બુધવારની બપોરે - 10 Ashok Dave Author દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુધવારની બપોરે - 10

બુધવારની બપોરે

(10)

સાલા બુઢ્‌ઢા ખડ્‌ડૂસ...

ચારે ય ભાઇઓને એટલે જ ખૂબ બનતું હતું કે, ચારે ય ને મા-બાપ ગમતા નહોતા. પોતાના હતા તો ય....અથવા તો એટલે જ! ૮૦-પ્લસના થઇ જવા છતાં બેમાંથી એકે ય હજી ‘જવાનું’ નામ નહોતા લેતા, પછી માણસ કંટાળે જ ને? મેહમાનો આવે ત્યારે માણસ ઘરનું ફર્નિચર બતાવે કે હાડપિંજરો? ડોહો અમથો ય ખાંસીએ ચઢ્યો હોય ત્યાં ય ઘરમાં મંગળાની આરતીઓ થવા માંડે કે, ‘શ્રીનાથજીએ સામે જોયું ખરૂ.....બસ, મૅક્સિમમ બે દહાડા..… હાઆઆશ!’?

પણ ખાંસી તો જાવા દિયો....મોટા મોટા ખાંહડા ચઢ્યા હોય, એના બીજે દિવસે તો બે જણા ‘સૉલિટૅર’ રમતા હોય! બાજુવાળો ગૅરેજ ખોલતો હોય તો ય એમને કાકાની ખાંસી લાગે.....કંટાળીને આ લોકો પોતાના ખર્ચે એના ગૅરેજના દરવાજામાં તેલ પૂરી આવ્યા. હે ઇશ્વર.....ગૅરેજોમાં તેલો બહુ પૂર્યા.....હવે તો ડોહાના ગળામાં રેડવા દે...!

ઠીક છે કે સમાજની શરમે ડોહા-ડોહીને ચારે ભાઇઓ વારાફરતી રાખતા હતા. વૃધ્ધાશ્રમોવાળાએ પાછા કાઢ્યા હતા કે, ચાર-ચાર ભાઇઓ એક મા-બાપને રાખી ન શકે....? મેં નાનકાને કીધું ય ખરૂં કે, ‘થોડી ગાંધીનગર સુધી લગાવી હોત તો કોઇ સારો વૃધ્ધાશ્રમ મળી જાત! એકાદ કલાક માટે રાખવાના હોય તો સમજ્યા કે, અડોસપડોસની શરમે ય ડોહા-ડોહીને રાખીએ, પણ આ તો વારા એવા ગોઠવાયા હતા કે, દરેક ભાઇને ઘેર એક એક મહિનો બન્ને જણા રહે. આપણે કાંઇ બીજા કામધંધાઓ હોય કે નહિ? એક મહિનાનો એ બન્નેનો જે કોઇ ખર્ચો આવે, એ ચારેએ સરખા ભાગે વહેંચી લેવાનો. ઉંમર એંસી ઉપરની થઇ ગઇ હોવા છતાં બન્ને દાબી દાબીને બબ્બે રોટલીઓ તો ખાય જ! અડધી વાડકી તો દાળો પી જાય....ઘરની વહુઓ કંટાળે નહિ? આ તો એક વાત થાય છે.

આ તો એમ કહો કે, ચારે ય ની વાઈફો સારા ઘરની કે, સાસુ-સસરાને-ભલે મોંઢા મચકોડીને ય રાખે તો ખરી! મરવાનો તો એ ભાઇ થાય, જેના ઘરનો વારો હોય ને બા-બાપુજી બેમાંથી એક માંદુ પડ્યું હોય! એ ટાઈમ પૂરતી વહુઓ વચ્ચે જરા ખાટી-તીખી થઇ જાય કે, ‘હું શેની કામ કરવા આવું? ડોહો અમારા ઘેર હેડકીઓ નહોતો ખાતો! વૉમિટો તમારા ઘેર કરે છે, લૂછવા હું શેની આવું?

આ ચારે ય ને પાછા છોકરાછૈયાં તો હોય જ ને?....હતા. મૉમ-ડૅડ્‌સનું જોઇને (....સૉરી, ‘ડૅડ’નું બહુવચન ના થાય! આ તો ચાર ચાર ડૅડૉ હતા,-એટલે કે સૌને ભાગે પડતા એક એક, એટલે બહુવચનમાં લખાઇ ગયું.) એ લોકો ય દાદાજી કે દાદાજીને બદલે ‘સાલા બુઢ્‌ઢા ખડ્‌ડૂસ...’ જેવા શબ્દો બોલતા થઇ ગયા હતા. દાદા-દાદીની તો જે કાંઇ મૂડી હતી, એ બધા મળીને આ આઠ-દસ ટેણીયાઓ....આ લોકોના! છોકરાઓ એ બન્નેને હડધૂત કરતા રહે....એ તો છોકરાઓ છે, એમનું શું ખોટું લગાડવાનું? દાદા તો એ લોકોને મૌજમસ્તી ય ખૂબ કરાવે. બધા ભેગા થઇને ‘સ્મશાન-સ્મશાન’ રમે, એમાં એક રવિવારે દાદાજીએ મડદું બનીને ઠાઠડી ઉપર સુઇ જવાનું....બીજે સપ્તાહે દાદીને! સાયન્સ આટલું આગળ વધ્યું હોવા છતાં એક સાથે બે ય ને ‘હુવાડાય’ એવી ઠાઠડી બનતી જ નથી. છોકરાઓ કરતા એમના ફાધર-મધરોના જીવો વધારે બળે! કોઇ પંખો ચાલુ કરો.

હુકમ પ્રમાણે એક વાર તો દાદી ઠાઠડી ઉપર સુઇ પણ ગયા અને બન્ટુડાએ સાચેસાચી દીવાસળી ચાંપી દીધી. કપડું તો સળગ્યું પણ નાનકડી ઝાળ દાદીના હાથને અડી ગઇ, એમાં તો બૂમાબૂમ શરૂ કરી દીધી. વહુને એમ કે, એના છોકરાને કાંઇ થયું.....એ તો બહાર આવ્યા પછી હાશ થયું કે, ઝાળ તો ડોસીને લાગી છે.....ખાસ કાંઇ બળ્યું-ફળ્યું નથી....હાથ ઉપર અડધા ફૂટનો લિસોટો પડી ગયો છે, એમાં આટલી બૂમાબૂમ શું કરવાની? છોકરાઓ અત્યારે તોફાન નહિ કરે તો શું ડોહા-ડોહીની ઉંમરે પહોંચ્યા પછી કરશે? ડોસીને એક તો સુવા માટે ખાટલો મળ્યો ને જરાક અમથી ઝાળ અડી ગઇ, એમાં આટલી બૂમાબૂમ? હું તો મૂઇ....તમારા ભ’ઇને કહી શકતી નથી કે, છોકરાઓ આવું ખોટું-ખોટું ‘સ્મશાન-સ્મશાન’ રમે છે, તે તમને સાચું રમતા ન આવડે? કેમ જાણે એકે ય વાર સ્મશાને ગયા જ ન હોય!

ચારે ય વહુઓ સંસ્કારી ઘરોની હતી. એક નાગર, બીજી જૈન, ત્રીજી શ્રીનાથજીબાવાવાળી પક્કી વૈષ્ણવ અને ચોથી ઓમ નમઃ શિવાયવાળી બ્રાહ્મણી. કહે છે કે, ચારે ભાઇઓને ગામમાં બીજું કોઇ સારૂં ન મળ્યું એટલે આ લોકો સાથે કરવું પડ્યું. જેવા જેના નસીબ. ચારે ય પોતપોતાના ભાગે આવેલા મમ્મી-પાપાને ખૂબ પ્રેમ કરતી. એ લોકોને ય ઘેર જમવા બોલાવવામાં ચારે ય ભાઇઓ સોલ્જરી કરી લે. ‘બાર્બેક્યું’વાળી હોટલમાં બધા ગયા હોય ત્યાં લસણ-ડુંગળી વગરનું ‘બાર્બેક્યૂ’ ખાસ બને. મંગાવી લીધા પછી નામો આવડે નહિ એટલે વધેલું-ઘટેલું ‘ઍન્ચીલાડાસ’ કે ‘ચીઝ-બર્ગર’ વૅઇટરને કહીને પૅકિંગ કરાવી બધું ઍંઠું ઘેર લઇ જાય. દાદા-દાદીને એ રાત્રે જલસે-જલસા...! જો કે, આ ઉંમરે ચાટી ચાટીને કેટલું ચટાય? પણ આપણા દેશમાં નહિ, ઈંગ્લૅન્ડ-અમેરિકામાં તો કેવી સરસ કહેવત છે, ‘beggars have no choice’.

આમ તો આવા શાંત-પરિવારોમાં ઝગડા-બગડા તો શું થાય, પણ એક દહાડો થવાનો તો હતો જ. તે થયો! વચલી વહુએ દાદીને, આજ સુધી મનમાં હતું, તે બધું સંભળાવી દીધું....‘ભિખારીઓ’ જેવો શબ્દ પણ વાપરતા વપરાઇ ગયો....કદાચ મનમાં નહિ હોય! પૂરી વાતની તો અમને ય ખબર નથી, પણ, ‘વહુબેટા, આ એક જ બળેલી રોટલીમાં હું શું ખાઇશ? દાળ-શાક પણ નથી!’

‘સામે પડ્યું હોય એ ગળચી લેવાનું...આવા ભિખારાવેડાં નહિ કરવાના?’ વહુના મનમાં કદાચ આ શબ્દ બોલવાનો ઝંઝાવાત નહિ હોય, પણ બોલાઇ ગયો ભ’ઇ!

વહુએ કહેલી આ વાત દાદાજીએ સાંભળી અને અચાનક એમને યાદ આવ્યું કે, ગુસ્સો કરતા એમને ય આવડે છે. તો ય ન કર્યો. બસ, એક ફોન કર્યો ને ડ્રૉઇંગ-રૂમના એક સોફા ઉપર દાદીની બાજુમાં ચુપચાપ બેસી ગયા. વાતાવરણ શાંત લાગતું હતું, પણ હતું નહિ. કંઇક આડુંઅવળું બન્યું તો ચોક્કસ છે. ચારે ભાઇઓ પરિવારો સાથે ત્યાં જ સૂનમૂન ભેગા થઇ ગયા. કાકા બબ્બે મિનિટે દરવાજે જોતા હતા, એટલે થોડો ખ્યાલ તો આવ્યો કે, કોક આવવાનું લાગે છે.

એ કાળા કોટવાળો વકીલ હતો. દાદાજીએ બોલાવ્યો હતો. આવામાં કોઇ એકાદો ન ચોંકે....બધા એકસામટા ચોંકે....ચોંક્યા! વકીલે એટલી સમજ આપી કે, આપના પિતાશ્રીએ પોતાની તમામ સ્થાવર-જંગમ મિલ્કત સરહદે લડતા જવાનોના ફંડમાં લખી આપી છે. આપને કાંઇ કહેવું છે?’

‘ખાધું, પીધું ને રાજ કર્યું...’ તો વાર્તાના છેલ્લા શબ્દો આવે. એ પહેલા જે કાંઇ થોડુંઘણું બની ગયું એમાં આટલું જ કે, કાળા કોટવાળાએ જે કાંઇ વાંચ્યું, એ દરમ્યાન જ ચારે ભાઇઓની ટમી તત્તણ-ઈંચ ઉતરી ગઇ. એમની વાઇફો આવા પ્રસંગે ધ્રૂસકા ન મૂકે તો બીજો તો કોઇ પ્રસંગ નવો આવવાનો નથી. બાળકો તો કેમ જાણે એમના સગા દાદા-દાદી હોય એવા વહાલથી વળગી પડ્યા. દાદા-દાદીનો બૅડરૂમ જ નહિ, એમનો તો ડ્રોઈંગ-રૂમ પણ અલગ અપાયો. ‘સ્વિગી’, ‘ઝોમેટો’ અને ‘ઉબેર’ના નંબરો આપી દેવાયા. જે મંગાવવું હોય એ પેલા ઘેર આવીને આપી જાય. આખું યુરોપ અને ચાયનાની બિઝનૅસ-ક્લાસની ટિકીટો પૂજ્ય પિતાશ્રી અને પૂજનીય માતૃશ્રી માટે આવી ગઇ. ઉતરવાનું ય ફાઈવ-સ્ટાર હોટેલોના સ્વીટમાં. ચારે વહુઓ પ્રભાત-વંદના સાસુશ્રી-સસુરશ્રીના ચરણસ્પર્ષ કરીને સંપન્ન કરે. એમ તો દાદાજીએ ખોટા ખર્ચા નહિ કરવાનું સૂચન કર્યું હતું અને દુબાઇથી ‘બુગાટી’ને બદલે અહીં જ ક્યાંક સારી ‘લૅમ્બર્ગિની’ મળતી હોય તો તપાસ કરી જોવા કીધું હતું, પણ હવે તપાસ-બપાસ હોય કાંઇ? ફૂલ-ટાઇમ શૉફર-ડ્રિવન ‘લૅમ્બર્ગિની’ આવી ગઇ. ખોટું નહિ બોલાય પણ ચારે ય છોકરાઓ પપ્પા-મમ્મીને પગે લાગીને જ ધંધે જાય...

ના. કાકાએ સૈનિક-ફંડ-બંડમાં રૂપીયો ય નથી આલ્યો.....બસ, આ લોકોને એક હળવો જુલાબ આપી દીધો, એમાં ‘ખાધું, પીધું ને રાજ કર્યું. બધી મિલ્કત હજી એમના પોતાના નામે જ છે.

સિક્સર

કહે છે કે, હવે શહેરના ટ્રાફિક-જામવાળા સર્કલો ઉપર જ સરકાર લગ્ન-મંડપ, પ્રસૂતિગૃહ, સ્કૂલ-કૉલેજો અને સ્મશાનગૃહો આપવાની છે.....દૂર ક્યાંય જવું નહિ ને ખોટા પૈસા ન બગડે!

-------