Karnalok - 21 books and stories free download online pdf in Gujarati

કર્ણલોક - 21

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 21 ||

નદીતટની સવાર જેટલી આલ્હાદક, ઉત્સાહથી છલકતી અને જીવંત હોય છે તેટલી જ તેની સાંજ ગમગીન, ઉદાસીન અને ઢળતી મને લાગી છે. મહી, નર્મદા, ગોદાવરી કે ક્રિશ્ના, કાવેરી કોઈ પણ નદીની સવારનું એક આગવું લાવણ્ય મને હંમેશાં ખેંચતું રહ્યું છે. બપોરની નદી પણ તેની શાંતિ અને કિનારા પર ધોવાતાં કપડાંના લયબદ્ધ તાલથી મને મોહ પમાડતી જ રહી છે; પરંતુ બપોર ઢળે અને સાંજ પડતી થાય કે મને નદીતટ છોડી જવાની અદમ્ય ઇચ્છા થઈ આવે છે. દિવસનું છેલવેલું પાણી પીને પાછાં ફરતાં ઢોર, થાકથી લદાઈને પાછી ફરતી હોડીઓ, કિનારા પર જામતું જતું સૂમસામ મૌન એક અજબ રહસ્યમય વાતાવરણ સરજીને એવો જ રહસ્યમય અણગમો પ્રેરતું લાગવા માંડે છે. સાંજનો, સંધ્યાનો એ સમય નદીકિનારે વિતાવવો જેટલો ગમે છે એટલી જ ત્યાંથી દૂર ભાગી જવાની ઇચ્છા પણ બળૂકી થઈ પડે છે.

વર્ષો પછી આજે મહીસાગરને કિનારે એક એવી જ સાંજે એકલો બેઠો છું. નદી, રેતી, પથ્થરો અને કિનારાનાં વૃક્ષો સિવાય જે પરિચિત હતાં તે બધાં એક એક કરીને છૂટી ગયાં છે.

જેને ભૂલી ગયો છું તેમ માનતો હતો તે બધાં એમ એકાએક મન પર કબજો જમાવીને બેસી જશે તે કલ્પના પણ નહોતી. હું તો અહીં આવવાનો પણ નહોતો. કોઈ અપરિચિત જને મને આ રીતે કાગળ લખીને બોલાવ્યો ન હોત તો ન આવત. એક અજાણ્યા જણના પત્રથી ખેંચાઈને જ આટલાં વર્ષે ફરીથી અહીં આવી રોકાયો છું. એ સિવાય દક્ષિણમાં ગયા પછી પાછું આ બાજુ આવવાનું કોઈ કારણ પણ ક્યાં હતું?

હજી ગઈ કાલ કહી શકાય એવા સમય સુધી હું માનતો હતો કે જે રાતે અહીંથી નીકળ્યો તે રાતે જ મારા પીળા મકાન સાથેના સંબંધોનો અંત આવી ગયો હતો. હા, કેટલીક સ્મૃતિઓ જરૂર રહી હશે; પરંતુ એ તો દરેક માનવીને હોય છે તેવી.

આજ અચાનક, જે પ્રસંગોને હું સફળતાપૂર્વક વિસ્મૃતિમાં ધકેલી શક્યો છું તેમ માનતો હતો તે સ્મૃતિનાં પડળો તોડીને એક પછી એક નજર સામે આવીને ઊભા રહે છે.

હા, યાદ આવે છે. બરાબર યાદ છે. તોફાનો શાંત થઈ ગયા પછી મેં નવેસરથી રિઝર્વેશન કરાવ્યું તે પંદર દિવસ પછીની ગાડીમાં મળ્યું, મહેશભાઈ થોડા અકળાયા; પણ કંઈ બોલ્યા નહોતા.

દુર્ગા રાહતછાવણીમાં અઠવાડિયું રહીને પાછી આવી. માધો અને લક્ષ્મી તેને છાવણીની ઝીણી ઝીણી વિગતો પૂછતાં રહ્યાં, ‘ત્યાં કોણ વધારે હતા? આપણા વાળા કે એ?’

‘એ જોવા તમારે ત્યાં આવવું જોઈતું હતું.’ દુર્ગાએ ક્રોધ દબાવીને જવાબ આપેલો. પૂછનારને સમજાઈ ગયું કે વધુ પૂછવાનો કશો અર્થ નથી.

દુર્ગાનું પાલિતાણા જવાનું અટવાયેલું તે ફરી નક્કી થયું. મારી ટ્રેન ઊપડે તેના એકાદ કલાક પહેલાં જ તેની ટ્રેન પણ રવાના થતી હતી. તેને વળાવીને હું અને નંદુ પ્લૅટફૉર્મ પર મૌન બેસી રહેલા.

