64 સમરહિલ - 18 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 18

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 18

ત્વરિતે ઘડિયાળમાં જોયું. સાડા દસ થવા આવ્યા હતા.

બપોર નમે ત્યાં સુધી એકપણ હોલ્ટ કર્યા વગર હંકાર્યે જવાની છપ્પનની સુચના હવે તેને આકરી લાગતી હતી. ચહેરા પર વધેલા દાઢી-મૂછના કાતરા ગરમી અને બફારાને લીધે કરડવા લાગ્યા હતા અને જાડા ખદ્દડ કાપડના લાંબા પહેરણ તળેથી પસીનાના રગેડા ઉતરતા હતા. રણમાં જવાનું હતું ત્યારે છપ્પનિયો સાલો એસી ગાડીને બદલે આ જૂના મોડેલની વિલિઝ લઈ આવ્યો હતો. શા માટે આ વિસ્તારના લોકો હજુ ય આવા ઠોઠિયા વાપરતા હશે? અકળામણથી તેણે ડોકું ધુણાવી નાંખ્યું.

ડેઝર્ટ એરિયામાં આવા વાહનો જ ચાલે છે અને તું હવે ચરવાહા રાજપૂત છે. આ તારી ઔરત છે. બીજી તારી સાસુ છે એવું કહીને છપ્પને મળસ્કે તેને વેશપલટો કરાવ્યો ત્યારે એ પોતાનો હુલિયો જોઈને ઘડીક થીજી ગયો. પોતે કેવું જોખમ ઊઠાવી રહ્યો છે તેનો પાક્કો અહેસાસ થયા પછી તેને હળવી હળવી ધુ્રજારી છૂટી રહી હતી.

'આ વિલિઝ તું વેચાતી લાવ્યો છે?' તેણે છપ્પનને પૂછ્યું હતું.

'માય ડિઅર...' એ સાલાએ નફ્ફટાઈથી કહી દીધું હતું, 'મેં પહેરેલો જાંગિયો ય હું વેચાતો નથી લેતો!!'

'ગાડીમાંથી ઉતરે એટલે ભૂલ્યા વગર ખભા પર તારે આ ડબલ બેરલ ગન લટકાવી રાખવાની છે..' જોટાળી ગન જીપમાં આગળની તરફ ગોઠવતા છપ્પને કહ્યું હતું, 'એ રાજપૂતાના છે... લોગ પિસાબ કરને જાતે હૈ તબ ભી ગન લેકે જાતે હૈ..' ત્વરિતની સવાલિયા નજર પારખીને તરત ઉમેર્યું હતું, 'અને આમ પણ તું તો ચલાવવાની અને બતાડવાની ગન અલગ રાખે છે ને!!'

છપ્પને મારેલો એ ટોન્ટ યાદ કરીને અત્યારે આ તંગ, અકળામણભરી હાલતમાં ય તેના ચહેરા પર સ્મિત આવી ગયું.

'કા હસ રિયા હૈ રે?' બાજુમાં બેઠેલી મસક્કલીએ આંખનો ઉલાળો કરીને હસ્કી અવાજે પૂછતાં તેના બાવડાં પર માદક ઢંગથી આંગળી ફેરવી દીધી.

લગાતાર આઠ કલાકના ડ્રાઈવિંગમાં ત્વરિત બાજુમાં બેઠેલી 'તેની ઓરત' સામે જોવાનું ટાળતો રહ્યો હતો. ખભા પરથી સતત સરી જતી તેની કેસરી ચૂંદડી, લીલા રંગના અતલસના કમખામાંથી ધસી આવતા તેના ગોરા સ્તનો, ગોરી સુંવાળી પીઠ પર કસની ભીંસને લીધે ઉપસી આવતા લોભામણાં ઢોરા અને ઘડીએ ઘડીએ હાથના બલોયા ખખડાવીને ધ્યાન ખેંચવા મથતી તેની ગજબની કામણગારી આંખો...

ત્વરિત તેની જિંદગીમાં કદી જ સાધુ-મહાત્મા ન હતો. બીજી કોઈ સમય હોત તો...

પણ આજે એ સતત રિઅર વ્યૂ મિરરમાં તાકી રહ્યો હતો અને જરાક વસ્તી જેવું આવે ત્યાં ગાડી ધીમી પાડીને બ્હાવરી આંખે એકેએક ચહેરાને, ચીજને, હલનચલનને નિરખતો જતો હતો.

'કભી હસ રિયા હૈ, કભી દેખ રિયા હૈ.. અરે કુછ તો બતા...' પેલીએ ઘાઘરો ઢીંચણ સુધી ચડાવીને માંસલ, ગોરી, ચસચસતી પીંડી સીટ પર ચડાવીને પૂછ્યું ત્યારે તેની અદાથી ત્વરિતને ય ઘડીક લ્હાય લાગી ગઈ.

દુબળી સતત તેમને ફોલો કરે છે એ સંભાવનાની ફડક તેના મનમાં ન હોત તો કદાચ...

સ્ટિઅરિંગ ફરતી તેની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને તેનો પગ એક્સલરેટર સાથે દબાયો. હજુ કાલે બપોરે તેઓ ડેરા સુલ્તાનખાઁ પહોંચવાના હતા અને રસ્તામાં તેમણે ક્યાંક નાઈટ હોલ્ટ કરવો પડે તેમ હતો. એક તરફ મનમાંથી દુબળી ખસતો ન હતો અને બીજી તરફ આ છોકરી… ફાટાફાટ થતા ઉશ્કેરાટ હેઠળ અકારણ જ તેણે જોરથી હોર્ન દબાવી દીધું.

***

કહેવાય છે કે જમીનને જુબાન નથી હોતી એટલે એ પોતાની છાતી માથેથી પસાર થયેલા કદમોની વાત કહી શકતી નથી, પણ સાવ એમ જમીનને બેજુબાન માનવાનું ય ભૂલ ભરેલું છે. ખરેખર તો જમીનના એક એક અણુ, ધૂળના એકેએક રજકણ સેંકડો વર્ષોની દાસ્તાન કહેતા હોય છે પણ એ સાંભળવા જેટલા સક્ષમ કાન આપણી પાસે નથી એટલે આપણે ગોથા ખાઈએ છીએ.

ઈન્સાનની માફક જમીનની ય કશીક તકદીર હોતી હશે. એ હિસાબે, ડેરા સુલ્તાનખાઁની તકદીરમાં કુદરતની ઉજ્જડ ઉદાસિનતા સાથે માનવીએ સર્જેલી અપાર અંધાધૂંધી, અરાજકતા અને લોહીયાળ ખુનામરકી સદીઓથી લખાયેલા હતા.

ડેરા એટલે ગામ, વસ્તી, વસાહત. પણ ડેરા સુલ્તાનખાઁને ગામ તો શું, ગામનો એક કસ્બો કે મહોલ્લો ય ન ગણી શકાય એટલી પાંખી વસ્તી. આમ તો આવી બંજર, વેરાન અને વારંવાર કુદરતનો કોપ સહેતી જગાએ આટલી વસ્તી ય શા માટે હોવી જોઈએ એવો સવાલ અહીં પગ મૂકતાંની સાથે જ થાય.

ચારેકોર પથરાયેલા રેતીના અફાટ-અડાબીડ અને બિહામણા ઢૂવા, ભાલાની નોક જેવી વાગકણી, ગરમ હવા સાથે ફેંકાતી રેતીની ડમરી, ચહેરા પર વાગતી ડમરીની છાલક સામે સતત અધમિંચાયેલી રહેતી આંખોની કાકલૂદી અને પાણીના એક-એક બુંદ માટે હિઝરાતો કંઠનો શોષ...

શહેરી આદમીને અહીં પગ મૂક્યાના એકાદ દિવસમાં જ રૃંવેરૃંવેથી પાછા ફરવાનો પોકાર કરાવી દેતો ડેરા સુલ્તાનખાઁ...

થર અને પારકર એવા સિંધના રણના બે હિસ્સાને જોડતો આ આખો વિસ્તાર આમ જુઓ તો કુદરતની અપાર લીલાનું અજાયબ પ્રતીક હતો. અલમસ્ત પહાડ જેવા રણના ઢૂવાઓ વચ્ચે ક્યાંક ક્યાંક છીણી-હથોડી લઈને માપસરના ચોસલા કાપ્યા હોય તેમ ઢૂવાઓ ઢાળ ઉતરતા સમથળ બનતા જાય.

રેગિસ્તાનમાં ઉછરેલો આદમી તેને 'ખુબરા' તરીકે ઓળખે. મૂળ તો એ મકરાણી ભાષાનો શબ્દ પણ વાયવ્ય હિન્દુસ્તાનથી છેક અરબસ્તાન સુધી પથરાયેલી આ બંજર ધરતીમાં સર્વત્ર તેનો એક જ અર્થ થાય.. હાશકારો!

ખુબરા એટલે લીલાશનું ઝાંખુપાંખું સરનામું. રેગિસ્તાનની વેરાની એકધારી જેની આંખમાં ભોંકાઈ હોય એ જ લીલાશનું મહત્વ પામી શકે. કુદરત જ્યારે વિકરાળ બને ત્યારે એ પોતે જ ક્યાંક સધિયારાનો હુંફાળો હાથ લંબાવીને બેઠી હોય છે. રણમાં વખતોવખત ફૂંકાતી તોફાની આંધી સામે ખુબરા નૈસર્ગિક રક્ષણ આપે. રણમાં પવનની દિશા સતત બદલાતી રહે એટલે ઢૂવાઓના કદ, આકાર અને સ્થાન પણ બદલાતા જાય. એક ઢૂવાની દર્રા બીજા ઢૂવાનો આરંભ બનતી હોય એવા રેતીના અફાટ દરિયા વચ્ચે આવા ખુબરા એક નાનકડાં મેદાનની ગરજ સારે.

રણમાં ફૂંકાતા પવનની બીજી વિશેષતા એ કે અહીં પવન દિવસભર સતત દિશા બદલતો રહે, પરંતુ ગમે તે દિશામાં એકમાર્ગી થઈને ફૂંકાતો પવન ખુબરા આવે ત્યાં ચકરાવે ચડીને ગોળ ગોળ ઘૂમરાવા લાગે. આમ તો તેનું વૈજ્ઞાાનિક કારણ બહુ સીધું. ઢૂવાની ઊંચાઈ પરથી વહેતો પવન સપાટ ખુબરાની ઊંડાઈમાં પ્રવેશે એટલે તેની ઝડપમાં અવરોધ આવે. ખુબરાના તળિયે પહોંચેલો પવન ફરી ઊંચકાય ત્યાં પાછળથી આવતી એવી જ બીજી વેગીલી લહેરખી તેને ધક્કો મારે. એ રીતે પવન ચકરાવે ચડે અને એ ચકરાવો બીજા ઢૂવા પર સવાર થાય ત્યારે વળી પાછો મૂળ દિશા પકડે.

એ રીતે મોટાભાગે રણના ઝંઝાવાત સામે બચી જતા આવા ખુબરામાં તેના કદ પ્રમાણે ચોમાસા પૂરતો પાણીનો સંગ્રહ પણ થાય. જમીન હોય તો જળ ઉતરે, જળ ઉતરે તો ઝાંખીપાંખી ય હરિયાળી પાંગરે અને એ હરિયાળી વચ્ચે જીવન ઉછરે. એ રીતે વિપરિત જગાએ શ્વસતા જીવનને ટકી રહેવા જળ જોઈએ અને ફરીથી જળને જમીન.

કુદરતના આ ચક્રનું સુપેરે પાલન થતું રહે તો હજારો વર્ષ સુધી તમામ આફતો વચ્ચે ય ખુબરા સલામત રહે નહિ તો આઠ-દસ વર્ષમાં જ રેતીના ઢેર તળે ગર્ત થતા જાય.

ખુબરામાં મોટાભાગે બાવળ, ખજુરી, ખીજડો કે બોરડી જેવી લીલોતરી ય ઊગે. ખપ પૂરતી ભીનાશમાં ઝબોળાયેલી લીલાશની એ છાયા તળે વસાહતો પાંગરે, રણમાંથી પસાર થતા કારવાઁને વિસામો ય મળે અને ક્યારેક ખુબરા વિશાળ કદના હોય તો આફત સામે અડીખમ રહેવા ટેવાયેલી જાતિઓના ડેરા ય સ્થપાય.

ડેરા સુલ્તાનખાઁ એવી જ એક જગા હતી.

આજે ભાગ્યે જ કોઈને અંદાજ આવે, પણ પંદરસો વર્ષથી ભયાનક ઉથલપાથલ સહેતા રહેલા આ ઈલાકાનો ય એક જમાનો હતો.

કાળના ખપ્પરની માફક માઈલો સુધી મોં ફાડીને ઊભેલા સિંધના રણને પાર કરવું સર્વથા અશક્ય મનાતું હતું ત્યારે ઈસ્વીસનની પાંચમી સદીમાં ખૈબરની ઘાટીઓમાંથી જંગલી સુવ્વર જેવી કારમી ચિચિયારીઓ નાંખતાં લડાકુઓના લોહી તરસ્યા ધાડાં પ્રવેશ્યાં.

હુણ જાતિના એ બર્બરોએ વાયવ્યના મેદાની વિસ્તારમાં તબાહી મચાવી રણની વાટ પકડી અને આ રસ્તેથી પસાર થઈને હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો.

અભેદ ગણાતા આ બંજર, શાપિત રેગિસ્તાનની સહસ્ત્રો વર્ષોથી જળવાતી રહેલી આમાન્યા હુણોએ તોડયા પછી ઉત્તર-પશ્ચિમ સરહદ પર આ આખો ઈલાકો હિન્દુસ્તાનનું પ્રવેશદ્વાર ગણાવા લાગ્યો અને ચારસો વર્ષ સુધી અહીં લોહીયાળ, હિંસક અને અરાજક ઉથલપાથલ જારી રહી.

છેવટે આઠમી સદીના આરંભે અરબસ્તાનની તકિફ જાતિનો એક લડાયક યોદ્ધો ૨૦,૦૦૦ ઊંટસવારોના સૈન્ય સાથે ચડી આવ્યો અને સમગ્ર સિંધ સહિત હિન્દુસ્તાનના આ પગથિયા સુધીના વિસ્તારને તેણે તાબામાં લીધો. તેનું નામ મુહમ્મદ બિન કાસિમ.

માથા પર વિંઝાતી તકિફોની લોહીભીની તલવારો બે જ વિકલ્પ આપતી હતી, ઈસ્લામ કબૂલ કરો અથવા જીવ ગુમાવો. જવાબમાં હજારો ધર્મપરિવર્તનો થતા રહ્યા, જનોઈ ઉતરતી રહી, કલમાઓ પઢાતા રહ્યા, હજારો માથાંઓ ધડથી નોંખા થતા રહ્યા અને રેગિસ્તાન શોણિતભીના આંસુડે રહ રહ રોતું રહ્યું.

બેરહેમ તબાહી મચાવીને અરબસ્તાન પરત ગયેલા કાસિમે હબ્બાર અને બલોચ જાતિના તેના સરદારો વચ્ચે રેગિસ્તાનનો આ બંજર ઈલાકો વહેંચી દીધો. સંપીને ખાવા ન ટેવાયેલા આ સરદારો પછી આપસમાં અનેક યુદ્ધો લડયા, ભયાનક ખુવારી વ્હોરી, હજારો માથા વાઢ્યા અને સેંકડો વર્ષો સુધી અહીં અંધાધૂંધી અને અરાજકતા ફેલાયેલી રહી.

રેગિસ્તાનમાં લોહી તરસી તલવારો વિંઝાતી હતી ત્યારે દૂરના મેદાની વિસ્તારોમાં તાર્તાર અને ઘૂર અને ખોરસાની અને મામલુકોની સલ્તનતો સ્થપાતી રહી, વિકસતી રહી, ઉખડતી રહી.

પંદરમી સદીમાં મુલતાનના સલાહુદ્દિન તાર્તારની બાદશાહત સામે કેટલીક જંગલી આદિજાતિઓનો પડકાર ઊભો થયો ત્યારે રેગિસ્તાનના હબ્બાર અને બલોચ જેવા લડાકુઓની તેણે મદદ લીધી. એ વખતે હબ્બારનો સરદાર હતો સુલતાનખાઁ અને બલોચનો નેતા હતો ગાઝીખાઁ. સગપણે બંને સાળો-બનેવી થતા હતા.

સલાહુદ્દિનને મદદ કરવાના બદલામાં સિંધના છેક પશ્ચિમ છેડાથી અહીં બિકાનેરની જમીન સુધીનો રેગિસ્તાની પ્રદેશ સુલતાનખાઁને મળ્યો. તેણે અહીં રણમાં વેરવિખેર પથરાયેલા ખુબરાઓમાં ડેરા સ્થાપ્યો અને એ ડેરો તેના નામે ઓળખાયો...

ડેરા સુલ્તાનખાઁ.

(ક્રમશઃ)