કર્ણલોક - 20 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કર્ણલોક - 20

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 20 ||

તે દિવસે નિમુબહેન આવું શા માટે બોલ્યાં હશે તે મને સમજાયું નહોતું. પછીના સમયમાં થોડું થોડું સમજાયું હોય તોપણ તેમના કથનનો મર્મ મને પહોંચ્યો નહોતો. નિમુબહેનની રીતે વિચારવું મારા માટે સહજ નહોતું. છે અને નથી બન્ને એક જ હોય તે મારાથી મનાયું નહોતું.

આજે આટલાં વરસે, જ્યારે નિમુબહેન નથી, જી’ભાઈ નથી ત્યારે આ વર્ષોથી બંધ ઘરનું, કટાયેલું તાળું ખોલું છું ત્યારે સમજાય છે કે કોઈ નથી છતાં જે હતું તે બધું જ, મારી વધતી, ઢળતી ઉમ્મરની જેમ જ મારી સાથે રહ્યું છે. આજે પણ એ ‘નથી’ થઈ શક્યું નથી.

આ વાડીમાં આવતાં જ નિમુબહેન, જી’ભાઈ બધું તીવ્રતાથી યાદ આવે છે. તે સાથે જ અહીંથી થોડા કિલોમીટર દૂરનું, જેની દીવાલને ટેકે હું મારી દુકાન કરીને રહ્યો હતો તે, પેલું પીળું મકાન, તેનો નાનકડો બાગ, તેની ઊંચી, બંધ રહેતી જાળી, જાળી પાછળ ધબકતી આશા-નિરાશાઓ, તે આખુંયે વિશ્વ આંખ સામે આવીને ઊભું રહે છે. એ લોકમાં થોડાં વર્ષો પણ રહીને મેં કંઈ ગુમાવ્યું છે કે હું કંઈક પામ્યો છું તે હું નક્કી કરી શકતો નથી.

તે સાંજે નિમુબહેનની વાડીએથી નીકળીને ઓરડીએ પહોંચતાં રાત પડી ગઈ હતી. નંદુ પૂજામાં બેઠો હોય તેવું લાગ્યું. ઓરડી ખોલ્યા વગર હું મોહનકાકાને અને સમરુને મળવા ગયો. ત્યાં જ જમ્યો અને ત્યાં જ સૂઈ રહ્યો. સવારે નવેક વાગે કામ પર જતાં પહેલાં નંદુને મળવા ગયો.

નંદુનું ઘર બંધ હતું. જાળી તરફ ગયો તો દુર્ગા ક્યાંય દેખાઈ નહીં. ન છૂટકે મેં જાળી ખોલી તો છોકરીઓના ઓરડામાંથી રેખાએ બહાર ડોકિયું કર્યું. મેં તેને પૂછ્યું, ‘દુર્ગાઈ ક્યાં છે, કરમી?’

રેખા જવાબ આપે તે પહેલાં કરમી કમરામાંથી બહાર આવી અને નંદુના ઘર તરફ હાથ લંબાવતાં બોલી. ‘તાં.’

‘નંદુની રૂમ પર તો તાળું છે.’ મેં કહ્યું.

રેખાએ બહાર આવીને જવાબ આપ્યો, ‘પરોઢિયે ફારુકભાઈ રિક્ષા લઈને આવેલા. નંદુકાકાએ દુર્ગાને જગાડી પછી તે બેઉ નથી. હવે તે ક્યાં ગયાં તે ખબર નહીં. કદાચ નેહાબેનના બાને કંઈક થયું હોય.’

‘નલિનીબેનને કહ્યું તો હશે ને?’ મેં પૂછ્યું.

‘બેનને જગાડ્યાં જ હોય. નંદુકાકા એમને કીધા સિવાય બહાર જાય નહીં. દુર્ગાને લઈને તો નહીં જ.’

અમે વાત કરતાં હતાં એટલામાં માધો આવ્યો. તેણે કહ્યું, ‘બેન જોડે વાત થઈ ગઈ. એવાયાં બેનને કહીને ગયાં. નેહાબેનનું કંઈક કહેણ હતું એમ કે’તાં’તાં.’

હું અસમંજસમાં પડી ગયો. નલિનીબહેનને પણ આનાથી વધુ ખબર હશે કે નહીં તે નક્કી ન કહેવાય. હું નેહાબહેનને મળવા તો આમેય જવાનો જ હતો. નંદુ અને દુર્ગાના ખબર ત્યાંથી તો વિગતે મળી જ રહેશે. મારો સમય બચશે એ વિચારે હું નેહાબહેનના ઘર તરફ ચાલી નીકળ્યો.

નેહાબહેનને ઘરે તેમનાં બા એકલાં હતાં. મેં તેમને નિમુબહેને આપેલું કવર આપતાં કહ્યું, ‘આ કવર નેહાબેનને પહોંચાડવા ‘નિમુબેને આપ્યું છે. એ લોકો ક્યાં ગયાં?’

બાએ કાગળો લીધા. મારા તરફ જોઈ રહ્યાં પછી મૂંઝાઈને કહ્યું, ‘તે તને ખબર નથી? નીમ્બેન તો આજ પરોઢિયે જ..... અતારે તો સ્મશાને લઈ ગયા હશે. રાતે ત્રણ વાગે જી’ભાઈનો ફોન આવેલો તે નેહા, નંદુ ને દુર્ગાઈ ફારુકની રિક્ષા કરીને વાડીએ ગયાં છે. મને તો હતું કે તું ય ગયો હોઈશ.’

તે પછી પણ બા કંઈ ને કંઈ બોલતાં રહ્યાં; પરંતુ તેમના શબ્દો મારે કાને પડતા નહોતા. મારું મન વાડીએ પહોંચી ગયું હતું. રહી રહીને મને યાદ આવતું રહ્યું કે નિમુબહેન કહેતાં હતાં, ‘કાલે જવાનો હોય તો તું અત્યારે જ જા. કાલની વાતે કદાચ મોડું થશે. જા જલદી નીકળી જા.’

નિમુબહેનનો મને મોકલી દેવાનો આગ્રહ શું આ કારણે જ હશે! પોતે રહેવાનાં નથી તે તેમને કેવી રીતે સમજાઈ ગયું હશે! પોતાના શરીરમાં, છાતીમાં કે બીજે ક્યાંક અસહ્ય પીડાથી? જો એમ હતું તો એવી પીડામાં બેસી રહીને પણ તેમણે બધા સાથે વાતો કરી, મને વિદાય આપી. નેહાબહેનને પહોંચાડવાના કાગળો આપ્યા. અસહ્ય પીડામાં પણ માણસ આટલું સ્વસ્થ રહી શી રીતે શકે? તેમને જો કોઈ પીડા ન હોય તો પોતાનો અંત નજીક છે તે જાણી શી રીતે શકે? બન્ને પ્રશ્નો કાયમ અનુત્તર રહ્યા છે.

હું ગમે તેટલું ઇચ્છું તોપણ હવે વાડીએ પહોંચી શકવાનો નહોતો. જતાં પહેલાંનાં કામ પતાવવામાં હવે એક કલાક જેટલો સમય કાઢવાનું પણ શક્ય નહોતું. મેં મારા રિઝર્વેશનની તપાસ કરવા ફોન કર્યો. સામે છેડેથી કહ્યું, ‘કન્ફર્મ. સર, યુ આર ગોઈંગ.’

નંદુ અને દુર્ગા હવે ક્યારે આવે તે નક્કી નહીં. મારી પાસે દિવસો બચ્યા નથી. મેં મનમાં વિચારી રાખ્યું કે જો મારા જવા સુધી તે બન્ને ન આવે તો હું જવાનું રદ કરીશ. ભલે ગમે તે થાય. નંદુ અને દુર્ગાને મળ્યા વગર જવું મને મંજૂર નહોતું.

આજે એ બધું યાદ આવે છે તો લાગે છે કે મારી બુદ્ધિ અને મારો અહ્મ પીળા મકાન સાથેના સંબંધને નકારતો હતો તો મારું જ મન મને છેતરીને તે સંબંધમાં બંધાતું રહ્યું હતું. કોણ જાણે કેમ હું સ્પષ્ટ નહોતો થઈ શક્યો. નંદુ આ જાણતો હશે. એટલે જ એણે પેલી રાતે ગાડીમાં તેણે કહ્યું હતું, ‘હવે બહાર ઊભા રહીને જોવાનું નહીં બને. હવે ફાંફાં મારવાં છોડી દે.’

અલિપ્ત રહેવાના મારા પ્રયત્નો ફાંફાં નહીં તો બીજું શું હતું? ન જાણે ક્યાંથી કોઈ અજાણી લાગણી, એક સમયે જેમની સાથે ભળવાનું તો ઠીક, જેમને મળવાનું પણ મને ગમતું નહોતું તેમને વિશે વિચારવા, તેમને યાદ કરવાની મને ફરજ પાડે છે, તેમના તરફ ખેંચે છે અને તેમને મળ્યા વગર નહીં જવાનો નિર્ણય કરવા વિવશ કરે છે તે મને સમજાતું નહોતું.

આ આશ્ચર્ય સમાવી શકે તેવો જવાબ શોધું તો ક્યાંકથી નંદુના શબ્દો આવતા ભાસે છે, ‘માનવ મનનાં ઊંડાણો સમજવાં સહેલાં નથી.’

મારે જવાને બે દિવસની વાર હતી. નલિનીબહેન અને શાહસાહેબ મારી ઓરડીએ આવીને મને ખાસ મળી ગયાં. જવાના આગલા દિવસે ભાતા માટે ઢેબરાં કરાવી લેવાનું પણ કહ્યું. નંદુ અને દુર્ગા ક્યાં હતાં! કોઈ ખબર પણ આપતા નહોતા.

સવારે કચવાતા મને હું કામ પર ગયો. પૈસા લઈ જવા ન પડે તે માટે મહેશભાઈએ મને ડ્રાફ્ટ કઢાવવા માકલ્યો. બૅન્કમાંથી બહાર આવ્યો ત્યાં રસ્તા પર અજંપ, ભાગતાં માણસોને જોયાં. હોંકારા પડકારા સાંભળીને બૅન્કના કર્મચારીઓ પણ બહાર આવી ગયા. દુકાનો બંધ થતી હતી. લોકો ભાગતા હતા. મેં દોટ મૂકી. ઑફિસે પહોંચ્યો તો ત્યાં પણ ગભરાટ ફેલાયો હતો. ચિંતાગ્રસ્ત મહેશભાઈ કોઈ સાથે ફોન પર વાત કરતા હતા. તેમણે કહ્યું, ‘તોફાનો ચાલું થયાં છે. જેને ઘરે જવું હોય તે જાય. કોઈને ઘરે જવાનો રસ્તો સલામત ન હોય અને મારે ત્યાં આવી જવું હોય તો વાંધો નથી. પછી મૂકી જવાની વ્યવસ્થા કરીશું.’

જોખમ હોય તોપણ બધાએ ઘરે જવાનું જ પસંદ કર્યું. મેં કહ્યું, ‘હું નેહાબેનને ત્યાં જઉં છું.’ ડ્રાફ્ટ વગેરે મહેશભાઈને આપીને હું પાછળના રસ્તે થઈને સ્ટેશને અને ત્યાંથી નેહાબહેનને ત્યાં પહોંચી ગયો.

નેહાબહેન હજી આવ્યાં નહોતાં. બાએ મને કહ્યું, ‘વાડીએ ગઈ છે. અત્યારે આવવાની હતી. તું તપાસ તો કર. જા ભાઈ.’

હું સ્ટેશન સુધી જઈને પાછો ફરતો હતો ત્યાં મેં સામેના બસસ્ટેશનમાં દુર્ગા, નંદુ અને નેહાબહેનને જોયાં. દોડતાં જઈને મેં તેમને કહ્યું, ‘શહેરમાં તોફાનો શરૂ થયાં છે. બા ચિંતા કરે છે. જલદી ઘરે ચાલો.’

‘બસ શહેરમાં આવી ત્યારે જકાત નાકે પોલીસ બહુ હતી,’ નેહાબહેને કહ્યું અને અમે ઉતાવળે તેમના ઘરે પહોંચ્યાં.

નંદુએ કહ્યું, ‘અમે જઈએ. સ્ટેશનેથી સીધાં પાછળ થઈને નીકળી જઈએ તો કંઈ વાંધો નહીં આવે.’

પહેલાં તો નેહાબહેને ના પાડી પણ જો તોફાનો વધી જાય તો નીકળાય જ નહીં એવું લાગતાં કહ્યું, ‘ઊભાં રહો. મિશ્રાને કહું તમને પોલીસની ગાડીમાં શહેર બહાર મૂકી દે.’

પોલીસની ગાડી અમને ઘણે સુધી મૂકી ગઈ. ત્યાંથી અમે ચાલતાં પીળા મકાને પહોંચ્યાં. ગામડેથી શહેરમાં ગયેલાં લોકો ભાગતાં હોય તેમ ઘર તરફ પાછાં ફરતાં હતાં. નંદુએ કોઈને પૂછ્યું ત્યારે ગઈ રાત્રે શહેરમાં કંઈક ગરબડ થયેલી તેવી વાતો એકાદ-બે જણ પાસે સાંભળવા મળી. મારા મનમાં જરા ભય જાગેલો.

માધો રેડિયો ચાલુ રાખીને બેઠો હતો. સાંજ સુધીમાં રેડિયો ઉપરાંત આસપાસનાં માણસો પણ ખબર આપવા માંડ્યાં. શહેર ગયેલા માણસો જેમ જેમ આવતાં ગયાં તેમ તેમ જાતજાતની ખબરો આવતી ગઈ. સંધ્યાકાળે શહેર પર ધુમાડો છવાતો દેખાયો.

બીજે દિવસે વાતો વધી. બાળકોએ ન સાંભળવી જોઈએ તેવી ચર્ચા બાળકો સામે જ થતી અને છોકરાં અંદર અંદરની વાતોમાં પોતપોતાની રીતે તેનું પુનરાવર્તન કરતાં. દુર્ગા જાતજાતની વારતા કહેતી, ગીતો ગવરાવતી; પણ વચ્ચે જ કોઈને કોઈ પૂછી બેસતું, ‘દુર્ગાઈ, એ લોકો અહીં આવશે તો?’

‘અહીં કોઈ નહીં આવે. બીવાનું નહીં.’ દુર્ગા જવાબ આપતી.

લક્ષ્મી, માધો અને કામ પર આવતી આયા દુર્ગાની મહેનત પર પાણી ફેરવતાં. છોકરાંની સામે હાથ કરીને જ વાતો કરતાં, ‘બોલો, ત્રણ-ચાર વરસની, આ કરમી જેવડી છોકરીના મોઢામાં કેરોસીન ભરીને સળગાવી...’

બાપ રે! કરમી સહિત દરેક બાળક જાણે પોતે કોઈના હાથે પકડાયું હોય તેમ સંકોચાઈને કોકડું વળી જતું. દુર્ગાએ અને નંદુએ બધાંને વારંવાર સમજાવીને એમની આવી વાતો તો બંધ કરાવી; પરંતુ છોકરાંઓના મનમાં પેસી ગયેલો ડર કાઢવામાં કોઈએ સહાય ન કરી. લક્ષ્મી તો બોલીયે ખરી, ‘એમ સંતાડ્યેથી જે થાય છે તે નથી થઈ જવાનું? છોકરાંએ પણ જાણવું તો જોવેને કે દુનિયામાં શું ચાલે છે!’

‘એ લોકો જાણે જ છે.’ દુર્ગાએ કહેલું, ‘તમે નહીં જણાવો તો અધૂરું નહીં રહી જાય. મારે બીજી દલીલો કરવી કે સાંભળવી નથી. હવે જે કોઈ છોકરાં સામે આવી બધી વાતો કરશે...’ કહીને દુર્ગા અટકી ગઈ. તે પૂરું ન બોલી છતાં જે બોલી તે એટલી દૃઢતાથી અને મુખભાવ બદલ્યા વગર બોલી કે સાંભળનારાં દરેક સમજી ગયાં કે દુર્ગા જીભ ખેંચી લેતાં અચકાશે નહીં.

તોફાનો ચરમ સીમા પર હતાં. ગામડાંમાંથી શહેરમાં શાકભાજી મોકલતા ખેડૂતો હવે અમારે દરવાજે આવીને સસ્તામાં બધું આપી જતા. દૂધ પણ મળી રહેતું; પરંતુ અનાજ કે કઠોળ ખૂટે તો લાવી શકાય તેવું નહોતું.

શહેરમાં કર્ફ્યૂનો અમલ શરૂ થયો પછી તો મુશ્કેલી વધી. કોઈ કોઈ જણ હિંમત કરીને શહેરના નજીકના વિસ્તારમાં જઈ વસ્તુઓ લઈ આવતું તે પણ બંધ થઈ ગયું. અમે રેડિયો પર રોજ સમાચાર સાંભળતાં.

અસરગ્રસ્તોને રાહતછાવણી પહોંચવામાં પોલીસ મદદ કરશે તેવા સમાચાર આવ્યા અને રાહતછાવણીમાં સેવા આપવા માગતા સ્વયંસેવકોને, શક્ય હોય તો, સહાય માટે પહોંચવાની અપીલ પણ કરાઈ.

મારું દક્ષિણ જવાનું હવે અનિશ્ચત હતું. ફરી તારીખ નક્કી કરવાનો વિચાર કરીને મેં બાજુના ગામડે જઈને ત્યાંના સ્ટેશનના સ્ટાફ સાથે ટિકિટ પાછી મોકલીને મારું રિઝર્વેશન રદ કરાવ્યું.

બીજા દિવસે સવારે હું, ઘણા સમયે ફરી એક વાર નલિનીબહેનની ઑફિસ વાળવા ગયો. બહેન ટેબલ પર છાપું જોતાં બેઠાં હતાં. અચાનક દુર્ગા આવી અને ઉત્સાહથી કહ્યું, ‘બેન, આપણી સંસ્થા તરફથી રાહતછાવણીમાં જવા મારું નામ મોકલજો. હું જઈશ.’

મેં નલિનીબહેન તરફ જોયું. તેમના હાથમાં છાપું એમને એમ રહી ગયું હતું. દુર્ગાનું કહેવું તેમણે સાંભળ્યું તોપણ સમજ ન પડી હોય તેમ દુર્ગા તરફ જોઈને આશ્ચર્યથી પૂછ્યું, ‘ક્યાં? ક્યાં નામ મોકલું?’

‘રાહતછાવણીમાં કામ કરવા.’ દુર્ગા હજી સાવ સ્વાભાવિકપણે જ બોલતી હતી. ‘સવારે રેડિયોમાં બોલેલા કે નામ નોંધાવીએ તો પોલીસવાળા આવીને આપણને લઈ જશે.’

નલિનીબહેનની આંખો વિસ્તરી અને ભવાં સંકોચાયાં. સીધી, સરળ રીતે કહેવાને બદલે તેમણે કહ્યું, ‘તમે અહીં છો એટલું ઘણું છે. વધારે ચાંપલાશ કરો મા. અહીં જે કરો છો તે પણ સેવા છે. ત્યાં જશો તો તમને કોઈ ચાંદ નહીં આપી દે.’

‘મારે કોઈ ચાંદ નથી જોઈતા.’ પેટ ભરાઈ ગયા પછી વધારાની રોટલી લેવાની ના પાડતી હોય એટલી સહજતાથી દુર્ગા બોલી.

હવે નલિનીબહેનને સમજાયું કે દુર્ગા ભાવાવેશમાં આવીને નથી બોલતી. તે ખરેખર જવા ઇચ્છે છે. સાથે સાથે તેમને એ પણ સમજાઈ ગયું કે દુર્ગા જો ખરેખર જવા માગતી હોય તો તેને રોકવાના રસ્તા પોતે ગંભીરતાથી વિચારવા પડશે.

બહેને ઘડીભર વિચાર કર્યો. હું કચરો ઉઠાવીને બહાર જતો હતો ત્યાં બહેને મને ઉદ્દેશીને કહ્યું, ‘લાલા, તું આને સમજાવ. આ કાંઈ લગનમાં પીરસવાના કે ઘરની સેવાનાં કામ નથી કે કોઈ ત્યાં પૈસા આપે. આ તો મફતિયું, સરકારી કામ. અને જોખમ કેટલું! જીવ પણ જતો રહે.’

દુર્ગાને કંઈ કહેવું મને જરૂરી નહોતું લાગ્યું. હું મૂંગો રહીને બહાર કચરો નાખવા ગયો ત્યારે મેં દુર્ગાનો શાંત પણ નિશ્ચયભર્યો ઉત્તર સાંભળ્યો, ‘આ સરકારી કામ નથી. મને કોઈ પૈસા આપે એ માટે નહીં. મારે જવું છે એટલે જ જવું છે. મને પૈસાની પડી નથી.’

આટલી વાત થઈ ત્યાં સુધીમાં હું સાવરણી પાછી મૂકવા અંદર આવી ગયો હતો. બહેન શું કહે છે તે સાંભળવા ઊભો રહ્યો. નલિનીબહેને કહ્યું, ‘પૈસાની પડી નથી તો ન્યાં કોણ તારું સગું છે તે સેવા કરવા દોડવું છે?’

બહેનનો પ્રશ્ન સમજાતાં જ મારા હાથ થંભી ગયા. મેં દુર્ગા તરફ જોયું. તે એકીટસે બહેન સામે જોઈ રહી હતી. દુર્ગાની આંખોમાં તે બહેન પર ગુસ્સો કરે છે કે તેમની દયા ખાય છે તે ન સમજાય તેવા ભાવો ચમક્યા. તેનું ગોળ સુંદર મુખ તાંબાવરણું થઈ ગયું. જવાબ આપવા તેના હોઠ ફફડ્યા હતા તે પણ મને બરાબર દેખાયું હતું; પરંતુ સ્વર કે શબ્દો સંભળાયા નહોતા. તે શું બોલી છે તે જાણવાની મારી જિજ્ઞાસા એકદમ વધી ગઈ પણ તે વખતે હું તેને કંઈ પૂછી શકું તેમ નહોતું. વધુ કંઈ થાય તે પહેલાં દુર્ગા બહાર જવા વળી અને જતાં જતાં બોલી. ‘સો વાતની એક વાત. હું જવાની જ. થાય તે કરી લેજો.’

દુર્ગાએ નક્કી કર્યું હોય અને ન કર્યું હોય તેવું કદી બન્યું નથી. તે જાતે પોલીસમાં નામ લખાવીને ગઈ કે કોઈ સંસ્થા દ્વારા ગઈ તે મને યાદ નથી પરંતુ તે રાહતછાવણીમાં હતી તે વખતે નંદુ તેની રક્ષા માટે એકટાણાં કરતો હતો તે યાદ છે.

દુર્ગા ન સંભળાય તેવું કંઈક બોલી હતી. તેણે મને અકારણ પણ ઉત્તેજિત કરી મૂક્યો. મેં જઈને નંદુને મે વાત કરી અને પૂછ્યું, ‘દુર્ગાએ ખાલી હોઠ ફફડાવ્યા, કંઈ સંભળાય તેવું ન બોલી. શું બોલી હોય?’

નંદુએ કહ્યું, ‘એણે ગાળ નહીં દીધી હોય.’

નંદુનું શ્રાવ્ય કથન તો દુર્ગાના અશ્રાવ્ય કથન કરતાંયે વધુ રહસ્યમય હતું. તેણે આગળ કહ્યું, ‘હું ને તું તો આજકાલનું વિચારીએ. મારી મા તો સૃષ્ટિના સર્જનથી ચાલ્યા આવતા કાળનો વિચાર કરીને બોલવા જતી હશે. એ ભાષાને કોણ સમજવાનું!’

દુર્ગા શું બોલી હશે તે વિચાર મારા મનમાં લાંબો સમય રહેલો. તે સમયે કોઈએ પણ મને સાદા શબ્દોમાં કે વિગતે કહ્યું હોત તોપણ ન સમજાત તે વાત આજે આટલાં વરસે, અહીં, હમણાં સાંજ ઢળી જશે, આ નદી, કોતરમાંનું મંદિર, પેલી તરફના કિનારે ઝાંખાં થતાં જતાં ખેતરો બધું ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે, પાણીનો પ્રવાહ ખળખળ વહેતો રહીને પોતાનું અસ્તિત્વ ગાયા કરશે, તેવી સંધ્યાની પળે, આ વડ, અને જ્યાં આવી આવીને મેં કંઈનું કંઈ જાણ્યું છે તે જમીનની સાક્ષીએ મને બરાબર સમજાય છે. દુર્ગાના મૂંગા પણ મૌન ફફડેલા હોઠના શબ્દો આસપાસમાં જ પડઘાતા અનુભવું છું, ‘બેન, તમારું સગું નથી એવું તમે કહી શકો છો. મારાથી તો કેમ કહેવાય? મારું તો કોઈ હોય પણ ખરું.’

***

રેટ કરો અને રિવ્યુ આપો

Manisha Upadhyay

Manisha Upadhyay 2 માસ પહેલા

nihi honey

nihi honey 11 માસ પહેલા

Beena Jain

Beena Jain 3 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Ashwin Vanparia

Ashwin Vanparia 3 વર્ષ પહેલા