થોડી ઢીલી કરે છે.

‘હોડી ચલાવવાનું શીખવા જેવું ખરું,’ મેં દરિયા પર દૃષ્ટિ દોડવતાં મજાક કરી.

‘હંકારવી છ? મજો આવસે.’

ક્રિષ્નાના આ પ્રશ્ને મને ચમકાવી દીધો. જોકે મને ખબર હતી કે મને હોડી ચલાવવા દેવી એટલે અત્યારે જે દાંડો તેણે પકડ્યો છે તે થોડી વાર મારા હાથમાં મૂકવો. તેથી વધું કંઈ નહીં. મને મારા મામા યાદ આવ્યા. પોતે પતંગ હવામાં સ્થિર કરીને મને ક્ષણ-બેક્ષણ દોર પકડવા આપતા. મને થતું કે જાણે હું જ પતંગ ઉડાડું છું તે છતાં આ ‘રમત’ પણ માણવા જેવી ખરી. ‘હંકારી જોઉં. કોશિશ તો કરું!’ મેં ઉત્તર આપ્યો.

‘લે તયે કર્ય મજા.’ ક્રિષ્નાએ સુકાન મારા હાથમાં પકડાવ્યું. નવીન રમકડું હાથમાં લેતા બાળકની જેમ રોમાંચ અનુભવતા મેં સુકાન પકડ્યું.

‘જેણી પા વાળવી હોય એની ઓલી પા સુકાન ફેરવીયે કે હોડી મોરો ફેરવે.’ ક્રિષ્ના મને શીખવવા માંડ્યો. મેં તેના કહ્યા પ્રમાણે કર્યું તો હોડીએ દિશા બદલી; પરંતુ શઢ પડી ગયો.

‘હવે ખેંચ દોરી,’ તેણે કહ્યું, ‘સુકાન પગેથી ઝાલી રાખ.’

મેં પગથી સુકાનને ટેકો આપ્યો જેથી તે દિશા ન બદલે અને શઢની દોરી ખેંચીને બાંધી. શઢ થોડો ખેંચાયો.

‘આવડ્યું આ તો,’ મેં કહ્યું અને હોડીને મૂળ દિશામાં પાછી ફેરવી.

‘આવડી ગ્યું?’ ક્રિષ્ના હસ્યો અને બોલ્યો. તેના હાસ્યમાં ઉપાલંભ ન હતો.

‘જરા-તરા આવડ્યું,’ મેં પણ નિખાલસતાથી કહ્યું. અચાનક ક્રિષ્ના મને મિત્ર જેવો લાગવા માંડ્યો.

‘બસ, તો હાંકયે રાખ’ ક્રિષ્ના કિનાર પર બેઠો હતો ત્યાંથી પીઠભર ઊછળીને દરિયામાં જઈ પડ્યો. તેના ધક્કાથી હોડી જરા ઝોકાઈને સીધી થઈ. શઢનો ફુગ્ગો બેસી જઈને પાછો ફૂલી ગયો.

‘ક્રિષ્ના, ક્રિષ્ના!’ મેં ગળું ફાડીને ચીસ પાડી. ભયથી મારાં ગાત્રો ગળી ગયાં. ક્રિષ્ના ક્યાં છે તે જોવા પાછળ ફરવાની હિંમત પણ મારાથી ન થઈ શકી. મારી નજર હોડીના મોરા પર અને મારા હાથ સુકાનની દાંડી પર ચીપકી રહ્યા.

સમુદ્રનાં મોજાં હોડી પર અથડાવાથી થતો અવાજ બે પળ પહેલાં મને મીઠો મધુર લાગતો હતો. અચાનક તે જ અવાજ મને મૃત્યુના સંદેશ સમો ભયાવહ ભાસ્યો. હું એ પણ ભૂલી ગયો કે ક્રિષ્ના ટંડેલ નામનો કોઈ માનવી આ જગત પર છે. મારું એકમાત્ર ધ્યેય હોડીને સ્થિર અને સુકાનને સીધું રાખવામાં પૂરું થઈ જતું હતું. મારી જાત સિવાય કોઈ પણ ચીજનો વિચાર મારા મનમાં ન આવી શક્યો. લાકડા જેવો જડ બનીને હું સામનના લાકડાને વળગી રહ્યો.

શઢ જરા પણ ફફડે તે સાથે જ મારું કાળજું ફફડી ઊઠતું. ચંદ્રના ભેંકાર પ્રકાશમાં ચળકતી ભૂતાવળ જેવાં મોંજાં, ઊંચી-નીચી થતી હોડી અને હું....

અચાનક પવનનો સૂસવાટો આવ્યો અને શઢ તંગ થયો. હોડી એક તરફ નમી ગઈ. હું હેબતાઈ ગયો પણ કોઈ આત્મપ્રેરણાથી મેં શઢની દોરી ઢીલી કરી. ગોઠણભર પડીને મેં સુકાન મારા પગ વચ્ચે દબાવ્યું, અને શઢને સંભાળવામાં પડ્યો. આમ ને આમ કેટલો સમય પસાર થયો હશે તેનું ભાન ન રહ્યું; પરંતુ ધીરે ધીરે મારો ભય ઓસરવા માંડ્યો.

સહુથી પ્રથમ મને ક્રિષ્ના યાદ આવ્યો. તે ખરેખર ગબડી પડ્યો હતો કે જાણી જોઈને કૂદી ગયો હતો? મને ચિંતા અને ક્રોધ બન્ને લાગણી એક સાથે થઈ આવી. ‘ક્રિષ્ના!’ મેં હવે પાછળ જોઈને બૂમ પાડી. પણ કોઈ જવાબ ન આવ્યો.

