કર્ણલોક - 8 Dhruv Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કર્ણલોક - 8

કર્ણલોક

ધ્રુવ ભટ્ટ

|| 8 ||

નિમુબહેનની વાડીએથી નીક્ળ્યો ત્યારે વિદાય આપતાં નિમુબહેને મને ઊભો રાખીને કહ્યું, ‘આપણા અનુભવમાં હોય, આપણી માન્યતામાં હોય તેનાથી જુદું પણ ઘણું આ દુનિયામાં હોય તો ખરું જ. કોઈનો ન્યાય આપણે ન કરવો જોઈએ એવી સમજણ માણસમાં ધીરે ધીરે જ આવે છે. નજર સામે જે થાય છે તેને જોતાં સાંભળતાં રહેવું. ક્યારેક કંઈક એવું બને કે તે ઘડીથી આપણે કોણ અને કેવાં છીએ તે સમજતાં આવડતું થાય.’

જી’ભાઈએ એક ડાયરી ભેટ આપતાં કહ્યું, ‘તને મનમાં આવે તે લખતો રહે એટલે આપું છું. વાંચે છે તો થોડી લખવાની ટેવ પણ રાખ.’

સરસ મજાની ડાયરી મેં લઈ લીધી. લખીશ કે નહીં તે ખબર નહોતી.

ફાટકમાંથી સાઇકલ બહાર કાઢતો હતો અને નિમુબહેને કહ્યું, ‘નલિનીબેનને કહેજે કે હું એમને કાગળ લખું છું. બને તો દુર્ગાને અહીં રહેવા મોકલે. ગોમતી આવી છે તો બેઉ બેનપણીઓ સાથે રહી લે.’

દુર્ગા તેનાથી બમણી ઉમ્મરની ગોમતીની સહિયર કઈ રીતે હોઈ શકે તે મને સમજાયું નહોતું પણ મેં કશું પૂછ્યું નહીં. દુર્ગા તે પીળા મકાનમાં ક્યાંથી આવી છે તે જાણવાની જિજ્ઞાસા વધી ગઈ તોપણ મેં મનને રોકી રાખ્યું. વાડીએથી નીકળીને દુકાને પહોંચતાં સાંજ નમવા આવી. દુકાને મોહનકાકાનો નાનો ભાઈ સમરુ મારી રાહમાં જ બેઠેલો. તેની લારીને પંક્ચર કરાવવાનું પતાવ્યું ત્યાં અંધારું થઈ ગયું. રસોઈ કરવાનું માંડી વાળીને મેં નંદુને ઘરે જે હોય તે ખાઈ લેવા ધાર્યું.

‘આવી ગયો કે?’ નંદુ સાંજની પૂજા પૂરી કરતો હતો તે બોલ્યો, ‘આ કાલે તને નેહાબેને બોલાવ્યો છે. કાલે કૉર્ટમાં જવાનું છે. શેફાલીને લેવા મદુરાઈવાળા દાક્તર અને દાક્તરાણી આવી ગયાં છે.’ કહેતાં નંદુએ બે થાળી જમીન પર મૂકતાં કહ્યું, ‘અહીં જ ખાઈ લે.’

‘સૌમ્યા આવી ગઈ?’ શાકની તપેલી ઉતારતાં મેં પૂછ્યું.

નંદુએ પાથરણું આપ્યું અને બેઉ થાળીમાં ખીચડી ઠાલવીને બેસતાં વાત કરી, ‘હા. આવી ગઈ અને કાલે શેફાલીની સાથે એનો પણ ઓર્ડર કૉર્ટમાંથી લેવાનો છે. નેહાબેને તને અને દુર્ગાને સાથે રહેવાનું કહેવરાવ્યું.’

‘જો તો કાલે સૌમ્યાને મા-બાપ મળી જશે.’ મેં કહ્યું.

‘મા-બાપ નહીં.’ નંદુએ કહ્યું, ‘કૉર્ટ દત્તક નહીં આપે. કાયદેસરના વાલીપણા માટે આપશે. એવો કાયદો છે.’ કહીને નંદુ મારા સામે જોઈ રહ્યો.

નંદુએ કરેલી વાત હજી પૂરી સમજું તે પહેલાં તેણે પોતાની ટેવ મુજબ બોલવાનું શરૂ કરી દીધું, ‘નહીં સમજાય તને. મને પણ આ કાયદાનું તંત્ર નથી સમજાતું. એટલું સમજાય છે કે માણસને કાયદા ઘડવાની જરૂર ઊભી થઈ એ ઘડી મહા પીડાની ગણાવી જોઈએ.’ કહીને નંદુ અટક્યો.

અમે મૂંગા મૂંગા જમતા રહ્યા. નંદુ જમીને મારા કરતાં વહેલો ઊભો થયો. થાળી વીંછળતાં તેણે પાછું બોલવાનું શરૂ કરી દીધું, ‘પહેલાં પાપ-પૂન્યની વ્યાખ્યા કરવી પડી હશે. પછી ધર્મો અને નીતિશાસ્ત્રો કરવાં પડ્યાં હશે. પછી રાજ્ય અને કાયદો. જે હોય તે; પણ જે લોકોને સૌ પ્રથમ આ બધું રચવું પડ્યું હશે તેને કેટલી પીડા ભોગવવાની થઈ હશે તે મને સમજાય છે.’

નંદુએ આ કહ્યું તે મેં બરાબર સાંભળ્યું; છતાં મારું ધ્યાન જમવામાં હતું એટલે નંદુને લાગ્યું કે મેં તેની વાતનો હોંકારો નથી આપ્યો. તેણે આગળ કહ્યું, ‘તને સાચું નહીં લાગે. પણ નંદુ અમસ્તો બોલબોલ નથી કરતો. નિમુબેનને ત્યાં ઢગલો શાસ્ત્રો વાંચ્યાં છે. કેટલાયે મહાપુરુષોને પણ ‘ધર્મની સૂક્ષ્મતા સમજવી અઘરી છે...’ જેવાં વિધાનો કરતાં વાંચ્યાં છે. તેમની મૂંઝવણ, એમની પીડા અને સાચું-ખોટું કહી આપવાની એમની અસહાય અસમર્થતા મેં વાંચી છે. આવી મૂંઝવણની પળે તેમનાથી પોતાના જવાબો જાતે જ શોધવાની મથામણ કર્યા કરવા સિવાય કશું થઈ શકતું નહીં તે પણ એમાં વર્ણવ્યું છે. ક્યારેક વાંચજે.’

નંદુ હજી વધારે બોલ્યા જ કરત પણ ત્યાં દુર્ગા આવી અને સીધું જ મને પૂછ્યું, ‘સવારે તું નેહાબેન સાથે જવાનો છે?’

‘હા.’

‘મને લેતો જજે.’ દુર્ગાએ કહ્યું.

‘સાઇકલ ઉપર?’

‘હા. તને જોર પડતું હોય તો મને પૅડલ મારતાં આવડે છે.’ કહીને દુર્ગા જોરથી હસી પડી. મેં કશો પ્રતિભાવ ન આપ્યો એટલે તે ચાલી ગઈ. જતાં જતાં કહે, ‘ભૂલતો નહીં. સવારે.’

શહેર એકાદ માઈલ દૂર હતું. અમે સવારે વહેલાં જ નીકળી ગયાં. સાઇકલ ચાલતી રહી. કેટલીયે વાર સુધી અમારા બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. પછી દુર્ગાએ કહ્યું, ‘થાકે ત્યારે કહેજે. હું પૅડલ મારીશ.’ પછી ચાલતી સાઇકલે જ પોતાના બંને પગના ચપ્પલ કાઢીને હાથમાં રાખ્યાં અને પગ પૅડલ પર મૂકતાં બોલી, ‘કોઈ છોકરો છોકરી સામે હું થાક્યો છું એવું કહેવાનો નહીં. ચલ, જરા જગ્યા કર, બેઉ જણ ચલાવીએ.’

દુર્ગા પાછળ બેસીને મારી સાથોસાથ પૅડલ ચલાવતી ગઈ અને હસતી ગઈ. તેના નાજુક પગ મારા પગને અડતા હતા.

બેઉ તરફ રાઈ અને ઘઉંનાં ખેતરો લહેરાતાં હતાં. જતાં-આવતાં માણસો મને અને દુર્ગાને આ રીતે સાઇકલ પર જતાં જોઈને મલકી લેતાં.

શહેરમાં ડબલ સવારીએ સાઇકલ ચલાવતાં પોલીસનો ડર લાગ્યો એટલે અમે સાઇકલ દોરીને નેહાબહેનના ઘર તરફ ચાલવા માંડ્યું.

અચાનક દુર્ગાએ મને કહ્યું, ‘પેલે દિવસે ટ્રેનમાં તું બબૂચકની જેમ બેસી રહેલો તે જોઈને મને હસવું આવતું હતું.’

‘તે તને તો રોજ હસવું આવે છે.’ મેં કહ્યું.

દુર્ગાએ ખડખડાટ હસી દીધું અને બોલી, ‘આવે છે. આજે પણ આવે છે. પણ તે દિવસે આવતું હતું તેવું નહીં. જુદું.’

‘હસવાના વળી પ્રકારો હોય?’

‘અમારે, છોકરીઓને હોય’ કહીને દુર્ગા ગંભીર થઈ ગઈ અને બોલી, ‘જો, એક વાત પૂછું છું. સાવ અમસ્તી, જાણવા ખાતર. તારે જવાબ દેવો હોય તો દેજે. ન દેવો હોય તો કાંઈ નહીં. પણ પૂછું એનો કોઈ અરથ કરવા ન બેસતો.’

મૌન રહેવામાં જ મજા માનીને મેં ચાલ્યા કર્યું.

દુર્ગાએ પૂછ્યું, ‘તે વારે તું ખરેખર મુંબઈ જવાનો હતો?’

દુર્ગાએ અચાનક આવી વાત કેમ પૂછી તેની મને નવાઈ લાગી. જવાબ આપવો કે નહીં તે વિચારતાં મેં થોડાં ડગલાં મૌન ચાલ્યા કર્યું. પછી કહ્યું, ‘ના. મને ખબર જ નહોતી કે મારે ક્યાં જવું. બસ ઘરે નહોતું રહેવું.’

‘તને ઘર, વતન કશું યાદ નથી આવતું?’

દુર્ગા આવું બધું શા માટે પૂછે છે તે હું સમજી શકતો નહોતો. તે કોઈ નક્કી વિચારથી કે માહિતી મેળવવાના વિચારે તો નહીં જ પૂછતી હોય તે મને ખાતરી હતી. મેં જવાબ ન આપ્યો. રસ્તો કપાતો જતો હતો.

થોડી પળો રાહ જોઈને દુર્ગા બોલી, ‘તને ન ગમતું હોય તો ના કહીશ.’

મને લાગ્યું કે દુર્ગાને તેના જન્મની કથા, તે અહીં કઈ રીતે આવી તેની કથા અને તેને વિશે ઘણું પૂછી શકાય તેવી સ્થિતિ તેણે જ સરજી છે. તેને જવાબ આપી દઉં કે તરત હું મારા પ્રશ્નો પૂછીશ.

‘બા-બાપુના ગયા પછી અમારે ખાસ કોઈ ગામ કે સ્થળ નહોતું.’ કહીને હું અટક્યો અને જોયું તો દુર્ગા ગંભીર ભાવે સાંભળતી સાથે ચાલતી હતી. સાઇકલના તેના તરફના હેન્ડલની પર તેણે એક હાથ રાખ્યો હતો અને નજર નીચે રસ્તા પર હતી.

મેં બને તેટલી ટૂંકાણથી મારાં માતા-પિતા વિશે, મામાના ઘર અને મામીની સાચવણ વિશે કહ્યું.

‘આવું સરસ હતું તો પછી તું ઘરેથી ભાગ્યો શું કરવા?’

દુર્ગા આવું પૂછી બેસશે તે મારી ધારણા બહારનું હતું. તેણે મારી દુ:ખતી રગ દબાવી દીધી હોય તેમ મારું મન અમળાઈ ગયું. જરા ચિડાઈને મેં કહ્યું, ‘હજાર વાર મેં બધાને કહ્યું છે કે હું ઘરેથી ભાગ્યો નથી. મારે ઘર જ નથી. મારાં મા-બાપ ઘર બનાવે તે પહેલાં બેઉ એક સાથે ગુજરી ગયેલાં. હું તે વખતે પાંચેક વર્ષનો હતો. હવે સમજ પડી?’

‘તું આમ ચિડાઈ ન જા.’ દુર્ગાએ છોભીલા પડીને કહ્યું, ‘આપણે બીજી વાતો કરીશું, બસ?’

‘એમ વાત નથી.’ મેં કહ્યું, ‘પણ ઘર છોડીને ભાગવું તે એક વસ્તુ છે અને પોતાની ઇચ્છાથી ગૃહત્યાગ કરવો, પોતાની દુનિયા રચવા નીકળવું તે બીજી વાત છે. એ ભેદ તમે બધાં સમજતાં નથી.’ એ જ સ્વરે બોલીને મેં કહ્યું.

‘અમે બધાં કોણ?’ દુર્ગાએ મારા સામે શાશંક જોયું. તેણે બીજે હાથે પણ સાઇકલ પકડી લીધી. હવે તેનો એક હાથ મારા હાથ પર હતો.

‘તમે એટલે તમે. જે બધાં કેમ ભાગ્યો, કેમ ભાગ્યો પૂછ્યા કરો છે તે બધાં.’

આમ બોલી રહ્યો તે ક્ષણે જ મને આઘાત લાગ્યો. મને યાદ આવ્યું કે નંદુએ ફક્ત એક વખત મને ઘરથી ભાગેલો કહેલો તે સિવાય કોઈએ ભૂલથી પણ મને ભાગેડુ કહ્યો નથી; તેમ છતાં મારા મોઢે આટલા રોષથી ‘તમે બધાં’ એવું કોણ બોલાવી ગયું!

હજી હું આઘાતમાંથી બહાર આવું, ન આવું ત્યાં દુર્ગાએ ફરી પૂછ્યું, ‘એટલે કે તારા સહિત બધાં કે તારા સિવાયનાં બીજાં બધાં?’

મને લાગ્યું કે દુર્ગા માત્ર શબ્દોની રમત નથી કરતી. તે મને છેતરતી નથી. મને ખોલે છે. હું સાઇકલ ખોલી નાખતો તેટલી સરળતાથી તે મને ખોલે છે. તેના આ સવાલનો જવાબ મારી પાસે નહોતો. મેં તેની મોટી, ચમકદાર આંખોમાં જોયું અને કહ્યું, ‘કદાચ હું પણ મને ભાગેડુ માનવા માંડ્યો છું. તમે એટલે કોઈ નહીં. કદાચ હું એકલો જ. બસ?’

દુર્ગા મારી આ વાતથી દુ:ખી થઈ હોય તેમ નીચું જોઈને બોલી, ‘આમ સાવ નિરાશ ન થઈ જા.’ કહીને તરત જ ફરી ખડખડાટ હસી પડી અને બોલી, ‘તને દર્શન તરત થઈ જાય છે.’

થોડું ચાલ્યા પછી દુર્ગા ગંભીર થઈને બોલી, ‘હં. તો આપણે મામાના ઘર...થી આગળ વાત કરવાની છે.’

‘તને એમ લાગે છે કે હું વાર્તા કરવા બેઠો છું, કે પછી ગપ્પાં મારવા?’ દુર્ગાની વાત કરવાની રીત મને સહેજ પણ ગમી નહોતી. મેં પૂરો અણગમો બતાવીને બોલવાનું બંધ કર્યું.

‘તેં હજી પૂરી વાત તો કરી જ નથી.’ દુર્ગાએ કહ્યું, ‘આપણી વાતમાં તો તું હજી મામીના ઘરમાં જ છે.’ કહીને તેણે એક લીટી ગાઈને કહ્યું, ‘મોસાળ મામી ધુતારી, ભાઈનાં ઝભલાં ટોપી લેશે ઉતારી..., એવું તો કંઈ આવ્યું જ નહીં.’

હું આશ્ચર્ય પામીને દુર્ગા સામે જોઈ રહ્યો અને કહ્યું, ‘તું હાલરડાં ગાતાં ક્યાંથી શીખી?’ આ તેર-ચૌદ વરસથી અનાથ આશ્રમમાં રહેતી છોકરીના મોઢે સાંભળ્યું ન હોત તો મને કોઈ કાળે ખબર ન પડત કે તેને ઘર-કુટુંબોમાં ગવાતાં હાલરડાં તેને સશબ્દ આવડતાં હશે. ક્યાંથી અને કયા કારણે અહીં આવી પડી હશે આ છોકરી? કયા ઘરમાંથી, કયા કુળની?

હું પૂછી બેસું તે પહેલાં તો દુર્ગાએ કહ્યું, ‘કેમ? આપણે ત્યાં હાલરડાં ગાવાં પડે એવડાં છોકરાં પણ છે તે તને ખબર નથી?’

હું અવાક્ બનીને દુર્ગાને જોઈ રહ્યો. નંદુ તેને મા શા માટે કહે છે તે મને થોડું થોડું સમજાયું અને તેથીયે મોટી વાત તો એ બની કે તે ‘આપણે ત્યાં’ બોલી ત્યારે મેં ‘આપણે ત્યાં નહીં. તમારે ત્યાં’ કહીને સુધાર્યું નહોતું.

મેં કહ્યું, ‘દુર્ગા, ખોટું નહીં કહું, મારાં મામી ખરાબ તો નહોતાં. તેમણે મને ત્રાસ આપ્યો કે મેણાં માર્યાં એવું ક્યારેય કર્યું નથી.’

‘આઈ લે, લે. ઇન્ટરેસ્ટીંગ.’ દુર્ગા બોલી, ‘તો પછી તારે મહાભિનિષ્ક્રમણ કરવાની શી જરૂર હતી?’

‘હવે તું વાંકું બોલે છે.’ મેં રીસથી કહ્યું.

‘આ તો બે ઘડી ગમ્મત. તને ખરાબ લાગ્યું હોય તો માફ કર. હું તો ગમ્મત જ કરું છું.’ દુર્ગાએ મારી પીઠ થપથપાવતાં કહ્યું.

‘તો મૂંગી રહીને સાંભળ.’ કહીને મેં આખીયે વાત પૂરી કહી સંભળાવીને ઉમેર્યું, ‘દુ:ખ એક જ વાતનું છે કે તારી જેમ, લગભગ બધાંએ એવું જ માન્યું હશે કે મામીના ત્રાસને કારણે મેં ઘર છોડ્યું.’

‘કોઈને તારો વાંક પણ લાગ્યો હશે. એટલે બધું સરભર માની લે. હાથે કરીને દુ:ખી થવાનો પ્રયત્ન છોડી દે.’ દુર્ગાએ કહ્યું.

‘તું ભલે ઉડાવે, પણ મારા કારણે મામીને સાંભળવું તો પડ્યું જ હશે. પડોશીઓથી માંડીને દુનિયાના કોઈ પણ માણસે સ્વાભાવિક રીતે તેમનો વાંક જોયો હોય. હું કોને કોને સમજાવું કે મારા ઘર છોડવા પાછળનું કારણ તો સાવ જુદું જ છે.’

‘મને સમજાવીને? એટલું ઘણું થયું. હવે લાગણીવેડા છોડ. આ જો નેહાબેનવાળી ગલી આવી ગઈ.’

દુર્ગાએ મને પૂછ્યું હતું તે જ મારે દુર્ગાને પૂછવું હતું; પરંતુ હવે સમય નહોતો. સાંજે પાછા ફરતાં પૂછીશ તેમ વિચારીને હું મૌન રહ્યો.

નેહાબહેન તૈયાર હતાં. અમે સાથે નાસ્તો કર્યો અને નીકળતાં પહેલાં નેહાબહેને તેમના મદુરાઈવાળા મિત્રોને કૉર્ટ પહોંચવા ફોન કરી દીધો.

‘ફારુક અને હુસ્ના તો આવી જશે.’ નેહાબહેન બોલ્યાં અને પોતે યાદ કરતાં હોય તેમ ફરી બોલ્યાં, ‘હવે કશું બાકી રહે છે!’

બસ, હવે કૉર્ટમાં જઈને હુકમ મેળવવાનો હતો. શેફાલીને મદુરાઈના ડૉક્ટર અને સૌમ્યાને ફારુક અને હુસ્ના પોતાના ઘરે લઈ જાય એટલી વિધિ માત્ર કરવાની હતી. જૂવેનાઈલ કૉર્ટની વિધિ પૂરી થઈ જાય એટલે બેઉ બાળકીને વિદાય કરવાની.

અમે બધાં હળવા હતાં. કૉર્ટમાં વહેલાં જ પહોંચી ગયાં. રોઝમ્મા અને નલિનીબહેન બેઉ બાળકી સાથે હાજર હતાં. અમારો વારો આવે તેની રાહ જોતાં અમે બહાર ઊભાં. મૅજિસ્ટ્રેટ આવી ગયા હતા અને કૉર્ટનું પ્રારંભિક કામકાજ શરૂ થઈ ગયું હતું.

થોડી વારે ફારુક અને તેની હુસ્ના આવ્યાં. હુસ્ના કદાચ ક્યારેય કૉર્ટમાં આવી નહીં હોય. તે આવી ત્યારે તેણે ત્રણેક વરસની ઉંમરની એક છોકરી કાંખમાં તેડેલી હતી. નેહાબહેનને એ છોકરી બાબત કંઈક પૂછવું હોય તેવું લાગ્યું; પરંતુ એ લોકો આવ્યાં તે જ વખતે મૅજિસ્ટ્રેટે કહેવરાવ્યું, ‘મિસિસ કણ્ણગી આયંગર...’

પહેલાં શેફાલીના પાલકનો વારો આવ્યો. પતિ-પત્ની અંદર ગયાં. કોર્ટે કેટલાક સવાલો પૂછ્યા તેના જવાબો તેમણે લખાવ્યા. પછી અચાનક મૅજિસ્ટ્રેટે કાગળો વાંચીને નલિનીબહેનને પૂછ્યું, ‘આ શેફાલીનો હુકમ તો ગયા વખતે થઈ ગયો છે. હવે શું છે?’

‘હા. પણ જેમના નામનો હુકમ છે તે લોકો એને લઈ ગયા નથી. હવે કણ્ણગી અને ડૉ. આયંગર તેને લઈ જવા માગે છે.’ નલિનીબહેને કહ્યું.

‘સાવ આવું ચલાવો છો?’ મૅજિસ્ટ્રેટે જરા કંટાળાથી કહ્યું.

નલિનીબહેન કંઈ જવાબ ન આપી શક્યાં. નેહાબહેન પણ મૂંઝાઈને ઊભાં રહ્યાં. મૅજિસ્ટ્રેટે બે પળ રાહ જોઈ ફરી પૂછ્યું, ‘આના પહેલાં જેમના નામે હુકમ થયો છે તેમનું ઍફિડેવિટ છે?’

‘ના’

‘તો લઈ આવો. એ લોકોએ સ્ટેમ્પપેપર ઉપર મૅજિસ્ટ્રેટની સામે લખી દેવું પડે કે એ લોકો શેફાલીને રાખવા માગતાં નથી. પછી આગળનો હુકમ થશે.’ મૅજિસ્ટ્રેટે નલિનીબહેનને કહ્યું અને કાગળો પર કશુંક લખીને પોતાના ક્લાર્કને આપ્યા.

નેહાબહેને કણ્ણગીને અંગ્રેજીમાં કંઈક સમજાવ્યું અને નલિનીબહેન સામે જોઈને કહ્યું, ‘એ બેઉને તેમની હોટેલમાં જવા કહ્યું છે. સાંજે હું તેમને મળવા જઈશ. આયંગર એકાદ-બે દિવસ રોકાઈ જવાનું માની જાય તો કામ થઈ જાય. દરમિયાન આપણે ઍફિડેવિટનું ગોઠવવું પડશે.’

‘મુંબઈથી ઍફિડેવિટ કોણ લાવે?’ નલિનીબહેન બબડ્યાં.

‘કરીશું કંઈક.’ નેહાબહેને ધીમેથી જવાબ આપ્યો.

આયંગર દંપતી કંઈક ચર્ચા કરતું ત્યાંથી નીક્ળી ગયું.

હવે હુસ્નાનો વારો હતો.

એ અંદર આવી ત્યારે પણ પેલી છોકરીને કાંખમાં જ તેડી રાખેલી. પરદાવાળી, ઘરોમાં રહેતી, ગલીના નાકા સુધી પણ એકલી માંડ જતી સ્ત્રી અહીંના રીત-રિવાજો, અહીંનાં નીતિ-નિયમો કંઈ જાણતી નહોતી.

મૅજિસ્ટ્રેટે હુસ્નાની કાંખમાં છોકરીને જોઈ. મેજ પરના કાગળો પોતાની સામે લઈને તેમાંની વિગતો વાંચીને સીધું જ પૂછ્યું, ‘આ છોકરીનો કેસ છે?’

‘નહીં સા’બ, યે તો મેરી ઝેનબ હૈ.’ હુસ્નાએ સરળતાથી કહ્યું અને રોઝમ્માના હાથમાં રહેલી સૌમ્યા તરફ આંગળી ચીંધતાં બોલી, ‘હમને માંગા હૈ ઓ લડકી તો વો રઈ. સોમિયા.’

‘આ તારી પાસે છે તે તારી પોતાની દીકરી છે?’ ન્યાયાધીશે કાગળો એક તરફ ખસેડતાં પૂછ્યું. અમે બધાં, નેહાબહેન સુધ્ધાં હુસ્નાને જોઈ રહ્યાં.

હુસ્નાને લાગ્યું પોતે કંઈક ભૂલ કરી બેઠી છે અને હવે વધુ બોલશે તો ગરબડ થશે. તે આગળ બોલતાં અચકાઈને મૌન રહી. ફારુકે તેના વતી જવાબ આપતાં કહ્યું, ‘હા, સાહેબ. એ અમારી પોતાની છોકરી છે. ઝૈનબ.’

‘એક દીકરી છે તોયે બીજું બાળક જોઈએ છીએ!’ સત્ય મૅજિસ્ટ્રેટને ગળે ઊતરતું ન હોય તેવું લાગ્યું. તેણે નેહાબહેન અને ફારુક તરફ વારા ફરતી જોયું. ફારુક મૂંઝાઈને નેહાબહેન તરફ જોઈ રહ્યો.

નેહાબહેનને કે અમને કોઈને હુસ્નાને એક બાળક છે તે ખબર જ નહોતી એટલે તરત તો કોઈ કંઈ જવાબ આપી શકે તેમ નહોતું.

‘બોલો.’ મૅજિસ્ટ્રેટે ફરી પૂછ્યું.

‘હા સાહેબ,’ ફારુકે હિંમત ભેગી કરતાં કહ્યું, ‘બીબી આ છોકરી માટે જીદ લઈને બેઠી છે. સાહેબ,’ ફારુકે હુસ્નાની કાંખમાંથી ઝૈનબને પોતાના હાથમાં લઈ લેતાં આગળ કહ્યું, ‘આ લડકી તો છે જ તોયે રોજ બોલતી રહે છે કે ઓ આસરમવાલી લડકી કો ઘર લે કે આઓ.’

નેહાબહેન સ્વસ્થ થઈ ગયાં હતાં. તેમણે મૅજિસ્ટ્રેટને કહ્યું, ‘એક બાળક હોય તો પણ બીજું ચાઇલ્ડ એડોપ્ટ કરી તો શકે.’

‘એ બધી મને ખબર છે. તમે ન જાણતાં હો તો કહી દઉં કે આ કેસમાં એડોપ્શનની તો ગુંજાઈશ જ નથી. આ લોકો હિન્દુ નથી એટલે કાયદામાં તો એક વર્ષ માટે વાલીપણું આપવાની જ જોગવાઈ છે.’ મૅજિસ્ટ્રેટે જવાબ આપતાં ચશ્માં ઉતાર્યાં. નેહાબહેને સામે કંઈ ન કહ્યું, નલિનીબહેન પણ મૌન રહ્યાં.

મૅજિસ્ટ્રેટે આગળ કહ્યું, ‘આ માણસોની સ્થિતિ જોતાં તમને કાંઈ વિચાર નથી આવતો એની મને નવાઈ લાગે છે. મને તો થાય છે કે એ લોકો એકને પણ સરખી રીતે સાચવી શકશે કે કેમ? ત્યાં બીજાનું વાલીપણું કરવા માગે છે. તમે બરાબર તપાસ તો કરી છે ને?’

હવે નેહાબહેન હુસ્ના તરફ ફર્યાં અને તેને સમજાવતાં હોય તેમ બોલ્યાં, ‘હુસ્ના, તારે ઝૈનબ છે તો પછી આ છોકરીનું શું કામ છે?’

‘કામ’ શબ્દ સાંભળીને હુસ્ના અટવાઈ ‘અબ ઇતની છોટી લડકી સે ક્યા કામ કરવા લૂંગી?’ તે બે હથેળી નજીક લાવીને નાનકડું માપ દર્શાવતી મુદ્રા કરીને સાવ નિર્દોષ ભાવે બોલી, ‘બસ યે લડકી હમે ચાહિયે. હમારા દિલ હો ગયા. ચાહિયે જ.’

મૅજિસ્ટ્રેટને હુસ્નાની બોલવાની છટા કે પછી તેની વાતમાં રહેલું ભોળપણ સ્પર્શી ગયું હોય તેમ તેમણે શાંત સ્વરે હુસ્નાને કહ્યું, ‘ચાહિયે એ તો સમજ્યા બાઈ. છોકરી પણ તને આપવાની છે; પણ તારે કહેવું તો પડેને કે એક છોકરી છે તોયે બીજી શા માટે લઈ જવી છે!’

પારકા મરદ સાથે આટલી જીભાજોડી હુસ્નાએ ક્યારેય કરી નહીં હોય. આજ સુધી એને કંઈ કહેવા કે એને સાંભળવા માટે કદાચ માત્ર ફારુક જ હતો. હુસ્નાએ મૂંઝાઈને મૅજિસ્ટ્રેટને જવાબ આપવાને બદલે ફારુકને કહ્યું, ‘અબ ઝેનબ કે અબ્બુ, આપ હી સા’બકો સમજાઓ.’

‘બાત યે હૈ સાબ...’ ફારુક કંઈક કહેવા ગયો કે મૅજિસ્ટ્રેટે તેને અટકાવ્યો અને હુસ્નાને જ કહ્યું કે જે કહેવાનું હોય તે પોતે જ કહે.

હવે જે કંઈ થશે તે પોતે જ કરવું પડશે તે વાત ગળે ઉતારીને હિંમત કેળવતાં હુસ્નાને પળ બે પળ કોશિશ કરવી પડી. તેણે નેહાબહેન સામે જોયું. નેહાબહેને તેને હિંમત આપવા ડોક હલાવીને બોલવા સૂચવ્યું.

દુર્ગાએ પોતે કૉર્ટમાં છે તે વિચાર્યા વગર હુસ્નાની પાસે જઈને ઊભી અને તેનો હાથ પકડ્યો.

છેવટે હુસ્નાએ કહ્યું, ‘બડે સા’બ, બાત યે હૈ કે યે લડકીકો હમને જ પાલા હૈ. ચાહે આપ અસ્પતાલવાલોંસે પૂછ લીજીયે. હમને ઉસે હમારા, હમારા....’ કહીને હુસ્ના અટકીને નીચું જોઈ ગઈ.

મૅજિસ્ટ્રેટે કાગળ પર કશુંક નોંધ્યું. ત્યાં હુસ્ના શરમાતી હોય તેમ ફરીથી તૂટક તૂટક બોલતી ગઈ, ‘સિવિલમાં જીસ રાત સોમિયા પૈદા હુઈ ઉસી રાત ઉસકે બાજુવાલી ખટીયામેં મુઝે દુસરીબાર કે લિયે ભર્તી કીયા થા. મેરે પેટમેં બચ્ચા ઊલટા થા ઇસલિયે નર્સવાલોંને મુજે બેહોશ કીયા થા.’ કહીને હુસ્નાએ નેહાબહેન સામે જોયું અને આગળ બોલી, ‘હોશ આયા તો ઝેનબ કે અબ્બાને મુઝે બતાયા કી મેરા વો બચ્ચા મરા હુવા પૈદા હુવા.’

જે રાત્રે હુસ્નાને મરેલું બાળક અવતરેલું; તે જ સમયે બાજુની બેડ પરના પારણામાં સોમિયા આવી હતી.

સૌમ્યાની માતાએ હુસ્નાને મરેલું બાળક અવતર્યું છે તે જાણીને તેને ઈશ્વર, ખુદા વગેરે વાત કરીને આશ્વાસન પણ આપ્યું હતું તે યાદ કરતાં હુસ્નાએ આગળ કહ્યું, ‘વો લડકી જવાન થી. અચ્છી થી. દિખનેમેં અચ્છે ઘર કી માલૂમ પડતી થી; પર અકેલી થી. ઉસકા ઘરવાલા કોઈ આયા નહીં થા. મૈને પુછા ભી થા કે કોઈ જ ક્યું આતા નહીં હૈ, પર ઉસને હંસ દીયા. કુછ બોલી નહીં. હમેં ઉસ રાત નીંદવાલી સૂઈ લગાઈથી તો હમ તો સો ગયે. બડે સબેરે બચ્ચે કે રોને કી આવાજ સે હમે લગા કે શાયદ મેરા બચ્ચા હી રો રહા હૈં.’

પોતાનું બાળક મૃત અવતર્યું છે તે ભૂલીને તેને રડતું માનતી હુસ્ના જાગી ત્યારે હજી સવાર થવાને વાર હતી. બાજુનો ખાટલો ખાલી હતો. બાળક પારણામાં જોર જોરથી રડતું હતું. ‘હમને ઊઠ કર ઈધર-ઊધર દેખા, નર્સકો બુલાયા.’ કહીને હુસ્ના અટકી.

મૅજિસ્ટ્રેટ સહિત અમે બધાં તેની વાત સાંભળવા એકકાન હતાં. મૅજિસ્ટ્રેટે પૂછ્યું પણ ખરું, ‘ફીર?’

‘ફીર ક્યા?...’ હુસ્ના પરાણે બોલતી હોય તેમ બોલી, ‘બચ્ચી કો મેંને.. મેંને અપના દૂધ પીલાયા.’ બોલીને હુસ્ના મોં નીચું રાખીને ઊભી રહી.

મૅજિસ્ટ્રેટે કંઈક નોંધ કરી.અને હુસ્નાને આગળ બોલવા કહ્યું.

‘ઉસકે બાદ નર્સવાલોંને હમેં બોલા કી વે લોગ યે બચ્ચીકો કહીં ભેજ દે તબ તક મુઝે જ ઉસકો પાલના હૈ. હમને ઉસે અપને સીનેસે લગા કર જીતને દિન હમ સિવિલમેં ભર્તી રહે ઉતને દિન, પાલા.’

હુસ્નાએ એ પણ કહ્યું કે નર્સો અને બીજા સ્ટાફે વિનંતી કરી એટલે હુસ્ના ઘરે ગયા પછી પણ એક અઠવાડિયા સુધી બાળકીને દૂધ પાવા નિયમિત હૉસ્પિટલે જતી. આ રીતે એક વખત તે ગઈ ત્યારે સ્ટાફ પાસેથી જાણ્યું કે સૌમ્યાને તો પેલા પીળા મકાનમાં લઈ જવાની છે.

લક્ષ્મી તરફ હાથ લંબાવીને હુસ્નાએ કહેલું, ‘બચ્ચીકો ઇનકે યહાં ભેજનેવાલે હૈ ઐસા હમેં નર્સવાલોંને બતાયા. પહેલે તો હમને સોચા, ચલો ઠીક હી હુઆ. લડકીકો ઠીકાના મિલ ગયા. પર ફીર રેહ રેહ કર વોહી જ યાદ આને લગી. લગતા થા શાયદ મેરા બચ્ચા મરા હુવા નહીં થા. યેહી જ મેરા બચ્ચા થા. જિંદા. હમ તો પગલા ગયે થે, સા’બ.’

હુસ્ના બોલતી અટકી પછી ન્યાયાધીશે કાગળો ઉથામતાં, સહી કરીને કહ્યું, ‘ભલે, પણ હવે ફરી તને બાળક થાય તો તારે કેટલાં છોકરાં ઉછેરવાનાં થશે તેનો વિચાર તમે લોકોએ કર્યો છે?’

સાહેબની વાત ખોટી નહોતી. નેહાબહેને પણ હુસ્નાને સમજાવી, ‘જો પછી આ પારકી છોકરીને તારે ઝૈનબની જેમ જ પ્રેમથી રાખવી પડશે. પાછળથી એને રિબાવું પડે એ કરતાં તો તું આને લઈ જવાનું માંડી વાળ.’

નલિનીબહેને કહ્યું, ‘જો તું એની સગી મા બનીને એને રાખવાની હો તો જ લઈ જા. નહીંતર નહીં.’

‘અબ યે તો સબકો માલૂમ હૈ કે હમ ઇસકી સગી મા નહીં હૈ. જો હમ નહી હૈ વો તો નહીં જ હૈ. ઇસમેં યે સગાઈ વાલી કોઈ બાત જ નહીં હૈ.’ હુસ્નાએ સ્પષ્ટ કહ્યું.

પછી મૅજિસ્ટ્રેટ તરફ જોઈને બોલી. ‘આપ જ બતાઈયે, રીસ્તે ક્યા સીરીફ સગાઈસે જ બનતે હૈ?’ પૂછીને હુસ્ના અટકી અને ફરી બોલી, ‘અપણે હાથ કા લગાયા પેડ કાટને કો આદમી કા દિલ નહીં હોતા, કોઈ કો તો ગાય યા કુત્તે-બિલ્લી સે પ્યાર હો જાતા હૈ. નહીં હો જાતા? અરે, અસલમ કે અબ્બુ સે પુછો, અપણી રિક્ષા કો કૈસૈ પ્યારસે રખતે હૈં. રીસ્તા બનાનેવાલા તો ઇન્સાનકા દિલ હૈ. દૂસરા અગર હૈ તો ખુદા હૈ. હમ ઇસે રખેંગે. ખુદ તો પઢે-લિખે નહીં હૈ પર ઇસકો પઢાયેંગે.’

હુસ્ના કદાચ સાવ અભણ હશે. કદાચ બે-ચાર ચોપડી સુધી નિશાળે ગઈ હોય તોપણ મને લાગ્યું કે તેને નિશાળે જવાની જરૂર ક્યારેય નહોતી. શા કાજે તેણે કોઈ નિશાળમાં બેસીને કશું શીખવું પડે! શા માટે તેણે કશું વાંચવું પડે, શા કાજે ગુરુ પાસે જઈને ઉપદેશો લેવા પડે? અરે, આ જ તો એ લોકો છે જે જગતને શીખતાં શીખવે છે.

માત્ર આજનો પ્રસંગ કે આ હુસ્ના જ નહીં, આ દુનિયામાં બીજાં કેટલાંયે માણસો, કેટલાયે પ્રસંગો જન્મતા રહે છે. જીવન તેનાં અનેક રૂપોમાંથી કયા રૂપને, આ રમણીય પૃથ્વીના કયા અજાણ્યા ખૂણે, કઈ પળે, અને તેથીયે વધુ તો કયા કારણે તેના પૂર્ણ ઐશ્વર્ય સાથે પ્રગટાવશે તે કોઈ નથી જાણતું. આપણા ભાગે તો ક્યાંક, ક્યાંક જોવા મળી જતી રૂપ છટાને ભાળી લઈને મનના ઊંડાણમાં મૂકી દેવા સિવાય કશું ક્યાં હોય છે!

સાહેબે અમને બહાર રોકાવાનું કહ્યું. અડધાએક કલાકમાં કૉર્ટના કારકુને અમને અંદર બોલાવીને ઓર્ડરની નકલ આપી. સૌમ્યા ફારુકને અપાઈ હતી. ફારુક પચાસ હજાર રૂપિયા રોકડા કે ચૅકથી કૉર્ટમાં ડિપાઝિટરૂપે જમા કરે તે પછી સૌમ્યાને લઈ જઈ શકે. આ શરતે.

પચાસ હજાર! એ જમાનામાં રૂપિયાની કિંમત જોતાં કેટલું કઠિન, એક રિક્ષાવાળા માટે તો અસંભવ હતું.

નેહાબહેને સાહેબને ફેર-વિચાર કરવા વિનંતી કરી જોઈ તો જવાબ મળ્યો, ‘મારી ઇચ્છા તો એક લાખ ભરાવવાની હતી. બાળકીની ભલાઈ માટે એ જરૂરી છે.’

નેહાબહેને ફારુકને વાત કરી તો તેનું મોં કાળુંધબ્બ થઈ ગયું. હુસ્ના એટલું જ બોલી, ‘યે તો ગજબ હો ગીયા.’

દુર્ગાનું મોં લાલ થઈ ગયું અને તે ત્યાંથી બહાર ચાલી ગઈ.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Manisha Upadhyay

Manisha Upadhyay 2 માસ પહેલા

mehta f

mehta f 8 માસ પહેલા

nihi honey

nihi honey 11 માસ પહેલા

Ami Desai

Ami Desai 2 વર્ષ પહેલા

Biren Kiri

Biren Kiri 2 વર્ષ પહેલા