Budhvarni Bapore - 8 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 8

બુધવારની બપોરે

(8)

ચના જોર ગરમ બાબુ....

કબુલ કરૂં છું કે, હોટલમાં ડિનર માટેનું મૅનુ પસંદ કરતા મને આવડતું નથી. પથારીમાં ચાદર પાથરતો હોય એમ વૅઇટર અમારા ટેબલ ઉપર ડિશ કરતા ય મોટી સાઇઝના મૅનુ પાથરી જાય છે, એ વાંચતા જ નહિ, સમજવામાં ય મને ટાઇમ લાગે છે. મૅક્સિકન કે ચાયનીઝ ફૂડના નામો બોલતા મારે પ્રૅક્ટિસ કરી લેવી પડે છે. ફાટી તો ત્યાં જાય છે, રૂ.૩૫૦/-ની એક સબ્જી અને સાલું આવડું અમથું પરાઠું સિત્તેર-સિત્તેર રૂપીયાનું જોઇને! ઊભા થઇએ ત્યારે બિલ સહેજે ય બે-ત્રણ હજારનું આવે. એમાં સો-દોઢ સો ની ટીપ વૅઇટરને આપવી સ્ટેટસ-સીમ્બોલ થઇ ગયો છે. એક-એક સબ્જી કે દાલ-તડકાના આટલા ભાવ વાંચીને મને હેડકીઓ ચઢી જાય છે, પણ મારા છોકરાઓ કહે છે, ‘પપ્પા, આટલો ભાવ તો હોય જ ને?’

અમારા જમાનામાં આવા મૅનુ-ફેનુ હતા પણ નહિ. હોટલની ભીંતો ઉપર ચૉકથી લખ્યું હોય, ‘મસાલા ઢોંસા ૫૦-પૈસા....ઈડલી ૩૫-પૈસા....ચા ૧૫-પૈસા....ને પાણી ઢોળવું નહિ. રાજકારણ કે જુગાર-સટ્‌ટાની વાતો કરવી નહિ’. (આજની જનરેશનને કહેજો, ૫૦-પૈસા એટલે અડધો રૂપીયો. અલબત્ત, પૈસા તો એ લોકોએ જોયા જ નથી એટલે ૧૫-પૈસા સમજાવતા તમારે ઘરની બે-ત્રણ ચા ઠોકી જવી પડશે.) વૅઇટર કરતા આપણા કપડાં સારા હોય, એટલો જ ફરક, બાકી બિલ મેહતાજી લાવે. લાકડાના પાટીયાં ઉપર ક્લિપમાં પત્તાંની અડધી કૅટ જેટલી સાઇઝના બિલનો ડટ્‌ટો હોય, એમાંથી આપણું બિલ ફાડીને મેહતાજી આપણા ટેબલ પર પડેલા કાચના પીવાના ગ્લાસમાં આપણું બિલ બોળીને ટેબલ પર મૂકે, જેથી ઊડી ન જાય. આ વાંચવું ગમે એવું તો નથી, પણ હકીકત છે કે, વૅઇટર એક હાથમાં કાચના છ-ગ્લાસ એકસામટાં પકડીને લાવતો એટલે દેખીતું છે, પાણી એના આંગળા બોળેલું હોય, પણ ખૂન્નસ ચઢી આવે એવી વાત એ છે કે, એવું પાણી પીવામાં ગ્રાહકોને નવાઈ પણ નહોતી લાગતી.

વૅઇટરને ટીપ આપવી અમે શહેનશાહી સમજતા. પૂરા ૨૦-પૈસા ટીપ આપીને રાહ જોતા કે, એમાંથી સૌજન્ય ખાતર દસ પૈસા પાછા આપે તો એટલો ખર્ચો ઓછો.

નાસ્તામાં ફાફડા-જલેબી કે સમોસા-પેટિસ અને કટલેટ્‌સ. પૂરા અમદાવાદમાં ‘સારી’ કહેવાય એવી હોટલો જ ૧૫-૨૦ માંડ હતી ને બધીઓમાં મળે તો આ જ વાનગીઓ. લૉજમાં જમવા જાઓ તો આખું ભાણું અઢી રૂપીયામાં અને અડધું એક રૂપીયામાં. અડધામાં આવે તો બધું પણ એ એક જ વાર હોય. જેટલી ભૂખ હોય એટલું દાબી દાબીને જમી ન શકાય. (છોકરાઓને લૉજનો અર્થ પણ ખબર નહિ હોય....તમને ખબર હોય તો સમજાવજો. ઉઘાડા શરીરે પરસેવાથી લથબથ મહારાજ ગ્રાહકોની સામે વાંકો વળી વળીને રોટલી વણતો હોય ને બીજો રોટલી તવા ઉપર મૂકતો હોય. કોઇને ધાર્મિક વાંધો ન આવે એટલા માટે જાત ગમે તે હોય, મહારાજોના શરીરો ઉપર બ્રાહ્મણોની જનોઇ ચોક્કસ રહેતી, જેથી કોના હાથનું ખાઓ છો, એનો વાંધો ન આવે.)

એ વખતે જોરમાં હતા ચનાજોર ગરમ. એ કાંઇ આજની માફક તૈયાર પૅકેટોમાં ન મળે. યુ.પી.ના ભૈયાજી કાવડ લઇને વેચવા નીકળતા. કાવડ એટલે ભક્ત શ્રવણ એના પ્રજ્ઞાચક્ષુ મા-બાપને જાત્રા કરાવવા લાકડાના વાંસડાના બન્ને છેડે બાંધેલા ત્રાજવામાં બન્નેને બેસાડતો, જેથી બન્ને સાઇડનું બૅલેન્સ પણ રહે. શર્ત એટલી કે, બેમાંથી એકે ય પાટર્ી ઓછી થઇ જવી ન જોઇએ. એ કાવડનું સ્થાન ચનાજોર ગરમવાળા ભૈયાઓએ લીધું. ગ્રાહકોને આપવા માટે પતરાંની એક ડબલી હોય, એ એનું માપ. મહીં ભરી ભરીને ભૈયો આપે. આગળના પલ્લામાં ચણા હોય, એની ઉપર ધગધગતા કોલસાથી ભરેલી કૂલડી હોય જેથી ગ્રાહકોને ગરમ માલ મળે. આમાં આજના જેવા પૅકિંગ્સ ન મળે. કોઇ પુસ્તકના પાનાં ફાડી ફાડીને એમાં ગ્રાહકને પડીકું બનાવીને આપે. માલ ઓછો લેવાનો હોય તો ત્રિકોણ આકારની ફૂલ્સ-કૅપ બનાવીને ચણા ભરે અને વધારે હોય તો પુસ્તકના પાનાં ફાડી ફાડીને પડીકું બનાવીને આપે. દ્રષ્યનું સૌંદર્ય તો ભૈયો જે અદાથી ચના ઉપર લિંબુ નિચોવે, એ જોવામાં આવતું. આખા પડીકાં ઉપર ગોળ ચકરડું

(૨)

મારીને એ લિંબુ નિચોવે અને પૈસા વસૂલ કરવા અમે ‘ભૈયા,...જરા ઓર જ્યાદા નિચોવો ને...’ એવું હિંદીમાં કહેતા. મ્હોંમાં પાણી એટલે આવી જતા કે, વીસ પૈસાના ચનાજોર ગરમમાં મસાલા કેટલા બધા પડે! લિંબુ ઉપરાંત લાલ મરચું, ચાટ મસાલો, સૂંઠ, કાંદા, લીલાં મરચાના કટકા, કોથમીર, ટામેટાં અને ખાસ તો જે પડીકાંમાં આપ્યા હોય એનું કાગળીયું વાંચવા મળે! (મને યાદ છે, મેં ખરીદેલા સો ગ્રામના પડીકામાં મારા પહેલા પુસ્તક ‘બુધવારની બપોરે’નું પાનું ફાડીને ભૈયાજીએ મને માલ પિરસેલો....મારા પુસ્તકનો માલ આવો ઉપડશે, એની મને જાણ નહોતી.)

ચનાજોર ગરમ જમવાના કામમાં ન આવે. ખાસ તો મૅચ-બૅચ જોતા હોઇએ ત્યારે હાથમાં પડીકું પકડીને એક એક ફાકડો મારવાનો. બાજુવાળો મોટો ફાકડો ન મારે એનું ધ્યાન રાખવાનું. એની ય ટ્રિક હતી કે, એ લેવા જાય ત્યારે પડીકું થોડું નીચે કરી દેવાનું. સિનેમામાં ઇન્ટરવલમાં ચનાજોર લઇ જવાય, પણ મસાલા ઢોંસા કે ઈડલી-સામ્ભાર લઇને ન જવાય. બા ખીજાય. ચનાજોર ગરમ બહુ કામમાં આવે. પ્રેમમાં પડ્યા પછી પહેલી વાર પેલીને સિનેમામાં લઇ ગયા હોઇએ (અથવા તો પહેલી વાર પ્રેમમાં પડ્યા પછી આને કે બીજી-ત્રીજીને લઇ ગયા હોઇએ...) ત્યારે ચનાજોર ગરમ વ્યાજબી ભાવે પડતા. ઈન્ટરવલ પછી વીસ પૈસાના પડીકાંમાં પેલી ચના ચાવ-ચાવ કરે અને ચૂપ રહે. એને ચનાજોર ગરમ ખાવા દેવાના...(જો એ વખતે બીજો કોઇ કામધંધો ન હોય તો!) ....તો શું કે આપણે શાંતિથી ફિલ્મ જોવાય.....આ તો એક વાત થાય છે!

મારા જામનગરમાં મેહમાનો આવે તો એમની વૅલ્યૂ કેટલી છે, એ મુજબ લખોટી (ઠેરી)વાળી સોડા મંગાવતા. મેહમાનો મૂલ્યવાન હોય તો લિંબુવાળી મસાલા સોડા આવે અને એથી ય વધુ માન આપવા જેવા હોય તો વિમટો, ગુલાબ, કાલા ખટ્‌ટા, ખસ કે ગુલાબના શરબતો આવે. (આઇસક્રીમો તો અમે ય ન ખાતા હોઇએ, ત્યાં મેહમાનો માટે મંગાવતા હોઇશું? જામનગરની ભાષા મુજબ, ‘અમારા તે સુઉં ’દિ ફયરાં છે?’ અમારે ય ખાવો હોય તો કોકના લગ્નપ્રસંગની રાહ જોતા હોઇએ....!)

એ વાત જુદી છે કે, જામનગરમાં ય ચનાજોરગરમ એ દિવસોમાં મળતા નહોતા. ત્યાંની આજની ફેશન ‘ઘુઘરા’ની છે. તીખી ચટણી સાથે તીખાં સમોસા જેવા ઘુઘરાથી આજના જામનગરનું પેટ ભરેલું છે.

જો કે, આજ સુધી મને એ રહસ્યની ખબર નથી પડી કે, ચના ‘જોર’ ગરમ એટલે શું? અમે ચના ‘ચોર’ સમજેલા. વાસ્તવમાં ‘ચનાજોર ગરમ’ શબ્દો છે એમાં ગરમ શબ્દનું ય એટલું જ મહત્વ છે. એ ગરમ ન હોય તો કોઇ અડકે ય નહિ અને ગરમ એટલે....ભૈયાએ કચકચાવીને નિચોવેલા લિંબુ અને પૈસા વસૂલ થાય એટલો મસાલો ભભરાવ્યા પછી ખાવાના ચનાજોર ગરમ...!

પણ ચણા સુધી બરોબર છે, પણ આ ‘જોર’ એટલે શું? ઈવન, ‘ભગવદગોમન્ડલ’માં ય જોયું પણ આ શબ્દ તો ‘ગૂગલ’ કે હિંદીની કોઇ ડિક્શનેરીમાં નથી. આમાં તો જે કાંઇ જોર પડતું હોય તે ભૈયાને લિંબુ નિચોવવામાં પડે ને એમાં ય લિંબુના બિયાં ભૈયો કાઢી ન આપે, આપણે ખોળી ખોળીને એક એક બિયું કાઢવાનું....વીસ પૈસાના ચનાજોર ગરમમાં ભૈયો તે કેટલું કાઢી આપે?

સિક્સર

પાકિસ્તાનના સૌથી સન્માન્નીય સીનિયર પત્રકાર હસન નિસાર કાયમ માટે પાકિસ્તાન છોડી જવા માંગે છે ને કહે છે, ‘હું જ્યાં જઇશ ત્યાં કહીશ નહિ કે હું ક્યા દેશમાંથી આવ્યો છું. આ મૂલ્કના ભ્રષ્ટાચાર અને બેવકૂફીઓથી હું ત્રાસી ગયો છું.’

-.....આપણે કાંઇ કહેવાનું રહે છે?

------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED