નથણી ખોવાણી - પ્રકરણ - ૩૦ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નથણી ખોવાણી - પ્રકરણ - ૩૦

" આકાંક્ષા !!! હું ખાલી કોફી પીવા નથી આવી. તારી સાથે વાત કરવા આવી છું . શું આપણે એટલા દૂર થઈ ગયા છીએ કે તું તારા મનની વાત મને કહેવા જ નથી માગતી ?" નેત્રા એ નારાજ થતાં કહ્યું.

" વાત એમ છે કે જ્યારે અમોલે તન્વી સાથે રહેવા જવા નો નિર્ણય જણાવ્યો ; ત્યારે હું માનસિક રીતે તદ્દન તૂટી ગઈ હતી . અને બીજી બાજુ મોક્ષ અને મોક્ષા માટે મારે સ્ટ્રોંગ રહેવું જરૂરી હતું. એવા સંજોગોમાં મારા સાસુ એ મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો . બાળકો ને સાચવવા થી માંડી ને મારી તબિયત ની કાળજી રાખવા સુધી . મારું L.L.B. પૂરું કરવાની ઈચ્છા માં પણ એમણે પૂરેપૂરો સહકાર આપ્યો . એ દરમિયાન અલગ અલગ વ્યક્તિઓ તરફ થી અલગ - અલગ મંતવ્યો મળતા . કોઈ વ્યક્તિની દ્રષ્ટિ એ મારે છુટાછેડા લઇ લેવા જોઈતા હતા ; તો કોઈ વ્યક્તિ એ મોટું મન કરીને સંબંધ સ્વીકારી લેવાની સલાહ આપી . પરંતુ મારા સાસુ એ ક્યારે પણ કોઈ નિર્ણય લેવા માટે મને બાંધી નહોતી . એ દરમિયાન જ અનન્યા બહેન ને બાળક જન્મ પછી તરત જ મૃત્યુ પામ્યા નાં માઠાં સમાચાર આવ્યા , છતાં મારા સાસુ એ મારી સાથે જ રહી મને સાથ આપવા નું પસંદ કર્યું .

અનન્યા બહેન અને દેવેશ કુમારે મોક્ષ અને મોક્ષા ને દત્તક લેવાની તૈયારી પણ બતાવી ; પરંતુ એમને મારા થી અલગ કરવાની હિંમત નહોતી મારા માં . અમોલ વગર જીવી લેવાની તાકાત તો છે… પરંતુ મારા બાળકો વગર નહીં.

મારી આ કપરી પરિસ્થિતિમાં મારા સાસરા ના દરેક વ્યક્તિ એ મારી પડખે ઊભા રહીને મને સાથ આપ્યો . પરંતુ આ દુનિયામાં કેટલીય એવી સ્ત્રીઓ છે જેમને કોઈના તરફ થી સાથ નથી મળતો . ના પિયરવાળા તરફથી, ના સાસરીવાળા તરફથી . જેમ પ્રથા એ ખોટું પગલું ભરી આત્મહત્યા કરી એમ બીજી ઘણી સ્ત્રીઓ ને પણ એવું પગલું ભરવાનો વિચાર આવે છે , તો કેટલીય સ્ત્રી ઓ એવું પગલું ભરવા મજબૂર થઈ જાય છે , તો કેટલીય સ્ત્રીઓ શારિરીક, માનસિક અને આર્થિક શોષણ નો ભોગ બની ને પણ‌ ચૂપ રહેવા માટે મજબૂર હોય છે . તેથી જ મને ' મહિમા નારી સંસ્થા ' શરુ કરવા નો વિચાર આવ્યો . સદનસીબે બધાં નો ખૂબ જ સરસ રીતે સહકાર મળી ગયો. અને એ સંસ્થા એક નવા મુકામે પહોંચી ગઈ .

નાનપણ થી જ એક માન્યતા આપણા મનમાં ઠોકી બેસાડવામાં આવે છે કે સ્ત્રીઓ એ લગ્ન કરી સંસાર માં ઠરીઠામ થઈ જવું . શું સ્ત્રી નાં જીવન નો અંતિમ ધ્યેય લગ્ન જ છે ? આ પૃથ્વી પર નાં દરેક જીવ ને પોતાની જિંદગી જીવવા નો હક છે જ. તો સ્ત્રી ને કેમ નહીં ?

જેમ મારા માતા-પિતા ને મારા ભણતર કરતા મારું લગ્ન વધારે જરૂરી લાગ્યું , એમ આ સમાજ નાં રિવાજો માટે કેટલીય દીકરી ઓ નાં સ્વપ્નાં અધૂરાં રહી જાય છે . દીકરી નાં ભણતર કરતાં લગ્ન પાછળ આર્થિક રીતે રોળાઈ જતા પિતા ઓ નાં ઉદાહરણ આજે પણ ઓછા નથી . "

" ઓહ ! માય ગોડ !!! તું તો મોટી ફિલોસોફર થઈ ગઈ છે !!" નેત્રા એ હસતાં હસતા કહ્યું . આકાંક્ષા પણ જોરથી ખુલ્લા હૃદયે હસી પડી. નેત્રા સાથે ની બાળપણ ની વાતો યાદ કરી હસવા લાગ્યા . ભૂતકાળ ની વાતો માં એવા તો વહી ગયા કે નેત્રા નો જવાનો સમય થઈ ગયો, એનો ખ્યાલ જ ના રહ્યો . બન્ને છુટા પડ્યા … મીઠી યાદો સાથે …. અને અધૂરી વાતો સાથે…….


નેત્રા ના મન માં ઘણા સવાલો ઉઠી રહ્યા હતા . આકાંક્ષા નો અમોલ ને છૂટાછેડા નહીં આપવા નો નિર્ણય ભવિષ્ય માં ખોટો તો સાબિત નહીં થાય ને ? સિદ્ધાર્થ સાથે લગ્ન ના કરવા નો નિર્ણય કરી આકાંક્ષા કોઈ ભૂલ તો નથી કરી રહી ને ?

આકાંક્ષા ઘરે પહોંચી . અમોલ આવીને બેઠો હતો . આકાંક્ષા એ સ્મિત આપી અને રૂમ માં ફ્રેશ થવા ગઈ. ફ્રેશ થઈ ને બહાર આવી તો મોક્ષ અને મોક્ષા સ્કૂલે થી ઘરે આવી પહોંચ્યા હતા . અમોલ સાથે મસ્તી કરતા હતા . અમોલ જ્યારે પણ મળવા આવતો મોક્ષ અને મોક્ષા માટે ચોકલેટ્સ , રમકડા અને કપડાં લઈને આવતો અને તેથી એ લોકો ખુબ જ ખુશ થઇ જતા હતા . આકાંક્ષા ને જોઈને મોક્ષ અને મોક્ષા દોડીને એને વળગી પડ્યા . અમોલ એ નજારો જોતો જ રહી ગયો . આવી કેટલીય ક્ષણો એ ગુમાવી રહ્યો હોય એવું એને મનમાં લાગી આવ્યું .

દમયંતીબહેન અને ભરતભાઈ અમોલ સાથે વાતો કરી રહ્યા હતા . આકાંક્ષા રસોડા માં રસોઈ બનાવવા ગઈ . થોડીવાર વાત કર્યા પછી અમોલ એના ઘર તરફ જવા નીકળ્યો . એને આકાંક્ષા સાથે વાત કરવાનું મન થઈ આવ્યું . આકાંક્ષા ને ફોન લગાવવા જતો જ હતો , પરંતુ એ અટકી ગયો . મન માં વિચાર આવ્યો , ' કયા હક થી ફોન કરું હું ? તન્વી ની એકલતા દૂર કરવા માટે મેં આકાંક્ષા ને જીવન ભર ની એકલતા આપી દીધી . હું તો મારી જિંદગી જીવી રહ્યો છું પરંતુ શું આકાંક્ષા ને હક નથી એની જિંદગી જીવવા નો ?

ફરીથી ફોન હાથ માં લીધો અને આકાંક્ષા ને ફોન લગાવ્યો . આકાંક્ષા ફોન ઉઠાવી ને બોલી ,

" હલો !"
" હલો ! કેમ છે ? આકાંક્ષા ! "
" મજા માં છું. "
" કેટલાય સમય થી તારી સાથે વાત કરવા ની ઈચ્છા હતી. " અમોલ થોડા ખચકાટ સાથે બોલી રહ્યો હતો. આકાંક્ષા ચૂપચાપ અમોલ ની વાત સાંભળી રહી હતી.

" આકાંક્ષા ! મારા થી તારી સાથે બહુ જ અન્યાય થઇ ગયો છે. હું માફી માગું છું એ બદલ . માફ કરી શકીશ મને ? "

" એમાં માફી માંગવા નો કોઈ સવાલ જ નથી . સાચું કહું તો મારે તો તમને થેન્ક્યુ કહેવું જોઈએ ; તમારા એક નિર્ણયે મારી આખી જિંદગી બદલી કાઢી. કંઈક કરવા ની ચાહ પેદા થઈ અને સમાજ માં આગવું સ્થાન મેળવી શકી. તમારું મારી જિંદગી માં થી જવું મને અભિશાપ ની જગ્યા એ વરદાન વધારે સાબિત થયું છે . " આકાંક્ષા એ વર્ષો પછી ખુલ્લા મને વાત કરી.


" આકાંક્ષા ! તારું મન બહુ મોટું છે. આજે મને સમજાય છે કે મેં શું ગુમાવ્યુ છે. પરંતુ મારે એ કહેવું હતું કે તું બીજા લગ્ન કરવા સ્વતંત્ર છે. અને એ માટે જો… તારે આગળ વધવું હોય તો હું તને જરુર સાથ આપીશ . " કહી અમોલ અટકી ગયો .

" એની કોઈ જરૂર નથી . તમારું ધ્યાન રાખજો . બાય ! " કહી આકાંક્ષા એ ફોન મૂકી દીધો . પોતાના બાકી રહેલા કામ નું લીસ્ટ બનાવવા લાગી . ડાયરી લેવા કબાટ ખોલ્યું . એની નજર એક જૂની ડાયરી પર પડી . કબાટ માં થી એણે ડાયરી બહાર કાઢી . જેમ જેમ ડાયરી નાં પાન ફેરવવા લાગી જૂની યાદો તાજી થવા લાગી . કૉલેજ કાળ દરમિયાન લખેલી શાયરી સંગ્રહ વાંચી મુખ પર સ્મિત આવી ગયું . પાન ફેરવતા ફેરવતા લગ્ન પછી લખેલી રોજનીશી જોઈ. અને એક પાન પર અટકી ગઈ . કવિ બાદેન ની ૧૩ સદી માં ' નિતી શાસ્ત્ર ' માં લખેલા આદર્શ પતિ માટે નો શ્ર્લોક :

' કાર્યેષુ યોગી ; કરણેશુ દક્ષ ,

રૂપે ચા ક્રિષ્ન ; ક્ષમાયાથુ રામા ,

ભોજયેષુ તૃપ્ત ; સુખ દુઃખ મિત્ર ,

શતકર્મા યુક્ત ; ખલુ ધર્મન્થા '


[ જે જિંદગી ને સમતોલ રાખી શકે છે , જે પોતાના પરિવાર સાથે ધૈર્ય થી સમજી ને રહે છે , જેનું સ્મિત ક્રિષ્ન જેવું છે તથા જેની ધીરજ રામ જેવી છે , જે પત્ની દ્ધારા બનેલા ભોજન નો અપશબ્દો થી અનાદર નથી કરતો , તથા તૃપ્ત રહે છે ; જે સુખ દુઃખ માં મિત્ર ની જેમ હંમેશા પડખે રહે છે , તથા સદા સત્કર્મ કરે છે ; તે આદર્શ પતિ ‌હોય છે . ]

આકાંક્ષા એ ડાયરી ને બંધ કરી દીધી . વર્ષો પહેલાં એણે આ શ્ર્લોક ડાયરી માં લખ્યો હતો. વિચાર્યું હતું કે કોઈ દિવસ અમોલ ને એ શ્લોક બતાવશે . પરંતુ એ શ્ર્લોક ડાયરી માં જ રહી ગયો .
આદર્શ પત્ની નાં શ્ર્લોક જગ જાહેર છે આ સમાજ માં , પરંતુ શું એટલી જ સહજતા થી આદર્શ પતિ નાં શ્ર્લોક નો સ્વીકાર શક્ય છે ? આદર્શ પરિવાર અને આદર્શ સમાજ માટે આદર્શ પત્ની નાં ઉદાહરણ અપાય છે પરંતુ આદર્શ પતિ નાં ઉદાહરણ કેમ નહીં અપાતાં હોય ?

બીજે દિવસે સવારે વટસાવિત્રી વ્રત માટે આડોશ પાડોશ ની સ્ત્રી ઓ સુહાગીની શ્રૃંગાર કરી , વડ ની પૂજા કરવા નીકળતી હતી . આકાંક્ષા પણ પૂજા કરવા માટે પહોંચી ગઈ . પૂજા કરવા માટે બધાં વડ આગળ ઉભા હતા. ત્યાં એક તરુણી એની માતા સાથે પૂજા કરવા આવી હતી . એના દાદી પણ સાથે હોય એવું લાગતું હતું . તરુણી એ સહજતા થી જ એની દાદી ને પૂછ્યું , " આપણે આ પૂજા કેમ કરી એ છીએ ?

" સદી ઓ પહેલાં સતી સાવિત્રી એ આ વ્રત કરી પોતાના પતિ ને યમરાજ પાસે થી પાછો લઈ આવી હતી . આ વ્રતમાં એટલી તાકાત છે . " દાદી એ સમજાવા નો પ્રયત્ન કર્યો .

" વ્રત માં તાકાત છે કે સ્ત્રી માં તાકાત છે આવું વ્રત કરવાની ? અને જો પતિ યમરાજ પાસેથી પાછો માગવા ને લાયક હોય જ નહિ તો ? તો પણ આ વ્રત કરવું ફરજિયાત છે ? " તરુણી એ પૂછ્યું.

" જે ચીલો ચાલે છે ને એ ચાલવા દેવો . આડા અવળા સવાલો કર્યા વગર હાથ જોડી ને પ્રાર્થના કર ! " એની માતા એ એને ટોકતાં કહ્યું .

તરુણી થોડી ગુસ્સે થઈ ગઈ અને એની માતા અને દાદી થી દૂર આવી ને ઉભી રહી ગઈ . આકાંક્ષા પૂજા કરી રહી હતી . આકાંક્ષા ને જોઈ ને એ તરુણી ની આંખ માં ચમક આવી ગઈ .

" તમે એજ છો ને પેલા ‌' મહિમા ' ….. ' મહિમા નારી સંસ્થા ' ….કહી એ અટકી ગઈ. અને પછી આશ્ચર્ય સાથે બોલી , " તમે પણ આવા રિવાજો માં માનો છો ? "

" હું ભગવાન માં માનું છું . એ શક્તિ માં , જે આપણ ને શક્તિ આપે છે , દરેક કપરી પરિસ્થિતિ માં ડગી ને ઊભા રહેવા માટે !!! " આકાંક્ષા એ સંક્ષિપ્ત માં જવાબ આપ્યો.

" પુરુષો તો સ્ત્રી ઓ માટે કોઈ વ્રત નથી કરતા ? તો આપણે સ્ત્રીઓ એ જ કેમ વ્રત કરવાના ? તમે પણ આ વ્રત તમારા પતિ માટે કરો છો ? " તરુણી એ જિજ્ઞાસા થી પૂછ્યું.

" હા ! તારી વાત સાચી છે. આપણા પૂર્વજો એ આ પ્રથા ફક્ત સ્ત્રીઓ માટે બનાવી છે , જેથી સ્ત્રી ઓ માં સમર્પણ ની ભાવના સદા જીવંત રહે . પરંતુ વ્રત અને ઉપવાસ આપણી આત્મા ના ઉદ્ધાર માટે પણ થતા હોય છે તો આપણે શા માટે એ ઉદ્દેશ્ય થી ઉપાસના ના કરીએ? માણસ જાતિ નાં જીવન નો છેલ્લો ધ્યેય પોતાનો અને પોતાની સાથે જોડાયેલી દરેક વ્યક્તિ નો ઉદ્ધાર જ તો છે !!!! "

તરુણી ક્યાંય સુધી આકાંક્ષા ને નિહાળી રહી , એક નિર્મળ સ્મિત સાથે .…….., એ વટ વૃક્ષ ને નિરખી રહી , પ્રીત ની નવી રીત સાથે …….. પ્રચલિત પ્રથા પ્રત્યે, નવીન દ્રષ્ટિ સાથે …… સંસ્કૃતિ ની સ્વીકૃતિ , દિવ્ય સંગીત સાથે ……..


~ સમાપ્ત ~



* અંત જ આરંભ છે.
* The end is not always end .

( મિત્રો ' નથણી ખોવાણી ' નવલકથા નો અહીં અંત થાય છે. તમારા અત્યાર સુધી ના સાથ સહકાર અને માર્ગદર્શન બદલ હું સર્વે નો દિલ થી આભાર માનું છું . )