ઓહ ! માય મધર... Vipul Koradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! માય મધર...


"કેમ આજે થોડા ઉદાસ દેખાવ છો ? તમારી તબિયત તો સારી છે ને ?" પાઠક સાહેબે સહજભાવે પ્રશ્ન કર્યો.

અચાનક પાઠક સાહેબના આ પ્રશ્નથી થોડા ચોંકી ગયેલા જે.ડી.સાહેબે ચહેરાનો ભાવ છુપાવવા હોંઠ પર સ્મિત લાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. ત્યારબાદ જે.ડી.સાહેબને તેની છીપશી આંખોમાં આવેલા મોતીશા આંસુનું જ્ઞાન થયું. તે મોતી ફર્શ પર પડીને ફૂટી જવાનો ડર હોય કે પછી પાઠક સાહેબ જોઈ જશે એ ડરથી તેને લૂછવા માટે ખિસ્સામાંથી સફેદ રૂમાલ કાઢ્યો. તેમણે રૂમાલ વડે આંસુ એ રીતે લૂછી લીધા જાણે હંસલી ચપચપ મોતી ચણી ગઈ.

જે.ડી. ચુડાસમા સાહેબ પૂરા પાંચ ફૂટ બે ઇંચના અને ખડતલ બાંધાના. તેમની ઉંમર પાંત્રીસ આસપાસની. માંજરી આંખો, રુવાબદાર મૂંછો અને ગોરોવાન. તેઓ અંગ્રેજી વિષયનાં શિક્ષક. અંગ્રેજી એવી રીતે ભણાવતા કે વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકે. તેઓ વિદ્યાર્થીઓમાં નેતૃત્વનાં ગુણોનો વિકાસ થાય તે માટે હંમેશા તત્પર રહેતા. વિદ્યાર્થીઓ શાળાની દરેક પ્રવૃત્તિમાં ભાગ લે તે માટે દરેકને પ્રોત્સાહિત કરતાં. સામાન્ય રીતે તેમનો અવાજ મૃદુ હોય છે, પરંતું ક્યારેક કોઈ પ્રશ્નનાં નિરાકરણ માટે પહાડી રાગનો આલાપ પણ કરી જાણતા. જેમ અકબરના દરબારમાં તાનસેન દીપક રાગ આલેપે અને આપોઆપ દીવાઓ પ્રગટે;  તેમ એમના પહાડી રાગના આલાપથી વિદ્યાર્થીઓ આપસી ઝઘડામાં ડરના માર્યા ટપોટપ સાચું બોલવા લાગતા. આમ પણ દરેક બાબાતમાં વિદ્યાર્થીઓ તેમનાં નિર્ણયને જહાંગીરના ન્યાયની માફક માન્ય રાખતા. 

આમ હમ્મેશ પ્રસન્ન અને કાર્યરત રહેતા જે.ડી.સાહેબને આજે આમ ઉદાસ અને ખિન્ન હૃદયે બેઠેલા જોઇને પાઠક સાહેબે સહજ પ્રશ્ન કર્યો. જે..ડી.સાહેબ થોડીવાર શૂન્ય મનસ્ક ભાવે બારી બહારનાં વાદળછાયાં આકાશ તરફ  તાકી રહ્યા. તેઓ ઉભા થઈને બારી પાસે ગયા અને બારીના સળીયા પકડીને ઉભા રહ્યા. તેમના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેમણે ગળું ખંખેરતા વાતની શરૂઆત કરી. 

"અત્યારે જ હું એક તાસ લઈને આવ્યો છું. તેમાં મેં વિદ્યાર્થીઓને 'મા' વિશે નિબંધ લખવાનું કહ્યું હતું. ત્યારબાદ હું રૂમમાં નિરીક્ષણ કરવા લાગ્યો. દરેક વિદ્યાર્થી પોતપોતાની રીતે લખતા હતા. થોડા સમય પછી મારું ધ્યાન એક વિદ્યાર્થી ઉપર ગયું. તે બેઠો-બેઠો આગળ-પાછળ બધાની સામે જોયા કરતો હતો."

"શું થયું ? તારી પાસે પેન નથી ?" હું તેની પાસે ગયો અને ખિસ્સામાંથી પેન આપતા મેં કહ્યું.
થોડો સમય મારી સામે તાકી કહ્યો. તેની આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યા.

"સર! મારી પાસે પેન છે, પેન્સિલ છે, નોટબુક છે; બધું જ છે પણ 'મા' નથી." બેંચ પર માથું ઢાળી તે રડવા લાગ્યો.

"કશો વાંધો નહી, ન આવડે તો હું થોડીવાર પછી બધાને લખાવીશ. અત્યારે તું જે આવડે તે લખવાનું શરૂ કર." મેં તેને શાંત પાડતા માથા પર હાથ ફેરવતા કહ્યું.

તેની નોટબુકમાં નજર કરી તો તેણે સરસ મરોડદાર અક્ષરોમાં લખ્યું હતું, "Oh my mother..."

"શું લખું ?" તેણે મહાપ્રયત્ને બોલવાની શરુઆત કરી.
થોડી વારે સ્વસ્થ થયા પછી તે બોલ્યો, "બધા જ લખશે કે મા મમતાનો દરિયો હોય છે, સો શિક્ષક સમાન હોય છે. દરેકનાં જીવન-ઘડતરમાં માનો ફાળો અમુલ્ય હોય છે." તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.

મેં તેની પીઠ થપથપાવતા તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો.
"દરેક વિદ્યાર્થી નિબંધ લખતા-લખતા પોતાની માતા સાથે વિતાવેલા સમયના સંભારણા યાદ કરતાં હશે અને એ પળોનો આનંદ લેતા લેશે." તેનો અવાજ ઘૂંટાવા લાગ્યો.

"કોઈને પોતાની મા સ્કૂલે જવા તૈયાર કરતી હશે. કોઈને પોતાની મનગમતી રસોઈ પ્રેમથી પોતાના હાથે જમાડતી હશે. કોઈને પ્રેમથી માથા પર હાથ ફેરવતી હશે. કોઈને તોફાન કે શરારત બદલ મીઠો ઠપકો આપતી હશે. હીંચકા ઉપર બેસાડીને જુલાવતી હશે. કોઈને રાત્રે પથારીમાં બેઠા-બેઠા ચાંદામામા, પરીઓ, રાજા-રાણીની વાર્તા કહેતી હશે. કોઈને વહાલથી કપાળે ચૂમતી હશે." તેની નોટબુક આંસુઓથી ભીંજાઈ ગઈ.

"આવા કેટ-કેટલા સંભારણાઓ દરેકનાં મનમાં ફરી વળશે."
"પરંતુ....." તેનાં ગળે ડૂમો ભારાઈ આવ્યો. એક વિદ્યાર્થી પાણીનો ગ્લાસ લાવ્યો. તેણે બે ઘૂંટડા પાણી પી થોડો સ્વસ્થ થયો.

"હું શું લખું ? મારી પાસે એક પણ સંભારણું એવું નથી કે જેને હું વાગોળી શકું."

"યાદ પણ ક્યાંથી હોય.. ? કારણ કે મારી મા તો મને બે વર્ષનો હતો ત્યારથી જ છોડીને ભગવાન પાસે ચાલી ગઈ. લોકો તેના વિશે જે અલગ-અલગ વાતો કરે છે તેને સાંભળીને હું મારી માતાની છબી સામે બેસીને કલ્પનાઓ કર્યા કરું છું."

ત્યાં જ તાસ પૂરો થતાં શાળાનો ઘંટ વાગ્યો. સ્ટાફ રૂમમાં હાજર સૌની આંખો ભીંજાઈ ગઈ. જે.ડી.સાહેબની નજર બારી સામેનાં એક ઝાડ પર હતી. ત્યાં માળામાં રહેલી ચકલી આજે કંઈક વધારે જ જોરથી વાગેલા ઘંટનો અવાજ સાંભળીને ભયભીત થઇ ફફડાટ કરતી ઉડી ગઈ. માળામાં રહેલા બે બચ્ચા માતાના વિયોગથી ચીચીયારીઓ પાડતા રહ્યા.
(સત્ય ઘટના પર આધારિત)
                   -- કોરડિયા વિપુલ 'માનવ'