ધીરે ધીરે હું ઊભો થયો. સુકાન પર પગ મૂક્યો. શઢનું દોરડું નીચે લાકડાની બાંધણી પર બે આંટા લઈને હાથમાં પકડી રાખ્યું અને ચારે તરફ નજર કરી. આ ચમકતાં મોજાં, પાછળ ક્રિષ્ના તરતો હોય તો પણ દેખાય નહીં, એટલા તો ઊંચા ઊછળે છે. હવે શું કરવું? તે વિચારમાં થોડી ક્ષણો વીતી.

અંતે સાહસ કરીને મેં સુકાન પગ વડે એક તરફ ફેરવ્યું. ક્રિષ્ના ક્યાં પડ્યો હશે તેનો આશરો બાંધવાનું શક્ય ન હતું. હોડીને મોટા વર્તુળમાં ફેરવવાની મારી નેમ હતી. સુકાન ફરતાં જ હોડીએ દિશા બદલી. મેં સુકાનને ત્રાંસુ દબાવી રાખીને હોડી દીર્ઘ-વૃત્તમાં ચાલવા દીધી. દિશા બદલાતાં શઢ બેસી ગયો. અને ધજાની જેમ ફફડવા લાગ્યો. હવે મારાથી તેને સંભાળી શકાય તેમ ન હતું. મેં હતું તેટલું જોર કરીને બૂમ પાડી, ક્રિષ્ના! ક્રિષ્ના હો...’

‘હાલવા દે, બરોબર હાલે છે.’ ક્રિષ્નાએ સાવ નજીકથી ઉત્તર આપ્યો.

ઓહ! આ રહ્યો ક્રિષ્ના. મોરાનું કડું પકડીને હોડીના પડખામાં જ પાણી પર સૂતો છે. હોડી સાથે જ તે પણ મોજા પર હિલોળા લેતો હસે છે.

‘અરે પણ...’ મારો અવાજ ફાટી ગયો. પણ તરત હું સ્વસ્થ થઈ ગયો. ક્રિષ્નાએ કહ્યું, ‘સમાલજે’ અને તે કઠોડો પકડીને હોડી પર આવી ગયો. હું પડતો પડતો રહી ગયો.

‘કાં? કેવુંક રયું?’ ક્રિષ્નાએ મારા હાથમાંથી હોડી સંભાળતા પૂછ્યું.

‘શું કેવું રહ્યું? આવું તો ગાંડપણ કરાતું હોય?’

‘લે, આદમી દરિયે પડી જાય એમાં ગાંડપણ ક્યાં આવ્યું?’ તે મને બનાવતો હોય તેમ હસતો હસતો વાત કરતો હતો.

‘ઘડીભર તો મને પણ એમ જ થયું કે તું ખરેખર પડી જ ગયો છે. તારી ચિંતામાં હું વધુ ગભરાઈ ગયો.’

ક્રિષ્ના એકદમ ગંભીર બની ગયો. તેણે મારા સામે જોયું પછી એકદમ ઠંડા સ્વરે કહ્યું, ‘દરિયા માથે બેસીને સાવ ખોટું નો બોલીયે.’

‘કેમ?’

‘કેમ, તે તું વાંહેને વાંહે પાણીમાં કેમ નો પડ્યો? આ પાટીયા હેઠે રાંઢવું પડ્યું છ. કેમ નો નાખ્યું? હું હાથે કરીને પડ્યો ઈ તને ખબર હતી.’

ક્રિષ્નાના આ પ્રશ્નનો ઉત્તર મારી પાસે ન હતો. હું કંઈ બોલું એ પહેલાં તેણે ફરી કહ્યું, ‘અમાસને દરિયેય તને તરતાં આવડે છ ઈ ખબર છે મને.’

હોડી બરાબર ચાલવા માંડી એટલે ક્રિષ્ના નવરો પડ્યો. આવીને મારી પાસે બેઠો. તેની વાતથી મને થોડું લાગી આવ્યું છે તે તેને સમજાયું હોય તેવું લાગ્યું.

‘તને ગાળ નથી દીધી. નકરી વાત કરી છ. દરિયે એકલું રે’વું અઘરું પડે. ને તો ય તેં તો કમાલ બતાવી. આ તો હું દરિયાનું નિમ સમજાવું છ. ખારવો હોય તો વાંહે પડ્યો જ હોય. ઈ પોતાનું નો જુવે. દરિયાનો એને માથે એવો હુકમ.’ કહી તેણે દરિયામાં હાથ ઝબોળીને શઢ પર પાણી છાંટ્યું.

તે પ્રભાતે, એક ટંડેલ, છતાં સાવ ખારવો ન લાગે તેવો વિચિત્ર ધૂની માણસ અને બીજો સુદૂર મહાનગરનો અજાણ્યો નિવાસી, મિત્રો બન્યા.

સમુદ્ર પરનું આકાશ ખૂલતું જતું હતું. ચંદ્ર થોડી વાર પહેલાં જ અસ્ત થઈ ગયો હતો. પરોઢની ઠંડી હવા. આછી, ખારી સુગંધ લઈને વહી આવી.

‘આ જોઈ લે. બીજી વાર જોવા નંઈ મળે,’ ક્રિષ્નાએ મને પૂર્વાકાશે બતાવ્યું. આખું આકાશ રક્તિમ આભાથી ઝળહળતું હતું. દરિયાનું પાણી તે પ્રકાશને ઝીલતું હતું. આ સૌંદર્ય પૂરું માણી લઉં ત્યાર પહેલાં વિપુલ જળરાશિને પેલે પારથી સૂર્યની ઉજ્જવળ કિનાર દેખાઈ અને જોતજોતામાં સૂર્ય બહાર નીકળી આવ્યો.

***