64 સમરહિલ - 24 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

64 સમરહિલ - 24

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 24

એ અલાદાદ હબ્બાર હતો.

રેગિસ્તાનના એકએક કણને પારખતો અને હવાના બદલાતા દરેક મિજાજને સૂંઘી શકતો ડેરા સુલ્તાનખાઁનો એ રહેવાસી.

પાકિસ્તાનથી આવેલું કન્સાઈન્મેન્ટ ત્રણ દિવસથી ખુબરાની પેલે પાર રેતીના અફાટ ઢૂવાઓ વચ્ચે દટાયેલું પડયું હતું અને સળંગ બે દિવસથી એ રોજ સવારે અહીં આવીને કરિઅરની રાહ જોતો.

પાકિસ્તાનથી કન્સાઈન્મેન્ટ રવાના થાય એટલે પહેલો સંદેશો અલાદાદ પર આવતો. સરહદ પાર કરીને આવેલા અફીણ, હથિયારો કે સશસ્ત્ર આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની જવાબદારી અલાદાદની હતી. બદલામાં તેને તગડું કમિશન મળતું. સ્થાનિક હબ્બારોની મદદથી તેનું નેટવર્ક છેક બિકાનેર અને જેસલમેર સુધી પથરાયેલું હતું. બીએસએફ સાથે ય તેણે વ્યવહાર ગોઠવી રાખ્યો હતો.

માલ આવે એટલે એ નાગૌરના તેના આદમીને જાણ કરતો. નાગૌરથી ગાડી આવે એમાં માલ લદાઈને બિકાનેર-નાગૌર થઈને અજમેર પહોંચી જાય. અજમેરથી તેનું ડિસ્ટ્રિબ્યુશન થાય.

અલાદાદને લોકલ બીએસએફ સાથે સાંઠગાંઠ હતી પણ બિકાનેરની હદમાં પ્રવેશતી ગાડીને બીજાંય ઘણાં જોખમ નડે. એટલે નાગૌરથી આવતી ગાડી મોટાભાગે સ્ત્રીઓ, બાળકો, પુરુષો સાથે યાત્રાળુઓના સ્વાંગમાં જ આવતી.

દૂરથી વિલિઝ આવતી જોઈને તે ટીંબા પર ઊભો થયો. આંખ આડે હાથનું નેજવું કર્યું. પહેલાં તેને જીપની બહાર લહેરાતી ફાતિમાની હરિયાળી ઓઢણી દેખાઈ અને પછી અંદર બેઠેલી ફાતિમા.
તેની આંખોમાં હાશકારો ઊભરી આવ્યો. જનાના સાથે આવી રહેલી બે દિવસમાં આ પહેલી ખાનગી ગાડી હતી.

આજે યાત્રાળુઓ ય રોજ કરતાં વધારે હતા અને સુરજ બરાબર ધખતો હતો. છત્રી પાસેના પાંખા ઢુવા પાછળ ગાડી પાર્ક કરાવીને ત્યાં જ સામાન લાદવો પડશે. ત્રણ વાગ્યા સુધીમાં સામાન લાદી દેવાય તો માંડ રાત્રે ૮ વાગે ગાડી અજમેર પહોંચે. મનોમન તેણે આયોજન કરી નાંખ્યું, ટીંબા પર ઊભા રહીને તેણે આળસ મરડવાનો ડોળ કર્યો અને બેય હાથ હવામાં અધ્ધર કરીને લીલો-ભૂરો ગમછો લહેરાવી દીધો.

મંદિરથી દોઢ કિલોમીટર દૂર આઠ-દસ તોતિંગ ઢૂવાઓ પાછળના એક ખુબરામાં ભૂંગાઓ વચ્ચે પાકિસ્તાનીઓ આશરો લઈ રહ્યા હતા અને છેલ્લા ઢુવા પાછળ લપાઈને એક આદમી બાયનોક્યુલર વડે સતત અલાદાદ પર નજર રાખતો તેના સંકેતની રાહ જોઈ રહ્યો હતો.

છપ્પન ઊભો થયો ત્યારે તેને બીએસએફના જવાનની હાજરીની ખબર ન હતી. બીએસએફનો જવાન ઊભો થઈને મંદિરની પછીત ભણી ગયો ત્યારે તેને ટીંબા પર ઊભેલા અલાદાદ વિશે ખબર ન હતી. અલાદાદે જીપ જોઈને ગમછો લહેરાવતો સંકેત આપી દીધો ત્યારે તેને જીપની પાછળ આવી રહેલા બાઈકસવાર જવાનની ખબર ન હતી. બાઈકસવાર જવાનને એ ખબર ન હતી કે તે જે જીપને ફોલો કરી રહ્યો છે એ જીપને જોઈને અહીં કેવી-કેવી સમજણો આકાર લઈ રહી છે...

- અને આ તમામ ઘટનાક્રમથી સદંતર બેખબર ત્વરિત વિલિઝને કેડી પાસેના એક ઢોરા પર પાર્ક કરી રહ્યો હતો.

***

મંદિર ભણી તેણે પગ માંડયા એ જ ઘડીએ છપ્પને હાથબદલો કરતો હોય તેમ હેન્ડબેગ ઘૂમાવીને ત્વરિતનું ધ્યાન ખેંચી લીધું હતું. દેહાતી હુલિયામાં તેને જોઈને ત્વરિત ઘડીક ચોંક્યો હતો.
સાલો, મારાથી ય પહેલાં અહીં પહોંચી ગયો? આંખોમાં ઊભરી ગયેલા આશ્ચર્યને પલકવારમાં તેણે ઓલવી નાંખ્યું.

છત્રી ભણી છપ્પને કરેલો ઈશારો તેણે બરાબર પારખ્યો હતો પરંતુ મંદિરમાં ગયા પહેલાં છત્રી તરફ જવું કે ન જવું અને ફાતિમા-ચંદાનું શું કરવું તેની અવઢવમાં એ ઘડીક અટક્યો. પછી હકારમાં જરાક ડોકું હલાવીને મંદિર તરફ આગળ વધ્યો.

મંદિર જોઈને જ તે પારખી ગયો કે આ નવનિર્મિત સ્થાનક હતું અને આમાંની એકપણ મૂર્તિનો દુબળીને ખપ ન હોય. જે મૂર્તિ ઊઠાવવાની છે એ છપ્પને ઈશારો કરેલા છત્રી જેવા ઓટલા આસપાસ જ હોઈ શકે.

દેવીમાની મૂર્તિ સમક્ષ તેણે ચૂંદડી ધરી, પૂજાપો મૂક્યો, સાષ્ટાંગ દંડવત્ત કર્યા. ફાતિમા અને ચંદા ય તેનું અનુકરણ કરી રહી.

'તમે અહીં પોરો ખાવ...' મંદિરની પરસાળમાં બેઠેલી ઘૂમટો તાણેલી બીજી ત્રણ-ચાર ઓરતો ભણી ઈશારો કરીને તેણે ફાતિમા-ચંદાને કહ્યું, 'હું જરા... ' ટચલી આંગળી જરાક લંબાવીને તે પગથિયા ઉતરી ગયો.

આખા રસ્તે તે દુબળીની ઝલકથી ભ્રમિત થતો રહ્યો હતો પણ હવે તેને એ મૂર્તિની તાલાવેલી લાગી હતી... જે તેણે ઓળખવાની હતી... દુબળીને જે મૂર્તિનો ખપ હતો... આ મૂર્તિ પણ જો વામપંથી હોવાના સંકેત ધરાવતી હોય તો...

પગથી માથા સુધી ઉશ્કેરાટ ત્વરિતને ઘેરી વળ્યો હતો.

***

ત્વરિતે છત્રી ભણી કદમ ઉપાડયા બરાબર એ જ વખતે ત્રણ સ્થળે ત્રણ અલગ ઘટના બની.

અલાદાદે કરેલા સંકેતને પારખીને ઢુવાઓની પાછળથી કન્સાઈન્મેન્ટના કોથળા લઈને ચાર આદમી ખુબરાનો ઢાળ ઉતરવા લાગ્યા. ત્વરિત રસ્તો ચૂક્યો ત્યારે ઢુંગામાં લપાયેલા પાકિસ્તાનીઓએ પણ જીપને જોઈ હતી અને જીપની પાછળ આવતા બાઈકસવારને ય જોયો હતો. પરંતુ અલાદાદના ઈશારામાં તેમણે 'સબ સલામત'નો સંકેત સમજ્યો.

જીપની પાછળ આવેલા બાઈકસવારે જીપથી સ્હેજ દૂર બાઈક પાર્ક કર્યું ત્યારે તેને જોઈને અલાદાદ વળી નવી મૂંઝવણમાં પડી ગયો. રેતીના વંટોળ, જીપની ડમરી અને ખાસ તો બે દિવસથી વાહનની રાહ જોઈને કંટાળેલા પોતે ઉતાવળમાં સંકેત આપી દીધો હતો કે શું? નાગૌરથી મોટાભાગે કમાન્ડર ગાડી આવતી પણ ક્યારેક વિલિઝમાં ય અહીંથી માલ ગયો જ હતો.

તેણે બાઈકસવારને ધ્યાનથી નીરખ્યો. રેગિસ્તાનના આ અવાવરૃ ઇલાકામાં રેતીના ઢુવાઓ વચ્ચેથી પસાર થતી સાંકડી, ઉબડખાબડ કેડીઓ પર બાઈક ન જ ચાલે એવું તો ન હતું પણ રેગિસ્તાનના પૈદાઈશી બાશિંદા તરીકે અલાદાદને બરાબર ખબર હતી કે અહીં મોટરસાઈકલ ચલાવવા માટે અહીંની ધરતીમાં જન્મવું જરૃરી હતું. અજાણ્યો આદમી તો જરાક કેડો ચૂક્યો એટલે જિંદગીભર રણમાં ગોળ-ગોળ ઘૂમ્યા કરે તોય બહાર ન નીકળી શકે.

અહીંના એકેએક કેડાથી, રેતીના કળણથી અને ખસતાં ઢુવાના મિજાજથી વાકેફ હોય એવા સ્થાનિકો જ મોટરસાઈકલ વાપરતા હતા અથવા હાઈરેન્જ વોકીટોકી સેટ લઈને નીકળતા બીએસએફના જવાનો, પણ એ લોકો બીએસએફના એનફિલ્ડ મોટરસાઈકલ વાપરતા હતા જ્યારે આ આદમી તો પલ્સર લઈને આવ્યો હતો.

તો શું એ સ્થાનિક કસ્બાનો હતો?

અલાદાદે સલામત અંતર રાખીને તેને ફરીથી નીરખ્યો. ના, તેનો નાક-નકશો સ્હેજે ય સ્થાનિક નથી. તેની આંખો ઝીણી છે. નાક ચપટું છે. ગાલ પર ચરબીના સ્હેજ થેથર છે. અહીંનો જવાન આવો ન હોય. તેની આંખો પાણિયાળી અને નાક અણીદાર હોય અને ગાલ પર ચરબીના ઢોરા તો શક્ય જ નથી. રણના વિષમ હવામાન વચ્ચે જીવતા આદમીના ચહેરા પર પણ રેગિસ્તાનની વિરાની વર્તાઈ જાય. આ તો સાલો ગલગોટા જેવો લાગતો હતો. તો પછી...

ભડકેલો અલાદાદ ફરીથી ટિંબા પર ચડયો અને હાથ લહેરાવીને બીજો સંકેત કરવા જતો હતો ત્યાં જ તેણે જોયું કે ચાર-ચાર આદમીઓ બે જૂથમાં વહેંચાઈને ઢુવા પરથી કોથળા ઉતારી રહ્યા હતા.

અલાદાદ ઘાંઘો બની ગયો. હવે તેણે જીપ લઈને આવેલા આદમીને જ ઝાલવો રહ્યો.

વિલિઝ જીપ મંદિર પરિસરમાં પહોંચી ચૂકી છે, બે ઓરત અને એક આદમી મંદિરમાં ગયા છે, પીછો કરતો જવાન પણ પહોંચી ચૂક્યો છે અને જીપ લઈને આવેલો માણસ હવે છત્રી ભણી જઈ રહ્યો છે એ દરેક વિગત વોકીટોકી પર ધ્યાનથી સાંભળીને કાગળ પર પોઝિશન ટપકાવી રહેલા વિશ્વનાથ તેમના સબ ઈન્સ્પેક્ટરે મારેલા હળવા ઠોંસાથી ચમક્યા. અણગમાથી તેમણે જોયું તો ઢુવા તરફ બાયનોક્યુલરથી તાકી રહેલો સબ ઈન્સ્પેક્ટર તેમનું ધ્યાન ખેંચતો હતો. તેનો ઈશારો સમજીને ચોંકેલા વિશ્વનાથે પોતે બાયનોક્યુલરમાં આંખ માંડી અને તેમના ચહેરા પર તંગદીલી ધસી આવી. ચાર-ચાર આદમીઓ બે જૂથમાં વહેંચાઈને ઢુવા પરથી કોથળા ઉતારી રહ્યા હતા.

***

છત્રીના ઓટલાને ટેકો દઈને અદ્દલ દેહાતી સ્ટાઈલથી બેઠેલા છપ્પનને જોઈને આ તંગદીલીમાં ય ત્વરિતને હસવુ આવી ગયું. પોતે આવી રહ્યો છે તેનાંથી સાવ બેખબર હોય એ રીતે મોં ફેરવીને બેઠેલા છપ્પને જકડાઈ ગયેલા હાથના સાંધા છૂટા કરતો હોય તેમ ડાબો હાથ ડાબી દિશા ભણી લંબાવીને ખેંચ્યો, ફરીથી યથાવત વાળ્યો, ફરીથી ખેંચ્યો. આ સહજ ચેષ્ટા ત્વરિતને સમજવા માટે પૂરતી હતી.

ઓટલા પાસે તેણે જોડાં ઉતાર્યા અને ડાબી તરફ નીચે ઉતરતા પગથિયા ભણી આગળ વધ્યો.

રેતી-મુરમ અને ધૂળથી ખરડાયેલા પગથિયા ઓટલાની નીચેના ભોંયરા તરફ ખુલતા હતા. હવા-ઉજાસ વગરના ભોંયરામાંથી સદીઓના બંધિયારપણાંની વાસ આવતી હતી પણ એ વાસથી વિચલિત થવાને બદલે ત્વરિતની આંખો તાજુબીથી વિસ્ફારિત થઈ રહી હતી.

ઓટલાની બરાબર નીચે લગભગ સાડા ત્રણસો-ચારસો ચોરસ ફૂટના વિસ્તારમાં ભોંયરું પથરાયેલું હતું. દસેક પગથિયા ઉતરીને તે અંદર પ્રવેશ્યો. પોતાનો હાથ સુદ્ધાં ન દેખાય એવું કાળાડિબાંગ અંધારું વટાવ્યા પછી છેક નીચે બે-ત્રણ ફાનસ અને આઠ-દસ દીવડાં પ્રગટાવીને યાત્રાળુઓની સુવિધા માટે ઝાંખોપાંખો ઉજાસ કરાયો હતો.

ત્વરિતે ખિસ્સામાંથી મીની ટોર્ચ કાઢીને તેનો શેરડો ફેરવી દીધો.

ભોંયરાની જમણી તરફ મધ્યમ કદના ગોખલા, ઉપર તોરણ જેવી બાંધણીમાં કશીક ખરડાયેલી આકૃતિઓ, દરેક ખૂણે સ્તંભ પર સિંહાકૃતિ, વચ્ચે એક મોટા થાળા પર પથ્થરનું એક ખરબચડું, તૂટેલું આસન અને ડાબી તરફ દિવાલમાં જડેલી બિહામણી લાગતી ત્રણ ભગ્ન મૂર્તિ...

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Ashish

Ashish 3 દિવસ પહેલા

DR HEMAXI AMBA

DR HEMAXI AMBA 3 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 4 માસ પહેલા

Dharti Tank

Dharti Tank 5 માસ પહેલા

Shivram lodha

Shivram lodha 10 માસ પહેલા