બુધવારની બપોરે
(19)
લાગી છુટે ના...
ઍરપૉર્ટ જતા દાબી દાબીને બૅગમાં કપડાં ભરવાના હોય, એમ એ બન્ને હાથે પોતાનું પેટ દબાવતો હતો...એક વાર નહિ, અનેકવાર! સૉલ્લિડ-લૅવલની ચૂંકો ઉપડી હતી. વાત સહનશક્તિની સરહદો પાર કરી ચૂકી હતી. કોઇ પણ ક્ષણે મહા-બ્લાસ્ટ થઇ શકે એવી પરિસ્થિતિ કાબુ બહાર હતી. વડોદરાના ઍક્સપ્રેસ હાઇ-વે પર ૧૨૦-ઉપર દોડતી એની ‘આઉડી’ની સ્પીડ નીચે ય લવાય એમ નહોતી....જરાક મોડું થાય તો જરાક માટે નિશાન ચૂકી જવાય! દર વખતની જેમ ઍક્સપ્રેસ-હાઇવે પર ઝીણા ઝીણા ફોરાં પડે રાખે, એના લીધે સડક લિસ્સી થઇ ગઇ હતી ને અચાનક બ્રેક મારવાની આવે તો ગાડી લાંબે સુધી સ્લિપ થઇ જાય, એટલે બહુ સ્પીડે ય ન વધારાય! પેટની ચૂંકો વધતી જતી હતી. હાલનું લક્ષ્ય તો કોક હોટલ આવે તો કમ્પાઉન્ડમાં ઝટઝટ ગાડી પાર્ક કરીને વહેલી તકે પ્રાણપ્રતિષ્ઠા કરવા પહોંચી જવાનું હતું. (અહીં ‘પ્રાણ’ને બદલે ‘પેટ’ શબ્દ વાંચવો...સૂચના પૂરી....‘પેટ’ની પ્રતિષ્ઠાનો સવાલ હતો.) ઉતાવળ એટલી હતી, કે ગાડીનો દરવાજો ખોલવાનો ય ટાઇમ ન રહે ને સીધું બારીમાંથી કૂદકો મારવો પડે.
કમનસીબે, ઍક્સપ્રેસ-હાઇ વે વચમાંથી કપાતો નથી, એટલે એકાદી હોટલ માંડ આવે અને એ ય તમે ચૂકી ગયા, તો પછી ઠેઠ વડોદરા જઇને જ વાત!
ગાડીમાં સાથે માહી તો હતી, પણ માહી આમાં શું હૅલ્પ કરી શકે? હસ્તમેળાપ સમયે વચનો ચોક્કસ અપાય છે કે, ‘એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર થઇશું’, પણ આ દુઃખમાં એને ક્યા રસ્તે ભાગીદાર બનાવવી? ગાડી પોતે ચલાવતો હતો એટલે માહીને એમ પણ ન કહેવાય કે, ‘આ બાજુનું પેટ તું દબાયે જા...! મારે સ્ટીયરીંગ સાચવવાનું છે....’ આમાં તો પૂર્ણ કક્ષાએ સ્વાવલંબન જ જોઇએ.
લચ્છુથી રહેવાતું નહોતું. કોઇ પણ ક્ષણે ગોળીબાર થઇ જાય, એ ઘડી નજીક હતી. માહી ટૅન્શનમાં હતી. લચ્છુનું મોંઢું વાંકુચુકુ અને વધારે દયામણું બને જતું હતું. માનવજીવનમાં આ એક જ તબક્કો આવે છે, જે વખતની ‘સૅલ્ફી’ ન લેવાય. સુઉં કિયો છો?
ગોરધનોના ટૅન્શનો વખતે ભારતભરની વાઇફો ગોરધનના બરડા ઉપર હાથ ફેરવે રાખે છે, પણ આ કૅસમાં બરડાનું કોઇ કામ નહોતું. લચ્છુના પેટ પર ગોળગોળ હાથ ફેરવાય એમ નહોતું. એમ કરવા જવામાં સાલું રીઝલ્ટ વહેલું આવી જાય તો...! પણ હવે લચ્છુથી રહેવાતું નહોતું. એ વાંકો વળી વળીને ઓયવૉય કરે જતો હતો. આ પાછો ઍક્સપ્રેસ-હાઈ વે, એટલે એમાં તો વચ્ચે ક્યાંક ઊભી રાખીને ય અભિષેકો કરાય એવા નહોતા. લચ્છુ ઑલમોસ્ટ રોવા જેવો થઇ ગયો હતો, ‘‘માહી....માહી.....કાંઇ કર, ડાર્લિંગ....હવે નહિ રહેવાય...નહિ રહેવાય...ઓય રે...!’’
માહીને ડર એક જ વાતનો હતો કે, લચ્છુડો ભૂમિપૂજન ગાડીમાં જ કરી ન નાંખે. કાળા માથાનો માનવી આવામાં રાખી રાખીને કેટલો સંયમ રાખે? આ તો એક વાત થાય છે. જગતભરના સાયન્સોમાં વૉમિટ માટેની કોથળીઓ મળે છે, પણ..!
ઝરમર વરસાદને કારણે સ્ટીયરિંગ ઉપર કાબુ રાખવો નિહાયત જરૂરી હતો. એમાં એક-બે વખત કાબુ ન રહ્યો અને ગાડી લિસોટા સાથે સ્લિપ થઇ. કાચી સેકન્ડમાં તો થથરી જવાય. બન્નેના જીવો અધ્ધર થઇ ગયા....થૅન્ક ગૉડ, લચ્છુનું પેટ અધ્ધર ન થયું. આવું બચી જવાય ત્યારે અમથો ય કન્ટ્રોલ ન રહે....પણ ઈશ્વર સહુનો છે. ગાડીની બહાર કે અંદર કોઇ હોનારત ન થઇ...!
આ લોકો સિંધી હતા, છતાં ય ગાડીમાં સાથે મન્ચિંગ માટે પાપડ નહોતા રાખ્યા. આમાં તો પાપડોથી દૂર રહેવું સારૂં. ખોટું નહિ બોલું, પણ માહીને તો ભૂખ લાગી હતી. ગુજરાતીઓ-પછી એ સિંધી હોય કે ક્રિશ્ચિયન....હાઇ વે પર નીકળ્યા એટલે મોંઢું ચાલુ રહેવું જોઇએ. માહીને ય મોંઢું ચાલુ રહેવું જોઇએ, પણ અત્યારે કાંઇ બોલાય...? આમ કાંઇ ભૂખો-બૂખો ન લાગી હોય, પણ કહ્યું ને, ગુજરાતણોનું મોંઢું ચાલુ રહેવું જોઇએ! ચાવતી ન હોય ત્યારે બોલતી હોય! આ તો એક વાત થાય છે.
‘‘લચ્છુ....લચ્છુ ડાર્લિંગ....સૉરી, પણ થોરી....આઇ મીન, થોરી ભૂખ લાગી છે, તો જરા કોઇ હૉટ્ટલ આવે તો...’’
હું અહીં લખી પણ નહિ શકું, એટલી ઝડપથી લચ્છુ ગાડી ચલાવતા સ્ટીયરિંગ કઠણ પકડીને સીટ પર જ કૂદ્યો ને માથું ઉપર ભટકાયું. ચીસ તો પાડી અને ગાળ પણ બોલ્યો. કોઇ મહાપ્રતાપી મહારાજા એની ભૂલાયેલી મહારાણીનું બાળક સ્વીકારવાનો ઇન્કાર કરી દે, એમ લચ્છુએ કોપાયમાન થઇને નાસ્તાનો ઇન્કાર કરી દીધો, પ્રચંડ ગુસ્સા સાથે, ‘‘અહીં હું પેટ દબાવી દબાવીને લાંબો થઇ ગયો છું ને તને અત્યાડે ભુખ્ખો લાગી છે...? શડમ નથી આવતી?’’
માહી રોજ તો સામો ગુસ્સો ફટકારતી પણ અત્યારે બેમાંથી એકે ય બહુ લાંબુ ખેંચી શકે એમ નહોતા. દુઃખતા મોંઢે પેટ દબાવવાના પ્રોગ્રામો ચાલુ હતા એટલે પ્રાયોરિટીના ધોરણે નાસ્તાની વાત ઊડી ગઇ. ગાડી સ્પીડ પકડી રહી હતી. પકડ્યા વગર છુટકો ય નહતો. લચ્છુ સાથે કુદરત વધુ પડતો અન્યાય કરી રહી હતી. એનાથી રહેવાતું નહોતું, બોલાતું નહોતું અને મંઝિલ જેમ જેમ નજીક આવતી જતી હતી, એમ એની ત્રાડો વધતી જતી હતી.
‘‘બસ લચ્છુ....હવે થોરૂં ક જ છે....બહુ થોરૂં જ છે....’’
‘‘હું ય એ જ કહું છું, માહીઇઇઇઇઇ....બહુ થોરૂં જ છે...હવે નહિ રહેવાય...! ઓહ....કોઇ બચાવો...’’
વડોદરાનો નકશાગત પ્રોબ્લેમ એ છે કે, મોડું થતું હોય ત્યારે એ જલ્દી નથી આવતું. નહિ તો, ૧૦૦-કી.મી.ના ડિસ્ટન્સ માટે સવા કલાકમાં પહોંચવું કાંઇ નાની માના ખેલ નથી. આટલી સ્પીડની કમાલ ‘આઉડી’ની નહોતી, પાપી પેટની હતી. જેવો ઍક્સપ્રેસ-હાઇ વે પૂરો થયો ને પહેલી હોટલ દેખાઈ, એ હૉટલ લૂંટવા આવ્યા હોય, એટલી ઝડપથી બન્ને અંદર પહોંચ્યા. વૅઇટરે કોઇ જાતના સ્માઇલ વગર ‘સાહેબ’ને મૅન્યુ હાથમાં પકડાવ્યું. ક્રોધથી લચ્છુએ એને ટૅબલ પર પછાડ્યું ને, એ બદનસીબ ક્રોધ છતાં કેવળ ઈશારાથી પેલાને ખભેથી ખસેડીને પૂછી બેઠો, ‘‘....કઇ બાજુ?’’ વૅઇટર આકાશમાં ચંદ્રનું સરનામું બતાવતો હોય એમ ફક્ત હાથ લંબાવીને દિશા બતાવી.
લચ્છુ કૉલેજમાં હતો ત્યારે પાણી-પુરીવાળાને પૈસા આપ્યા વિના ભાગ્યો હતો ને ભૈયો કડછો લઇને એની પાછળ દોડ્યો હતો, એ પછી આવું ભાગવાનું આટલા વર્ષે પહેલી વાર આવ્યું.. માહી કાંઇ બોલ્યા વિના એને જોતી રહી ને ખુરશી પર બેસવા જાય છે ત્યાં જ લચ્છુની તોતિંગ બૂમ સંભળાઇ.… ‘‘સાઆઆઆ....પ. સાપ...ટૉઇલેટમાં સાપ છે...!’’ લચ્છુ બન્ને હાથે પૅન્ટ પકડીને ઘટનાસ્થળે જ ઊભો ઊભો કૂદે રાખતો હતો. ટૉઇલેટની વચ્ચોવચ કાળો ડીબાંગ કોબ્રા બેઠો હતો.
એ ક્ષણે કે એ પછીની ક્ષણે શું થયું, એ કશું કહેવાની જરૂરત નથી....કંઇ થયું હતું કે નહિ, એ પણ વાચકોની ધારણાઓ ઉપર છોડીએ છીએ.
સિક્સર
- અમદાવાદના કમિશ્નરે પાર્કિંગની ધડબડાટી બોલાવી દીધી.
- હા. કેટલા કલાકો આ ધડબડાટી ચાલુ રહે છે, એ જોવાનું.
---------