rizashe maro nath books and stories free download online pdf in Gujarati

રિઝશે મારો નાથ

"ધનાબાપા, ઉપરવાળાની હામે આપડું કાંઈ હાલે કે ?" શું બોલવું તે ન સમજાતા સરપંચે આશ્વાસનનાં બે શબ્દો ઉચ્ચાર્યા.

ધનાબાપા હાથબ ગામનાં પાંચમાં પૂછાતા અને પૂજાતા, નામાંકિત વડીલ છે. સૌની સાથે રહી સૌને સુખી અને હસતાં જોનારા ધનાબાપાનાં ઘરે છેલ્લા દસ દિવસથી દુઃખાના ઓળા ઉતારી પડ્યાં છે.
ગામથી થોડું દૂર ધાનાબાપાનું ખેતર. જ્યાં ઉચાં પડથારના હારબંધ ચાર મકાન, ને ફળિયામાં રસોડું. ફળિયું સરસમજાનાં ફૂલછોડથી શોભી રહ્યું છે.
ધનાબાપાને બે દીકરા અને એક દીકરી. સૌથી મોટા દીકરા નરેશને ગામમાં જ મુખ્ય બજારે સુથારી કામની દુકાન છે. બારી, બારણાં અને સર્નિચરનો સારો કારીગર. લાકડાં વેરવાનો બેન્સો પણ છે. ઘરમાં મોટો હોવાનાં નાતે ઘરની તમામ જવાબદારીઓ સારી રીતે સંભાળે છે. વચેટ દીકરી રમીલા. જે સાસરે છે. સૌથી નાના દીકરા રામજીને ભાવનગરમાં નર્સરી છે. રામજી સવારે જમીને બપોરનું ટીફીન લઇ નર્સરી પર ચાલ્યો જાય. આખો દિવસ તે નવા-નવા બીજ રોપવા, રોપાઓને પાણી આપવું, મોટા થયેલા રોપાઓને બીજી મોટી પોલિથીન બેગમાં કે બીજા કુંડામાં બદલવા, ગ્રાહકને તેની પસંદગી અને માગણી મુજબ રોપા ઉછેરી આપવા જેવા કામોમાં પરોવાયેલ રહેતો. ખૂબ જ મોટા થઇ ગયેલા રોપાને તે ઘરે લઇ આવતો અને પોતાના ખેતરના શેઢે રોપી દેતો. આજે ખેતરની શાન અને આંખોની ઠંડક વધારતી જે હરિયાળી ખેતરની ચારે તરફ દેખાય છે તે રામજીનાં પ્રકૃતિપ્રેમની જ સાક્ષી છે.

રામજી અને જયાને આઠ વર્ષનો દીકરો રવિ અને છ વર્ષની દીકરી નયના એમ બે સંતાનો. નરેશ અને કૈલાસને ખાસ્સી બાધા-આખડી પછી જન્મેલ દીકરો તે પાંચ વર્ષનો મનોજ. 

"શ્રીહરિ... શ્રીહરિ..." એક ઊંડો શ્વાસ લેતા ધનાબાપા બોલ્યા.
"ભાય, હુ કે'વું તમને. તે દિ'ની બીના આજેય મારી આંખ્યુંમાં એવીને એવી જ રમે સે." ધનાબાપા અતીતમાં ગરકાવ થઇ ગયા.

તે દિવસે નરેશ ગામમાંથી દુકાન બંધ કરીને વેહેલો ઘરે આવ્યો.

"બટા, કેમ આજ વે'લો ઘરે ? " ધનાબાપાએ કહ્યું.

"બાપા પેલો ઝાંપા પાહણ મોટો લીમડો સે ઈ કાપ્પો સે." નરેશે કહ્યું.

"પણ, બટા ઈ હજી તો નાનો સે. ઝાડવાં તો પાકી જાય કે હૂકાઈ જાય તા'રે જ કપાય. એમ કાંઈ લીલોતરી થોડી કાપી કઢાય !." ધનાબાપાએ કહ્યું .

ત્યાં તો નરેશ હાથમાં કુહાડો લઈને આવ્યો.
"બાપા ! મને ઓલ્યા ઈશ્વરકાકાનો મગનો ઘર બનાવવાનો સે તે ખોવડાનાં વાસા-પટ્ટીનો ઓડર આપ્પા આવ્યો થો. એણે કીધું કે તૈણ-ચાર મયનામાં કરી આપજો. હવે આપડી પાહણ લાકડાં કાં સે ?" ને નરેશ લીમડો કાપવા દલીલ કરી.

"બટા હું કાપ્પાની ના નય પાડતો. પણ, આ તો હજી પાસ-હાત વરહનું કૂણું ઝાડ. ઈ હુંકામ કાપ્ય. હામેનાં શેઢે જૂના ને ઘઢા ઝાડવાની કાં તાણ્ય સે." ધનાબાપા તેને અટકાવતા બોલ્યા.

"બાપા આ લીમડો કાપું એમાં તમને કાંઈ આપદા ખરી ? ને ઈ હામેના શેઢે ઘઢા ઝાડવામાંથી એકેયમાં આટલું લાકડું નય મળે. મારો ધંધો જ આ ઝાડવા કાપવાથી હાલે. ઝાડવાની આટલી માયા કેમની ? આ કાંઈ થોડો જ જીવ છે કે ઘરનો સભ્ય સે !!" નરેશ ગુસ્સાથી બોલ્યો.

"મારે મન તો બધા ઝાડવા ઘરનાં સભ્ય. ને તું જીવની વાત કરતો હોય તો ઓલો રામજીનો નાનકો રવિ એક દા'ડો મારી પાહેણ બેહી ને લેશણ કરતો 'તો તારે કે'તો કે ભારતનાં કોઈ વિગનાનીકે ખોળી કાઢ્યું કે ઝાડવામાં પણ જીવ હોય સે. ઓલા સવાધ્યાયવાળા પણ ઘરે આવ્યા તા'રે કે'તાથા સોડમાં રણસોડ સે." ધનાબાપાએ પોતાનો પક્ષ મજબુત કરતા કહ્યું.

"બાપા! તમે બાજુ હટી જાવ, મારે તમારી કોઈ વાત નથી હાંભળવી. મારે હાંજ લગણમાં આ લીમડો કાપી કાઢવો સે." નરેશે મક્કમતા બતાવી.

"દીકરા તું માને કે નો માને પણ મને આજ તારી આ હઠ ગમતી નથ્ય. શ્રીહરિનેય નય ગમતું હોય. ઉપરવાળાને મન બધાય જીવ હરખા. ઝાડવાને મોઢું હોત ને તો ઈય બીશારું પોતાને કાપ્પાની ના પાડત, ને ચીસો પાડીને રડેત. જો આંખ્યું હોત તો ઈય ચોધાર આંહુડા પાડત ને હીબકા ભરત. પણ આ બધું અતારે તને કેવું નકામું લાગે સે. જેવી શ્રીહરિની મરજી." ધનાબાપાએ ઊંડો નિશ્વાસ નાખ્યો. "ધરમનો ઝાલશો હાથ, તો રિઝશે મારો નાથ. શ્રીહરી... શ્રીહરિ... " ધનાબાપાએ કહ્યું.

"બાપા, તમે એવી ધરમ-બરમની વાત તો કરતાં જ નય. આ તો મારો ધંધો છે એમાં ધરમ ક્યા આવ્યો. ને તમે જો ધરમની વાત કરતાં હો તો આજકાલ ધરમીને ન્યા જ ધાડ પડે છે. હરામનું ખાનારા સુખમાં આળોટે છે અને ધરમી માણસ હાંજ પડ્યે માંડ રોટલા ભેળો થાય છે." નરેશે બળાપો કાઢ્યો.

"ધરમ-અધરમની ગત્ય ન્યારી છે દીકરા. નાનું તોય પાપ. ખાલી અધરમ થતો જોયાની સજા માટે મા'રતમાં ભીષમપિતાએ બાણપથારી પર પીડા ભોગવવી પડી 'તી. પણ તને ઈ નય હમજાય દીકરા મારા..!! અટાણે તને હમજાવવો એટલે પાણા માથે પાણી બરાબર સે. શ્રીહરી... શ્રીહરિ... "

ધનાબાપાએ વાદળછાયા આકાશ ભણી મીંટ માંડી.
ધનાબાપા નારાજ થઇ તેના હંમેશના સાથી એવા વડલાની નીચે ખાટલો ઢાળીને સૂતા. ઊંઘ તો કેમ આવે !! ઝાડ પર નરેશની કુહાડીનાં ધડાધડ પડતા ઘા જાણે પોતાના પર પડતા હોય તેમ એમનું કાળજું થડકે ને મન વલોવાય. તેમનાથી આ સાંભળ્યું ન જતું હોય એમ માથાનું ફાળિયું મોઢા પર નાખી બંને હાથ કાન આડા દબાવી ઊંઘવાની કોશિશ કરવા લાગ્યા. ઘરનાં બાકીના સભ્યો પણ બપોરા કરી તડકો ગાળવા આડેપડખે થયા હતા. બાળકો નિશાળે ગયા હતા. નરેશ ખભે રાખેલા ટુવાલ વડે પરસેવાનાં રેલા લૂછતાં- લૂછતાં ધડાધડ કુહાડાના ઘા કર્યે જતો હતો.

"દાદા ... એ દાદા.... જાગોને ... મારી બા સા(ચા) લાવ્યા." જરાવાર આંખો મીંચાઈ હશે ત્યાં ચારેક વાગ્યે રામજીની પત્ની જયા ચા લઈને આવી. સાથે આવેલ નાનકી નયનાએ દાદાને જગાડ્યા.

"જા બટા, તારા મોટાબાપુને ચા પીવા બોલાવ્ય." ધનાબાપાએ એક ત્રાંસી નજર કરી નરેશ તરફ ઈશારો કર્યો.

નયના નાની-નાની ડગલીઓ ભરતી જઇને નરેશને બોલાવી લાવી.પરસેવે રેબજેબ નરેશ ટુવાલથી પરસેવો લૂછતો વડ નીચે આવ્યો. ઝટપટ નયનાના હાથમાંથી પાણીનો લોટો લઇ મોં ધોઈ, ટુવાલથી મોં લૂછી ચા પીવા બેઠો. ધનાબાપા તેનાથી નારાજ હોય તેમ તેની સાથે કંઈ જ બોલ્યા નહી. નરેશ પણ આ પરિસ્થિતિથી બચવા ઝટપટ ઉભો થઇ ફરી કુહાડો લઇ લીમડો કાપવા લાગ્યો.

"શ્રીહરિ... શ્રીહરિ..." ધનાબાપા એ તરફ દ્રષ્ટિ કરી એક ઊંડો નિશ્વાસ નાખ્યો.

નરેશ આજે કોઇપણ ભોગે સાંજ થતા સુધીમાં લીમડો કાપી લેવા માગતો હતો. પરસેવો લૂછતો પાગલની જેમ બધી તાકાત એકઠી કરી ધડાધડ કુહાડી વીંજતો હતો. લીમડાનું થડ ઘણું બધું કપાઈ ગયું હોવાથી એક બાજુ ઢળી રહ્યું હતું. નરેશ સમજી ગયો કે હવે ઝાડ નીચે પડશે. તે થોડે દૂર જઈ વિશાળ ઝાડને પડતા જોઈ રહ્યો. ઝાડનાં તૂટવાથી કડાકાના અવાજ આવતા ખેતરમાં કામ કરતાં ઘરના સભ્યોનું પણ એ બાજુ ધ્યાન ખેચાયું. ધનાબાપા આકાશ તરફ જોઈ આંખો મીંચી ગયા. એક મોટા કડાકા સાથે ઝાડ જમીન પર ઢળી પડ્યું.  

પણ... આ શું... ? 

જોર જોરથી બાળક રડતું હોય તેવો અવાજ આવ્યો. સાંભળનાર સૌ સ્તબ્ધ થઇ ગયા. ધનાબાપાનાં હ્રદયમાં ફાળ પડી, તેમણે આંખો ખોલી; ઝાડ તરફ જોવા લાગ્યા. નરેશ તો બેહોશ જેવો થઈ ગયો; તેનાં પગ નીચેથી જમીન સરકી રહી હોય તેવું તેને લાગ્યું અને કુહાડીનો ટેકો લઇ તે જમીન પર બેસી પડ્યો.

થોડીવાર પહેલા ધનાબાપાએ કહેલા શબ્દો તેના મનમાં પડઘાવા લાગ્યા...
" ઝાડવાને મોઢું હોત ને તો ઈય બીશારું પોતાને કાપ્પાની ના પાડત, ને ચીસો પાડીને રડેત. જો આંખ્યું હોત તો ઈય ચોધાર આંહુડા પાડત ને હીબકા ભરત."

નરેશ એકદમ સુન્ન થઇ ગયો. તેને પોતાની આંખો અને કાન પર વિશ્વાસ જ નહોતો બેસતો. શું ખરેખર આ ઝાડ રડે છે !

આ બધું જ ક્ષણવારમાં બની ગયું. કોઈકંઈ સમજ્યું નહી. કૈલાસે હૈયાફાટ રુદન શરૂ કર્યું ત્યારે સૌ હતપ્રભ બની ગયા અને સમજવાની કોશિશ કરવા લાગ્યા. પાંચને દસ મિનિટ થઈ હતી. ઝાડનું પડવું અને નિશાળેથી આવતા મનોજનું બરાબર તે જ સમયે વાડીનાં ઝાંપામાં દાખલ થવું. રવિ પણ શાળાએથી સાથે જ આવ્યો હતો, પરંતુ મનોજ દોડીને આગળ થઇ જતાં ઝાડની નીચે દબાઈ ગયો. સમગ્ર પરિસ્થિતને પામી જઈ નરેશ કુહાડીનો ઘા કરી ગાંડાની જેમ ઝાડ તરફ દોડ્યો. પરિવારના બધા સભ્યો પણ તે તરફ દોડ્યા. ધનાબાપાને તો છાતીમાં દુઃખાવો થતાં બંને હાથ છાતી પર દબાવી વડના થડ સાથે માથું ટેકવી બેસી ગયા. નાનકડા મનોજનાં શરીર પર ભારેખમ ઝાડ પડવાથી તેનું પેટ છુંદાઈ ગયું હતું; માથામાંથી ખૂબ લોહી વહી રહ્યું હતું. મહામહેનતથી બધાએ ઝાડ હટાવ્યું.

"મારા લાલ ! તને હૂ થાય સે ? કાં'ક તો બોલ... બોલને મનોજ... બોલને..." મનોજને ઢંઢોળતા કૈલાસે લોહીથી લથબથ મનોજને ખોળામાં લીધો.

"બટા ! ઝટ એબુલસને ફોન કર્યને ..." વૃદ્ધ પરંતુ વ્યવહારુ કમળાબાએ નરેશને સુચન કર્યું; નરેશના ખભેથી ટુવાલ લઇ મનોજ અને કૈલાસને પવન નાખવા લાગ્યા. 

જયા દોટ મૂકી પાણી લેવા ગઈ. રવિ અને નયના કશું ન સમજતાં સૌના મોં જોઈ રહ્યા હતા. ધ્રુજતા હાથે નરેશે એક સો આઠ નંબર પર ફોન કરી સરનામું લખાવ્યું. આ રડારોળ સાંભળી આસપાસની વાડીમાં કામ કરતાં ચાર-પાંચ લોકો દોડી આવ્યા. કૈલાસ પોતાની સાડીનો ડૂચો કરી મનોજના કપાળ પરના ઘાવમાંથી નીકળતા લોહીની ધારને બંધ કરવા મથતી હીબકા ભરવા લાગી. મનોજ જાણે જળ વીના માછલી તરફડે તેમ તરફડીયા મારી રહ્યો હતો.

ધનાબાપા વડ સાથે ટેકો લઇ મહામહેનતે પોતાની જાતને સંભાળતા ધીમે ધીમે મનોજ પાસે આવીને ઢગલો થઈ બેસી પડ્યાં. નરેશ પણ બાપના ખભે માથું ઢાળીને પોક મુકીને રડી પડ્યો. ધીરે ધીરે મનોજના શરીરનો સળવળાટ શમી ગયો. ધનાબાપા મનોજનું કાંડું હાથમાં લઇ નાડીના ધબકારા તપાસવા લાગ્યા. મનોજની નાડીના ધબકારા બંધ છે એ હકીકતનું જ્ઞાન થતાં ધનાબાપાનાં હ્રદયના ધબકારા વધી ગયા. તેમને શ્વાસ ચઢવા લાગ્યો. આખું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું.

બસ, આ એક દુર્ઘટનામાં ઉપરવાળાએ ઘરનાં સૌથી નાના અને સૌના લાડકા મનોજને છીનવી લીધો. તેનો આજે અગિયારમો દિવસ થયો. આથી તેની પાછળ ગામનાં નાના બાળકોને બટુકભોજન આપવામાં આવી રહ્યું હતું. નાના ભૂલકાઓને ઓસરીમાં બેસાડી રમીલા છૂટી કળી અને ગાંઠિયા પીરસી રહી હતી. આખાય ઘરમાં ગમગીની ફેલાએલી હતી. ઘરનાં કોઈ સભ્યના ગળે તો કોળિયોય ઉતરતો નહી ,પણ મનોજને પરલોકમાં શાંતિ મળે તે માટે બટુકભોજન કરાવતા હતા. નાના બાળકોને તો હજુ આવી આલોક કે પરલોકની ગતાગમ ક્યાંથી હોય !! લગ્નનું હોય કે મરણનું તેના માટે તો જમણ જ મહત્વનું હોય છે. થોડા સમયમાં બાળકો જમીને કિલકારીઓ કરતાં જતાં રહ્યા.

નાચતા-કૂદતા બાળકોને જતાં જોઈ થાંભલીનાં ટેકે બેઠેલ કૈલાસથી એક મોટી પોક મુકાઈ ગઈ, "હે મારા લાલ.... ક્યાં ગયો તું .... તારા વન્યા મારો જીવ જાય છે. ઝટ પાસો આવ્ય." કૈલાસ છાતી ફૂટવા લાગી.

"વઉ દીકરા, જનારા થોડા જ પાછા આવે છે ? પણ બટા આ આવનાર જીવની કાળજી રાખો. ઘણાં વરહે ભગવાને ફરી હારા દિ' દેખાડ્યા સે તે તમારા પેટમાંના જીવની હંભાળ્ય રાખો. બાકી દુઃખ તો અમનેય કા' ઓસું લાગ્યું છે ?" કમળાબાએ છાતી ફૂટતી કૈલાસનાં બંને હાથ પકડી લઇ પોતાનાં ગળે વળગાડી આશ્વાસન આપતા કહ્યું.

પહેલી પ્રસુતિ વખતે મોતના મુખમાંથી માંડ બચેલ કૈલાસને ડૉકટરે ચેતવણી આપી હતી કે હવે પછીની પ્રસુતિ તેમના માટે ગંભીર ખતરો બની શકે છે અને બંને જીવનું જોખમ રહેશે. એ વાતથી આખા ઘરમાં સૌના જીવ ફફડતાં હતા. ઘરમાં ફરી પાછી ગમગીની ફરીવળી.

"શ્રીહરિ.... શ્રીહરિ.... જેવી તારી મરજી." ધનાબાપાએ એક ઊંડો નિશ્વાસ છોડ્યો અને ઊંચું મોં કરી વડલાની ઘટામાં જાણે શ્રીહરિને શોધતા હોય તેમ જોવા લાગ્યાં.

આ દુઃખદ પ્રસંગે ગામનાં સરપંચ ધનાબાપાને આશ્વાસન આપવા આવ્યા હતા. વાડીનાં છીંડા પાસે એક ઘટાદાર વડની નીચે ખાટલા ઢાળીને ધનાબાપા, સરપંચ, નરેશ, રામજી તેમજ બે-ત્રણ વડીલો બેઠા હતા. કોઈ હરખના પ્રસંગે આવી જ રીતે ખાટલા ઢાળીને સૌ બેસે અને આનંદથી ચા-નાસ્તાની મજા લેતા હોય; પણ આજે પરિસ્થિતિ કંઈક અલગ હતી. આ દુઃખદ પ્રસંગે શું કહેવું એ અસમંજસમાં સરપંચે આશ્વાસનનાં બે બોલ ઉચ્ચાર્યા.
"ધનાબાપા, ઉપરવાળાની હામે આપડું કાંઈ હાલે કે ?"

"હા ભાઈ હા .... મારવાવાળોય ઈ, ને તારવાવાળોય ઈ. દેવાવાળોય ઈ, ને લેવાવાળોય ઈ. આપડે તો એની હામે જીવ-જંત સઈ..." દુઃખદ અને ઘેરા અવાજમાં ધનાબાપા બોલ્યા.

"બસ ભાય, આમ પળવારમાં એબુલસ આવે ઈ પે'લા મારા શ્રીહરિ આવ્યા અને અમારા લાડકા મનોજને લઇ ગયા." ધનાબાપાની આંખોમાં આજે પણ આ વાત કરતાં આંસુની ધારા વહેવા લાગી. સાંભળનાર ગામનાં વડીલોની આંખો પણ ભરાઈ આવી. નરેશ તો આ આખી ઘટના ફરી યાદ આવતા પોક મૂકીને રડી પડ્યો.

"બાપા, મારા લાલાનાં મોત કેડે મને રોજ હોણા આવે છે અને હોણામાં કો'કવાર ઝાડવાં રો'તા હોય. અડધી રાતે મારાથી ઝબકીને જાગી જવાય છે. હવે આ દુઃખ નથી ખમાતું મારાથી. આટલા વરહે ભગવાને દીકરો દીધો ઈય સીનવાય ગયો. હું આજ આ બધા વડીલોની સાખે નીમ લઉં સુ કે આજ પશી કોઈ દા'ડો એકેય લીલું ઝાડવું નય કાપું. મને કો'ક ફરનીસર બનાવવા લાખો રૂપિયા આપે તોય નય કાપું." નરેશ પોતાનો હૈયાનો બોજ હળવો કરતાં પ્રતીજ્ઞા જાહેર કરી. સૌ આગેવાનોના હૈયા હરખાયા. ધનાબાપાને સૌથી વિશેષ આનંદ થયો.

એટલામાં ઓસરીમાં થોડી ચહલપહલ શરૂ થઇ. ઘરની સ્ત્રીઓ ઘરમાંથી બહાર અને રસોડામાં એમ આંટાફેરા કરવા લાગી. બધાનું ધ્યાન એ તરફ ખેચાયું. ત્યાં જ રમીલા હરખાતી-હરખાતી વડલા નીચે આવી અને ધનાબાપાને કહેવા લાગી, "બાપા! આજ દુઃખ ભૂલી જાવ ને થોડા હરખાવ. લ્યો, મોઢું મીઠું કરો. બેય જીવ સલામત છે."
"ધરમનો ઝાલશો હાથ, તો રિઝશે મારો નાથ." આટલું બોલી ધનાબાપા નરેશની સામે તાકી રહ્યા.

                          લેખક: કોરડિયા વિપુલ 'માનવ'

બીજા રસપ્રદ વિકલ્પો