બુધવારની બપોરે - 3 Ashok Dave Author દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુધવારની બપોરે - 3

બુધવારની બપોરે

(3)

આ સ્ટોરી સાચી હશે....?

સમય હશે સાંજે ચાર-પાંચ વાગ્યાનો. હું ડ્રૉઇંગ-રૂમમાં બેઠો બેઠો કાંઇ કરતો નહતો. મને કાંઇ ન કરવું ખૂબ ગમે. એ મારી હૉબી પણ છે. છતાં ય, નવરા બેઠા કંઇક કરવું જોઇએ, એવું મોટા ચિંતકો કહી ગયા છે, એ ધોરણે મને બહુ અઘરૂં પડે, એ ‘વિચારવાનું’ શરૂ કર્યું. દીવાલો ઉપર વૉલ-પૅપર નંખાવવા જોઇએ કે આખી દીવાલ નવી નંખાવવી જોઇએ, એ સવાલનો જવાબ શોધવા હું દીવાલની સપાટી, ખૂણા, કલર અને આકાર ચિંતનપૂર્વક જોતો હતો. એકાદ વખત એવો ય વિચાર આવી ગયો હતો કે, ઘરમાં દીવાલ હોવી જોઇએ કે નહિ? જવાબ ‘હા’માં આવ્યો, એટલે ચિંતન-શિબિર આગળ ચલાવી. મારી શિબિરોમાં આનંદ એ વાતનો હોય કે, શિબિર એક જ વ્યક્તિની હોવાથી નિર્ણય લેવામાં વાદ-વિવાદ કે ટૅન્શનો ન થાય. મને યાદ છે ત્યાં સુધી, મારા પ્રમુખપણા હેઠળની આ શિબિરોમાં પ્રમુખ અને શ્રોતા હું જ હોવાથી છુટ્‌ટા હાથની મારામારીઓ ય કદી નથી થઇ. યસ. હું લેખક હોવા છતાં એક વિચારક પણ હોવાથી ટાઇમ વધારે લાગે અને શિબિર લાંબી ચાલી શકે. વળી મારી કોઇ વાતમાં સાહિત્ય આવતું ન હોવાથી મારી શિબિરોમાં જરૂર પડે ગાળાગાળીઓ ચોક્કસ થાય, પણ અન્યની માફક ૩-૪ કલાકની પૂર્ણાહૂતિ પછી નાસ્તા-પાણી કરીને છુટા પડવાનું ન હોય. એક નિર્ણય પણ લેવાય કે, નૅક્સ્ટ શિબિર ક્યારે રાખીશું!

ભીંતનો કલર બદલાવવાને બદલે મકાન બદલાવવાનો વખત થયો છે, (આ પગારમાં માણસ ફૅમિલી બદલાવી ન શકે!) એ નિર્ણય ઉપર પહોંચુ, એ પહેલા કૉલ-બૅલ વાગી. અમારી પરંપરા મુજબ, ઘરનો કૉલ-બૅલ વાગે ત્યારે દરવાજો ખોલવા મારે ઊભા થવાનું હોય છે. પોતાનું કામ જાતે કરી લેવાની પરંપરા ફાધરના વખતથી ચાલી આવે છે.

એ કોઇ ૪૫-૫૦ની ઉંમરનો માણસ હતો, છતાં મારાથી નાનો લાગતો હતો. હવેના ગુજરાતી ઘરોમાં ‘કોનું કામ છે?’ એવું જૂનવાણી પૂછાતું નથી. એને બદલે ઈંગ્લિશમાં ‘ય...સ?’ બોલીને આવનારાની સામે જોવાનું હોય છે. (‘ય’ થોડો લંબાવવાનો.) એ વાત જુદી છે કે, આવનારી કોઇ સુંદર યુવતી હોય તો ‘યસ’ની પાછળ પ્રશ્નાર્થ લગાવવાનો હોતો નથી. એ ‘યસ’માં થોડો આવકાર જણાવવો જોઇએ. એ મનુષ્યોની ભાષામાં વિવેક કહેવાય અને પરિણિત ઢગાઓની ભાષામાં ‘સ્ત્રી-દાક્ષિણ્ય’ કહેવાય.

આનું મોંઢુ અને શરીરની સાઇઝ જોઇને વિવેક-વિનય તો શું, વર્ષોથી વપરાયા વગર પડી રહેલું સ્માઇલ પણ અપાય એવું નહોતું. તો ય, ગુજરાતી છીએ ને? આવનારને જેવો આવડે એવો, આવકાર તો આપવો જોઇએ.....આપ્યો.

