64 સમરહિલ - 25 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 25

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 25

ત્વરિતને સમજતા વાર ન લાગી. ભોંયરાની બાંધણી અને પ્રકાર જોતાં આ જગ્યા નાંખી દેતાં ય એક હજાર વર્ષ પૂરાણી હોવી જોઈએ. બીજા કોઈ યાત્રાળુ અંદર આવે એ પહેલાં તેણે ઝડપભેર ભોંયરાનો ખૂણે-ખૂણો ટોર્ચના ઉજાસ વડે ફંફોસી નાંખ્યો.

ડાબી તરફની સદીઓ જૂની દિવાલના પથ્થરો વચ્ચે ત્રણ મૂર્તિ સ્થાપિત કરેલી હતી. મૂર્તિ પર શેરડો ફેંકીને ત્વરિત ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. ચહેરાના ભાગમાં સમયની થપાટે પાડી દીધેલું ખવાણ મૂર્તિને વધુ ભયાનક બનાવતું હતું. પથ્થરમાંથી કોરેલી એ મૂર્તિ, મૂર્તિના ગળામાં નરમુંડની માળા, સાથળ પર ટેકવેલા જમણા હાથમાં લટકતું અસુરનું મસ્તક અને ઢીંચણથી ય છેક નીચે સુધી લબડતો ડાબો હાથ.

ત્વરિતે બારિકાઈથી ત્રણેય મૂર્તિ ચકાસી. કદ અને આકાર જોયા. વધારે ચકાસણી કરવા જેટલી સુવિધા ય ન હતી અને અનુકૂળતા ય ન હતી છતાં વધુ ખાતરી માટે તેણે ટોર્ચ ફેરવવાનું ચાલુ રાખ્યું. ડાબી તરફની એ પહેલી મૂર્તિની બરાબર નીચે કશુંક લખાણ કોરેલું હતું. તેણે ખિસ્સા ફંફોસ્યા. રૃમાલ તો ન હતો અને હોત તો કામ પણ ન લાગત. તેણે લાગલો ઝભ્ભો જ ઉતારી નાંખ્યો અને રેગિસ્તાનની તળભૂમિના ક્ષારથી ખરડાયેલી મેલીદાટ દિવાલ પર ઘસીને ફરીથી ટોર્ચ માંડી અને એક-એક અક્ષર એ વાંચતો ગયો એ સાથે તેની આંખોમાં ઉમ્રભરનું આશ્ચર્ય ધોધમાર વહી નીકળ્યું.

એ મૂર્તિની નીચે લખ્યું હતું,

ગલદ્રક્તમુન્ડાવલિકન્ઠમાલા

મહાઘોરરાવા સુદૃષ્ટાં કરાલા

વિવસ્ત્રા સ્મશાનાંલયા મુક્તકેશી

મહાકાલકામાકુલા કાલિકેયમ

સ્વરૃપં ત્વદિયં ન વિન્દન્તિ દેવા

ગળામાં નર-મસ્તકની માળા પહેરેલી, અત્યંત ઘોર અવાજ વડે વિકરાળ લાગતી, નિર્વસ્ત્ર શરીરે છુટ્ટા વાળ લહેરાવતી હેે મહાકાલિકા માતા, તમારૃં સ્વરૃપ પારખવું દેવો માટે ય દુષ્કર છે...

પ્રચંડ આઘાત, અપાર આશ્ચર્ય અને અફાટ તાજુબીથી સ્તબ્ધ થઈ ગયેલો ત્વરિત મૂઢપણે મૂર્તિને નિરખી રહ્યો. તેને હજુ ય માનવામાં ન્હોતું આવતું કે વિલુપ્ત થઈ ગયેલી મનાતી કે લોકવાયકામાં ખપી ગયેલી ગણાતી દોઢેક હજાર વર્ષ જૂની વામપંથી મૂર્તિની સન્મુખ તે ઊભો હતો.

કોણ છે એ માણસ, જે છેક અહીં સુધી મૂર્તિનું પગેરું દબાવી શક્યો છે?

દુબળીના વિચારથી એ ફરીથી બ્હાવરો બન્યો. એ મૂર્તિ પર અને આસપાસ ફરીથી ભારપૂર્વક ઝભ્ભો ઘસીને તેને વધુ ચોખ્ખી કરી નાંખી. છપ્પનને હવે તેણે સૌથી વધુ ચોખ્ખી લાગતી મૂર્તિ ઊઠાવવાનું જ કહેવાનું હતું.

ખરડાયેલો ઝભ્ભો ખંખેરીને તે ફક્ત ગંજી અને પાયજામાભેર પગથિયા ચડી રહ્યો હતો એ જ વખતે પહેલો રાઉન્ડ ફાયર થયો હતો.

પહેલી ગોળી છોડીને અલાદાદે બહુ મોટી ગલતી કરી નાંખી હતી, પણ તેનું પરિણામ ત્વરિત ભોગવવાનો હતો.

***

ડેરા સુલ્તાનખાઁની સુક્કી, ગરમ, બોઝિલ હવાના સન્નાટામાં પહેલી ગોળી છૂટી બરાબર એ જ ઘડીએ ત્યાંથી ક્યાંય દૂર મધ્યપ્રદેશામં એસીપી રાઘવ માહિયાના દિમાગમાં સણકા ઉપડયા હતા. હવે તેમને ખાતરી થઈ રહી હતી, ત્વરિત જ મૂર્તિચોર હોવો જોઈએ.

ઝુઝારના ફોન પછી ક્યાંય સુધી રાઘવ ગુમસુમ બેઠો રહ્યો હતો. મનોમન ત્વરિત સાથેની તમામ વાતચીતને તાજી કરીને કાગળ પર મુદ્દા ટપકાવતો રહ્યો હતો. તેના ચહેરાની તંગદીલીમાં, મુદ્દા ટપકાવતી આંગળીની કંપારીમાં, અસંબદ્ધપણે દાંત તળે ભીંસાતા હોઠમાં અને આંખોમાં પ્રગટી રહેલા ખુન્નસમાં તેનો ઉશ્કેરાટ વ્યક્ત થતો હતો.

ત્વરિત જુઠ્ઠુ બોલ્યો હતો એ સાબિત થતું હતું.

દુર્ગાશંકર શાસ્ત્રી સાથેની મુલાકાત વિશે તેણે એક હરફ કહ્યો ન હતો. વામપંથી મૂર્તિ હોવા વિશે પોતે શંકા વ્યક્ત કરી તોય તેણે ખાસ કોઈ મહત્વ આપ્યા વગર વાત ટાળી દીધી હતી. ઓળખના તમામ પૂરાવાઓ તેણે બિન્ધાસ્ત ધરી દીધા હતા અને દિલ્હી જવાનું કહીને છેક છત્તીસગઢના એક ધાબામાં એ રોકાયો, તેની સાથે બીજો ય કોઈ આદમી હતો, રાત્રે કોઈક છોકરી કશુંક આપી ગઈ અને ધાબા પર ઘડીક ધમાલ મચી ગઈ. તેની ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી સાથે ય કંઈક ચાળો થયો હતો.

- અને હવે ઝુઝાર કહેતો હતો કે, જમ્મુ-કાશ્મીરના પાસિંગવાળી એ ફોર્ડ ઈકોસ્પોર્ટ રાજનંદગાંવના એક વેરહાઉસની અંદર પાર્ક થયેલી પડી હતી. રાત્રે બે-ત્રણ છોકરીઓ ધાબા પર આવી હતી. તેની સાથેનો બીજો આદમી વિલિઝ જીપ લઈને આવ્યો હતો અને વહેલી સવારે આખો કાફલો ધાબા પરથી નીકળી ગયો હતો.

તેની સાથે બીજો આદમી કોણ છે? છોકરીઓ કોણ હતી? નવી-નક્કોર ફોર્ડ ઈકોસ્પોર્ટ મૂકીને વિલિઝ જીપ લાવવાની જરૃર કેમ પડી? વહેલી સવારે એ લોકો ક્યાં ગયા?

કાગળ પર ટપકાવેલા દરેક સવાલને એ ત્રાટક કરીને જોતો રહ્યો.

તેણે ધાર્યું હતું તેના કરતાં ત્વરિત કૌલ અનેકગણો ખેપાની સાબિત થતો હતો. તેની સાથેનો આદમી તેનો સાગરિત હોય અથવા તો...

અચાનક તેને કશુંક યાદ આવ્યું હોય તેમ તેણે ધડાધડ ટેબલના ખાના ફંફોસવા માંડયા અને પ્લાસ્ટિકની કોથળી કાઢી. ડિંડોરીના દેવાલયમાં ચોરાયેલી મૂર્તિ પાસેથી મળેલી ચીજવસ્તુઓને તે ધ્યાનપૂર્વક નીરખી રહ્યો. તદ્દન દેશી કિમિયાઓ વડે પણ એટલી જ આબાદ રીતે થાળામાં જડેલી મૂર્તિ કાઢી લેવાઈ હતી. એ વિશે તેણે ત્વરિતને પૂછ્યું પણ હતું અને એ સાલાએ બિન્ધાસ્ત કહી દીધું હતું કે, 'મને ય મૂર્તિ કાઢવાની આ તરકીબ વિશે જાણવું ગમશે. ચોર પકડાય ત્યારે તેનો ડેમો જોવા માટે મને ય બોલાવજો..!'

મનોમન ધૂંધવાઈ રહેલા રાઘવના દાંત ભીંસાઈ રહ્યા હતા.

તેની પાસે એકેય પૂરાવો ન હતો પણ તેને અંદરથી અહેસાસ થઈ રહ્યો હતો કે કોઈપણ રીતે ત્વરિત આ ચોરીમાં સંડોવાયેલો છે જ. દરેક સવાલોની સામે તે મનમાં ઊગતા જવાબો ટપકાવવા માંડયો.

તેની સાથેનો બીજો આદમી ત્વરિત ચિંધે એ મૂર્તિ ઊઠાવનારો હોઈ શકે. એ તેનો મદદગાર પણ હોય. ઝુઝારે કહ્યું હતું તેમ, ધાબા પર ધમાલ મચ્યા પછી ત્વરિત ત્યાં જ રોકાયો હતો પણ બીજો આદમી દિવસભર બહાર હતો અને છોકરીઓને જીપમાં બેસાડીને એ જ લાવ્યો હતો. મતલબ કે, એ સેકન્ડરી હોવો જોઈએ.

છોકરીઓ... રાઘવે ઘડીક વિચાર કર્યો. છોકરીઓ તો કદાચ રંગરેલિયા માટે... પણ ના, અહીં પુરુષો બે છે અને છોકરીઓ ત્રણ આવી હતી તેમ ઝુઝારે કહ્યું હતું. એ જ છોકરીઓ વહેલી સવારે પાછી ગાયબ પણ થઈ ગઈ... એ તેમની સાથે જ ગઈ હશે? પણ ક્યાં??

રાઘવે માથું ધૂણાવી નાંખ્યું.

છોકરીઓને લઈને એ લોકો ક્યાં ગયા હોય? પોતાની ગાડી અહીં મૂકી દીધી અને વિલિઝ જીપ કેમ લીધી? શક્ય છે કે, ફોર્ડ ઈકોસ્પોર્ટ તો કદાચ ઓળખાઈ ન જાય એટલે અહીં છોડી દીધી હોય... અથવા તો પાછળ તપાસ થતી હોય તો ઉંધા રસ્તે ચડાવવા માટે.

તો શું પોતે તેમની પાછળ લાગ્યો છે એ વિશે ત્વરિતને અંદાજ હશે?

પોતાના જ મનમાં ઊગતા સવાલોથી રાઘવ ગૂંચવાઈ રહ્યો હતો પરંતુ એ તેની આદત હતી. બ્રેઈનસ્ટોર્મિંગ વડે તમામ શક્યતાઓ કાગળ પર માંડવી અને તેના જવાબો વિચારવા. એ વખતે ગુનેગારના હિસ્સામાં એ તમામ શક્યતાઓ મૂકે અને પછી તેના જવાબો શોધવામાં દિમાગ કસે. ક્રાઈમ ડિટેક્શન માટે તેને આ અક્સિર તરકીબ લાગતી હતી.

વિલિઝ જીપ તો... માનો કે, ફોર્ડ છૂપાવવા માટે જ મંગાવી છે.

નેક્સ્ટ ક્વેશ્ચન.. વ્હાય વિલિઝ? વ્હાય નોટ કમાન્ડર, સ્કોર્પિયો ઓર અધર ઈક્વિવેલન્ટ એસયુવી લાઈક હીઝ ઓન ફોર્ડ ઈકોસ્પોર્ટ?? તેને ફોર્ડ છૂપાવવી છે તો પોતે જે પ્રકારની ગાડીમાં ફરવા ટેવાયેલો છે એવી જ બીજી ગાડી મંગાવે ને? શા માટે જૂના મોડેલની નોન એસી વિલિઝ જીપમાં ક્યાંય પણ જાય?

મતલબ કે, જ્યાં જવાનું છે ત્યાં આ ટાઈપના વાહનની જરૃર છે અને ત્યાં તરત કોઈનું ધ્યાન ન ખેંચાય એ માટે એ ઈલાકામાં રૃટિન ગણાય એવા વાહન તરીકે વિલિઝની જરૃર છે.

તેણે ફરીથી કાગળ પર નોંધ્યું, ક્યા વિસ્તારમાં વિલિઝનું ચલણ વધારે છે તે ચેક કરવું પડશે. મોટાભાગે આ જીપ ચોરેલી હશે અથવા ભાડે મેળવેલી હશે. જો ભાડે લીધી હોય તો ઠામ-ઠેકાણું મળવું આસાન રહે પણ ત્વરિતની બદમાશી જોતાં તેણે આવા છીંડા બાકી ન પણ રાખ્યા હોય.

ઝુઝાર કહેતો હતો કે, જો કેકવાને ઠમઠોરવામાં આવે તો...

કાગળ પર નોંધ કરતો તેનો હાથ અટકી ગયો. પેન વડે ગાલ ખંજવાળતા ક્યાંય સુધી તેણે વિચાર્યા કર્યું. પગના વજનદાર ઠેલાથી રિવોલ્વિંગ ચેર પાછળની તરફ હડસેલીને તે ઊભો થયો અને ઝુઝારને ફોન જોડયો.

'કુછ કિયે બિના ફિલહાલ સિર્ફ નજર બનાયે રખ. મૈં આ રહા હું.'

(ક્રમશઃ)