Tahuko - 26 books and stories free download online pdf in Gujarati

ટહુકો - 26

ટહુકો

રોજ પ્રભુને ‘થૅન્ક યૂ’ કહેજો.

એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય ? સાબુને, મહેનતને કે પાણીને? ઘણા મંથનને અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે :

1. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે.

2. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય.

3. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે.

આવું વિચારનારો ધોબી કંઈ સાબુવિરોધી કે પુરુષાર્થવિરોધી માણસ ન હતો. ભક્ત તે છે, જેને બઘી ઘટનાઓમાં ઈશ્વરની કૃપાનાં જ દર્શન થાય છે. કશુંક અનિચ્છનીય બને તો તેમાં પણ ભગવદકૃપા નિહાળે તેનું જ નામ ભક્ત ! ભક્ત કદીય મથામણનો ત્યાગ ન કરે. મથામણને અંતે એ નિષ્ફળ જાય તોય કહે છે : ‘હે માલિક ! જેવી તારી મરજી. ’ વિચારે ચડી ગયેલો પ્રબુદ્ધ ધોબી આપણો ગુરુ બની શકે.

કૃપાનુભૂતિ ભક્તનો સ્થાયીભાવ છે. જીવન યોગ્ય વિકલ્પની પસંદગીનું બનેલું છે. જ્યાં પોલ સાર્ત્ર મહાન અસ્તિત્વવાદી હતો. એણે પસંદગી (ચોઈસ)નો મહિમા કર્યો. ભક્તની શ્રદ્ધા પસંદગી-મુક્તિ (ચોઈસલેસનેસ) પર એટલે કે ઈશ્વરની ઈચ્છાને આધીન રહેવા પર અધિક હોય છે. પાંડવ-ગીતામાં માતા કુન્તી કૃષ્ણને પ્રાર્થનાપૂર્વક કહે છે : ‘હે હૃષીકેશ ! મારાં કર્મોને પરિણામે જે જે યોનિમાં મારો જન્મ થાય, તે તે જન્મમાં મારી ભક્તિ દઢ રહો.

સ્વકર્મ-ફલ-નિર્દિષ્ટાં યાં યાં યોનિં પ્રજામ્યહમ |

તસ્યાં તસ્યાં હૃષીકેશ, ત્વયિ ભક્તિર દઢા’સ્તુ મે ||

રોજ રોજ બનતી નાનીમોટી અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓમાં ઉપરવાળાની કૃપાનો અનુભવ કરવો એ જેવીતેવી સંપ્રાપ્તિ નથી. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણું ‘હોવું’ પણ એની કૃપાના અસ્ખલિત પ્રવાહ વગર શક્ય નથી. પ્રતિક્ષણ શ્વાસોચ્છવાસ ચાલે છે તેથી તો આપણે ‘છીએ’ ! બાળક જન્મે ત્યાં તો પ્રાણવાયુ તૈયાર હોય છે. એને તરસ લાગે ત્યાં તો પાણી તૈયાર હોય છે. એને ભૂખ લાગે ત્યાં તો માતાનું ધાવણ તૈયાર હોય છે. એને હૂંફ જોઈએ ત્યાં માતાની સોડ તૈયાર હોય છે. એ નીરખી શકે એ માટે પ્રકાશ તૈયાર હોય છે. એ હરીફરી શકે એ માટે અવકાશ તૈયાર હોય છે. એ વાત્સલ્ય પામી શકે એ માટે માતાનો ખોળો તૈયાર હોય છે. આવો કૃપાપ્રવાહ જીવન પૂરું થાય ત્યાં સુધી અટકતો નથી.

માણસની નાડીના ધબકારા ઘણુંખરું લયબદ્ધ રહે છે. માણસનું બ્લડપ્રેશર ઘણુંખરું નૉર્મલ રહે છે. ઘણાખરા માણસો સગી આંખે આસપાસની સૃષ્ટિ જોઈ શકે છે. ઘણાખરા કાન જીવનભર સાંભળી શકે છે તે જેવીતેવી કૃપા નથી. આકાશમાં પથરાયેલું મેઘઘનુષ્ય ભાળી શકાય છે. કોયલના ટહુકા સાંભળી શકાય છે. સ્વજનનો હૂંફાળો સ્પર્શ પામી શકાય છે. ભરચક ટ્રાફિકમાંથી રસ્તો પાર કરી શકાય છે. કાર કે સ્કૂટર દ્વારા ઝડપભેર નિર્ધારિત સ્થાને જઈ શકાય છે. પરિવારનો પ્રેમ જીવનના સ્વાદમાં વધારો કરનારો જણાય છે. પુષ્પોની સુગંધ પામી શકાય છે. ડુંગર ચડી શકાય છે. ખેતરમાં ડોલતાં કણસલાંને વિસ્મયપૂર્વક નિહાળી શકાય છે. અજાણી વ્યક્તિનું સ્મિત ઝીલી શકાય છે અને વરસાદમાં પલળી શકાય છે. ચૂલા પરથી ઊતરતો રોટલો ચાવીને ખાઈ શકાય છે. કોઈના સુખે સુખી થઈ શકાય છે અને કોઈના દુ:ખે દુ:ખી થઈ શકાય છે. કશીક ઘટના બને ત્યારે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ રીતે વિચારી શકાય છે. ક્યારેક કોઈની યાદમાં રડી શકાય છે. માણસને આનાથી વધારે શું જોઈએ ? કૃપાનો ધોધ વહેતો રહે છે.

વિખ્યાત સૂફી સંત રાબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું : ‘મારું માથું એવું તો દુ:ખે છે કે પીડા સહન નથી થતી. થાય છે કે માથુ કાપી નાખું’ રબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : ‘અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો ?’ રબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજા સમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવાનું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાય છે. હૃદયરોગનો હુમલો થાય પછી હૃદયનું મૂલ્ય સમજાય છે. ડાયાલિસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્વ સમજાય છે. ઊંઘની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકના અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભૂતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભૂતિ, ઈશ્વરાનુભૂતિની પ્રસ્તાવના છે. આવી કૃપાનુભૂતિને અંતે હૃદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે. જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ કહે છે :

સમગ્ર જીવન દરમ્યાન

જો તમે

ફકત એક જ વખત પ્રાર્થના કરો

અને (ઈશ્વરને) ‘થૅન્ક યૂ’ કહો,

તો તે પણ પૂરતું છે.

આપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ઘણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. પેલા ધોબીને જે સમજાયું તે આપણને સમજાય એ શક્ય છે. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ‘ઉપર ચડાવવામાં આવે છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો