ઈજ્જત ઘર Vipul Koradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈજ્જત ઘર


મીના. એક નાનકડા ગામડાની ગલીઓમાં હસતી-ગાતી, રમતી-કૂદતી ઢીંગલી. બાપુની વ્હાલી ને બાની દુલારી. એક સાંજે તે શૌચક્રિયા માટે ઘરથી થોડે દૂર ગઈ. ત્યાં કોઈ ડરામણો પડછાયો જોઈ મીના ધ્રુજી ગઈ. બસ તે દિવસથી મીનાના ઘરનો કલરવ પાંજરે પુરાઈ ગયો.

ભોલુ. બહાદુર અને ચપળ છોકરો. ડર એટલે શું તેની એને સમજણ પણ નહીં. તે એક સાંજે તેના બાળ ગોઠિયા સાથે હાજતે જવા બહાર ગયો. ઝાડીઝાખરાંમાંથી તેને કોઈ ઝેરી જંતુએ ડંખ મારતા તે ચીસ પાડી ઉઠ્યો. પણ હિમતાવાળો એવો કે પીડાને ગણકારે નહીં. પરંતુ આ ઘટનાને એકાદ કલાક વીત્યો હશે, ને તેનું શરીર શિથિલ થવા લાગ્યું. ચક્કર આવવા લાગ્યા અને ઉલટી થવા લાગી. માતા-પિતા બધી હકીકત સમજી ગયા, પણ શિક્ષણનાં અભાવે દવાખાને લઈ જાય તેટલી સમજણ તો ન જ વિકસી. ભોલુ દોરા-ધાગા અને ઘરેલુ ઉપાયોને પરિણામે દસેક દિવસ બાદ પથારીમાંથી ઊભો થઈ શક્યો. નીડર ભોલુ અંધારાથી હંમેશ માટે ડરતો થઈ ગયો.

ઉદો. ગામનો મહેનતુ ખેડૂત. આખું ગામ તેના પરિશ્રમનું ઉદાહરણ આપે. દિવસ-રાત પોતાનાં પાકની માવજત કરે. ગામ આખામાં સૌથી સારો અને વધુ પાક લે. એક ગોઝારી વહેલી સવાર . ઉદો હાથમાં લોટો લઈને ખેતરને પછવાડે આવેલ ઝાડીઝાખરાં તરફ ગયો. રાત્રે થોડો વરસાદ આવેલ તેથી જમીન ભીની ને ચીકણી થઈ ગયેલ. અંધારામાં ઉદાનો પગ લપસ્યો. ઊંડા ખાડામાં ઘૂંટણભેર પડ્યો. તેની આંખ ખુલી ત્યારે તે દવાખાનાની છત નીચે હતો. મહિનાઓ સારવારને અંતે પણ તેના પગે ખોડ રહી ગઈ. કોઈ દિવસ પગ વાળીને ન બેસનાર ઉદો આજે પોતાના પગ પર પણ ઉભો રહી શકતો નથી.

દવલ. વર્ણ ધવલ નહિ પણ શ્યામ. પણ નિર્મળતા અને નિખાલસ્તાની મૂર્તિ. કુટુંબ આખામાં તેની આવડત અને કામનાં બેમોઢે વખાણ થાય. દરેક વડીલની આમાન્ય રાખનાર ઘરરખું બાઈ. એક સવારે ભળભાંખડું થયું અને દવલ નિત્યક્રિયા માટે આબરૂને પાલવનાં છેડે ઢાંકતી ઘીમાં ડગલે જઈ રહી હતી. અસામાજિક તત્વોની વરુ નજર તેના પર મંડાયેલી હતી. અચાનક થયેલા હુમલાથનો બહાદુરી પૂર્વક સામનો કર્યો. શોરગુલ સાંભળી લોક ટોળે વળ્યું. અસામાજિક તત્વોનાં ઓળા તો અંધારામાં અલોપ થઈ ગયા. પણ બદનામીનો ઓછાયો દવલનો જીવનભરનો સાથી બની ગયો. સંસ્કાર સૌરભ ફેલાવતું એ ફૂલ હંમેશ માટે કરમાઈ ગયું.

મીના, ભોલુ, ઉદો અને દવલ. આ ચાર માત્ર ઉદાહરણો છે. આ ચારના ચાલીસ કે ચારસો ઉદાહરણો પણ હોઈ શકે. પણ આ દરેક દુર્ઘટના અટકાવી શકાઈ હોત જો તે દરેકના ઘરમાં જાજરૂની સુવિધા હોત.

આજે સરકાર તરફથી સુલભ શૌચાલય બનાવવા માટે સહાયતા આપવામાં આવે છે. ગામડે ગામડે તેનો સારો એવો લાભ પણ લેવાયો છે. છતાં પણ ગંદગી અને બીમારી આજે પણ માથું ઉચકી રહી છે. તેનું કારણ હવે સુવિધાનો અભાવ નહિ, પણ તેના ઉપયોગ પ્રત્યે સજાગતાનો અભાવ છે.

'દરવાજો બંધ, તો બીમારી બંધ'

મોટાભાગની બીમારીઓનું મૂળ ગંદગી છે. તેમાં પણ ગામની આસપાસ ખુલ્લામાં હાજતે જવાની ફૂટેવથી માનવ વસતીની આસપાસ જ ગંદગી વધે છે. આટલા ફૂટેવ તો વર્ષો જૂની છે. પરંતુ તેનો દુષ્પ્રભાવ હવે વધી રહ્યો છે. કેમ કે કુદરતના કાર્બનચક્રમાં હવે વિક્ષેપ થયો છે. પરિણામ સ્વરૂપ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. આ તમામ બીમારીનો સૌથી પહેલો અને સહેલો ઉપાય એટલે જાજરૂનો નિયમિતપણે ઉપયોગ કરવો. જેથી ગંદગી ઘટતા બીમારી આપોઆપ ઓછી થશે.

'ગામની આબરૂ, ઘરમાં જાજરૂ'

ઘરમાં જ જાજરૂ બનાવી તેમાં શૌચક્રિયા કરવા પર ઘણા રૂઢિચુસ્ત લોકો નાકનું ટીચકું ચઢાવે છે. આમાન્યા અને આબરૂની મોટી-મોટી ડંફાશો મારનાર લોકો પણ ઘરમાં શૌચાલય બનાવવનો વિરોધ કરે છે. તેમણે હવે સમજવાનો સમય આવી ગયો છે. ઘરમાં માત્ર ઘૂંઘટ સરકી જતા જ ઘરની પુત્રવધૂની આબરૂની ચિંતા કરનારે તે જ પુત્રવધૂને લોટો લઈને બહાર જવું પડે છે તે અંગે ચિંતન કરવાની જરૂર છે.

'સ્વચ્છતામાં જ લક્ષ્મીનો વાસ છે'

લક્ષ્મીનો એક અર્થ 'ધન' કે 'સંપત્તિ' છે. જો આપણી આસપાસ સ્વચ્છતા રાખીશું તો હંમેશા માટે તંદુરસ્ત રહીશું. તંદુરસ્ત વ્યક્તિ જ બરાબર કામ-ધંધો કરી અને ઘરની સમૃદ્ધિ વધારી શકે છે. કેમકે 'પહેલું સુખ તે જાતે નર્યા.' લક્ષ્મીનો બીજો અર્થ છે 'ગૃહલક્ષ્મી'. ગૃહલક્ષ્મીની આબરૂ પણ ઘરમાં શૌચાલયથી જ જળવાઈ રહે છે.

'ચોખ્ખું શૌચાલય જ્યા હશે... અમૂલ્ય તંદુરસ્તી ત્યાં વસે.

એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે ઘરમાં જ જો જાજરૂ હોય તો માખી-મચ્છરનો ઉપદ્રવ ઘરમાં જ વધી જાય છે. પણ આ એક અધૂરી સમજણની નિશાની છે; કેમકે સ્વચ્છતાં એ તંદુરસ્તીની પહેલી શરત છે. શૌચાલયનો વ્યવસ્થિત ઉપયોગ કરી નિયમિત તેની સ્વચ્છતા જાળવવામાં આવે તો માખી-મચ્છરનો કોઈ પ્રશ્ન જ નથી.

માત્ર જાજરૂ બનાવવું એ આ બધી સમસ્યાનો હલ નથી. જરૂર છે જાજરૂની ઉપયોગીતા સમજી તેનો નિયમિત ઉપયોગ કરવાની. આજે હજુ પણ ઘરમાં જાજરૂ હોવા છતાં એક યા બીજા કારણે કે પછી અકારણ ખુલામાં જાજરૂ જતાં જોવા મળે છે. જે શિક્ષણ અને સભ્યતા પર આપણને વિચાર કરવા મજબુર કરે છે.જરૂર છે જાજરૂની સ્વચ્છતા જાળવવાની. આપણને સ્વચ્છ પર્યાવરણ મળી રહે એ આપણો અધિકાર છે, તો સાથે-સાથે સ્વચ્છતાં જાળવવી એ આપણી ફરજ પણ છે.

સ્વચ્છતા માટે કોઈ અભિયાનની કરવા કરતા પણ વધારે આપણી માનસિકતા બદલવાની જરૂર છે.

સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા, સભ્યતા ત્યાં દિવ્યતા, દિવ્યતા ત્યાં પ્રભુતા.

જય હિન્દ

કોરડિયા વિપુલ 'માનવ'

vipulkoradiya91@gmail.com