બુધવારની બપોરે
(18)
કૂત્તા ગદ્દે પે સોયે,
માનવ ચાદર કો રોયે...
કૂતરાઓ ઉપર આ મારો ૩૬૮-મો લેખ છે. કહે છે કે, કૂતરા ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. ઘરનો માણસ લખતો હોય એવું લાગે. એવું નથી કે, કૂતરા મને બહુ ગમે છે કે હું એમને ધિક્કારૂં છું. મેં કદી કૂતરો પાળ્યો નથી. રખડતા કૂતરાઓને મેં કદી કાંકરીચાળો કર્યો નથી. બને ત્યાં સુધી હું બધા સાથે ડિસ્ટન્સ રાખીને ચાલુ છું, એમાં કૂતરા ય આવી ગયા. આજ સુધી મારી કરિયરમાં મને ચાર વખત કૂતરા બચકાં ભરી ગયા છે (એ હિસાબે, ચૌદ-ચોકુ-છપ્પન ઈન્જૅક્શનો થયા કે નહિ?) અને એ ચારેમાંથી એકમાં પણ મારો વાંક કાઢી શકાય એમ નથી. હું નિદરેષ હતો અને આ ૩૬૯-મા લેખમાં પણ મેં એમનું ખરાબ લખ્યું નથી, એ મારી માણસાઇ બતાવે છે. સામે સાપેક્ષભાવે, હું પણ એ લોકો પાસેથી ‘કૂતરાઈ’ ઇચ્છું, તો હું ગલત નથી.
અત્યાર સુધી હું એમના જુલ્મોસિતમ સહી લેતો હતો કે એ મને જ કરડતા હતા. ઠીક છે, એમના પૂર્વજન્મના પૂણ્યો કામમાં આવ્યા હશે. પણ હવે વાત સહનશક્તિઓની હદો પાર કરતી જાય છે. મને કરડે, તો સમજ્યા કે હવે અમે બન્ને એકબીજાથી ટેવાઈ ગયા છીએ, પણ કૂતરાલોકો હવે તો મારા નિવાસસથાનમાં પણ ભાગ માંગવા માંડ્યા છે. મારો એ આક્ષેપ નથી કે, હવે એ લોકો પથારીમાં મારી બાજુમાં આવીને સુઇ જાય છે, પણ મારી પ્રોપટર્ી ઉપર એ લોકો હક્ક જમાવી બેઠા છે, એનાથી હું ધૂંધવાઈ ગયો છું. આપણે રહ્યા મિડલ-ક્લાસ માણસ અને માંડ માંડ લોનો લઇને એકાદું ગાડું લાવ્યા હોઇએ, ને ઈચ્છીએ કે આપણે એમાં બેઠા હોઇએ ને લોકો આપણને જુએ. અમારા ખાડીયાવાળા તો મોંઢે ય બોલે કે, ‘અત્તાર સુધી સાયકલનું પંક્ચર કરાવવાના પૈશા નો’તા ને હવે ગાડીઓમાં ફરતા થઇ ગયા...નક્કી કોઇનું કરી નાંખ્યું લાગે છે!’
પણ (ગંદી ગાળ)....ઓ એમના ફાધરનું કિંગડમ હોય એમ રોજ સવાર-સાંજ મારી ગાડીના છાપરા ઉપર ચઢી બેઠા....બેઠા નહિ, સુતા હોય છે. આપણને એમ કે, કોણ બોલે ને કોણ રોજરોજ ઝગડા કરે, પણ રોજ સાંજે હું ગાડી લઇને આવું, એની એ લોકો રાહો જોતા હોય ને મારી નજર સામે ગાડી ઉપર ચઢી જાય છે. મારી પોતાની ગાડી હોવા છતાં, આજ સુધી હું કદી બે પગ લાંબા કરીને ગાડીમાં બેઠો નથી-આપણને એવી આદત જ નહિ, પણ સોસાયટીના કૂતરા ગાડી ઉપર ચઢી બેસે ને આપણાથી કાંઇ બોલાય નહિ. રોજ રોજ કોણ ઝગડા કરે? આ તો એક વાત થાય છે. આમ પાછો હું ફોસી, એટલે કાર ઉપર બેઠેલા કૂતરા સામે ‘હૂડ...હૂડ...’ પણ ન કરૂં. કરીએ તો સામું વડચકું ભરે. મેં કાળક્રમે એ પણ જોઇ લીધું કે, જેટલી મને એ લોકોની બીક લાગે છે, એટલી એમને મારી નથી લાગતી. ગયા જન્મના સંસ્કાર એ તો! રોજરોજ કોણ ઝગડા કરે, એટલે આપણે બોલીએ નહિ.....જો કે, બોલીએ તો ય શું તોડી લેવાના છીએ?
‘‘એક કામ કર...’’ કૂતરાઓથી બચવાના ઉપાયો બતાવતા મારા સો-કોલ્ડ દોસ્ત રાજીયાએ મને સલાહ આપી, ‘‘તારી ગાડી ઉપર બ્લ્યુ રંગના પાણીની એક બોટલ મૂકી રાખ....કપડાં ધોવાની બે ચમચી ગળી ય ચાલે. કૂતરા નહિ આવે!’’
આ રાજુને કૂતરાઓનો બહોળો અનુભવ હોય એવા ઠાઠથી મને સમજાવવા બેઠો, ‘‘કુતરા લોકોનું શું હોય છે કે, એ લોકો બ્લ્યૂ-પાણીથી બહુ બીએ---....’’
‘‘કલર બ્લ્યૂ જ કેમ? રેડ કે ગ્રીન કેમ નહિ? યલો કેમ નહિ?’’ હું વૈજ્ઞાનિક ઢબે ઉત્તર ચાહતો હોવાથી વિશેષ ટીપ્પણી માંગી.
‘‘જો અસ્કા....તારે કૂતરા ભગાડવાથી મતલબ છે કે, એના સાયન્ટિફિક રીઝનોથી? અમારી સોસાયટીની તો બધી ગાડીઓ ઉપર બ્લ્યૂ-બૉટલ હોય જ....એકે ય ગાડી ઉપર તમને કૂતરો જોવા નહિ મળે, સાહેબ!’’
એની વાત મને સાચી લાગી. મારે કામ ગાડી ઉપરથી કૂતરા ભગાડવાનું હતું, એના લૉજીકલ કારણોનું નહિ. અને આ તો ખર્ચા વગરનો ઉપાય છે. ટ્રાય કરી જોવામાં વાંધો શું છે? અલબત્ત, એ બ્લ્યૂ પાણી કૂતરા ઉપર છાંટવાનું કે પીવડાવવાનું, એ પૂછવાનું હું ભૂલી ગયો હતો. જો કે, એણે તો બોટલ ગાડીના રૂફ (છાપરા) ઉપર માત્ર મૂકી રાખવાનું કીધું હતું, એટલે મારો ડર ઓછો થયો.
‘‘આ શું કરો છો?’’ મારા હાથમાં બ્લ્યુ રંગના પાણીની બોટલ જોઇને વાઇફે પૂછ્યું, ‘‘આજે કાંઇ....જુદું પાણી?’’
‘‘અરે, આ તો ગાડી ઉપર બેસતા કૂતરાઓને ભગાડવાની તરકીબ છે.....’’
‘‘ઓહ....તમારી ગાડીની અંદર બેસતી કૂતરીઓને ભગાડવાની કોઇ તરકીબ છે? હોય તો હું નવેનવ રંગના પાણીની બૉટલો ગાડી ઉપર મૂકી આપું....’’
સત્યના માર્ગે ચાલવા જતા મહાત્મા કન્ફ્યુશિયસથી માંડીને મહાત્મા અશોકજીના માર્ગમાં જનતાએ પથ્થરો માર્યા હતા, એ મને યાદ. મારી ગાડીમાં મારી પૂજનીય સાસુ અને વહાલી સાળીઓ પણ બેસે છે, પણ આપણાથી સામો પ્રહાર તો ન થાય ને? એમાં તો આપણા બા ખીજાય.
ઘરમાં તો હવે કપડાં કે મને ધોવામાં વૉશિંગ-પાવડરો વપરાય છે, ગળી નહિ એટલે બજારમાંથી બસ્સો રૂપીયાની ગળી લઇ આવ્યો. લાખ ભેગા સવા લાખ, યાર. પ્રોબ્લેમ એ હતો કે, ભારત સરકારે પ્લાસ્ટિકની બૉટલો વાપરવા ઉપર મનાઇ કરી છે, એ ખૌફથી બૉટલને બદલે ગાડી ઉપર સ્ટીલની તપેલી તો મૂકવા ન જવાય ને? કૂતરૂં એમાં મોંઢું બોળે, તો રોજ ઘેર આવતા સગ્ગા સાળાને ય એ તપેલીવાળી ચા ન પીવડાવાય! સુઉં કિયો છો?
અહીં એક ટૅકનિકલ પ્રોબ્લેમ હતો કે, ગાડી ઉપર બૉટલ પહેલી મૂકાય છે કે કૂતરૂં પહેલું બેસે છે? એ બેઠું હોય ત્યારે બોટલ મૂકવા જઇએ ને ભસે તો સંબંધો બગડે. આઇ મીન, એ બધો વિવેકવિનય ભૂલીને ખરાબ રીતે ભસે ને પાંચમી વખત કરડી જાય તો....એક એક ઈન્જૅક્શન સાતસો રૂપીયાનું આવે છે, ભ’ઇ!
સમી સાંજનો સમય હતો. પૂર્વ દિશામાંથી ઠંડા પવનની લહેરો વાતી હતી. સૂરજ આથમવા આવ્યો હતો. પંખીઓએ કલશોર-બલશોર બધું કરી લીધું હતું. પણ મને કુદરતની આ ત્રણે કારીગરીઓ ઉપર કોઇ રસ નહોતો. એ મારી ગાડી ઉપર બેઠું હતું, એ જ બીવડાવી મૂકે, એવું દ્રષ્ય હતું. એ સાલું....જરા આઘુંપાછું થાય તો આપણે કોઇ કસબ બતાવીએ.
આખરે સત્યનો સાથ તો ઈશ્વરે ય આપે છે. રાતના અંધકારમાં કૂતરૂં કોઇ કામે બે-ચાર મિનિટ માટે આઘુંપાછું થયું (થૅન્ક ગૉડ....ગાડી ઉપર થાંભલા હોતા નથી!) એનો લાભ અથવા ગેરલાભ લઇને ઝડપભેર હું બોટલ મૂકી આવ્યો. આજે પહેલી વાર બીક પડોસીઓની નહિ, કૂતરાઓની લાગતી હતી કે, મને બૉટલ મૂકતો એ લોકોએ જોઇ તો નહિ લીધો હોય ને? મન મૂકીને ઘરભેગો થઇ ગયો અને બાલ્કનીમાં ઊભા ઊભા નીચે જોવા લાગ્યો કે, કૂતરૂં ગાડી ઉપર બેસે છે કે નહિ. આ લોકોમાં સંપ બહુ. પાર્ક કરેલી દરેક ગાડી ઉપર એક એક કૂતરાનો રાજ્યાભિષેક થયો હતો-એક ગાડી છોડીને. હું ઉપરથી બધું જોતો હતો ને એમાં કલાક ખેંચી નાંખ્યો. સાચ્ચે જ આપણી ગાડી ઉપર કોઇ બેઠું નહોતું. ‘હવે તો ગળીની ફૅક્ટરીઓ નાંખું....હવે આ લોકોને નહિ છોડું!’ એવા સપના જોતો સુઇ પણ ગયો. અડધી કે પોણી રાત્રે આંખ ઊઘડી જતી તો પાછો બાલ્કનીમાં જઇને જોઇ આવું કે, હવે તો બેઠું નથી ને?...નહોતું બેઠું.
બસ. વહેલી સવારે જૉગિંગ કરવા જતા બાજુના ફ્લૅટવાળા મસ્તુભ’ઇ ખુશ થતા ઘરમાં આવ્યા. આજે પહેલી વાર એ ચા સાથે લેતા આવ્યા હતા, એમની જ નહિ, મારી પણ! ‘‘દાદુ, તમારા જેવા તો કોઇ પડોસી નહિ થાય....ઓ યાર....પોતાના માટે તો સહુ કરે....તમે તો બીજા માટે મરી પડો એવા નીકળ્યા, એનો મને સૉલ્લિડ આનંદ છે...’’
‘‘શું થયું...? કેમ આજે મારા ઉપર આટલા ખુશ...?’’
‘‘થાય જ ને? પડોસીઓ માટે પોતાનો સ્વાર્થ છોડીને બીજાનું ભલું કરનાર તમે એકલા નીકળ્યા, દાદુ!’’
‘‘હું સમજ્યો નહિ...!’’
‘‘અરે, પહેલા તો હું ય તમને નહોતો સમજ્યો, પણ તમારી પોતાની ગાડી છોડીને બ્લ્યૂ રંગના પાણીની બોટલ તમે મારી ગાડી ઉપર મૂકી, એ જોઇને મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા...આખી રાત મારી કાર ઉપર એક કૂતરૂં બેઠું નથી....તમે મૂકેલી બોટલને કારણે....જીયો દાદુ જીયો...’’
ભય અને ફફડાટને કારણે.....મારાથી સાલી આવી ભૂલ થઇ ગઇ?
સિક્સર
વાંદરાના હાથમાં રમકડું આવી ગયું...મીડિયાના હાથમાં ‘મી ટુ’ આવી ગયું!
---------