Tahuko - 9 books and stories free download online pdf in Gujarati

ટહુકો - 9

ટહુકો

કાયસ્થ છીએ પણ સ્વાસ્થ નથી

માર્શલ મેકલૂહાને એક મૌલિક મમરો મૂક્યો છે. પાણીની શોધ કોણે કરી? મેકલૂહાન કહે છે કે પાણીની શોધ ગમે તેણે કરી હશે પણ માછલીએ તો નહિ જ. પાણીમાં રહીને માછલી એવી તો પાણીમય બની જાય છે કે તટસ્થતા ખતમ થાય છે. તટ ઉપર ઊભા રહી પ્રવાહથી અળગા થઈ સાક્ષી બનવું એનું નામ તટસ્થતા. ટ્રાફિકનું અવલોકન ફૂટપાથ પર રહીને કરવું પડે છે. તટસ્થતા ખતમ થાય પછી શોધની કુંપળો નથી ફૂટતી.

માણસ પૂર્વગ્રહો છોડવાને બદલે ઉપગ્રહો છોડ્યા કરે છે. એક હિન્દુ માટે હિન્દુત્વથી પર થઇ ચિંતન કરવાનું મુશ્કેલ બને છે. ભારતમાં જ રહેનારને સરહદી ઝઘડામાં ભારતનો વાંક હોઈ શકે એવું વિચારતા ભારે મૂંઝવણ થાય છે. નઈ તાલીમ રેંટિયા વિનાની હોય એ વિચારમાત્રથી કેટલાકને તકલીફ થાય છે. કાયામાં રહીએ છીએ તેથી આપણે સૌ કાયસ્થ છીએ પણ બધા કાયસ્થ સ્વસ્થ નથી હોતા. અસ્વસ્થતાના થોડા નમૂના જોઈ લઈએ.

એક આર્યસમાજી સજ્જન તક મળે એટલે ઇસ્લામની ધરાઈને ટીકા કરે. એક દિવસ એમને કુરાન-એ-શરીફ વાંચતા જોયા. મારાથી રહેવાયું નહીં એટલે મેં પૂછ્યું, જે ઇસ્લામને ભાંડવામાં તમે બાકી નથી રાખતા તે ધર્મનું પુસ્તક આટલા ધ્યાનપૂર્વક વાંચવા નું કારણ?તેમણે ઠંડે કલેજે જવાબ આપ્યો: ઇસ્લામની ટીકા કરવા માટેનો મસાલો ભેગા કરવા માટે કુરાન વાંચતો હતો. આ વિદ્વાન સજ્જન મારા પિતાશ્રી હતા.

હું જ્ઞાતિએ પાટીદાર છું પણ અટક શાહ છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ક્યારેક કોઈ જૈન સાથે થઈ જાય છે: ' આપણા લોકો' ની વાત શરૂ થાય પછી બીજી જ્ઞાતિઓની મર્યાદાઓની વાત ચાલે છે. વાતને અંતે હું કહું છું કે હું જૈન નથી. અમારી પ્રોબેશન પર ટકી રહેલી દોસ્તી ત્યાં પૂરી થાય છે. આપણી વિચિત્રતાઓ ઓછી નથી. સિતાર વગાડતી વખતે અંગુઠો સિતારને અડકીન રહે છે કે છૂટો રહે છે એ બાબત પર પણ ગવૈયાઓના ખાનદાન અને ના-ખાનદાન એવા ભેદ પાડવામાં આવતા. સરદર્દ માટે ક્રોસિન લેનાર અને એનાસિન લેનારાઓની બે નાત નથી પડતી એ જ આશ્ચર્ય છે. ' નમકહરામ ' નામના ચિત્રમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના એ બેમાં કોણ ચડે એ વાત પર મિત્રોને ઝઘડી પડતા જોયા છે.

યુદ્ધ સમયે ગ્રેટ બ્રિટન જતા અમેરિકન સૈનિકોના કાફલાને એક સુંદર પુસ્તિકા ભેટ આપવામાં આવેલી, જેમાં તેમના બ્રિટિશ મહેમાનો તરફના વલણ માટે આ પ્રમાણે શિખામણ આપવામાં આવતી હતી:' બ્રિટિશરો સારી કોફી બનાવી શકતા નથી અને અમેરિકનો સારી ચા બનાવી શકતા નથી. આમ બંનેમાં તફાવત ક્યાં રહ્યો?'એક સાચો પ્રસંગ યાદ આવે છે. ચેન્નાઈમાં બર્મા બજારમાં ટ્રાન્સિસ્ટર ખરીદવા જવાનું થયું. એ બજારમાં બધો પરદેશી (imported) માલ મળે અને લોકો મુગ્ધ ભાવે તે ખરીદે. એક દુકાનદારે મજાનુ ટ્રાન્સિસ્ટર બતાવી કહ્યું:' આ જાપાનીઝ માલ છે. 'મેં કહ્યું, ' મારે તો ભારતનું ટ્રાન્સિસ્ટર જોઈએ છે, જાપાનનું નહિ. 'દુકાનદારે એક હિન્દુસ્તાની સ્મિત વેરીને કહ્યું:' સાહેબ સાચું કહું આ ટ્રાન્સિસ્ટર દેશી બનાવટનું જ છે.

તાટસ્થય મનની એક નિર્ભરાંત અવસ્થા છે. મા કેવી દેખાય છે તે જાણવા માટે બાળકે ગર્ભમાંથી બહાર આવવું પડે છે. વિચારવિકાસ માટે વસ્તુલક્ષિતા (objectivity) જરૂરી બને છે. લાળગ્રંથિઓમાંથી સતત ઝરતો લાળરસ આપણા ગળાને સુંવાળું રાખે છે. આ લાળરસને એક ગ્લાસમાં એકઠો કરીને આપણને પીવાનું કહેવામાં આવે તો? ક્યારેક વાસ્તવિકતા આવી કઠોર હોય છે. એક્સ - રેના ફોટોગ્રાફમાં આપણી પાંસળીઓ કેવી લાગે છે? માણસ પોતાના મનનો આવો એક્સ - રે લેવાનું રાખે તો! માણસ ઘરડો થાય ત્યારે દાંતનું ચોકઠું મોંમાંથી કાઢીને દાબડીમાં મૂકી શકે તેટલું તાટસ્થય કેળવે છે, પણ દાંત એના પોતાના નથી હોતા એટલે કોઈ સ્થિતપ્રજ્ઞ નથી કહેતું.

બહુમાળી મકાનને 13 ની માળે 1304 નંબરના કબૂતરખાનામાં ' સાતસો સ્ક્વેર ફિટનું સુખ ' ભોગવતો માણસ આકાશના ટુકડાને બારીના કદથી માપ્યા કરે છે. બારીને મોટી કરવાનો ઉપદેશ આપનારો પણ ચિંતક ના ખપે છે, કારણ કે આપણું બેચેન વ્યક્તિત્વ તાજા વિચારની નાની લહેરખીને પણ આવકારવા આતુર છે. પ્રકાશ માપવા માટેનો એકમ વિજ્ઞાને કેન્ડલ પાવર જ રાખ્યો છે ને ?સૂર્યને મીણબત્તીના ગજથી માપવાની ગુસ્તાખી હવે આપણને કોઠે પડી ગઈ છે.

ગંગા વહે છે. માછલીઓ તરતી રહે છે. કેટલીક માછલીઓ ને તો પદ્મશ્રી પણ મળ્યો છે. એક ચીની કહેવત છે કે સમુદ્રમાં તોફાન થાય તેની અસર માછલીઓને નથી થતી. આપણે માછલીઓ જેટલા પણ સ્વસ્થ છીએ ખરા! એક રીતે જોઈએ તો ભેંસ પણ સ્વસ્થ હોય છે. આપણને જોઈએ છે પ્રજ્ઞાવાન સ્વસ્થતા. કુવામાંના દેડકા તો છીએ જ, પણ એ કૂવો વિશાળ બને તો ગનીમત.

એક ગુલામ હતો. એક વાર ખૂબ જ સ્વસ્થતાપૂર્વક માલિક પાસે જઈને એણે કહ્યું, ' સાહેબ, એ લોકો મને રોજ હન્ટર ફટકારે છે, પણ મારી તે સામે ફરિયાદ નથી. મારે તો એટલું જ કહેવું છે કે એ હન્ટર જ તેલમાં બળે છે તે તદ્દન ખોરું હોય છે. ' ગુલામને તરત જ મુક્ત કરવામાં આવ્યો.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED