NUTURE : hidden in beauty books and stories free download online pdf in Gujarati

પ્રકૃતિ : સૌંદર્યમાં છુપાયેલો પ્રલય

"લેટ મી ટૉક - જયદેવ પુરોહિત"

~ ~ ~ ~ ~ ~ ~ ~

?પ્રકૃતિ : સૌંદર્યમાં છુપાયેલો પ્રલય?

પૃથ્વી પર સૌથી બળવાન પ્રકૃતિ છે. પંચતત્ત્વ સૌથી બળવાન છે. કુદરતી ખજાનો સૌથી શક્તિશાળી છે. જે જીવાડે છે એજ મારશે. જે આપણને ગમે છે એજ આપણો નાશ પણ કરશે. માણસને માણસથી ખતરો ઓછો છે પરંતુ માણસને પ્રકૃતિથી સાવચેત રહેવું જોઈએ. પ્રકૃતિ આત્માને વિકસિત ન કરી શકે માટે તે દેહની વૃદ્ધિ કરે છે. અને એજ વૃદ્ધિ કરેલ શરીરને એ દફનાવશે પણ. ભસ્મ પણ એજ કરશે. પ્રકૃતિ યમરાજ પણ છે અને પ્રકૃતિ બ્રહ્મા પણ છે.

ક્ષિતિ-જલ-પાવક-ગગન-સમીરા
પંચરચિત યહ અધમ શરીરા

રામાયણની આ ચોપાઈમાં સ્પષ્ટ કહ્યું કે પૃથ્વી-જળ-તેજ-વાયુ-આકાશ આ પંચમહાભૂતથી બનેલું ચામડીનું શરીર "અધમ" છે. જે અધમ છે એનો નાશ સરળતાથી થઈ જાય છે. કુદરતી આફતો સામે કોઈ જીવી શકતું નથી, હા, થોડી વાર સામનો કરી શકો પણ વિજેતા તો પ્રકૃતિ જ બનશે.
માણસ પૃથ્વી વગર નિરાધાર છે. હવામાં ચાલવાની કે હવામાં ઘર બનાવવાની શક્તિ માણસમાં નથી. હવા આપણને પસંદ છે. જીવન માટે આવશ્યક છે. અને એજ પવન જ્યારે વંટોળ બને ત્યારે આપણે દૂર ભાગીએ છીએ. એજ પવન જયારે વાવજોડું બને ત્યારે આપણે લાચાર બની માત્ર મૃત્યુની રાહ જોઈ શકીએ છીએ. તવંગરોના મહેલો હોય કે હાંફતા હાંફતા બનાવેલા ઝૂંપડાઓ પવનની ક્રૂરતા બન્નેને ઉડાવી દે છે. પ્રકૃતિ સામે બધા સમાન. પ્રકૃતિ જયારે ક્રોધી બને ત્યારે કોઈના ચ્હેરા જોતી નથી.

પૃથ્વી આપણને નિરાધાર પણ કરશે. પૃથ્વીના પેટમાં રહેલો જ્વાળામુખી આપણો શત્રુ બનશે. પૃથ્વીના પાતાળમાં રહેલો ભયાનક ભૂકંપ સમગ્ર અસ્તિત્વને હણવા તૈયાર છે.

દુનિયામાં જે નવી શોધ થઈ રહી છે એનું કારણ મનુષ્ય છે. બે થાંભલા આપમેળે સામસામે અથડાતા નથી. ઘરમાં રહેલું ફ્રીજ સ્વૈચ્છિક રીતે ચાલી રસોડાની બહાર નીકળતું નથી. ઘરના માળિયામાં પડેલી વર્ષો પહેલાની ચીજ-વસ્તુઓ જો આપણે ન અડીએ તો વર્ષો પછી પણ એ ત્યાં જ રહેશે. માટે દુનિયામાં જે થઈ રહ્યું છે નવું નવું એ બધું માણસ જ કરે છે. અને પ્રકૃતિ માણસને ભગવાન બનતાં રોકે છે. અથવા માણસને શાશ્વત બનતાં અટકાવે છે. આપણી પાસે બધી ફોર્મ્યુલા કેમ ન હોય જીવવાની પરંતુ પ્રકૃતિના પ્રકોપ સામે આપણે હવામાં ઉડતાં તણખલા જ રહેશું.

માણસે બનાવેલા અસંખ્ય મકાનો આમ વર્ષો સુધી સ્થિર રહે છે એ આપણી કારીગીરી નથી પરંતુ એ પૃથ્વીની મહેરબાની છે. જો પૃથ્વી એક ઇંચ પણ ખસે તો આ મજબૂત મકાનો ક્ષણભગુંર લાગશે. પૃથ્વીને ખોદવાની આપણી દાનત પૃથ્વી જાણે જ છે. એટલે જ જયારે કુદરતી આપત્તિઓ આવે છે ત્યારે ઢગલાબંધ નરસંહાર થાય છે.

પાણી. પ્રકૃતિનું સૌથી ખતરનાક તત્ત્વ. બધા જ તત્ત્વોમાં પાણી રહેલું છે. પૃથ્વીના પાતાળમાં પાણી, વરાળમાં પાણી, તેજ એટલે કે અગ્નિમાં પણ પાણી રહેલું હોય છે. તડકો(તેજ) લાગે એટલે તરત પરસેવો જન્મે એ પાણી નથી તો બીજું શું? આકાશમાં રહેલો વરસાદ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. અતિવૃષ્ટિ સામે આપણે યુદ્ધ ન કરી શકીએ. ત્સુનામી સામે આપણે રક્ષણ નથી મેળવી શકતાં. પૂર આવે એટલે તણાવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો રહેતો નથી.

ઉપર વરસાદ, નીચે દરિયો વચ્ચે માણસ. જીવસૃષ્ટિ ઓછી અને પાણીસૃષ્ટિ વધુ છે. સર્વત્ર છે. વહેતું પાણી આપણને તાણી જાય છે. સ્થિર પાણી આપણને ડુબાડી દે. અતિવૃષ્ટિ આપણું જીવન ખોરવી નાખે. પાણીનો દુકાળ માણસને તડપાવે, તરસાવે. પાણીના જોર સામે સમગ્ર અસ્તિત્વ તુચ્છ છે. પાણી સામે અગ્નિ, આકાશ, વાયુ, કે પૃથ્વી પણ ટકી શકતા નથી.

ચાલુ વરસાદે ધૂળની ડમરી નથી ઊડતી, પાણીનો પ્રવાહ પૃથ્વીનું ધોવાણ કરવા સક્ષમ છે. અગ્નિની જ્વાળાઓ પાણી સામે બિચારી છે. ઘેરાયેલાં વાદળો કે મુશળધાર વરસાદ આકાશનો સ્વભાવ, રંગ બદલી શકે છે. માટે સૌથી શક્તિશાળી અને સૌથી ખતરનાક જો કોઈ હોય તો તે પાણી છે.

આપણે પ્રકૃતિનો સામનો અંતિમ શ્વાસ સુધી કરીએ છીએ. પ્રકૃતિથી આપણે ભાગી શકતાં નથી કેમ કે જ્યાં માણસ નથી ત્યાં પણ પ્રકૃતિ તો છે જ. જ્યાં જ્યાં માનવશક્તિનું અસ્તિત્વ છે એ બધી પ્રકૃતિ સાથે કરેલી આપણી ચાલાકી છે. આપણે ટકી રહેવા કરેલી મહેનત છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર નહિ સુધરે તો એમનો પ્રહાર નિયમિત થતો રહેશે. ઋતુઓનું ચક્ર અસ્તવ્યસ્ત બન્યું એ આપણી મૂર્ખતાનું સચોટ ઉદાહરણ છે.

હવે માણસ પણ બેકાબૂ બન્યો અને પ્રકૃતિ પણ બેકાબૂ બની. હવે માત્ર આપણે એમના તુફાનની પ્રતીક્ષા જ કરવાની. હવે પરિસ્થિતિ ફરી સુધરે એવું કોઈ કારણ આપણે બાકી રાખ્યું નથી. પૃથ્વી પર જ્યાં માનવશક્તિ નથી ત્યાં પ્રકૃતિ આજે પણ હેમખેમ છે. સુરક્ષિત છે. અને ક્રૂર નથી. કારણ કે ત્યાં કોઈ જમીન ખોદનાર નથી કે નથી કોઈ વૃક્ષ તોડનાર. ત્યાં કોઈ હવાને પ્રદુષિત નથી કરતું. ત્યાં કોઈ પાણીને ગંદુ નથી કરતું. ત્યાં પ્રકૃતિ જેવી કુદરતે રચી તેવી જ હજી છે.

વિચારો તો કડવાશ અનુભવાય કે, જ્યારથી આપણે વિજ્ઞાનમાં પાવરધા થયા ત્યારથી પ્રકૃતિ નારાજ બની છે. હવે માત્ર વાતો કરી શકાય, ચર્ચાઓ કરી શકાય પણ કદાચ હવે પ્રકૃતિને મનાવવી અશક્ય છે.

માનવરહિત પ્રકૃતિ કદાચ આટલી ક્રૂર નહિ હોય.

ટીક ટૉક

અન્તવન્ત ઈમે દેહા:
(આ શરીર નાશવંત છે)

- જયદેવ પુરોહિત

(સંજોગ ન્યૂઝ - અમરેલી)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED