ટહુકો
એકવીસમી સદીમાં અસભ્ય માણસ કોને ગણવો?
(૧૨/૧/૨૦૧૪)
પ્લેટોની અકાદમીના પ્રવેશદ્વાર પર સૂચના લખવામાં આવી હતી:' ભૂમિતિ પ્રત્યે પ્રેમ ન હોય એવા માણસોએ અંદર આવવું નહીં '. એ સમયે સોક્રેટિસના સમયમાં ગ્રીક સંસ્કૃતિની ચરમસીમાએ ભૂમિતિનાં માનપાન ટોચ પર પહોંચ્યા હતા. એવું પણ બન્યું હશે કે ભૂમિતિનું જ્ઞાન ધરાવનારા ચુનંદા(elitist) લોકોએ ભૂમિતિ ન જાણનારા બહુ સંખ્યા લોકોને ' અસભ્ય ' ગણવાની ગુસ્તાખી કરવાની ફેશન શરૂ કરી હોય. જમાનો બદલાય તેની સાથે સાથે અસભ્યતાની વ્યાખ્યા પણ બદલાતી રહે છે ભારતની વર્ણપ્રથામાં રહેલી ક્રૂરતાને સમજવામાં સંસ્કૃત (હવે અંગ્રેજી) ન જાણનારા આમ આદમીની અવગણના કરવાની ફેશન આજે પણ મદદરૂપ થાય તેમ છે. અસભ્યતા નિત્ય નવા સ્વરૂપે પ્રગટ થતી રહી છે. ૨૧મી સદીમાં અસભ્ય માણસ કોને ગણવો?
સૌને ખબર છે કે જે માણસ ગમે ત્યારે ગમે ત્યાં થૂંકે તે અસભ્ય ગણાય. માણસ ગમે ત્યાં ઉત્સર્ગક્રિયા પતાવે તે અસભ્ય ગણાય. માનશો? દિવસોના દિવસો સુધી ઝાંબિયા, કેન્યા અને ટાન્ઝાનિયાનાં જંગલોમાં ફરવાનું થયું, પરંતુ ક્યારેય કોઈ શ્યામસુંદર આફ્રિકન આદિવાસીને ઉત્સર્ગતો જોયો નથી. બહુ મોટા અવાજે પોતાનો બકવાસ સામા માણસ પર ઠાલવનાર અસભ્ય આદમી મને અંગત શત્રુ જેવો જણાય છે. શ્રોતાઓ બેભાન થઈ જવાની અણી પર હોય ત્યાં સુધી પોતાના અતિ શુષ્ક પ્રવચનમાં વિદ્વતાની ઊલટી કરનારા દીર્ઘસૂત્રી સાહિત્યકારને આતંકવાદી કહેવાનો રિવાજ શરૂ થવો જોઈએ. લાંબા અનુભવે સમજાયું છે કે ગમે તેવી સુંદર સભામાં એક મૂર્ખજન એવો હોય છે, જે અત્યંત આસ્પષ્ટ અને અર્થહીન પ્રશ્ન પૂછીને પોતાનું અજ્ઞાન વક્તાને માથે મારવામાં ઉસ્તાદ હોય છે. કોઈ સુજ્ઞ વક્તા પોતાના પ્રવચનને કલાકૃતિની કક્ષાએ લઈ જાય પછી સ્ટેજ પર એક ખલનાયક આભાર માનવાનું શરૂ કરે છે. એ ખલનાયક આભાર વ્યક્ત કરવામાં લંબાણ કરે છે અને કલાકૃતિ પર પેશાબ કર્યા પછી જ માઈક છોડે છે આવા કોઈ માણસને ' અસભ્ય ' ગણવાનો રિવાજ હજી શરૂ થયો નથી. અતિ લાંબુ બોલનાર અને અતિ લાંબા લેખ લખનાર પંડિતો યોગી છે. એમના મૌલિક યોગનું નામ છે ' અનુસંધાન યોગ. '
કેટલાક દેશોને પણ ખાનગીમાં ' અસભ્ય 'ગણાવી શકાય. જે જે દેશોમાં સેક્યુલર લોકતંત્રનો બંધારણીય સ્વીકાર ન થયો હોય તે સર્વ દેશોએ ૨૧મી સદીમાં ' અસભ્ય 'ગણાવા જોઈએ. વળી જે જે દેશોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની સમાનતાને બંધારણીય માન્યતા પ્રાપ્ત ન થઇ હોય તે દેશો ' અસભ્ય '. પોતાનાથી જુદો અભિપ્રાય ધરાવનાર વ્યક્તિને જે અંગત શત્રુનો દરજ્જો આપે, તે માણસ ' અસભ્ય ' ગણાય. લોકતંત્રમાં જુદો અભિપ્રાય પણ આદરણીય ગણાવું જોઈએ. આ બાબતે ભારતના સેક્યુલર કર્મશીલો ફુલ્લી નાપાસ થતા રહ્યા છે. પોતાનાથી જુદો અભિપ્રાય ધરાવનાર સજ્જને, પોતાના પૂજ્ય પિતાશ્રીની હત્યા કરી નાખી હોય એવો દ્વેષ રાખીને, એ સજ્જન સામે ખાઇપૂસીને મંડી પડનારા નમૂના દયનીય જ નહિ. ' અસભ્ય 'ગણાવા જોઈએ. કોમવાદ અને જ્ઞાતિવાદને ધોરણે ચૂંટણીમાં મત આપનાર નાગરિક પણ ' અસભ્ય ' ગણાય. અંગત દ્વેષ હોવાને કારણે કોઈ માણસની કેટલીક ખૂબીઓનો પણ અસ્વીકાર કરનાર મનુષ્ય પણ ' અસભ્ય ' ગણાવો જોઈએ.
' અસભ્ય ' સમાજનાં કેટલાક લક્ષણો 21મી સદીના સંદર્ભે સમજી રાખવા પડશે. તરુણ તેજપાલ સાથે વૈચારિક મતભેદ ઘણા, પરંતુ એ માણસની સર્જક પ્રતિભાની અવગણના ન થવી જોઈએ. જે સ્ત્રી સાથે ગોવાની હોટલમાં લિફ્ટ ની આવન-જાવન દરમિયાન અને પછી જે બન્યું તેમાં બે જ શબ્દો વચ્ચે ઘણું અંતર પડી ગયું!એ બે શબ્દો છે:' મરજી અને નામરજી'. જે થયું તે કદાચ પીડિતાની મરજીવિરુદ્ધ થયું. (મને પ્રત્યેક કિસ્સામાં પ્રયોજાતો ' પીડિતા 'શબ્દ પસંદ નથી. )એટલું ચોક્કસ કે જો કથિત પીડિતાની મરજી હોત, તો કોઈ જ પ્રશ્ન ઊભો ન થાત. જે સમાજમાં રોજ હજારો લગ્નો મરજીવિરુદ્ધ યોજાતાં હોય તે સમાજ ' અસભ્ય 'ગણાવો જોઈએ. રાવણે સીતાનું હરણ કર્યું. એ તો અસભ્યતાની ચરમસીમા હતી કારણકે સીતાની મરજીવિરુદ્ધ એને ઉપાડી જવામાં આવી હતી. અર્જુને સુભદ્રાનું હરણ કર્યું તેમાં અસભ્યતાનો અંશ પણ ન હતો કારણ કે સુભદ્રાની મરજી અર્જુન સાથે જ ભાગી જવાની હતી. આ જ તર્ક કૃષ્ણે રુક્મિણીનું હરણ કર્યું તેને પણ લાગુ પડે છે. રુક્મિણી વિદર્ભ દેશના રાજા ભીષ્મકની સૌંદર્યવાન દીકરી હતી. તેના વિવાહની વાત પ્રથમ શિશુપાલ સાથે ચાલતી હતી. કૃષ્ણને પત્ર લખીને રુક્મિણીએ પોતાને બચાવી લેવાની દર્દભરી આજીજી કરી. માનવ ઇતિહાસનો એ પ્રથમ પ્રેમપત્ર હતો. એ પ્રેમપત્ર જ નહીં, મરજીપત્ર પણ હતો. એવી રુક્મિણીનું કૃષ્ણ હરણ કરે તેમાં ' સભ્યતા ' નું અભિવાદન હતું. પૃથ્વીરાજે સંયુક્તાનું હરણ કર્યું ત્યારે સંયુક્તા પીડિતા નહી, ' આનંદિતા ' હતી.
જે સમાજ લગ્નને નામે આનંદનું નહીં, પરંતુ પીડાનું પાથરણું સજાવે, તે જરૂર ' અસભ્ય ' સમાજ ગણાય. આવો અસભ્ય સમાજ પરપીડનના પ્રેમમાં હોય છે. આવા રુગ્ણ સમાજનો સ્થાયીભાવ ઈર્ષ્યાવૃત્તિ હોય છે. એવો સમાજ દ્વેષ જાહેરમાં કરે, પરંતુ પ્રેમ ખાનગીમાં કરે!આવી રુગ્ણ માનસિકતા ધરાવતા પુરુષપ્રધાન સમાજમાં કોઈપણ તેજસ્વી સ્ત્રીની પ્રતિભાને ઉતારી પાડવાની ચાવી એ સ્ત્રીને ' ચાલુ 'કહેવાની ઉતાવળમાં રહેતી હોય છે. કોઈને ગમે કે ન ગમે, પરંતુ રોજ રોજ બલાત્કાર (વિનયભંગ)થતા જ રહે એવા રોગિયા- રોગિલા સમાજના આપણે સૌ દંભપ્રેમી, દ દ્વેશપ્રેમી, ઈર્ષ્યાપ્રેમી આને વિઘ્નપ્રેમી અસભ્યો છીએ. આવો આક્ષેપ તમને ખૂબ આકરો લાગ્યો? તો સાંભળો:
જે સમાજ પરસ્પર મરજીથી શોભતા પ્રેમસંબંધનો ખુલ્લા હૃદયથી સ્વીકાર ન કરે, તે સમાજે મરજી વિનાના દેહસંબંધને જખ મારીને નભાવવોજ રહ્યો ગોકુળ કેવળ એક ગામનું નામ નથી. એ તો સહજ સૌંદર્ય, માધુર્ય, અને સાહચર્યનું ત્રિવેણીતીર્થ છે. કુરુક્ષેત્રમાં મહાયુદ્ધ થયું તેના મૂળમાં ગોકુળ ઘટનાની નિષ્ફળતા રહેલી છે. બન્યું શું? મોરપીંછ અદ્રશ્ય થયું અને સુદર્શન ચક્ર પ્રગટ થયું. વાંસળીની કોસ્મિક સિમ્ફનીની જગ્યાએ પાંચજન્યનો શંખધ્વનિ પ્રગટ થયો. વૃંદાવન દૂર રહી ગયું અને કુરૂક્ષેત્રનું રણમેદાન કેન્દ્રમાં આવી ગયું. ગોકુળમાં ગાયમાતાની સેવા કેન્દ્રમાં હતી, જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા ઘોડાઓની સારવાર કેન્દ્રમાં હતી. માનવ સભ્યતાનું શીર્ષાસન થયું, ત્યારે યુદ્ધ નામની વિકરાળ ' અસભ્યતા ' સપાટી પર આવી. પ્રેમક્ષેત્ર ખતમ થયું અને યુદ્ધક્ષેત્ર સક્રિય બન્યું!
'મરજી' નામનો પવિત્ર શબ્દ રોજ રોજ 'નામરજી' નામના ડાકણના પ્રવાહો વેઠતો રહે છે. નવી પેઢીને ગોકુળ જોઈએ છે, કુરુક્ષેત્ર નહીં. એને ગોપીવલ્લભ કૃષ્ણ ગમે છે, પાર્થસારથી કૃષ્ણનો નંબર બીજો! દુનિયાનું સઘળું માર્કેટિંગ ગ્રાહકોની મરજી પર નભેલું છે. મરજી સેક્યુલર છે, તેથી પ્રેમસંબંધ સેક્યુલર છે. લોકતંત્રનો પાયો પ્રેમ તંત્ર છે.
પાઘડીનો વળ છેડે
એક બાળક,
એક શિક્ષક,
એક પુસ્તક,
અને એક કલમ
દુનિયાને બદલી શકે છે.
- મલાલા યુસફઝાઇ
નોંધ:પાકિસ્તાનની આવા બહાદુર દીકરીએ જુલાઈ 2013માં યુનોમાં આપેલા પ્રવચનમાંથી.
***