મારી ગાડી ઊપડવાની ઘડીએ નંદુએ મને આવજો કહેવાને બદલે દુર્ગાની વાતે મને ઠપકો આપેલો. તે પછી આજ સુધી દુર્ગાની વિદાય વખતની ઘટેલી ઘટનાના દોષે મને રાતોની રાતો ઊંઘવા દીધો નથી.

ત્રણેક દિવસની રેલસફર મને પીળા મકાનથી, દુર્ગા અને નંદુથી દૂર ને દૂર લઈ ગઈ. મેં મારા નવા કામના કાગળો તપાસી જોયા. ધંધાને લગતી કેટલીક નોંધો કરી, એ પછી પણ જ્યાં ડાયરી લખવા બેઠો ત્યાં મારું મન ઉદાસીથી ઘેરાઈ ગયું.

મદુરાઈ સ્ટેશને શ્રીનિવાસ તેડવા આવ્યા ત્યારે મન થોડું સ્વસ્થ થયું. આધેડ ઉમ્મરના શ્રીનિવાસે મને સર કહ્યો. મેં કહ્યું, ‘આપ મુઝે નામસે બૂલાઈએ. સર મત કહીએ.’

‘નો હિન્દી. સર, ઇંગ્લિશ.’ પછી કહે, ‘સંસ્ક્રીત વિલ ડૂ સર.’

મને આવડતું હતું તેવા અંગ્રેજીમાં મેં તેને સમજાવ્યું કે મને નામથી બોલાવે. કંઈ કેટલેય વરસે મેં મારું નામ કોઈને જણાવ્યું.

શ્રીનિવાસે મને હોટેલમાં ઊતરવા ન દીધો. ‘ફર્સ્ટ હોમ.’ કહેતો તેને ઘરે લઈ ગયો. ઘરે જવામાં મને કોઈ વાંધો ન પડે એટલા ખાતર બિચારાએ ચોખવટ પણ કરી કે પોતે શુદ્ધ, સનાતન બ્રાહ્મણ છે. ‘પ્યોર બ્રહ્મીન. ઐયર ફૅમિલી.’

તેણે આ કહ્યું કે મને દુર્ગાની વાત યાદ આવી. તે રાહતછાવણીમાં કામ કરીને આવી તેના ત્રણેક દિવસ પછી તે બાગમાં ઊંધા પગ નાખીને કંઈક લખતી બેઠી હતી. હું ત્યાં ગયો અને પૂછ્યું, ‘શું લખવા બેઠી?’

‘કેમ્પમાં સાથે હતા તે લોકોને કાગળ.’

‘હું જઉં પછી મને પણ લખજે.’ મેં મજાકમાં કહ્યું.

‘જેનું નામ ન જાણીએ એને શું લખીએ?’ દુર્ગાએ તીર તાક્યું.

‘કહી દઉં.’ મેં કહ્યું. ‘નાનપણે તો બીક લાગતી કે મામા પકડીને પાછો લઈ જશે એટલે કહ્યું નહોતું. તમે કોઈએ પૂછ્યું પણ નહોતું. હવે કહે તો સાતે પેઢીનાં નામ બોલી દઉં.’

દુર્ગા લખતી અટકીને સરખી બેઠી. તેના મુખનો રંગ બદલાયો. તેણે કહ્યું, ‘તું નનામો રહે એ જ સારું છે. હવે આગળ કહું?’

‘કહે.’

‘એકવાર મેં તને કહેલું કે મારે તને એક વાત કહેવાની છે તે યાદ છે? તે હવે કહું છું સાંભળ, તું દર વખતે સાત પેઢી સાત પેઢી કહ્યા કરે છે તો એનાથી આગળ તારી કોઈ વંશાવળી નથી?’

દુર્ગા ચિડાઈ છે તે સમજાયું પણ તે શું કહેવા માગતી હતી તે ખબર ન પડી. મેં કહ્યું, ‘હોય જ ને. હજારો પેઢી હશે. કદાચ લાખો. પણ એમ આગળના બધાના નામની તો કોને ખબર હોય?’

‘નામની વાત છોડ. મને એ કહે કે તારી પૂર્વજ હજાર કે લાખ પેઢી સદાકાળ એક જ વંશમાં આગળ ચાલી છે એવું તું છાતી પર હાથ મૂકીને કહી શકીશ? આગળની કોઈ પેઢીમાં, કોઈ બીજી તો કલ્પના ન કરીએ; પણ કોઈએ કોઈને દત્તક પણ નહીં જ લીધું હોય એ તું ખાતરીથી કહી શકીશ?’