‘સર-જી.....આપ જ અશોક દવે?’

મેં આજુબાજુ જોઇને કીધું, ‘હા. બોલો.’

‘બેસી શકું?’

‘સૉરી....કામ બોલો. હું તમને ઓળખતો નથી.’

‘એને માટે મને બેસવા તો દેવો પડશે, સર-જી....કામ અગત્યનું છે.’

એ માણસને મેં ધારી ધારીને જોયો. ધારવા જેવું કશું હતું નહિ. એના ચેહરાની ઉપસી આવતી પ્રમુખ ચીજ હતી આંખ ઉપરની ભ્રમરો. પૂરા વિશ્વમાં બન્ને અલગ અલગ સાઇઝ અને જથ્થો ધરાવતી આ પહેલી ભ્રમર હતી. ડાબી સાઈડની ભ્રમર તો આપણને ખેંચી જોવાનું મન થાય એવી આકર્ષક અને આંગળી ફેરવવાનું મન થાય એવી લિસ્સી હતી. જમણી બાજુમાં જથ્થો વધારે હતો અને મને આજે ય ડાઉટ છે કે એને શૅપમાં રાખવા એ ચોક્કસ કાંસકો રાખતો હશે કારણ કે, માથામાં કશું હોળવા જેવું નહોતું. ઊડીને આંખે વળગે એવું એનું બીજું અવયવ એની હાઇટ હતી. એ ઘરમાં દાખલ થયો, ત્યારે જે હાઇટ લઇને આવ્યો હતો, તેમાં અત્યારે ભારે ઘટાડો થયેલો લાગતો હતો.

(૨)

એ સોફામાં બેઠો એના કરતા સોફા ઉપર બેસાડવો વધુ આવકારદાયક લાગતું હતું. આજકાલ બધાના ઘરોના સોફા ઉપર ચોરસ આકારના નાના નાના તકીયા હોય છે, એના કરતા ય એ નાનો લાગતો હતો. ફર્ક માત્ર આકારનો હતો. આ માણસ ચોરસ આકારનો નહોતો લાગતો, કોઇ પણ આકાર વગરનો લાગતો હતો.

‘સર-જી, મારૂં નામ વિનાયક છે. વિનાયક પ્રભાશંકર જાની. આપ નામચિહ્ન લેખક છો અને ----’

‘નામચિહ્ન ના કહેવાય...નામાંકિત કહેવાય...’

‘સૉરી સર, હું લેખક નથી એટલે....ઓકે. સીધી કામની વાત પર આવું તો હું વિધવા-વિવાહ પુનઃલગ્નના સામાજીક કામમાં રોકાયેલો છું અને આપ----’

‘વૉટ ધ હૅલ...? એમાં હું શું કરૂં? મારી પાસે-----જો ભ’ઇ....જે કાંઇ તમારૂં નામ હોય. મારી વાઇફ વિધવા નથી અને એ થાય એવા મેં કોઇ પ્રયત્નો ય કર્યા નથી. અહીં શેના માટે આવ્યા છો?’

‘સર, દરેક વાઇફનું એક સપનું હોય છે---’

‘વિધવા બનવાનું? જસ્ટ શટ અપ....તમે ખોટા માણસ પાસે આવી ગયા છો....ઓકે. ગૂડ બાય....’

‘દરેક વાઇફનું એક સપનું હોય છે, એનો ગોરધન....આઇ મીન, હસબન્ડ રાજા રામમોહન રૉય જેવો પ્રતાપી અને સમાજ સુધારક બને....અને---’

ઊફ્ફ્ફ......આ માણસની કોઇ વાત હું સમજી શકતો નહતો અને મને ‘ઈરિટેટ’ કરી રહ્યો હતો. સાલો જે સબ્જૅક્ટ સાથે મારે નહાવા-નિચોવવાનો સંબંધ નહિ અને એમાં હું કાંઇ ‘કૉન્ટ્રીબ્યૂટ’ કરી શકું એમ નહોતું, તો એ ક્યા કારણથી મારી પાસે રજુઆત કરવા આવ્યો હતો? મારી તો એ ય તાકાત નથી કે, મારી પત્ની સિવાય અન્ય કોઇ પણ સ્ત્રીને હું વિધવા બનાવી શકું અને તાકાત હોય તો પણ મારે આની પાસે શું કામ પુરવાર કરવાની?

વિનુ એટલે કે વિનાયકના ચેહરા ઉપર અકલ્પનીય શાંતિ હતી. હું ઉશ્કેરાતો જતો હતો, એ નહિ. એ તબક્કા સુધી એનો આભાર એટલો જ કે, મારા સોફા ઉપર એ પગ ઊંચા કરીને બેઠો નહતો, પણ એની સામે બે-ત્રણ વાર જોયા પછી, એની વાઇફ વિધવા બને તો મને કાંઇ પણ દુઃખ ન થાય, એ વિચારવાના તબક્કે હું પહોંચી ગયો હતો. મને ગુસ્સો ય ચઢ્યો કે, એ હતો કોણ કે, હું એની પાસે સ્પષ્ટતા કરૂં કે, આ વિધવા-ફિધવાના સબ્જૅક્ટ સાથે મારે કોઇ લેવા-દેવા જ નથી તો મારી પાસે આવ્યો છે શું કામ?

‘સર-જી, આપ ઉતાવળે મને ખોટો સમજી રહ્યા છો. હું આપની પાસે આ સદીઓ જૂના વિધવાના વિષયની ચર્ચા કરવા નથી આવ્યો. ઑન ધ કૉન્ટ્રારી.....ઓહ, ભાભી ઘરમાં તો નથી ને...?’

‘શું? તમારે ભાભીનું---’

‘...કાંઇ કામ નથી. ઈન ફૅક્ટ, હું આપને આપના એક લૅક્ચર માટે આમંત્રણ આપવા આવ્યો છું.....’

ઘરમાં કોઇ બોલવા દેતું નથી અને બહાર બોલવાના પૈસા મળે છે, એટલે પહેલી વાર આ માણસ મને ગમ્યો. એની લિસ્સી ભ્રમર ઉપર આંગળી ફેરવવાની ઈચ્છા પણ થઇ, પણ એ ઈચ્છા કરતા એની ઑફરમાં મને વધુ રસ હતો. પૂરી વાત કરી એટલે ખબર પડી કે, એની કોઇ ‘વિધવા પુનર્વસન કેન્દ્ર’ નામની કોઇ સંસ્થા હશે ને એ લોકોએ એક મોટા સમારંભનું આયોજન કર્યું હતું. અલબત્ત, પ્રમુખસ્થાને મને બોલાવવ્યો હતો પણ પ્રવચનનો વિષય છાતીમાં કાણાં પાડી દે એવો વિસ્ફોટક હતો. સબ્જૅક્ટ વિધવાઓના પુનર્વસનનો ચોક્કસ હતો પણ રાજા રામમોહનરૉયવાળો ‘વિધવા વિવાહપુનર્વસન’નો નહિ, પણ વિધવાઓ કોઇ પરિણિત પુરૂષના પ્રેમમાં પડે, તો સમાજે એની સ્વીકૃતિ આપવી જોઇએ કે નહિ, એ વિષય પર આખો સમારંભ રાખવામાં આવ્યો હતો.

મને વિષય ખાસ કાંઇ ગમ્યો નહિ-નૈતિક મૂલ્યો ખાતર, પણ અગૅઇન....હું પરિણિત પુરૂષ ચોક્કસ છું , પણ આજ સુધી કોઇ વિધવા સાથે (...કે ફૉર ધૅટ મૅટર.....અન્ય એકે ય યુવતી, સ્ત્રી કે માજી સાથે) મારે પ્રેમસંબંધ બંધાયો નથી. આમાં નૈતિકતા કરતા વાઇફનો ફફડાટ વધુ કારણભૂત હશે, એવું હું છાનુંમાનું માનું છું.

‘વિનુભાઈ. આવો વિષય રાખવાનું કોઇ કારણ ખરૂં?’

‘કારણ....સમાજમાં વિધવાઓની અછત. પૂરતા પ્રમાણમાં આપણે વિધવાઓ બનાવી શક્યા નથી. પતિદેવો કહેવાય દેવો, પણ માય ફૂટ....આ અછત દૂર કરવા કેટલા ગોરધનો આગળ આવ્યા?.....હું તો---’

‘વિનુભાઇ, તમે વિષયાંતર કરી રહ્યા છો. આપણો વિષય તો વિધવાઓ પ્રેમ કે પ્રેમોમાં પડી શકે કે નહિ, એનો

(૩)

હતો ને તમે આડા રસ્તે---’

‘સર-જી, આડો રસ્તો સહેજ પણ નથી. દેશ પૂરતા પ્રમાણમાં વિધવાઓ બનાવી નહિ શકે તો મહત્વાકાંક્ષી પરિણિત પુરૂષો જશે ક્યાં? કૂંવારી છોકરીઓને તો ઘર માંડવાનું હોય. એ પરણેલાઓમાં પડે નહિ. વિધવાઓ સ્પૅરમાં પડી હોય એટલે બન્ને પાટર્ીઓનું ભલું થાય....!’

‘સૉરી વિનાયકભાઈ.....મને આ વિષય નૈતિક અને મૂલ્યોપ્રેરિત લાગતો નથી. આવા સમારંભોમાં હું ઉપસ્થિત રહું, તો ખુદ મારી વાઈફ પણ ‘ઇન્સ્પાયર’ થાય ને હું કોઇ કાળે ય એની આશાઓ બંધાવા દેવા માંગતો નથી. તમે ચીફ ગૅસ્ટ કોઇ બીજો ગોતી લો...’

ત્યાં જ બીજી વાર કૉલ-બૅલ વાગ્યો. મને નવાઇ લાગી કે, ‘આ તો અહીં બેઠો છે.....બહાર જઇને બૅલ મારી આવ્યો હોય, એ બનવાજોગ નથી...તો બૅલ મારી કોણે હશે?’

વિનાયકે કોઇ આશ્ચર્ય વગર પાછળ ફરીને દરવાજા સામે જોયું. ઓહ....એક માની ન શકાય એવી સુંદર સ્ત્રી જાતે ખુલ્લો દરવાજો ખોલીને અંદર આવી ગઇ. એણે પર્પલ સાડી પહેરી હતી. એક સ્ત્રીએ કરવો જોઇએ એટલો મૅઇક-અપ કર્યો હતો, એનાથી એક શ્રધ્ધા ય બંધાય કે, આટલી અદભુત સુંદર સ્ત્રીએ મૅઇક-અપ કરવાની જરૂર જ ન હોય. ‘....તુમ તો વૈસે ભી હસિન લગતી હો...’ આવું મનમાં મારૂં પહેલું રીઍક્શન આવ્યું. એની હાઇટ ભલભલી સ્ત્રીઓને ઇર્ષા કરાવે એવી હતી.....સમજો ને, ‘ઍમિરૅટ્‌સ ઍરલાઇન્સ’ની ઍર-હૉસ્ટેસ જેટલી. સ્કિન તો એથી ય વધુ ગુલાબી. પરમેશ્વર ગુલાબ બનાવી બનાવીને નવરા પડ્યા હશે, ત્યારે આના હોઠ બનાવ્યા હશે....પૂરા બદનમાં ચરબીનો ક્યાંય થર નહિ અને-----બાકીના વખાણો વાચકોએ પોતપોતાની અપેક્ષાઓ મુજબ ગોઠવી લેવા, જેમ મેં ગોઠવ્યા છે તેમ. હું બડી વિનમ્રતાપૂર્વક કિચનમાં જઇને એ બન્ને માટે ફ્રીજ ખોલીને પાણી લઇ આવ્યો.

‘સર, આ જ્વાલા દેશમુખ છે. અમારી સંસ્થાના પ્રૅસિડૅન્ટ. તેઓએ અમારી સંસ્થા માટે ઘણું કામ કર્યું છે...’

‘આઇ ઍમ સૉરી....પણ ઈંગ્લિશમાં કહેવત છે, ‘ચૅરિટી બીગિન્સ ઍટ હોમ’. જ્વાલાજીએ વિધવાઓ માટે---’

‘સર, જ્વાલાજીને પોતાને વિધવા બનવાનો ચાર ચાર વખતનો અનુભવ છે....’

મને હેડકી આવવી લાઝમી હતી, એટલે આવી. મેં જ્વાલા સામે જોયું. એણે સ્માઇલ એવી રીતે આપ્યું, જાણે પાંચમી

વખતની તૈયારી માટે મારો સહયોગ માંગી રહી હોય!

‘આપ....આપ તો આવ્યા ત્યારના કશું બોલ્યા જ નથી. જ્વાલાજી, કેમ છો? આપનું અહીં પધારવાનું પ્રયોજન?’ હું કબુલ કરૂં છું કે, એના પ્રયોજન-ફયોજનો જાણવાની મને કોઇ પડી નહોતી....એ આવી, એ જ બહુ ગમી ગયું હતું. વળી, સારા કામમાં ઈશ્વરના ય આશીર્વાદ મળે, એમ વાઇફ પણ ઘરમાં નહોતી. ખીલી ઉઠવા માટે મેદાન મોકળું હતું.

‘સર, આપના વિશે ઘણું સાંભળ્યું છે...’ જ્વાલા બોલી અને મને મીઠું લાગે એવું બોલી, ‘આપ અમારી સંસ્થાના કાર્યક્રમમાં આવી રહ્યા છો, એ જાણી પર્સનલી....હું બહુ ખુશ થઇ છું---’ (હું વચમાં ‘થૅન્ક-યૂ-ફૅન્ક યૂ’ બોલવા જતો હતો, ત્યાં મને થયું, ‘વચમાં ન બોલ અશોક.....એ તારા વખાણ કરી રહી છે....એને આગળ વધવા દે.’) વિષય તો આપને વિનાયકભાઈએ કીધો જ હશે, ‘વિધવાઓ પરિણિત પુરૂષના પ્રેમમાં પડે તો એ કેટલી નૈતિકતા કહેવાય!’

મને પહેલી વાર ‘પરિણિત’ હોવા ઉપર ગર્વ થયો. હું ઝડપથી જવાબ આપવા માંગતો હતો અને આપ્યો પણ ખરો કે, ‘ઓહ, જ્વાલાજી, મારૂં માનવું છે કે, જેમ વિધવા હોવું એ કોઇ ગૂન્હો નથી, એમ પરિણિત હોવું એ તો સહેજ પણ ગૂન્હો નથી. દુનિયાભરના પુરૂષોને આપણે પરિણિત બનવાનું પ્રોત્સાહન આપીએ છીએ, એમ વિધ-----’ મને થયું કે, સાલું બફાઈ રહ્યું છે એટલે અધવચ્ચે ફેરવી-તોળીને બોલ્યો, ‘એમ વિધવાઓ થતી અટકાવવી જોઇએ...’

‘કેવી રીતે....?’ જ્વાલા તોફાની સ્માઇલ સાથે બોલી.

‘બબબબ...બસ, એક જ રીતે! વિધવાઓને પણ પ્રેમમાં પડવાનો અધિકાર મળવો જોઇએ....આઇ મીન, કોઇ વિધવા કોઇ પરિણિત પુરૂષના પ્રેમમાં પડે, તો એનાથી સામાજીક ભૂચાલ ન આવવો જોઇએ....

આ હું-મારૂં બોલવાનું પૂરૂં કરી લઉં, એ જ ઘડીએ વગર કૉલ-બૅલ મારે પત્ની દરવાજામાં દેખાઇ. કાચી સેકન્ડમાં મારી વાત અને એ લોકોનો વિષય ભૂલાઇ ગયા. જેમતેમ કરીને, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની આ લોકોને ઔપચારિક અસહમતિ દર્શાવી અનિચ્છાએ કાઢ્યા.

(૪)

‘કોણ હતા આ લોકો?’ પત્નીના પૂછવામાં નકરી સાહજીકતા હતી. આટલી સુંદર અને સૅક્સી જ્વાલાને જોવા છતાં ન તો એ વહેમાઇ, ન મને સવાલો પૂછ્‌યા કે ન કોઇ ખાસ ઇન્ટરેસ્ટ બતાવ્યો. એમ તો હું ય વિનાયક માટે વહેમાયો નહોતો, પણ એ બન્નેના ગયાના કોઇ દોઢ-બે કલાક પછી અમારા બન્નેનું ધ્યાન ગયું કે, ડાઇનિંગ-ટૅબલ પર પડેલી આશરે લાખેક રૂપીયાની (અલબત્ત, કોઇકે ગિફ્ટ આપેલી) મારી ઘડીયાળ, સાતેક હજાર રૂપિયા કૅશ ભરેલું મારૂં વૉલેટ અને ભ’ઇ સા’બ.....બહુ મોંઘો મોબાઇલ ફોન ગાયબ હતો. હું એમને માટે કિચનમાં પાણી લેવા ગયો, એમાં મોર અને ઢેલ કળા કરી ગયા હતા.

જ્વાલા બહુ મોંઘી પડી. એ એકે ય વાર વિધવા નહોતી બની....વધારે બેઠી હોત તો મારી પત્નીને ચોક્કસ બનાવીને ગઇ હોત...!

(ઉપરોક્ત વાર્તામાં ત્રીસેક ટકા જ સત્યહકીકત છે.....ક્યા ત્રીસ ટકા, એ કહેવાય એવું નથી.)

------