Karnalok - 4 books and stories free download online pdf in Gujarati

કર્ણલોક - 4

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 4 ||

દુકાન પૂરી તૈયાર થઈ તે દિવસે નંદુ હાજર નહોતો. પૂનમ હતી અને તે તેના નિયમ મુજબ મઢીએ ગયેલો. મઢીથી થોડે જ દૂર નિમુબહેનની વાડી. ત્યાં પણ તે રોકાવાનો હતો. મોહન મારો પહેલો ઘરાક હતો. તેની હાથલારી બહુ ભારે ફરતી હતી તે સરવિસ કરવાનું કહીને ગયેલો. બીજે દિવસે પાછો આવવાનો હતો. ચાર પૈડાં ખોલીને ફરી ફીટ કરવાં તે કંઈ મોટું કામ નહોતું; પણ મારા માટે તો નવું હતું. ગ્રીઝિંગ, ફિટિંગ બધું સાંજ સુધી ચાલ્યું.

રાતે દુકાનમાં જ સૂઈ રહેવાનો ક્રમ બનાવવાની મારી નેમ હતી. પ્રાયમસ પર કાચું-પાકું રાંધીને ખાધું. થોડી વાર બહાર બેઠો. પછી લારીમાં જ ચટાઈ પાથરીને લંબાવ્યું. આકાશ ચોખ્ખું હતું.

નવેક વાગે નંદુ મઢીએથી પાછો આવ્યો. આવતાં જ કહે, ‘લે આ ચોપડી. વાંચી રહે એટલે આવતી પૂનમે બીજી લેતો આવીશ.’ તેણે ત્રણ-ચાર પુસ્તકોમાંથી એક લારી પર મૂક્યું. ઘાસતેલિયા ઉજાશમાં મેં પુસ્તકનું નામ વાંચ્યું, ‘નાનાં યંત્રો અને તેની દેખભાળ.’

‘આ વાંચી જજે. સિલાઈ મશીનથી સાઇકલ સુધીના સાધનોની વાતો છે.’ મારી સામે બેસતાં નંદુ બોલ્યો.

‘તમે લઈ આવ્યા?’ મેં પૂછ્યું.

‘ના. નિમ્બેને તારા માટે મોકલી છે. બીજી અંદરનાં છોકરાંઓ માટે. નિમ્બેન ગામમાં પોતાની લાઇબ્રેરી ચલાવે છે. જાતજાતની ચોપડી મળે. જેને જોઈએ તેને વંચાવે. અહીંનાં બાળકો માટે મફત વાંચવા મોકલે.’

‘હું અહીંનો નથી.’ મારાથી જરા રુક્ષ અવાજે બોલાઈ ગયું. અંધકારમાં પણ નંદુનું મોં ઝાંખું પડતું જોઈ શકાયું.

નંદુ થોડી વાર મૌન રહ્યો. પછી બોલ્યો, ‘મફત એટલે ભેટ નહીં. અહીં બીજે ક્યાંયથી વાંચવાનું ન મળે તે કારણે ત્યાંથી મોકલે છે. એક વાર તને નિમ્બેનને ત્યાં લઈ જઈશ. તને ગમશે. આ ચોપડીઓ તો તે તમને બધાંને વાંચવા મોકલે છે.’

નંદુએ ખુલાસો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ તેનો મને સંકોચ થયો. મેં તેને કહ્યું, ‘એકાદ વખત તમારી સાથે આવીશ.’

હવે નંદુએ આનંદથી કહ્યું, ‘તારે જવાનું તો થશે જ. જા ત્યારે તારા મનમાં કોઈ વાત હોય તો નિમ્બેનને કરજે. મારે તારી કોઈ વાત જાણવી નથી. હું તને તારું નામ સુધ્ધાં પૂછવાનો નથી. પૂછીશ તોપણ તું સાચું કહીશ તેવું હું માનતો નથી. અહીં બીજું કોઈ પણ તને નહીં પૂછે; પણ બને તો નિમ્બેનને તારી વ્યથા-કથા કહેજે. ભર્યુંભાદર્યું ઘર છોડવું પડ્યું હશે તેની પીડા તનેય હશે. નિમ્બેનને કહેજે. એ કંઈક રસ્તો કરશે.’

નંદુની વાત પર મને લગભગ ક્રોધ જેવી લાગણી થઈ. પછી લાગ્યું કે એ એની માન્યતા હોય કે કોઈ પણ વ્યક્તિ પોતાની વાત નિમ્બેનને કહી દે તો તેના બધા પ્રશ્નો આપોઆપ હલ થાય છે, તો મારે તેને તોડી પાડવાની જરૂર નહોતી.

આમ છતાં મેં શાતિથી પણ જવાબ તો આપ્યો જ, ‘તમે મારા વિશે ધારો છો તેવું કંઈ છે જ નહીં. હું ઘર છોડીને ભાગ્યો નથી. મારે ઘર જ નથી. એક વખત હતું. હવે નથી. દૂરનાં મામા-મામી સિવાય મારે કોઈ સગું નથી. મારાં ઘરનાં કોઈ મારી રાહ જોતાં નથી. વળી, સાવ અજાણ્યા એવા કોઈને મારી વાતો મારા મોંએ કરવાનું મારે શું કારણ?’

‘નહીં સમજાય તને.’ નંદુ કહેતો ગયો, ‘અને અજાણ્યું કોણ છે, નિમ્બેન? ભાઈ, આ નંદુ અમસ્તો તને કંઈ કહે તેવો નથી. બધું સમજીને કહું છું. આજે નહીં તો ક્યારેક, તારે જાતે જઈને તેને કહેવું પડવાનું છે. તારે તારી પોથીમાં લખવું હોય તો લખી રાખ. નિમ્બેનને તું કંઈ નહીં કહે તોયે તે તને, તારી પીડાને જાણતાં જ હશે.’

નંદુ ગયો. મારા મનમાં અહીં રોકાવું કે ન રોકાવુંની ગડમથલ ફરી એક વાર રાતભર ચાલ્યા કરી.

બીજે દિવસે સવારના પહોરમાં નવી મુલાકાત માધોની થઈ. મેં હજી દુકાન સાફ કરી હતી. પછી જોઈતી ચીજોનું લિસ્ટ બનાવતો હતો અને તે આવ્યો. જાણે પોતાની દુકાનમાં આવ્યો હોય તેમ બધે અડી અડીને વસ્તુઓ તપાસી. પછી કહે, ‘હજી તો ઘણું ખૂટે છે. હું બજાર જવાનો છું. કહે તો લાવી આપું.’

માધોને મેં જોયો ન હતો પણ તે રાતે ‘નંદુ મહારાજ, આવી ગયા કે...’ પૂછનારા અવાજને હું ઓળખી ગયો. મેં કહ્યું, ‘હું પણ બજારે જ જઉં છું.’

‘તને ટૅણિયાને છેતરી પાડશે. ભાવમાં સમજ નહીં પડે.’ માધોએ કહ્યું અને સ્ટૂલ ખેંચીને બેઠો. પછી કહે, ‘પૈસા-બૈસા જોઈએ તોપણ કહેજે. આપણે વ્યાજવા આપશું.’

‘નંદુકાકાએ મને ઉધાર આપેલા છે. ક્યાંથી શું લેવું સારું પડશે તે પણ તેમણે લખાવ્યું છે. જરૂર પડે તો જમીનવાળા મહેશભાઈને મળીશ.’ ન જાણે કેમ પણ આ માણસ અત્યારના પહોરમાં આવીને બેઠો તે મને ગમતું નહોતું. એવામાં માધોએ બીડી સળગાવા માચીસ માગ્યું કે તરત મેં કહ્યું, ‘અંદર બીડી ન પીશો. પીવી હોય તો બહાર બેસીને પીઓ.’

માધોએ બીડી પાછી ખિસ્સામાં મૂકી અને વ્યંગમાં બોલ્યો. ‘ઓહો! તમે તો શેઠ નીકળ્યા. હા ભૈ, નંદુની દુકાન અને મહેશભાઈ જેવા મોટા માણસનું પડખું. કરો તમ-તમારે કરો દાદાગીરી. કરો.’

માધોની આ ટીકાથી મારું મન ભરાઈ આવ્યું. મેં તેના તરફ ધ્યાન દેવાને બદલે બીજું કંઈ કામ કરવા માંડ્યું એટલે માધો જરા નમ્ર થયો અને બોલ્યો, ‘શું કહું છું? અહીં તને કંઈ વાંધો નહીં. આ જગ્યા જ એવી છે કે અહીં તારું કામ ચાલવાનું. હરીફાઈમાં બીજું કોઈ તો છે નહીં. તું થોડો વધારે ભાવ લઈશ તોપણ છે કંઈ છૂટકો?’ કહીને તેણે એકદમ નવી જ વાત મૂકી, ‘જાતે રાંધતાં આવડે છે? ખાવા-પીવાનું શું કરવાનો?’

‘હજી તો કંઈ કર્યું નથી. જાતે બનાવું કે પછી નંદુકાકા સાથે.’

માધો થોડી વાર કંઈ બોલ્યો નહીં. મને ધ્યાનથી જોયો પછી કહે, ‘અંદર રસોડે પાકું જમવું છે?’

હું તેના કહેવાનો અર્થ તરત તો ન સમજ્યો. પછી સમજાયું કે તે અંદર, બાળકો સાથે જમવાનું ગોઠવવા પૂછે છે. મેં ઊભા થતાં કહ્યું, ‘ના. મારે અંદર આવવું જ નથી.’

‘ધડ દઈને ના પાડીને ઊભો ન થઈ જા. બેસ જરા વિચાર.’ માધો બોલ્યો, ‘રસોડે તારા એક જણથી કંઈ ફેર પડવાનો નથી. તારે ત્યાં સુધી આવવુંયે નહીં પડે. બારોબાર તને પહોંચી જશે.’

મેં ફરીથી ના પાડી તો માધો કહે, ‘તારી મરજી. આ તો તને કામ કરવાનો ટાઇમ મળે. વળી, આ તો કહી મૂક્યું. આજ નહીં તો કાલ, વિચાર થાય તો કહેજે. તું કંઈ બહારનો થોડો છે? અંદરનાં ઘણાં કામ તને મળવાનાં. નલિનીબેન કાલે જ કહેતાં હતાં કે ઑફિસની ચા-પાણીની વ્યવસ્થા કરવાનું કામ મળવાનું.’

‘અત્યાર સુધી કોણ કરે છે?’ મારાથી પુછાઈ ગયું.

‘કોણ તે હું. રસોડું મારા માથે હોય પછી મારે જ કરવું પડે ને?’ માધોએ કહ્યું. અને વગર પૂછ્યે ઉમેર્યું, ‘આમ તો રસોઈ અને કોઠાર નંદુ મહારાજનાં ગણાય. મારી પોસ્ટ તો આસિસ્ટન્ટ કૂકની. કોઠારના હિસાબો પણ નંદુ મહારાજે રાખવાના હોય પણ એ નીકળ્યો વેવલો...’ કહીને માધો અટકી ગયો. બીડીની તલબ માધો લાંબો સમય રોકી ન શક્યો. તેણે સ્ટૂલ લઈને બહાર બેસીને બીડી પેટાવી. પછી બોલવાનું ચાલુ રાખ્યું, ‘રોજે રોજ જોખીને અનાજ, કઠોળ, શાકભાજી કાઢી આપવા પડે, ચોપડા ચીતરવા પડે, સ્ટોક મેળવી રાખવા પડે. આ બધાં કામોનું કોઈ વળતર આપણને મળતું નથી. એનો પગાર જાય છે નંદુ મહારાજને. હવે કહે, આમાં હું કંઈક એકસ્ટ્રા કાઢું તો કાંઈ ગુનો છે? હા, વહેલી સવારે ગરમ પાણી માટે ભઠ્ઠો ચાલુ કરી દેવાનું પણ આપણે માથે.’

માધોએ બીડીનો કસ ખેંચ્યો અને આગળ બોલ્યો, ‘રહેવા માટે ક્વાટર ગણો તો નંદુની બાજુવાળી ઓરડી. એવામાં નંદુ મહારાજ રહે, આપણને તો ના ફાવે. આપણે તો કોઠારની સામે ખાટલો પાથરીને જ સૂવાનું. વરસાદ હોય તો ઑફિસ ક્યાં નથી!’

જવાબ આપીશ તો માધો અટકશે નહીં તેવું લાગતાં હું મૂંગો રહ્યો. નહીંતર કહેત, ‘હા ભાઈ, હા. એવી પંખા વગરની નાની ઓરડીમાં વળી માધોસાહેબથી રહેવાય ખરું!’

અંતે માધો ઊઠવામાં જ હતો ત્યાં સામેથી બસ આવીને ઊભી રહી. અંદરથી એક જાડી, તેલ નાખીને ચપોચપ માથું ઓળેલી, નવાં જેવાં કપડાં પહેરેલી સ્ત્રી ઊતરી અને દરવાજા તરફ ચાલી. મારી દુકાન પર નજર કરતાં તેણે માધોને પણ જોયો હોય તેમ લાગ્યું. તે માધો તરફ હાથ હલાવતી મારી દુકાન તરફ આવી.

તેને આ તરફ આવતી જોઈને માધો ધીમા અવાજે બબડ્યો, ‘આ આવ્યાં લેડી માઉનબેટન. સરકારી પૈસે પાલિતાણાનો ડુંગર ફરી આવ્યાં.’ પછી મોટેથી કહ્યું, ‘આવો લક્ષ્મીબેન, આવી ગયાં!’ તેનો બબડાટ પેલી સ્ત્રી, લક્ષ્મી સાંભળી ગઈ હશે તેવું લાગતાં માધો ખમચાયો.

લક્ષ્મી પાસે આવીને તે ઝૂંપડી પાસે રોકાઈ. મને નખશિખ જોયો પછી લાગલું જ માધોને પૂછ્યું, ‘આ બધો તારો કારભાર કે?’

‘મારે શું?’ માધો જરા ખાસિયાણો પડીને બોલ્યો, ‘આ તો આપણા નંદુમા’રાજનો ભત્રીજો છે. બહેનના કહેવાથી બોલાવ્યો છે. અહીં હાથવાટકો થાય. સાઇકલ-બાયકલ રિપેર કરશે ને ચા-પાણી કરશે. નંદુ મારાજે પૈસા રોક્યા છે.’

આમ સાવ અચાનક માધો આવડું મોટું જૂઠ કોઈ બોલી ગયો તેથી મને ઝાળ લાગી. મેં તરત જ દલીલ કરી, ‘તમને કોણે કહ્યું કે પૈસા નંદુકાકાએ રોક્યા છે? એમણે રોક્યા નથી. થોડા ઉધાર આપ્યા છે.’

‘ઓહો.’ લક્ષ્મી નવાઈ પામતી હોય તેમ આંખો વિસ્તારીને બોલી, ‘અલ્યા તું નંદુકાકાનો ભત્રીજો એમ કે, ખરું? બોલ જોઈએ બેટા, તારા કાકાના ગામનું નામ તો સાંભળું.’

હવે અટવાવાનું થયું. કંઈ સાંભળ્યું ન હોય તેમ મૂંગા રહીને બજાર જવા ઊભા થઈ જવા સિવાય કંઈ થઈ શકે તેમ નહોતું.

માધો નફ્ફટ હસ્યો. લક્ષ્મી દરવાજા તરફ જતાં બોલી, ‘માધિયા, આ લક્ષ્મીએ અડધી જિંદગી અહીં કાઢી. તમારા બધાં જણનાં કામની મને ખબર.’ પછી જરા રોકાઈને કહેતી ગઈ, ‘પાલિતાણા સરકારી કામે ગઈ હતી, બેને મોકલી એટલે. મારી ચિંતા કર છ એ કરતાં તારું જોને. છોકરાંના દૂધમાંથી ભાગ કોણ કાઢે છે તે ’ને અડધું રસોડું કોના ઘર ભેગું થાય છે તે બધુંય જાણું છું. પણ એ બધું કોના મોઢામાંથી આંચકો છો એ ઉપરવાળો જાણે છે એટલું વિચારજો. ઠીક છે કરો જે કરવું હોય તે; પણ લક્ષ્મી પાસે તો સાચું બોલો. હું ક્યાં કોઈને ફરિયાદ કરવા જવાની છું? સીધેસીધું કહી દે ને કે તેં અને નંદુએ ભાગમાં દુકાન કરાવી છે. મને કશીએ આપદા નથી.’

વાત આમ વણસી ગઈ તે મારે મન મોટી પછડાટ હતી.

લક્ષ્મી દૂર પહોંચી પછી ધૂંધવાયેલો માધો બબડ્યો, ‘તને આપદા હોય તોય તારું કશું ઊપજવાનું નથી. અમે દૂધ-ઘી રસોડેથી લાવીએ છીએ તે તુંય ક્યાં સતની પૂંછડી છે?’ પછી મારી સામે જોઈને કહે, ‘સો ચૂહે મારકે... જેવો ઘાટ છે. પોતાને કંઈક મળે છે ત્યારે તો ખુશ થતી લઈ લે છે. બીજાને મળતું જુએ કે એના પેટમાં તેલ રેડાય.’

મેં કંઈ જવાબ ન આપ્યો. બહાર રહેતો હતો. અંદરની બાબતોમાં મારે પડવું નહોતું. તે છતાં મારી દુકાનમાં નંદુનું રોકાણ અને ભાગ છે તેવી વાતો ઊડે તે સ્થિતિ મારાથી સહન ન થઈ. મેં ફરી જોરથી કહ્યું, ‘નંદુકાકાનો આ દુકાનમાં કોઈ લાગભાગ નથી. એમણે તો મને મદદ...’ માધો મારી પૂરી વાત સાંભળ્યા વગર ચાલ્યો ગયો.

મારું મન ભરાઈ આવ્યું. આવી વાતોથી નંદુને કોઈ નુકસાન થવાનું હોય તો મારે દુકાન કરવાનું માંડી વાળવું જોઈએ.

બજાર જવાનું માંડી વાળીને પણ મારે નંદુને આ વાત કરવી હતી. તેની ઓરડીએ ગયો તો નંદુ ત્યાં નહોતો. તેની રાહ જોતાં ત્યાં પડેલી ચોપડી લઈને બારણું અટકાવી, ખાટલા પર લંબાવીને વાંચવા માંડ્યું. થોડી વારે બારણું ખખડ્યું અને તરત ખૂલ્યું.

દુર્ગા ઊભી હતી. અંદર આવતાં તે ખચકાઈ નહીં. થોડી વાર આમ તેમ જોયું પછી પૂછ્યું, ‘નંદુકાકા ક્યાં છે?’

‘ખબર નહીં. મને તો એમ કે તમારા તરફ છે.’ ઝડપથી ઊભાં થતાં મેં જવાબ આપ્યો.

દુર્ગા થોડી પળો કંઈ બોલી નહીં. પછી કહે, ‘બહાર છે તે દુકાન કોની છે, તેં કરી છે ને?’

આ સાંભળીને મને હસવું આવે તે પહેલાં મેં કહ્યું, ‘હા.’

‘સાચું કહેજે, સાવ સાચું. નંદુકાકા તારે કશું થાય છે?’

‘તારે જે થાય છે તે.’ હજી એકાદ દિવસ પહેલાં જ નંદુએ મારી સરખામણી દુર્ગા સાથે કરેલી તે વખતે મને અપમાન જેવું લાગેલું. અને અત્યારે કોણ જાણે કયા રહસ્યમય બળે પ્રેરાઈને મેં સ્વયં મારી સરખામણી દુર્ગા સાથે કરી નાખી હતી.

મેં તેને ગાળ નહોતી દીધી તેની ખાતરી કરતી હોય તેમ દુર્ગાએ મારા સામે સાશંક જોયું. પછી જરા નરમ અવાજે બોલી, ‘તો સાંભળ, માધો અને લક્ષ્મીએ જે કહ્યું તે, દુકાનમાં ભાગવાળી વાત, નંદુકાકાને મોઢે કરતો નહીં.’

‘કશું છુપાવવાના મારા સંસ્કાર નથી.’ મેં સફાઈ આપી.

જવાબમાં દુર્ગા ફરી રહસ્યમય હસી. મને તેનું તે હાસ્ય બરાબર યાદ રહ્યું છે. તે ઉમ્મરે કદાચ તે હાસ્યનો અર્થ નિપજાવી શકું તેટલી સમજ મારામાં નહોતી. આજે લાગે છે કે દુર્ગાના હાસ્યમાં જેટલી ભરપૂર દયા હતી તેટલું જ મને ઊભો ચીરી નાખવાનું સામર્થ્ય પણ હતું. તે હસી ને બોલી, ‘જે વ્યક્તિ મુંબઈની ટિકિટ લઈને બીજે ઊતરી પડે તે મૂંગો પણ રહી જ શકે.’

સાપના ફૂંફાડા સામે ઊભો રહી ગયો હોઉં તેમ મારાં ગાત્રો શિથિલ થઈ ગયાં. મારી ટિકિટ ક્યાં ગુમ થયેલી તે સમજતાં મને વાર ન લાગી. આ વાત પર તો દુર્ગા પર આક્ષેપોની ઝડી વરસાવી શકાય તેમ હતું; પરંતુ તેમ કરી ન શકાયું.

બોલવાનાં ફાંફાં પડતાં હોય તેમ મેં કહ્યું, ‘એ ગમે તે હોય. તારે શી પંચાત? હું દુકાન ચાલુ કરવાનો નથી. અહીંથી જતો રહેવાનો છું. કોઈને માથે, અને ખાસ કરીને જેણે મને મદદ કરી હોય તેને માથે આવી ગંદી વાતની ધમાલ હું થવા નહીં દઉં. નંદુકાકાને વાત કરીને આજે જ અહીંથી જતો રહીશ.’

‘બહુ મોટો, રાજા વિક્રમ થવા ના બેસીશ. નંદુકાકાને કહીને તો ઊલટાનું ઊંધું મારીશ. તું તેમને ઓળખતો નથી. આવી વાત સાંભળીને તો તારા પહેલાં નંદુકાકો પોતે અહીંથી ચાલવા માંડશે. તું જાય તો ભલે પણ એમને જવા ન દેવાય. મેં કહ્યું ને કે કોઈને કંઈ વાત કરવાની તારે જરૂર નથી. ખબરદાર જો બોલ્યો છે તો.’ દુર્ગાએ કહ્યું અને ચાલી ગઈ.

દુર્ગાએ મને રીતસરનો ધમકાવ્યો હતો અને મેં કોઈ જવાબ નહોતો આપ્યો. એ વખતે એવું અપમાન સહન ન કરી શકાયું. મને ભયંકર ગુસ્સો આવ્યો. તોપણ દુર્ગાને કંઈ જવાબ દેવો કે ન દેવો તે વિચારી ન શક્યો. બસ, શાંતિથી સાંભળી લીધું અને નંદુ ઓરડી પર આવે તે પહેલાં બજાર જવા નીકળી ગયો.

સાંજે પાછો આવ્યો ત્યારે દુર્ગા દરવાજા બહાર ઊભી હતી. હું દુકાનમાં ગયો ત્યારે તે પણ આવી અને પૂછ્યું, ‘કંઈ મદદ કરું?’

‘ના.’

‘ચિડાયો છે?’

‘શા કાજે ખિજાઉં?’

દુર્ગાએ આનો જવાબ ન આપ્યો. તે જમીન પર પડેલાં નટ-બોલ્ટને ખાલી ડબલાંમાં ભરવા માંડી અને થોડી વાર રહીને કહ્યું, ‘નંદુને કોઈ કંઈ કહે તો મને લાગી આવે છે.’

‘મારે એ પુરાણ નથી સાંભળવું. માધો ઘણું કહીને ગયો છે.’

દુર્ગાના હાથ કામ કરતાં અટકી ગયા. તેણે મારા સામે જોયું અને બોલી, ‘નંદુની વાતને તું પુરાણ કહે છે? માધોએ તને શું કહ્યું હશે તે જાણું છું. અમને પણ વારે વારે કહેતો ફરે છે કે નંદુનું કામ એને કરવું પડે છે. તેં માની લીધું. અમે નથી માનતાં. એટલો ફેર.’

‘મારા માનવા ન માનવાથી શું ફરક પડે?’ મારી રીસ હજી પૂરી ઊતરી નહોતી.

‘તને ન પડે. નંદુને પડે. એનું કામ માધોને સોંપાયું તેનાંયે કારણો છે. તને નહીં ખબર હોય; પણ હું જાણું છું. નંદુએ તેની નોકરીને પંદરમે જ દહાડે જઈને બહેનને મોઢે કહેલું, ‘બેન, હું રાંધીશ, તમે કહો તેવું, કહો તેટલા વાગે, કહો તેટલી વાર. થશે તેવું બીજું કામ પણ કરીશ; પણ દાણા-દુણી સાચવવા, એના હિસાબ રાખવા તે નંદુનું ગજું નથી. બેન, એ કામ તમે પોતે જ રાખો કાં કોઈ બીજાને સોંપો.’ કહીને દુર્ગા થોડો શ્વાસ લેવા રોકાઈ અને આગળ બોલી, ‘મારો તો ત્યારે જન્મ પણ નહોતો. વાત સાંભળી ત્યારે થયેલું કે અરેરે, આટલું બોલતાં પહેલાં તે ડોસાને કેવી પીડા થઈ હશે! પણ આ બધું તને હજી નહીં સમજાય.’

ત્યારે ખરેખર નહોતું સમજાયું આજે સમજાય છે કે જીવન દરમિયાન માણસ કેટલુંક જતું કરે છે, કેટલુંક માંડી વાળે છે અને કેટલુંક છોડી દે છે. નંદુ માટે પણ આવું બન્યું જ છે. આમાંથી કઈ બાબતને ત્યાગ કહી શકાય તે હું હજીયે સમજી શક્યો નથી. એ સમજવા માટે માણસે જીવનભર જે કંઈ ગુમાવ્યું કે છોડ્યું છે અને એ જે કંઈ પામ્યો કે મેળવ્યું છે તે બધાં પ્રત્યે તેણે અનુભવેલા ભાવોને પૂરી તટસ્થતાથી સમજવા પડે.

આ બધું કરવા પળ-પળ જિવાતા જીવનનો હિસાબ માંડવો પડે. એ પ્રસંગો, એ પળો, એ ભાવો અને એ અગણિત ઘટનાઓ તટસ્થતાપૂર્વક તપાસવા માટે આ પૃથ્વીપટ પર દૂર સુધી પથરાયેલી ધૂળના કણને ઉકેલવા જેટલી ધીરજ અને એટલી સમજણ જોઈએ. ક્યારેય કોઈથી એ થઈ શકશે કે કેમ તે જાણતો નથી; આમ છતાં એક વાત જાણું છું કે નર્યા વર્તન પરથી માણસને માપવો તે ભૂલ છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED