Karnalok - 3 books and stories free download online pdf in Gujarati

કર્ણલોક - 3

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 3 ||

ચાલ્યો જ ગયો હોત. નંદુને મળવા પણ રોકાયો ન હોત. બસ થેલી લઈને ચાલતા થવાની વાર હતી; પરંતુ ઊભો હતો ત્યાંથી પાછા ફરી જવાની ક્ષણે જ મેં પીળા મકાનના ચોકમાંથી જાળી વટાવીને આવતી દુર્ગાને જોઈ.

ગઈ રાતે તેને અલપ-ઝલપ જોયેલી. આજે સવારે તે કંઈક જુદી જ લાગી. ઊઘડતા ગુલાબી રંગના ફ્રોકમાં સજ્જ દુર્ગાને જોતાં જ હું અવાક બનીને જોઈ રહ્યો.

આ પૃથ્વી પર જન્મીને મેં અનેક સૌંદર્યો જોયાં છે. હું તેનાથી અભિભૂત પણ થયો છું તેની ના નહીં પાડું. પરોઢના ગુલાબી રંગોથી માંડીને રાતના તારામઢ્યા આકાશની મોહિની, ફૂલોના રંગ, પક્ષીઓની ઉડાન, કે વછેરા, વાછરડાંની આંખોનું આશ્ચર્ય. આ બધાં સૌંદર્યોથી ક્યારેક તો દિગ્મૂઢ પણ થયો છું. પરંતુ આ! એક અનાથ-આશ્રમમાં! આવી છોકરી! શાંત, શીતળ, જુદી.

હું તેને જોઈ જ રહ્યો. દુર્ગાની આંગળી પકડીને એક તરફ નાનો છોકરો અને બીજી તરફ એક નાની દોઢ-બે વર્ષની છોકરી ચાલતાં હતાં. થોડે પાછળ સહેજ મોટો છોકરો આવતો હતો. મારા પર નજર પડતાં દુર્ગાએ તેને ઉમ્મરના પ્રમાણમાં સહેજ ટૂંકું પડતું ફ્રોક નીચે તરફ ખેંચ્યું અને ક્ષોભ કે સંકોચ વગર હસી. તે લોકો બાગમાં ગયાં.

પાછા ફરી જવાની ક્ષણે કોણ જાણે કઈ લાગણી મને બાગમાં લઈ ગઈ! ત્યાં ગયો અને એક હીંચકા પર ઝૂલવા લાગ્યો. દુર્ગા બાળકોને લપસણી પર લપસાવતી હતી તે જોયા કર્યું. મને ઘડીભર મન પણ થયું કે હીંચકેથી ઊતરીને બાળકોને ઝૂલવા દઉં; પરંતુ તે પહેલાં એ બધાં લપસણી છોડીને એક જામફળીની નીચે જઈને જામફળ ગણતાં ઊભાં.

‘ગણો જોઈએ કેટલાં છે?’ દુર્ગાએ બાળકોને કહ્યું.

‘દુર્ગાઈ, જો પેલું પાક્કું.’ સાથેની બાળકી બોલી.

‘હંઅ, પીળું થવા આવ્યું છે.’ પેલા મોટા છોકરાએ જવાબ આપ્યો. તે લોકો ગણવાને બદલે પાકાં જામફળ જોવામાં પડી ગયાં.

નંદુએ રાતના કરેલું દુર્ગાનું વર્ણન મને યાદ આવ્યું. ઇન્સ્પેક્શન વખતે મૌન રહેવા માટે દુર્ગાને સમજાવવાની છે તેવું કહેણ કોઈએ બહેનના નામે કહેલું તે પણ મને યાદ આવ્યું. જેને સમજાવવા અહીંનાં બહેન આટલાં ઉત્સુક છે, નંદુ જેને જગજનની કહેતો હતો, તેને હું જરા ધ્યાનથી જોવા લાગ્યો.

દુર્ગા અને બાળકો પોતાની વાતોમાં મશગૂલ હતાં. થોડી વારે હીંચકો છોડીને હું તે લોકો ઊભાં હતાં તે તરફ ચાલ્યો. આ વખતે મેં પાછળના ઘરમાંથી નીકળીને ઉતાવળે ચાલી આવતી એક સહેજ શ્યામ, જરા ભરેલા શરીરની અને ભૂરા રંગની સાડી પહેરેલી, ચાલીસેકની ઉમ્મરની સ્ત્રીને જોઈ. હું ઊભો રહી ગયો. પેલાં બાળકોનું ધ્યાન હજી જામફળમાં જ હતું.

‘શું કરો છો અહીંયાં, બહાર રખડવાની ના નથી પાડી? નિશાળમાં રજા શું પડી કે તરત હરાયા ઢોરની જેમ નીકળી પડ્યાં!’ પેલી સ્ત્રી નજીક આવતાં બોલી. નાનાં બાળકો સાથે આટલી કડકાઈથી બોલતાં મેં કોઈને ભાગ્યે જ સાંભળ્યું હતું. એકાદ ડગલું આગળ વધીને હું લપસણી પાસે અટકી ગયો.

નાના બાળકોએ ચમકીને પાછળ જોયું. તેમનાં મોઢાં પરથી નૂર ઊડી ગયું. દુર્ગા પાછળ જોયા વીના શાંત રહીને, જવાબ આપ્યા વગર પોતાની સાથેનાં બાળકોના હાથ પકડીને જામફળીને જોતી ઊભી રહી.

‘દુર્ગા, તને પૂછું છું. સંભળાય છે?’ સ્ત્રી ફરીથી બોલી.

‘શું?’ દુર્ગા કંટાળતી હોય તેમ બોલી અને પાછળ ફરી.

‘શું તે આ બહાર રખડો છો તે.’ પેલી સ્ત્રીએ કહ્યું. પછી ઉમેર્યું, ‘પરમ દહાડે તમારા કાકા ઇન્સ્પેક્શનમાં આવશે. ત્યારે કોઈ ગરબડ ન જોઈએ, સમજી?’

‘બહાર ક્યાં રખડીએ છીએ. કમ્પાઉન્ડમાં તો છીએ.’ દુર્ગાએ બીજી વાતનો જવાબ ન આપ્યો.

‘કમ્પાઉન્ડમાં ઊભાં છો એમ કે?’ પેલી સ્ત્રીએ દુર્ગાના ચાળા પાડતાં કહ્યું, ‘જામફળ ચોરવા નીક્ળ્યાં છો એ કેમ કહેતી નથી?’

હવે દુર્ગાનો સ્વર બદલાયો, ‘જુઓ નલિનીબેન, ખોટું આળ લગાડશો નહીં. જામફળને તો કોઈ અડ્યું પણ નથી.’

‘સામા જવાબો આપે છે? એક પડશે ને હમણાં...’ નલિનીબહેને કહ્યું અને એકાદ જણના ગાલે ફટકારવાનાં હોય તેમ હાથ ઉગામ્યો.

દુર્ગાએ તત્ક્ષણ, બાળકોને પોતાની આડમાં કર્યાં અને બોલી, ‘કોઈને મારવાનાં નથી. ખાલી ખાલી ખિજાવ મા.’

પોતાને અકારણ ગુસ્સો શા માટે આવે છે. ન સમજાયું હોય તેમ નલિનીબહેન અકળાઈ ઊઠ્યાં, પાછાં જવા વળ્યાં અને દુર્ગાને મારી ન શક્યાનો બદલો જીભથી લેવો હોય તેમ મોટેથી બબડ્યાં, ‘કોણ જાણે કોના પેટની, કઈ જાતની છે.’ હું શરમથી નીચું જોઈ ગયો.

આ મેણાંથી તે કિશોરીના નાનકડા હૃદયમાં કેવું મોટું તોફાન ઊઠ્યું હશે તે મારાથી વધુ ત્યાં કોઈ સમજી શકે તેમ નહોતું. આમ છતાં નવાઈ લાગે તેવી બાબત એ હતી કે દુર્ગાના મુખ પર ક્રોધના કે વળતો ઘા કરવાનાં કોઈ ચિહ્નો ઝબક્યાં નહોતાં. તેણે શાંત, નિર્મળ અને દૃઢ સ્વરે કોઈ નક્કી વાત કહેતી હોય તેમ કહ્યું, ‘તારી જ જાતની છું.’

ખલાસ! તીર છૂટી ગયું હતું. અનર્થ થવાનું નિર્માણ હતું. બહેન ઊભાં રહ્યાં, આજુબાજુ જોઈને નીચે પડેલી એક ડાળખી હાથમાં લીધી, દુર્ગા તરફ ફર્યાં અને આગળ આવતાં બોલ્યાં, ‘શું કહ્યું? બહુ ફાટી છે. ફરીથી બોલ તો!’

‘હા, તારી જ જાતની છું.’ દુર્ગા એ જ સ્વરે ફરી બોલી ગઈ. તે જરા પણ ડરી નહીં કે સંકોચાઈ પણ નહીં. સોટીનો ઘા ઝીલવા સ્વસ્થ ઊભી રહી. નલિનીબહેન સાવ પાસે આવી ગયાં.

દુર્ગાની સ્વસ્થતાથી પાછાં પડીને, પરમદિવસ ઇન્સ્પેક્શન છે તે યાદ કરીને, દુર્ગા કદાચ સામે થઈ જશે તે ભયે કે ગમે તેમ પણ બહેન દુર્ગા પર ઘા ન કરી શક્યાં. અચાનક જ તેમણે વાત બદલી. આગળ નમીને નાનકડી કરમીને પકડીને દુર્ગા પાછળથી બહાર તરફ ખેંચી અને કહ્યું, ‘ચોરંટી, જામફળ ચોરવાં છે? લે લેતી જા.’ બોલતાં બોલતાં જ તેમણે સોટી ઉગામીને વીંઝી.

મેં બરાબર જોયું હતું. કરમીના મોંમાંથી ચીસ નહોતી નીકળી. તે અમળાઈને દુર્ગાને વળગી પડી. દુર્ગા સહેજ પણ ખસી નહોતી, ફક્ત તેનો હાથ લંબાયો હતો. ‘આવડી અમથી કરમીને...?’ કહીને આગળના શબ્દો દુર્ગા બોલી નહોતી તે પણ મને બરાબર યાદ છે.

હું બહુ દૂર તો નહોતો. બધું દેખાય, સંભળાય એટલું જ અંતર હતું; છતાં નલિનીબહેનના હાથમાંની સોટી દુર્ગાના હાથમાં કઈ રીતે આવી તે હું જોઈ શક્યો નહોતો. દુર્ગાનો માત્ર હાથ જ હલતો હતો. શરીર સ્થિર હતું. ખાસ કોઈ હલન-ચલન નહોતું થયું. સટ, સટ, સટાકા થયા અને પાતળી ડાળીની સોટી તૂટી પડી.

બીજી પળે મેં જોયું તો દુર્ગા હાથમાં રહેલો કકડો જમીન પર ફેંકતી હતી. પછી જરા પણ અશાંત થયા વગર તેણે બાળકોના હાથ પકડીને તેમને દોર્યાં, ‘ચાલો.’

મને સૌથી મોટું આશ્ચર્ય એ લાગ્યું હતું કે આ બધું કરતાં દુર્ગા પૂર્ણ સ્વસ્થ રહી હતી. આટલી શાંત, નિશ્ચલ, દૃઢ નિશ્ચયવાળી અને પોતે શું કરશે તેનો સ્પષ્ટ નિર્ણય દર્શાવતી રેખાઓ કોઈ ચહેરા પર જવલ્લે જ જોવા મળતી હશે.

ત્યાં ક્રોધ હતો પણ પ્રગટ થતો નહોતો. સટાસટ સોટી વીંઝાયા છતાં કશુંયે હિંસક નહોતું. બદલો લીધાનો સંતોષ કે હવે પછી શું થશે તેની ચિંતા કશું જ ત્યાં નહોતું.

એ પ્રસંગ બન્યો ન હોત તો હું તે પીળા મકાનનો પાડોશી રહ્યો ન હોત. મને બરાબર યાદ છે. કંઈ જ ન બન્યું હોય તેમ દુર્ગા બાળકો સાથે વાતો કરતી ચાલી ગઈ હતી. નલિનીબહેન તેને જતી જોઈ રહ્યાં. હું ત્યાંથી જવાની તૈયારીમાં હતો અને તેમની નજર મારા પર પડી.

‘તું કોણ છે, અલ્યા?’ સ્વસ્થતા ધારણ કરવાનો પ્રયત્ન કરતાં નલિનીબહેને પૂછેલું.

હું કંઈ જવાબ આપું તે પહેલાં અમારા બેઉની નજર બાગના છેડે સાઇકલ ઊભી કરતા નંદુ પર પડી.

‘બેન, મારા ભાઈબંધનો છોકરો છે. ભત્રીજો જ ગણો ને.’ બોલતો નંદુ અમારી પાસે આવ્યો.

નલિનીબહેન કંઈ બોલ્યાં નહીં. મને ધ્યાનથી જોતાં હોય તેમ મારા તરફ જોયું અને નંદુને કહ્યું, ‘નંદુ, તું ઑફિસે આવ.’ પછી ઑફિસ તરફ ચાલ્યાં ગયાં. જતાં જતાં કહે, ‘ભાણો કે ભત્રીજો, તારો જે હોય તેને રોકજે. પાછો મને મળ્યા વગર જતો ન રહે.’

મને ખાતરી હતી કે હું નંદુનો સગો કે તેના મિત્રનો પુત્ર છું તે વાત નલિનીબહેને માત્ર સાંભળી જ છે. માનવાની હજી બાકી છે. નંદુ પણ આ વાત નહોતો સમજતો એમ નહોતું.

આ વાતની કદાચ તપાસ થશે. તેનો સામનો કરવાની મારી તૈયારી નહોતી. આ બધાથી વિશેષ તો અનાથ-આશ્રમ કહેવાતા સ્થળે રહેવા માટે મારું મન ક્યારેય રાજી થવાનું ન હતું. મારે મમ્મી-પપ્પા નથી. કોઈ નજીકનું સગું નથી. તોપણ કોઈ મને અનાથ કહે તે મને કોઈ કાળે મંજૂર થવાનું નહોતું.

અનાથ કહેવાતાં માનવસંતાનો વિશે મારા મનમાં એક નક્કી છાપ હતી. મારી માન્યતા પ્રમાણે એ જન્મે છે તે રીતે હું જન્મ્યો નહોતો. મામીનું ઘર છોડવા પાછળનાં કારણોમાં મુખ્ય, અડોશ-પડોશમાંથી સાંભળવો પડતો આ “અનાથ” શબ્દ જ હતો ને!

નંદુ બહેનની કચેરીમાં ગયો. નંદુની ઓરડી તરફ જતાં મારાથી એકલાં એકલાં બોલી પડાયું, ‘જતો રહેવાનો. અહીં રહેવાનો નહીં.’

કેટલીયે વારે નંદુ ઓરડીએ આવ્યો કે તરત મેં મનની વાત તેને કહી. ‘મારે અહીં રહેવું નથી.’

તે મારા તરફ જોઈને હસ્યો. મેં ફરીથી કહ્યું, ‘તમે ભલે હસો; પણ હું અહીંથી ચાલી જવાનો.’

‘ચાલી જજે; પણ ક્યાં જવાનો લાલા?’ નંદુએ જરા પણ ઉપાલંભ વગર સાવ સહજ રીતે પૂછ્યું, ‘ઘેર પાછો જવાનો હોય તો કહે. હું જ મૂકી આવું. તે સિવાય આ નંદુ તને બીજે ક્યાંય જવા દેવાનો નહીં. સ્ટેશન પર રહેવાનો વિચાર હોય તો ભૂલી જજે. આવું રૂપાળું મોં લઈને તારાથી ત્યાં રહી શકાય એ વાત બનવાની નથી.’

નંદુની વાત મને સાચી લાગેલી. પાછા જવાથી મામીની અને મારી મુશ્કેલી વધવા સિવાયનું કંઈ નીપજે તેમ નહોતું. સ્ટેશન પર કે બીજે ક્યાંય પોલીસ કે તેનાં પ્રીતિપાત્રો મને સુખે રહેવા દે તે વાત બનવાની નહોતી.

મને મૂંઝવણમાં પડેલો જોઈને નંદુ મારી પાસે આવ્યો. તેની આગવી શૈલીથી મને સમજાવવા બેઠો, ‘સાંભળ, તને અહીં રાખવાનો પણ નથી. આ નંદુ સવારનો શહેરમાં ગયેલો તે તારા કારણે. મહેશભાઈને કહીને તારા માટે બધી જ ગોઠવણ કરી છે. ચાલ ઊભો થા.’ કહીને તેણે મારો ખભો થાબડ્યો.

કોણ મહેશભાઈ અને શી વ્યવસ્થા તે સમજવાનું બાકી હતું. નંદુની સાથે જઉં તો સમજાવાનું હતું. દરવાજા તરફ ચાલતાં નંદુ બબડતો હોય તેમ બોલતો હતો, ‘બેને આજે મોટી ગરબડ કરી નાખી. મારી માને કોચવ્યે કંઈ સારું નથી થવાનું. પણ એય બિચારાં શું કરે! જે કામ કરવું છે તે સરકાર તેને આપતી નથી. નથી કરવું તે ગળે પડ્યું છે. આખરે તો બધાં માણસ છીએ.’ તે સવારના પ્રસંગની વાત કરતો હતો તે સમજી શકાયું.

અમે મુખ્ય દરવાજેથી બહાર નીકળ્યા. રસ્તામાં નંદુએ પોતાની રીતે જે કંઈ બડબડાટ કર્યો તેના પરથી બે વાત સમજી શકાઈ. એક તો એ કે મારે અને નંદુને કોઈ ઓળખાણ નથી તે વાત નંદુ નલિનીબહેનથી છુપાવી શક્યો નહોતો. ને બીજું કે કોઈ મહેશભાઈ નામના ગૃહસ્થની વોંકળાને કિનારે કોટની દીવાલને અડીને આવેલી જમીન પર મારે સાઇકલ રિપેરિંગની અને ચા-પાણીની નાનકડી લારી શરૂ કરવી તેવી ગોઠવણ નંદુ કરી લાવ્યો હતો.

દરવાજાથી જમણી બાજુ થોડે દૂર લાકડાં, પાટિયાં, લોખંડની એંગલ અને થોડું પ્લાસ્ટિકનું કાપડ એવું પડ્યું હતું. નંદુ મને ત્યાં લઈ ગયો અને કહેવા માડ્યું, ‘આ જમીન અને આ સાધન બધું મહેશભાઈનું છે. એમણે તારે અહીં જે કરવું હોય તે કરવા માટે રજા આપી છે; પણ મફત કશું નથી. તારાથી બને તેટલું ભાડું ભરવાનું.’

હું ત્યાં પડેલી ચીજોને જોઈ રહ્યો. કંઈ બોલ્યો નહીં. નંદુને લાગ્યું કે હું સહેજ મુંઝાયો છું. તે ફરી બોલવા લાગ્યો, ‘પૈસા અત્યારે નહીં માગે. તું કમાય ત્યારે થોડું થોડું આપી આવજે. તે રાજા માણસ છે. અહીં ઉઘરાણી કરવા આવે નહીં. આપણે જાતે એમની ઑફિસે જઈને આપી આવવાનું. ન જવાય તો મને આપી દેજે હું પહોંચાડી દઈશ.’

મેં હજી કંઈ જવાબ ન આપ્યો એટલે નંદુનો વલોપાત વધ્યો. રડમસ અવાજે તે બોલવા માંડ્યો, ‘નિમ્બેને મને તારી સોંપણી કરી છે ભાઈ, હું તને બીજે ક્યાંય જવા દેવાનો નહીં. અંદર મારાથી તને રખાશે નહીં. લાલા, મારું માન. સાઇકલ પંચર કરજે ને ચા-પાણીની લારી કરજે. પગભર થઈ જા પછી ચાલ્યો જજે તારા રસ્તે. આ નંદુ તને રોકશે નહીં.’

મેં વાંકા વળીને લોખંડની એંગલ ઉઠાવી. નંદુ સામે જોયું અને પૂછ્યું, ‘ખોદવાનું સાધન હશે?’

તે દિવસનું કામ પૂરું થયે અમે તેની ઓરડી તરફ જતા હતા ત્યારે નંદુએ સહેજ ભીના અવાજે કહ્યું, ‘તને અહીં નહીં ગમે તે જાણું છું લાલા; મનેય મનમાં બધુંય ચોખ્ખું સમજાય છે કે આ જગ્યા તારા માટે નથી. આ કામ પણ તારું ન હોય. આવો રૂપાળો ચહેરો! એક તું અને બીજી પેલી મારી મા. તમારે બેયને તો અહીં આવવાનું પણ શાને હોય? લેણ-દેણ બીજું શું!’ નંદુ આગળ કંઈ બોલ્યો નહીં.

મારું સ્થાન એક અનાથ-આશ્રમમાં ન હોવું જોઈએ તેવું નંદુ પણ માને છે. આ વાતથી હું પોરસાયો હતો; પરંતુ નંદુની બીજી વાત મને બહુ ગમી નહોતી. તેણે મારી સરખામણી દુર્ગા જેવી, અનાથાલયમાં રહેતી છોકરી સાથે કરી તે મને અપમાન જેવું લાગેલું. વળી, લેણ-દેણની વાતથી તો મને ગુસ્સો જ આવેલો. કોણ જાણે શા માટે મારી આસપાસના જગતને મારી વાત કરવા માટે આવા જ શબ્દો સાંભરતા. પૂર્વનાં કર્મો, પેઢીનો શાપ, પિતૃઓ. મને ક્યારેય ગમતું નહીં.

આમ છતાં નંદુ મારી ચિંતા કરતો હતો તેનાથી મને મનોમન રાહતનો અનુભવ થયો હતો. મોટી એક રાહત તો એ હતી કે મારે તે પીળા મકાનમાં અંદરના સભ્ય તરીકે રહેવાનું નહોતું.

હું સ્વતંત્ર હતો. હવે મારે કોઈને મારો પરિચય આપવાનો નહોતો. એકાદ શાપિત પરદાદાનાને અનાથ થઈને માસા કે મામાને ઘરે રહેવું પડેલું તેવા કિસ્સા સાંભળવાના નહોતા. મારાં માતા-પિતાના અકસ્માતની કમકમાટીભરી વાતો મને કોઈ સંભળાવવાનું નહોતું. મારા પર, અમારા વંશ પરના કોઈ અજાણ્યા શાપની, જે મેં કદી માની નથી તે વાતનો અહીં અંત આવી જતો હતો.

મેં ત્યાં રોકાવાનું નક્કી કર્યું. નિર્ણય કંઈક આવો હતો; બહાર રહેવાનું, અંદરના કોઈ સાથે ભળવાનું નહીં. હું અને મારું કામ. આ મકાનમાં વસતાં કોઈ સાથે કંઈ લાગે-વળગે નહીં એટલે બસ. તે મકાનના નિવાસીઓ સાથે ઘરોબો ન થાય તેનું મારે ધ્યાન રાખવાનું હતું.

રાતે નંદુએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને પૂછ્યું, ‘સવારે શું થયેલું. દુર્ગા શા માટે છેડાઈ ગઈ? નલિનીબેને કશું કહેલું?’

‘હા, એ કઈ જાતની છે કે એવું કંઈક.’ મેં જવાબ આપ્યો.

નંદુ કંઈ બોલ્યો નહીં. થોડી વાર મારા સામે તાકી રહ્યો. પછી ધીમે ધીમે સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો, ‘સ્વયંજાતા છે મારી મા. એને જાત શું! નાતજાત તો આપણા જેવા માણસોને હોય. બેન એનું મોં ધ્યાનથી જુએ તોયે ખબર પડે કે એ કોણ છે. તું જ કહે માણસ માટે આવું રૂપ ધરીને અવતરવાનું કદી બની શકવાનું છે!’

મારે કંઈ કહેવાનું નહોતું. નંદુને દુર્ગાનું પેટમાં બળતું હતું. તેના પ્રત્યે ભાવ હતો તે જોઈ શકાતું હતું. આમ છતાં તેણે નલિનીબહેન પર ગુસ્સો નહોતો કર્યો કે તેમને વિશે ઘસાતું નહોતો બોલ્યો, તે મેં નોંધ્યું.

***

બીજા રસપ્રદ વિકલ્પો