ટહુકો - 25 Gunvant Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટહુકો - 25

ટહુકો

યશોદા કે પૂતના

February 26th, 2014

ટેક્નોલોજીની આંગળી ઝાલીને માણસે નથી ચાલવાનું. માણસની આંગળી ઝાલીને ટેક્નોલોજી ભલે ચાલતી. પૃથ્વી માણસની એકની એક લાડકી માતા (ગેઈઆ) છે. પૃથ્વીના કણકણને વહાલ કરે તે માણસ. પૃથ્વીના પ્રત્યેક જીવને જાળવે તે માણસ. પરાયા ઇન્સાનને મહોબ્બતથી ભેટે તે માણસ. પૃથ્વીની જે કલ્પિત નમેલી ધરી છે તે વાસ્તવમાં અદ્રશ્ય પ્રેમધર્મની ધરી છે. માણસનો આદિધર્મ એટલે પ્રેમધર્મ. કેટલાંક મકાન કાચા હોય છે, જયારે કેટલાંક પાકાં હોય છે. માટીનાં મકાન કાચાં ગણાય છે અને સિમેન્ટ-ઈંટના મકાન પાકાં ગણાય છે. સિમેન્ટનાં બહુમાળી મકાન બંધાય, માટીનાં ન બંધાય. માટીનાં બહુમાળી મકાન બંધાય અને તે વર્ષો સુધી ટકે એ વાત આપણા ગળે ન ઊતરે. ઉતર યેમનના સાદાર શહેરમાં આઠ-નવ માળનાં માટીનાં મકાનોની હારમાળા વર્ષોથી ઊભેલી છે. ભૂતાનમાં વિશાળ સાધુનિવાસો અને મઠના કિલ્લાઓ પણ માટીના બનેલા છે.

પૂર્વ ઈરાનના બામ નગરમાં માટીનાં મકાનો બાંધવાનું બે હજાર વર્ષોથી જીવતું રહેલું કૌશલ્ય હજી આજે પણ કામમાં લેવાય છે. મસ્જિદોના મિનારા અને મંદિરના ઘુમ્મટો પણ, માટીના બનેલા હોય છે. સદીઓ સુધી માણસ ધરતીમય, માટીમય અને વૃક્ષમય બનીને જીવ્યો છે. હવે એ સિમેન્ટમય, પ્લાસ્ટિકમય અને સ્ટીલમય બનતો ચાલ્યો છે. ટેકનોલોજી ભદ્ર માતા પણ બની શકે અને રૂદ્ર પિતા પણ બની શકે. એ ઋષિ વસિષ્ઠની પ્રસન્નમુદ્રા પણ જાળવી શકે અને પરશુરામની ક્રોધમુદ્રા પણ ધારણ કરી શકે. ટેકનોલોજીની પ્રસન્ન મુદ્રા સમજીએ તો ગાંધીજી આપોઆપ સમજાઈ જાય. ટેલનોલોજીની ભદ્ર મુદ્રા માણસને કેન્દ્રમાં રાખીને જંગલોની જાળવણી કરનારી છે. ભદ્ર મુદ્રા રઘવાટને દૂર રાખે છે અને સ્વસ્થતાનું સંગોપન કરે છે. ભદ્ર મુદ્રા માત્ર માણસનો જ નહીં સર્વ જીવોનો ખ્યાલ રાખનારી છે. એમાં પ્રકૃતિને માતાનો આદર મળે છે અને પર્યાવરણના પ્રદૂષણને પાપ ગણવામાં આવે છે. ટેકનોલોજીની ભદ્ર મુદ્રા વૃક્ષને ઈષ્ટદેવતા ગણીને ચાલનારી છે.

ટેકનોલોજીની રુદ્ર મુદ્રા તાણની જનેતા છે. એ મુદ્રા જંગલોનો સફાયો કરનારી છે. જયાં રુદ્રતા હોય ત્યાં યુદ્ધ પણ હોવાનું ! પ્રકૃતિનું સંતુલન (ઈકોલોજી) ખોરવાય ત્યારે મનુષ્યનું સમત્વ પણ ખોરવાય છે. પવન, પાણી અને ધરતીનું ઝેરીકરણ વધી પડે ત્યારે મનુષ્યનું મન અપ્રદૂષિત રહી શકે ? કયારેક તો ટેકનોલોજીની રુદ્ર મુદ્રા મોતનાં વાવેતર કરનારી છે. ખબર પણ ન પડે તેમ માતા યશોદાને સ્થાને પૂતના ગોઠવાઈ જાય છે. ભવિષ્યમાં પાણીનું ટીપેટીપું જાળવવું પડશે. ઘરના વાડામાં એક દૂધી પેદા કરવા માટે જો ત્રણ લિટર પાણી વપરાય તો એ દૂધી પાણીને કારણે મોંઘી પડે. દુકાળ પડે ત્યારે પાણીનું મૂલ્ય સમજાય છે. મૂંગી ગાય તરસે મરે તોય પાણી માગી ન શકે. પૃથ્વી પર સદીઓથી વિચરનારો વાઘ અદ્રશ્ય થવાની અણી પર છે. જે દિવસે પૃથ્વી પરનો છેલ્લો વાઘ મૃત્યુ પામશે ત્યારે આપણી વચ્ચેથી એક જુનો મિત્ર વિદાય થશે. બાયોડાઈવર્સિટીની સમજણ પ્રમાણે બધા જીવો સાથે પરસ્પર સંકળાયેલા છીએ. વાઘમામા ખતમ થાય ત્યારે પ્રકૃતિની અદ્રશ્ય સાંકળ તૂટશે. વાઘમામા બચી જાય તે આપણા હિતમાં છે.

પક્ષીઓને પ્રેમ કરવાનું આપણને સલિમ અલીએ શીખવ્યું. પ્રત્યેક બાળકમાં પક્ષીપ્રેમ અને પશુપ્રેમ જગાડવો પડશે. ટેકનોલોજીની યશોદામુદ્રા અને પૂતનામુદ્રા વચ્ચે આપણે પસંદગી કરવાની છે. જો આપણે યશોદામુદ્રાનો આદર ક કરીએ તો આજે પક્ષીઓ મરશે, કાલે પશુઓ મરશે અને પરમ દિવસે માણસો મરશે. પવનનો એકસ રે લઈ ન શકાય. મૌનને ટેક્પરેકોર્ડર પર ઝીલી ન શકાય. મહાસાગરની તરંગરાશિનો કાર્ડિયોગ્રામ લઈ ન શકાય. શમણાંની તસવીર ન હોઈ શકે. માણસની લાગણી માણવામાં થર્મોમીટર ન ચાલે. ખલનાયકનું અટ્ટહાસ્ય સૌને સંભળાય છે. સજ્જનું અરણ્યરુદન કોણ સાંભળે ? ટેકનોલોજી સગવડ જાળવી શકે, પરંતુ માનવીનાં શમણાંનું જતન કરવામાં એ ખપ ન લાગે.

આપણે એવો સંવેદનબધિર સમાજ રચી બેઠા છીએ, જેમાં ભોળપણ હાસ્યાસ્પદ ગણાય છે અને કપટ સ્માર્ટનેસમાં ખપે છે. કયારેક કોઈ ખમીરવંતો માણસ ઢીલો થઈને રડી પડે છે. અશ્રુબિંદુ તો એકલતાનું મોતી ગણાય. સંવેદનશૂન્યતાની રેતીમાં એને વેડફી મારવાનો શો અર્થ ? પ્રકૃતિ કેટલી મહાન છે ! સદીઓથી રણની રેતીમાં પણ ઝાકળબિંદુઓ સુકાતાં રહ્યાં છે. કેટલાય સીધાસાદા માણસો કેવળ શમણાંને આધારે જીવી જાય છે. કંસના અટ્ટહાસ્ય કરતાં માતા દેવકીની આંખોને ખૂણે ઝીલવાઈ રહેલાં અશ્રુબિંદુઓમાં વધારે તાકાત રહેલી છે તે સાબિત કરવા માટે જ કદાચ વ્યાસે આખું મહાભારત લખ્યું ! આંસુ ન હોત તો આદમીનું શું થાત ? શમણાં ન હોત તો માનવજાતને આશ્વાસન કયાંથી મળત ? વર્ષો પહેલાં સુરતના બેબીશા નામના એક વહોરા સજ્જ્નની પત્ની કૅન્સરને કારણે મૃત્યુ પામી. એ ભાઈએ મારે ત્યાં આવીને કહેલું : ‘અમે બે વિખૂટા પડી ગયાં, પરંતુ રોજ સ્વપ્નમાં મળીએ છીએ. ’ કોઈ ન જાણે તેમ છાનામાના રડી લેવું એ માણસનો એકાંતસિદ્ધ અધિકાર છે. રડવું એ તો ભગવાનના દરબારમાં નિઃસહાય માણસ તરફથી થતો સત્યાગ્રહ છે. કયારેક તો પોતાની સામે ફરિયાદ કરવા માટે ભગવાને માણસને આપેલું અહિંસક શસ્ત્ર એટલે આંખમાંથી ટપકી પડેલું અશ્રુબિંદુ.

કોમ્પ્યુટર મિત્ર છે. ઈન્ટરનેટ સ્વજન છે. ઈ-મેઈલ પરમ સખી છે. સ્કૂટર પ્રત્યે બંધુભાવ ભલે કેળવાય. કાર સગી માસી જેવી ભલે બને. આપણાં આ નવાં સ્વજનો પ્રત્યે અભાવ કેળવવાની જરૂર નથી, પરંતુ આપણી આસપાસ ફરતી ખિસકોલીનો, બિલાડીનો કે ગાયનો અનાદર ન થવો જોઈએ. વૈશાખી બપોરે સંભળાતા કોયલના ટહુકા આપણા અસ્તિત્વને ન સ્પર્શે તેવું ન થવું જોઈએ. કયાંકથી ઓચિંતી આવી પડેલી ટિટોડીનો લયલ્હેરિયો સ્વર આપણા કાને પડે તોય આપણે આપણું કામ યંત્રવત્ કરતા રહીએ એવું ન થવું જોઈએ. કોઈ સુંદર કાવ્યપંક્તિ આપણા માંહ્મલાને ઝંકૃત ન કરી શકે તેટલા યંત્રમય બની જવામાં બ્લડપ્રેશરની સમસ્યાનું જોખમ છે. પ્રકૃતિનો સથવારો કૉમ્પ્યુટરના કારણે છૂટી જ જાય તેવું નથી. કૉમ્પ્યુટર પ્રકૃતિનું દુશ્મન નથી. દુશ્મન તો છે આપણું મન, જેને ઈ-મેઈલ અને ઈશ-મેઈલ વચ્ચેના તફાવતની ખબર નથી. ઈન્ટરનેટના સંદેશાઓની સાથોસાથ આપણી ભીતર પડેલા અંતરનેટના ઈશારા પામવાની કળા માણસ પાસે ન હોય તો ટેક્નોલોજી પૂતના બનીને એને ભરખી જશે. રોગથી બચવા માટે પણ પ્રકૃતિને સથવારે વારંવાર જવું રહ્યું. કૉમ્પ્યુટર ના નહીં પાડે કારણ કે તે આપણું મિત્ર છે, માલિક નથી.

***