હું કોઈ જવાબ આપી શક્યો નહોતો. મને આવા શબ્દોથી લાગી આવ્યું હતું તે દુર્ગા જાણી ગઈ હોય તેમ બોલી, ‘તને જે લાગ્યું હોય તે. મને એની પડી નથી. હવે પછી પેઢીઓની વાત મારી પાસે કરતો નહીં.’

શુદ્ધ ઐયર હોવાની વાત કરતા શ્રીનિવાસને હું આવો પ્રશ્ન પૂછી શકું તેમ નહોતું. દુર્ગાને હતો તેવો, કોઈ પણ માન્યતાને એક ઝાટકે તોડી પાડવાનો અધિકાર મારી પાસે નહોતો. મારે તો સામા માણસને કેવું લાગશે? મારી છાપ કેવી પડશે? આ બધું વિચારવું પડે છે. દુર્ગા ચિંતા છોડીને આચરતી. જેને પોતાની છાપની પરવા ન હોય તેવાં મનુષ્યો પૃથ્વી પર ક્યારેક અને એકાદ જ જન્મે છે. અનેક નહીં.

ઐયરના કુટુંબમાં તેનાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ એટલાં હતાં. શ્રીમતી ઐયરને હું પગે લાગ્યો. ત્યાં સ્વસ્થ થઈ, જમીને અમે શૉ-રૂમની જગ્યા માટે મકાનદલાલને મળવા ગયા.

તે ઘડીથી હું સતત કામમાં ડૂબતો રહ્યો. માત્ર સંન્યાસીને જ પૂર્વ જીવનને ભૂલી જવું પડે છે તેવું નથી. હરીફાઈમાં ટકી રહીને નવું કામ ઊભું કરવા મથતા દરેકે પૂર્વાશ્રમની સ્મૃતિઓને ખૂણામાં ધકેલી દેવાની હોય છે.

મહેશભાઈને અહીંની રજે રજ માહિતી મોકલવી, તેમના નિર્ણયની રાહ જોવી અને સૂચનરૂપે મળતા હુકમોનો અમલ કરવો. કામ રાત સુધી ચાલતું.

હું ત્યાં આવતો-જતો રહીશ કહીને મહેશભાઈ શરૂઆતમાં વરસે એક વાર આવતા. પાંચેક વરસે તેમનાં દીકરી પૂર્વી અને જમાઈ આવ્યાં. એ બેઉને મુલાકાત લઈને પાછા જવાનું નહોતું.

જમાઈબાબુનો વર્તાવ પ્રેમાળ હતો. છતાં મને મહેશભાઈ સાથે જે સરળતા રહેતી એ ઓછી થઈ ગઈ. એનો કોઈ વાંધો ન આવત. હું હજી પણ ત્યાં જ કામ કરતો હોત; પરંતુ દરેક વાતનો એક સમય હોય છે.

એવી જ એક સાંજે મહેશભાઈ આવ્યા હતા અને તેમની પુત્રીએ મને જમવા નોતર્યો. જમીને અમે આગળના કમરામાં કૉફી પીતાં ધંધાની વાતો કરતાં હતાં. અચાનક મહેશભાઈએ મારી અંગત ચિંતા કરતા હોય તેવો ભાવ લાવીને કહ્યું, ‘તારું ઘર કેવું છે? કંઈ નવું સજાવવું હોય તો ગમે તે લઈ લેજે. અને હવે એકલો ક્યાં સુધી રહેવાનો છું? કોઈને શોધી લે. કોઈ ના મલે તો પછી તમારી પેલી કોણ? દુર્ગાનું ગોઠવીએ.’

હું હતપ્રભ થઈ ગયેલો. અચાનક આ રીતે જાહેરમાં દુર્ગાનો ઉલ્લેખ થાય તે મને મંજૂર નહોતું. એ પણ માફ; પરંતુ ‘તમારી પેલી કોણ? દુર્ગા...!’

દુર્ગાની ગેરહાજરીમાં પણ તેનું આવું અપમાન હું સહી શકું તેમ નહોતો. હું ઘડીભર કંઈ બોલી શક્યો નહોતો. મને ન ગમે તેવું કંઈક બોલાઈ ગયું છે તેવો ખ્યાલ આવતાં મહેશભાઈ આગળ કંઈ બોલતા અટકી તો ગયેલા; પણ હું અસ્વસ્થ જ રહેલો.

મને ક્રોધ આવેલો તે છતાં મને હતું કે આવું તો ક્યારેક થઈ જાય. કોઈનો પણ સાથ છોડી દેવા માટે આટલું કારણ પૂરતું ન ગણાય તે પણ હું જાણતો હતો. એવામાં જે બન્યું તેનાથી મારો વિશ્વાસ ડગી ગયો.

મહેશભાઈ બે દિવસ રોકાયા. જમાઈબાબુની કેબિનમાં તે બેસતા. તે સાંજે પૂર્વી પણ શૉ-રૂમ પર આવી હતી. હું મહેશભાઈની એર ટિકિટ અને બીજા કાગળો તેમને પહોંચાડવા કેબિનમાં પ્રવેશતો હતો.

મહેશભાઈ તેમના જમાઈ સાથે વાતો કરતા હોય તેમ લાગ્યું, ‘આપણે કામથી મતલબ. કામ કરે ત્યાં સુધી ઠીક છે. તમને જે ફેરફાર કરવાનું જરૂરી લાગે તે કરજો.’

હું દરવાજે અટકી ગયો. જમાઈ કહેતા સંભળાયા, ‘પૂર્વી ના પાડે છે. એ કહેતી હતી કે તમારો અંગત માણસ છે. એટલે તમને પૂછી લીધું.’

જવાબમાં મહેશભાઈ હસ્યા અને બોલ્યા, ‘શાનો અંગત માણસ? મૂળે ઘેરથી ભાગેલો છોકરો. આ તો જી’ભૈએ કહેલું એટલે આપણે દુકાન કરવા જગ્યા આપેલી. જોકે એનું કામ સારું. હાથનો ચોખ્ખો પણ ખરો. એટલી વાતમાં એ કંઈ આપણો ન ગણાય. આ તો મેં ઠેકાણે પાડ્યો. નહીંતર હજીયે પંચર કરતો હોત.’

મારી માન્યતાઓને જબ્બર ઠેસ લાગી હોય તેમ મનમાં કળ વળી ગયેલી. મહેશભાઈને મારા પર ભાવ છે, આટલું મોટું કામ સોંપીને તેમણે મને પોતાનો ગણ્યો છે એ બધાં સપનાંની ઇમારત કડડભૂસ થઈ ગઈ.

મેં દરવાજો ખટખટાવ્યો. અંદર જઈને મહેશભાઈને ટિકિટ અને કાગળો આપ્યા. સાંજે તેમને ટ્રેન ઉપર મૂકવા ગયો ત્યારે મેં કહ્યું, ‘તમે જમાઈબાબુને કહેતા જજો કે બીજો માણસ શોધી લે. હું કાલથી આવવાનો નથી.’

જમાઈબાબુ સામે જ ઊભા હતા. તેમણે પૂછ્યું, ‘કેમ?’

મેં કશો જવાબ ન આપ્યો. મહેશભાઈ મને જોઈ રહ્યા અને પૂછ્યું, ‘અચાનક કેમ કંઈ?’

‘મને તિરુચિરામાં બીજું કામ મળ્યું છે.’ મેં કહ્યું.

પૂર્વી ત્યાં જ ઊભી રહીને વાત સાંભળતી હતી, તેણે પતિના કાનમાં કહ્યું, ‘આપણે એની માફી માગવી જ જોઈએ.’

એ લોકોને ચર્ચા કરતાં મૂકીને હું ત્યાંથી નીકળી ગયો. બીજે દિવસે ઑફિસે જઈને કોઈ પણ કારણ દર્શાવ્યા વગર રાજીનામું આપીને હું તિરુચિરાપલ્લી ગયો. ફરી એક વખત સાવ નવી શરૂઆત કરી.

આ દિશામાં પાછા આવવાનો માર્ગ આમ બંધ થઈ ગયો. વર્ષો વીતતાં ગયાં. અથાક મહેનત કરી. દક્ષિણના દરેક મોટા શહેરમાં મારી આણ વર્તે તે માટે મેં જિંદગી ખર્ચી નાખી. આથમતી સંધ્યાએ ક્યારેક સવાર સાંભરી આવે તેમ કોઈ કોઈ વાર મને આ વાડી, પીળું મકાન અને મારી નાનકડી દુકાન સાંભરી આવતાં થયેલાં; છતાં અહીં આવવાનો વિચાર મને આવ્યો હોય તેવું યાદ નથી આવતું.

આ બધું અચાનક એકસાથે સાંભરી આવ્યું મોહીન્દરના પત્રથી. મોહીન્દર કોણ છે, એની માતા કોણ છે? કશી જ ખબર નથી, તેમ છતાં તેના ચાર-પાંચ લીટીનો કાગળ મને ફરી અહીં ખેંચી લાવ્યો.

દશેક દિવસ પહેલાં બપોરની ટપાલમાં આવેલો પત્ર કેટલીયે વાર વાંચી ગયો છું પણ કોઈ તાળો મળતો નથી. કાગળ લખનારો પંજાબનો. મારે પંજાબ સાથે કોઈ સંબંધ ક્યારેય નહોતો. મારું સરનામું તો ખેર, એને ગમે ત્યાંથી મળી રહે એટલી તો મારી કંપનીની ખ્યાતિ હતી જ.

મારું નામ તો મારી નજીકના કર્મચારીઓ અને બૅન્કરો સિવાય કોઈને ભાગ્યે જ ખબર હોય. એટલે જ એ પત્રમાં મારું નામ નથી.

કાગળમાં જે લખાયું છે તે એ છે કે નિમુબહેનની વાડીની જમીન પર નિમુબહેન કરતાં તેવાં કામ ફરી શરૂ કરવામાં મોહિન્દરને મારી મદદની જરૂર છે. આ ઉલ્લેખ મારા માટે રહસ્યમય હતો.

નિમુબહેને આખરી પળોએ તેમની જમીનના કાગળો નેહાબહેનને મોકલાવેલા તે લઈને હું જ ગયેલો. કદાચ એ વિલ પ્રમાણે જમીન નેહાબહેનને કે કોઈ બીજાને મળી હોય અને તેમણે આ મોહીન્દર પંજાબીને તે જમીન પર પ્રવૃત્તિઓ કરવા કહ્યું હોય. તેમ બને. પણ છેક પતિયાલાનો કોઈ માણસ અહીં? મને કંઈ જ સમજાતું નહોતું.

પત્રમાં મોહીન્દરે પોતાના ફોન નંબર અને સરનામા સિવાય પોતાની બીજી કોઈ ઓળખ જણાવી નહોતી. સૌથી વધુ અજાણ્યો એક ઉલ્લેખ પત્રમાં એ હતો કે ‘આ બાબતે જરૂર પડે ત્યારે તમને લખવાનું મમ્મીએ મને કહેલું...’ તે પછી પોતે ગુજરાત ક્યારે પહોંચશે વગેરે વિગતો આપી હતી.

મેં પત્રમાં આપેલા નંબર પર ફોન પણ કરેલો. ઑફિસમાં બહાર બેઠેલી રિસેપ્શનિસ્ટ પાસેથી મળે છે તેવો જવાબ ‘સર તો બાહર ગયે હુએ હૈ, ગુજરાત ગયે હૈ. આપ દો વિક કે બાદ...’

મેં પણ ગુજરાતની ગાડીમાં ટિકિટ કરાવવાની સૂચના આપેલી. અહીં મળવાની નક્કી તારીખના બે ત્રણ દિવસ પહેલાંની. અહીં આવીને જમીન વિશે, તેની માલિકી વિશે બને તેટલી તપાસ કરી લેવાની વૃત્તિ ઉપરાંત આ સ્થળ પ્રત્યેનો લગાવ, તેની મોહિની પણ મને ખેંચી લાવી છે. હવે મોહિન્દર આવશે. હું તેની રાહમાં છું.

ગઈ કાલે સાંજે શહેરના સ્ટેશને ઊતર્યો. મેં જોયેલી તેનાથી અનેકગણી ભીડ-ભાડ. અહીં કદી નહોતાં જોયાં તેવાં વાહનો. પહેલાં તો પીળું મકાન જોવા જવાની ઇચ્છા થઈ. ટેક્સી કરીને ગયો તો હવે ત્યાં શોપિંગ સેન્ટરો છે. પીળા મકાનને દરવાજે હતું તે બોર્ડ હવે ક્યાંક નવે સરનામે શોભે છે. નવે સરનામે શોધવાનું મન ન થયું.

નેહાબહેનને ત્યાં ગયો તો મકાન હતું. ભાડૂત મળ્યાં પણ ખરાં. નેહાબહેન પરદેશ ચાલ્યાં ગયાં છે. રાત હૉટેલમાં વિતાવીને આજે અહીં આવ્યો છું. અહીં બધું એમનું એમ છે. નથી ફક્ત પેલો જૂનો કોલાહલ. નિમુબહેનના ઘરની ચાવી તલાટી પાસે હતી. જૂના સંબંધે તેનાથી થઈ તેટલી દેખભાળ તેણે કરી છે. સાથે આવીને તેણે ઘર ખોલી આપ્યું.

બપોરે પંચાયતને ચોપડે જમીનના જૂના વ્યવહારો તપાસવા ગયેલો. ત્યાં મૂળમાલિકોનાં નામો જોતાં અંતિમ નામ વાંચ્યું.મોહિન્દર પંજાબી. છેલ્લા માલિક નિમુબહેન પછી તરત જ આ નામ.

તલાટીએ પોતે કે ગામનાં બીજાં કોઈએ આ મોહિન્દરને કદીયે જોયો નથી. જૂના જાણકારોના કહેવા પ્રમાણે છેલ્લે જી’ભાઈ જે નોંધ કરાવી ગયા હતા તે આજે પણ એમની એમ છે. જમીન ખેડાવવાનું અને તેનાં મહેસૂલ, વેરા વગેરે ભરવાનું કામ મોહિન્દરના કોઈ મિત્ર વખતોવખત આવીને નિયમિત કરી જાય છે. કામ કરનારા મજૂરોએ મિત્રનું નામ કહ્યું ‘મનોજ ભૈ.’ પણ શહેરમાં તે ક્યાં રહે છે તેની ખબર કોઈને નથી.

તૂટી ગયેલા ઓટલે બેસીને મેં ક્યાંય સુધી વિચાર્યા કર્યું. મોહિન્દર છેક પતિયાલાનો અને પંજાબી અટકવાળો કોણ હોય? નેહાબહેનનો કોઈ સગો હશે? પણ નેહાબહેન તો ગુજરાતી હતાં. છોડો હવે, જવાબ કાલે મળવાનો જ છે તે વિચારે હું નદીતટે ચાલવા નીકળી ગયો.

નદી. સદા વહેતી, સદા જીવંત મહીસાગર. કેટકેટલી ઘટનાઓની, કેટકેટલાં સપનાંની, કેટકેટલી ઉદાસી અને આનંદની સાક્ષી. હું કોઈ સમયે અહીં, આ જળમાં નહાયો છું. દુર્ગા પણ આ જ સ્થળે આ નદીમાં નહાઈ છે. તે સમયનાં જળ અત્યારે તો અમને બેઉને લઈને કોણ જાણે ક્યાંનાં ક્યાં જતાં રહ્યાં છે. આજનું જળ મને ઓળખતું પણ હશે કે કેમ તે જાણતો નથી. હા, મને ખાતરી છે કે આ કોતરો, આ રેતાળ તટ કશું જ ભૂલ્યાં નહીં હોય. કદાચ એટલે જ હું અહીં, કોતરને મથાળે બેસીને કે આ પથરાળ કિનારે ચાલતો રહીને ભૂતકાળને ફરી ભજવાતો જોઈ શકું છું.

અહીં ડાબી તરફના કિનારે મઢી હતી તે તો હવે મંદિર બની ગયું છે. કદાચ હવે તો મોટું ધામ પણ. કારણ કે આસપાસના ખડકો ઉપર, મોટાં વૃક્ષોનાં થડ ઉપર અને પાછળ નવા બનેલા પાણી પુરવઠા યોજનાના ફ્રેન્ચવૅલની દીવાલે કેટલાંયે યાત્રાળુઓ પોતાનાં નામ લખી ગયાં છે.

મને હસવું આવ્યું. જિંદગીના અંતભાગે મોટી કંપનીનો ચૅરમૅન થયો; પણ જીવનભર હું નામ વગર રખડતો રહેલો છું. આ અજાણ્યાં નામો વચ્ચે જાણે મને શોધતો હોઉં તેમ ઊભો રહું છું. મને પણ નામ લખવાનું મન થાય છે. એક અણીદાર ચકમક લઈને એક ખડક કોતરવા બેસી જઉં છું.

કિનારો શાંત, નિર્જન હોવા છતાં ક્યાંકથી કોઈ અજાણ્યો કોલાહલ મનને ઘેરી વળે છે. મેં ક્યારેક અહીં જોયેલું જગત ફરી મને બોલાવતું હોય તેવું લાગે છે. મારું નામ લખવા હાથ લંબાવું છું તો નજર સામે દુર્ગા દેખાય છે, જાણે પૂછતી હોય, ‘હવે રહી રહીને નામ લખે છે?’

શું જવાબ આપું? મારી ઓળખ કોઈ એક નામને વરેલી ક્યાં રહી છે! મને આજ સુધી થયેલાં સંબોધનો આપોઆપ પથ્થર પર છપાઈ જતાં હોય તેમ દેખાવા માંડે છે.

એક વખત આટલાં બધાં સંબોધનો હોવાથી જ હું મારી જાતને પીળા મકાનના નિવાસીઓથી જુદી, કુળ અને ગોત્રવાન માનતો. આજે, આટલાં વર્ષે આટલાં બધાં સંબોધનોને કારણે જ મને મારી જાત તે નામ વગરના, કુળ વગરના, ઓળખ વગરના લોકની જ જાત લાગે છે. કર્ણને નહોતી તેમ તે અમારા લોકમાં પણ કોઈને પોતાના અસ્તિત્વથી વિશેષ કોઈ ઓળખ નહોતી.

તે દિવસે મદુરાઈમાં શેફાલીને મળવા જતાં થયેલો અનુભવ નજર સામે તરવરી ઊઠે છે અને હું પથ્થર પર નામ લખતાં અટકી જઉં છું.

શેફાલીને મદુરાઈનાં ડૉક્ટર પતિપત્ની દત્તક લઈ ગયેલાં તે તો બધું મારા જ હાથે થયેલું. ત્યાં કામ કરવા માંડ્યું ત્યારથી મને શેફાલીને મળવાની ઇચ્છા હતી. મારી પોતાની જ કંપનીની નવી શાખા ખૂલતી હતી તેના ઉદ્ઘાટન સમારંભ માટે કણ્ણગીને અને તેના પતિને નિમંત્રણ આપવાનું મને મન થયું. સરનામું શોધવું તો પડ્યું પણ બન્ને નામાંકિત ડૉક્ટર હતાં તેથી અઘરું ન પડ્યું. ઑફિસમાંથી તે તબીબ દંપતીને મળવાનો સમય માગતો પત્ર લખાવેલો. સાથે એક અંગત પત્રમાં પીળા મકાનનો સંદર્ભ આપીને શેફાલીને મળવાની ઇચ્છા દર્શાવેલી. ડૉક્ટરો સમય કાઢી શકે તેમ ન હોય તો શેફાલીને હાથે ઉદ્ઘાટન કરાવવાનું પણ ગોઠવી શકાય તેવું પણ લખેલું.

ડૉક્ટર દંપતીએ મારી ઑફિસમાં ફોન કરીને મળવાનો સમય લખાવ્યો. મંગળવારે. તેમના ક્લિનિક પર સાંજે છ વાગે.

મને તો હતું કે બેઉ પતિપત્ની મને ફોન કરશે. કદાચ એકાદ રાત્રે ઘરે બોલાવશે, સાથે જમવાનું કહેશે. શેફાલીને તેના ઘરમાં, નજરે જોઈ શકીશ. એ ભલે મને ઓળખતી ન હોય; હું તેનો અવાજ સાંભળી શકીશ.

થોડી નિરાશા થઈ હતી છતાં મંગળવારે સવારે જ મેં શેફાલી માટે સરસ મજાની ભેટ ખરીદી. કણ્ણગીનું ક્લિનિક અને ઘર એક જ મકાનમાં હશે તેમ વિચારતાં મેં ડ્રાઇવરને સરનામું આપીને સાંજે પાંચ પછી ગાડી લાવવાની સૂચના આપી રાખી.

બરાબર છ વાગે ક્લિનિક પર પહોંચ્યો તો થોડી વાર બહાર બેસવું પડ્યું. પછી અંદર ગયો તો કણ્ણગી, શેફાલીની માતાએ આવકાર આપ્યો અને પિતાએ કહ્યું, ‘આપને મળીને આનંદ થયો પણ અમને બીજી વાર મળવાનો પ્રયત્ન ન કરશો તો ઉપકાર થશે. ખરાબ ન લગાડતા પણ શેફાલીને અમે કહ્યું નથી કે અમે તેને ક્યાંથી મેળવી છે.’

મોઢા પર જ આવા શબ્દો મરાયા હોય ત્યાં હું બીજું શું બોલું તે વિચારી ન શકાયું. હું હતપ્રભ થઈ ગયેલો. ‘ભલે, હું તેને કંઈ નહીં કહું. જરા મળી જ લઈશ. આમ પણ મારો ઇરાદો તેને આવી કોઈ વાત કરવાનો નથી.’ મેં જવાબ આપ્યો.

‘એટલે તમે તેને મળવા માગો છો?’ પિતાએ પૂછ્યું અને કહ્યું, ‘એવો કોઈ આગ્રહ તમે નહીં કરો તેવું હું માનું છું. હા, તમને તેનો ફૉટોગ્રાફ જોવો ગમશે.’ કહીને તેણે શેફાલીનો ફોટોગ્રાફ કાઢીને મારા હાથમાં આપતાં કહ્યું, ‘આ જુઓ, કેવી નમણી અને સરસ લાગે છે અમારી દીકરી. તમે લોકો ધારતા હતા તેવી આંખોની કોઈ તકલીફ પણ તેને નથી. અત્યારે તો નાઈન્થ સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છે.’

મારે શું બોલવું તે હું નક્કી નહોતો કરી શક્યો. મારાથી બોલાઈ ગયું, ‘મને લાગે છે કે ક્યાંક ગેરસમજ થાય છે. આશ્રમ સાથે કે ત્યાંના કોઈ માણસ સાથે મારે કશો જ સંબંધ નથી. હું માત્ર એ લોકોનો પડોશી હતો એટલું જ. અત્યારે પણ હું આશ્રમ તરફથી નથી આવ્યો. હું મારી પોતાની ઇચ્છાથી આવ્યો છું. એ જગ્યા તો મેં છોડી દીધી છે.’

‘જી, ગેરસમજ નથી થતી. હું આપને બરાબર ઓળખું છું.’ કણ્ણગીએ કહ્યું, ‘તમે જ તો શેઠ ફેમિલી પાસેથી કાગળો લેવા મુંબઈ ગયેલા. થેન્ક્સ. વેલ, અમે આપનો આદર કરીએ છીએ; પણ શેફાલીને મળવાનો આગ્રહ જતો કરો તો ઉપકાર.’

પત્નીની વાતને સમર્થન આપતાં ડૉક્ટરે કહ્યું, ‘એ બરાબર કહે છે. શેફાલીને લઈને આવતાં પહેલાં જ અમે પ્રતિજ્ઞા કરી હતી કે તેના પર ભૂતકાળનો પડછાયો પણ નહીં પડવા દઈએ. અહીં તેને કે બીજા કોઈને ખબર નથી કે તે અમારી દત્તક પુત્રી છે. આપ તેને મળવાનો આગ્રહ ન કરો તો અમારા પર ઉપકાર કરશો.’

આવું સ્પષ્ટ વચન સાંભળ્યા પછી પણ એક વાર શેફાલીનો ફોટો નિરાંતે જોઈ લેવાની લાલચ હું છોડી ન શક્યો. ફોટો જોતાં જ મને લાગ્યું કે ન જાણે કેમ પણ શેફાલીની મુખરેખામાં આ ડૉક્ટર અને તેની પત્ની બેઉની ઝલક છુપાઈ છે. હું તો જાણતો હતો કે આ બે જણાં શેફાલીના માતાપિતા નથી; પરંતુ જેને આ વાતની જાણ ન હોય તે તો શેફાલીને જોતાં એમ જ કહે કે આ બાળકી આ ડૉક્ટર દંપતીનું સંતાન છે.

મને ગાડીમાં પેલાં માજીએ કહેલું તે સાંભર્યું, ‘ઈ તો જે રાખે ઈનાં થાય.’ મા-બાપ કે પૂર્વજોના અણસાર બાળકને વારસામાં આવતા હોય તે સહજ વાત તો સ્વીકાર્ય છે; પરંતુ જન્મના થોડા સમયથી જ જેની સાથે સતત રહેવાનું, જીવવાનું થાય તેની આટલી પ્રબળ અસર કે ચહેરાના ઘાટ અને હાવભાવમાં પણ તેની છાંટ આવે! ઘડીભર માની ન શકાય તેવી હકીકત હું ફરી એક વાર નજરે જોતો હતો.

મેં ફોટો પરત આપ્યો પછી ઊભા થઈને ચાલતા થવા સિવાય કંઈ કરી શકું તેમ નહોતું. દાદર ઊતરીને મારી કારમાં બેસી ગયો. ડ્રાઇવરે અરીસામાં ડોકિયું કરીને મારા પડી ગયેલા ચહેરાને બે વાર જોયો. પછી ક્શું પૂછ્યા વગર ઉતારાની હોટેલ તરફ ગાડી ચલાવી મૂકી.

શેફાલીને ન મળાયું તેનો મારે કોઈ અફસોસ કરવાનો નહોતો. ન તે મારી સગી હતી કે ન તે મને ઓળખતી હતી. પણ કોણ જાણે શા માટે તેને ન મળી શકાયાનો અફસોસ મને આજે પણ છે. આજે તો તે ગૃહિણી હશે.

આજે મને થાય છે કે કણ્ણગીએ સ્પષ્ટ શબ્દોમાં વાત કરીને મને દુ:ખ પહોંચાડ્યું હતું તોપણ એક રીતે તેણે મારા પર કૃપા કરી હતી. તે મને સમજાવી ગઈ કે હું, મારા વંશના, પેઢીઓના, પૂર્વજોના ગર્વ સહિત જીવતો આવ્યો છું તે વ્યર્થ છે. મારે કુટુંબ, જ્ઞાતિ કે ગોત્ર હોવાનું મારું અભિમાન મારા સિવાય કોઈને સ્પર્શતું નથી.

એક વાર નિમુબહેને ગોમતીની માને કહેલું, ‘એટલું સમજ કે ગોમતી તેના પોતાના છોકરાની મા થવાની છે. બાળક હંમેશાં માતાનું જ હોય છે એ સમજીશ તો તારી બધી જ ચિંતા ટળી જશે.’

આજે ક્ષિતિજ પર આથમતા સૂર્યને અર્ઘ્ય આપીને કહું છું; હે સૂર્ય, તમે જગત્પિતા ગણાવ છો. માટે હું તમને કહું છું કે હું વંશ, જ્ઞાતિ, સમાજ કે પેઢીના ગર્વરહિત મારી માતાનો જ પુત્ર રહેવાનું પસંદ કરું છું.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED