64 સમરહિલ - 19 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 19

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 19

સદીઓથી લોહી પી-પીને રક્તવર્ણી થઈ ગયેલી રેગિસ્તાનની કરાલ ધરતીની કુંડળીમાં એ વખતે પહેલી વાર અમન અને તરક્કીના ગ્રહો પગ વાળીને ઘડીક બેઠાં હતા. આખા ય હિન્દમાંથી અરબસ્તાન, તહેરાન અને છેક ઈસ્તંબુલ સુધી વ્યવહાર ધરાવતા વેપારી કારવાઁ અહીંથી પસાર થતા. સિંધના ઉજ્જડ રણમાં પ્રવેશતા પૂર્વેની આ છેલ્લી વસાહત હતી. અહીંથી હબ્બાર જવાનિયા માલસામાનથી લાદેલા વેપારી કારવાઁને સહીસલામત રણ પાર કરાવવા છેક મકરાણ સુધીની સફર મારતા.

હાડેતી કાઠી, સીધા સોટા જેવા શરીર, અણિયાળા નાક, રાની પશુ જેવી હિંસક આંખો અને એથી ય ચાર ચાસણી ચડે તેવો ખુંખાર મિજાજ એ હબ્બાર લોકોની તાસિર હતી.

કારવાઁઓની જકાતથી સમૃદ્ધ થયેલા હબ્બારોએ જોકે રેગિસ્તાન વળોટીને હિન્દુસ્તાનના મેદાની વિસ્તારો તરફ પેશકદમી કરવાનું ટાળ્યું હતું. એ દરમિયાન ડેરાથી ઉત્તર-પૂર્વે (ઈશાન ખૂણે) બિકાનેર અને દક્ષિણ-પશ્ચિમે (નૈઋત્ય ખૂણે) જેસલમેરના રાજપૂતો બળુકા થઈ ચૂક્યા હતા.

અઢારમી સદીમાં અહીં બલોચી ઔલાદના ઊંટનું બ્રિડિંગ શરૃ થયું. બિકાનેરના રાવની એકધારી સમજાવટ પછી ડેરાના માતેલા હબ્બારો ઊંટ કેળવવાના ધંધામાં પડયા અને હજુ ગઈકાલ સુધી અહીં પગ મૂકવાની કલ્પના માત્રથી થથરાટી છૂટતી હતી એ ઈલાકો ઊંટના વેપારના કેન્દ્ર તરીકે અડધી દુનિયામાં જાણીતો બન્યો.

એ વખતે રાજપૂતાનામાં જયસલાણ રાઠોડ સાખના રાજપૂતો ય ઊંટ કેળવવામાં માહેર ગણાતા. કામની જરૃરિયાતને લીધે સતત વગડામાં રખડપટ્ટી કરવાને લીધે તે ચરવાહા રાજપૂત તરીકે ય ઓળખાતા. દીર્ઘદૃષ્ટિ ધરાવતા બિકાનેરના રાવે માથાફરેલા હબ્બારોનું વર્ચસ્વ સંતુલિત કરવા ચરવાહા રાજપૂતોને ય અહીં વસાવ્યા.

ચરવાહાઓના અહીંના વસવાટ માટે ઊંટના વેપાર ઉપરાંત બીજું ય એક કારણ જવાબદાર હતું. ડેરાથી ઉત્તરે બિકાનેરની દિશામાં દોઢ કિલોમીટર દૂર એક સાંકડા ખુબરામાં કેશાવલી માતાનું દોઢ હજાર વર્ષ જૂનું મનાતું મંદિર હતું. ચરવાહા રાજપૂતોની એ કૂળદેવી. મંદિરની દેખભાળ થઈ શકે, યાત્રાળુઓની ખિદમત પણ થાય, હબ્બારોની તાકાત વધતી રોકી શકાય અને ઊંટના વેપારમાં બરકત પણ થાય એવા હેતુથી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દેશનોક ગામ આસપાસના ચરવાહાઓ અહીં મોટી સંખ્યામાં વસવાટ કરતા થયા હતા.

ડેરા સુલ્તાનખાઁના હબ્બારો અને ચરવાહાઓના હાથે કેળવાયેલી બિકાનેરના રાવ ગંગાસિંઘની કેમલ રેજિમેન્ટ ગંગારિસાલા તરીકે ઓળખાતી હતી અને આ ગંગારિસાલાએ અંગ્રેજો વતી છેક ચીન અને સોમાલિયામાં ય યુદ્ધમોરચે ભાગ લીધો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધમાં ઈજિપ્તના મોરચે ગંગારિસાલાએ એવો કહેર મચાવ્યો કે ખુશ થયેલી બ્રિટિશ રાણીએ વિખ્યાત વર્સેલ્સની સંધિ કરવા માટે પોતાના પ્રતિનિધિ તરીકે ગંગાસિંઘને મોકલ્યા અને તેમણે સંધિપત્ર પર સહી કરી હતી, 'રાવ ગંગાસિંઘ ઓફ બિકાનેર, કમાન્ડર ઈન ચીફ, ગંગારિસાલા કેમલ રેજિમેન્ટ ઓફ ડેરા સુલ્તાનખાઁ'!!

સદીઓથી લોહીના રગેડામાં બંબોળ થતા રહેલાં ડેરા સુલ્તાનખાઁને મળેલી એ વૈશ્વિક ઓળખ આજે ય બ્રિટિશ તાજના દસ્તાવેજમાં જીવંત છે.

પણ એ પછી ફરી ડેરાની તકદીરે પલ્ટી મારી.

વીસમી સદીનો આરંભ થયો અને સમગ્ર હિન્દનું વાતાવરણ પલટાવા લાગ્યું. ડેરા સુલ્તાનખાઁનો ઈલાકો ય તેનાં ચેપથી મુક્ત ન હતો. આઝાદીના આશક રાજપૂતોએ બ્રિટિશ રાજ સામે પડકાર ઊભો કર્યો અને હબ્બારોને અંગ્રેજોનું સમર્થન કરવામાં સલામતી લાગી. હબ્બાર અને રાજપૂતો વચ્ચેની એ અંટસ સતત પહોળી થતી ગઈ અને દેશના વિભાજન વખતે હબ્બારોએ પાકિસ્તાન તરફી વલણ લીધું ત્યારથી આ વિસ્તારની માઠી દશા ફરી શરૃ થઈ.

૧૯૬૫ અને '૭૧ એ બંને યુદ્ધમાં પાકિસ્તાને હબ્બારોને આગળ કરીને ડેરા પર કબજો મેળવ્યો હતો. એ પછી સફાળી જાગેલી ભારત સરકારે કાયમી ધોરણે અહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સનું થાણું નાંખી દીધું હતું.

હવે ચરવાહાઓ ઈલાકો છોડીને બિકાનેર, જેસલમેર ભણી જતા રહ્યા હતા અને કૂળદેવીના દર્શને આવવા કે માનતા માનવા પૂરતી જ અહીં આવ-જા કરતા હતા. હબ્બારોના સાંઠ-સિત્તેર પરિવારો હજુ ય અહીં વસતાં હતાં. ઊંટનો વેપાર હજુ ય ધિકતો હતો પણ સમાંતરે બીજો ય ધંધો નવી પેઢીના હબ્બારોએ ખિલવી જાણ્યો હતો.

ઉત્તર-પશ્ચિમ ભારતની આ સરહદ એવી પેચીદી હતી કે અહીં ક્યાંય પણ ઊભેલી વ્યક્તિ ખાતરીપૂર્વક ન કહી શકે કે એ ભારતમાં છે કે પાકિસ્તાનમાં? શરૃઆતમાં પાકિસ્તાની લશ્કરે અને હાલ અલ-કાયદાના આકાઓએ તેનો ભરચક ફાયદો ઊઠાવ્યો હતો.

રણમાં કાયમી વાડ બાંધીને સરહદ આંકવાનું મુશ્કેલ હતું અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ માટે સાડા ત્રણસો કિલોમીટરના પટ્ટામાં જડબેસલાક પહેરો ભરવો આસાન ન હતો એવા માહોલમાં છેલ્લાં એક દાયકાથી અહીં ઘાતક હથિયારો અને અફીણની બેશુમાર હેરાફેરી ઉપરાંત આતંકીઓની ઘુસણખોરી પણ બેરોકટોક ચાલતી હતી.

ડેરા સુલ્તાનખાઁ ઈલાકાના તમામ વિરોધાભાસ વચ્ચે ય સૌથી વધુ કંઈ સ્પર્શી જાય તો એ તેની સાંજ. એમાં પણ જો ચોમાસાની ઋતુ હોય અને ભાગ્યે જ વરસતો વરસાદ વાદળોમાં ઘૂમરાઈ રહ્યો હોય ત્યારે આખો ડેરો હિંગળોક રંગે રંગાઈ જાય. રણની ગરમ હવામાં મોસમની ભીનાશ વર્તાય અને બે છાંટા ડિલ પર પડે એ સાથે રેગિસ્તાનનો તપ્ત, અભિશપ્ત આત્મા ખુશનુમા વાઘા પહેરી લે.

નિસર્ગની લાખેણી ભેટ જેવા બે-ચાર ફોરાં પડવાના શરૃ થયા હોય, રેતીના ઢૂવા વચ્ચેની દર્રામાં આળોટતા હરખઘેલાં ઊંટ આરડતા હોય, ખજૂરીના પાનની છાજલી મઢેલા ગાર-માટીના ભૂંગાની દિવાલ પર ગળીથી ચિતરેલા મોર-પોપટ સજીવન થઈને ટહુકા કરી રહ્યા હોય, ચાર-પાંચ ભૂંગાના ચોકમાં રંગબેરંગી ઓઢણી લહેરાવતી ષોડશી કન્યાઓ ગરદન ઊંચી કરીને ધગધગતા, તરડાયેલા ચહેરા પર વરસાદનો શીતળ ફોરો ઝીલી રહી હોય અને ટોચના ઢૂવા પર બેસીને ભીંજાતો, લહેરિયો સાફો પહેરેલો હબ્બારી જવાન રાવણહથ્થાના રાઠોડી સૂર વહેતા મૂકે.. મ્હાડ રાગમાં ધૂન છેડાય અને બે ફોરાંના વરસાદમાં સાંબેલાધાર સૂર રણને ઘેરી વળે,

તું રે દેસી રૃખડો..

મ્હેં પરદેસી લોગ

મ્હને અકબર તેરિયા...

તું કટ આયો ફોગ

ડેરાવા... વાહ.. ડેરાવા...

***

મળસ્કે ત્વરિત અને બેય ઓરતનો કાફલો નીકળ્યો પછી છપ્પને પોતાની તૈયારી આદરી હતી. સામાનનું લિસ્ટ લખવાની તેને આદત ન હતી પરંતુ કઈ ઘડીએ કઈ ચીજની પહેલી જરૃર પડશે એ મુજબ અગાઉથી જ વિચારીને તેણે ગોઠવણ કરી રાખી હતી.

અવાવરૃ વિસ્તારના જર્જરિત મંદિરોમાંથી તે આ પહેલાં ય મૂર્તિઓ ઊઠાવી ચૂક્યો હતો. અનુભવે તેને ખબર હતી કે આવી મૂર્તિઓ થાળામાંથી કાપવાનું ખાસ મુશ્કેલ ન હતું પરંતુ ઓછી આવ-જા વાળી જગ્યાએ જવું, રોકાવું અને મૂર્તિ ઊઠાવીને સફળતાપૂર્વક નાસી છૂટવું એ જ તેને સૌથી મોટું ભયસ્થાન લાગતું.

તેનો બાપ ગૂંગાસિંઘ હંમેશા કહેતો, 'તરિકા અઈસે બદલો જઈસે બિસ્તર મેં લૌંડિયા બદલતે હો...'

ગૂંગાસિંઘ અભણ હતો એટલે મોડસ ઓપરેન્ડી શબ્દ તેને આવડતો ન હતો પણ એ જે કહેવા માંગતો હતો એ છપ્પનને હવે બરાબર ગળે ઉતરી ગયું હતું.

દરેક ગુનેગાર પોતાના ગુનાને અંજામ આપવા માટે ચોક્કસ પ્રકારની કાર્યપદ્ધતિ અપનાવતો હોય. ચબરાક પોલિસ અધિકારી જો ગુનેગારની મોડસ ઓપરેન્ડીનો સ્ટડી કરીને પગેરું દબાવે તો ગુનેગારના પકડાઈ જવાના ચાન્સ વધી જાય.

છપ્પન તરિકા બદલવામાં બરાબર શાણપણ દાખવતો. સ્થળનો સઘન અભ્યાસ કરીને તે પોતાનો રોલ નક્કી કરતો. ડિંડોરીમાં તે જમીનની માપણી કરવા આવેલો સરકારી અધિકારી બન્યો હતો, એ પહેલાં ક્યાંક તેણે યાત્રાળુઓનો સંઘ લઈને નીકળેલા શ્રેષ્ઠીનો દેખાડો કર્યો હતો. આજે જ્યાં જવાનું હતું તેના માટે તેણે ઊંટના વેપારીનો સ્વાંગ લેવાનો હતો અને તાજુબી એ હતી કે તેણે બાપ જન્મારે કદી ઊંટસવારી કરી ન હતી.

- પણ અણધારી સ્થિતિ સાથે તાત્કાલિક અનુકૂલન સાધી લેવાની ઝડપ જ તેને બીજા કરતાં કાબેલ સાબિત કરતી હતી.

તરિકામાં અપાર વૈવિધ્ય લાવી જાણતો રંગીલો છપ્પન લૌંડિયા બદલવામાં તેના બાપને ય ઈર્ષ્યા થાય એવી 'વરાયટિ' ધરાવતો હતો. ગામેગામ તેને ડેરા તણાયેલા રહેતા. કોઈક બજારૃ ઓરત હોય તો કોઈક વળી કોઈકની પરણેતર પણ હોય. પટનાસાહિબમાં એક કોલેજિયન છોકરી ય તેણે પટાવી રાખી હતી અને છેક રાજસ્થાનમાં ય પાળેલા પંખીને તે વખતોવખત દાણા નાંખી આવતો. એકેય છોકરી કદી તેનું સાચું નામ સુદ્ધાં જાણતી નહિ અને કામ તો હરગિઝ ન જાણતી.

કોઈક માટે એ લાંચ લઈ-લઈને તગડો થયેલો સરકારી અધિકારી હતો તો કોઈક છોકરી તેને આશિકમિજાજ નબીરા વેપારી તરીકે ઓળખતી હતી.

છોકરીઓની આટલી મોટી સંખ્યા ફક્ત બિસ્તરમાં વૈવિધ્ય માટે જ ન હતી. તે છોકરીઓનો કવર તરીકે ય આબાદ ઉપયોગ કરતો. ચોરી કરીને સલામત આશરો લેવા માટે કે ચોરી કરવા જતી વખતે 'સજ્જન પરિવાર'નો દેખાડો કરવા માટે ય છોકરીઓનો તેને ખપ રહેતો.

દુબળીની ચીઠ્ઠીમાં હવે પછીનું ટાર્ગેટ ડેરા સુલ્તાનખાઁ હોવાનું જાણીને તેણે રાતભર દિમાગ કસ્યું હતું અને બીજા દિવસની સવાર પડી ત્યાં સુધીમાં પ્લાન ઘડી નાંખ્યો હતો.

ચોખ્ખા ધંધામાં બરાબર ગોઠવાઈ ગયેલો કેકવો પોતાના પર આફત આવે એટલી હદે ક્યાંય ફસાવાનું પસંદ કરતો ન હતો એ છપ્પન બરાબર જાણતો હતો. કોઈ છોકરી પેકેટ આપી ગઈ એ જાણ્યા પછી ઘાંઘા થયેલા ત્વરિતે ઉધામો મચાવ્યો એ જોઈને ખંધો કેકવો વહેમાયો જ હોય તેની છપ્પનને ખાતરી હતી.

સવારે તેણે કેકવાને બરાબર પલોટી નાંખ્યો. ત્વરિત પટણાનો એક નબીરો છે અને તેને મેવાડમાં આરસની ખાણ સસ્તામાં અપાવવાનું કહીને તે શીશામાં ઉતારી રહ્યો છે. રાયપુરમાં રહેતાં તેના સસરાને ખબર ન પડે એ રીતે ત્વરિત અહીં પૈસાની જોગવાઈ કરવા આવ્યો છે એમાં જરાક ગરબડ થઈ ગઈ છે એવી ગોળગોળ વાર્તા કહીને તેણે વહેમાયેલા કેકવાને ઘૂમાવી દીધો હતો. જ્યાં કેકવાએ અણિયાળા સવાલ કર્યા ત્યાં 'મૈં કહું ઉતના હી કર... મૈં નહિ ચાહતા કે તૂ કહીં ફસ જાય' એમ ફસાવાનો ડર બતાવીને તેણે કેકવાને બખૂબી મૂંગો કરી દીધો હતો.

દિવસભર તેણે રાજસ્થાનના પોતાના છેડા અડાડીને ડેરા સુલ્તાનખાઁ તેમજ કેશાવલી માતાના મંદિર વિશે માહિતી મેળવી હતી. એ પછી રાજનંદગાંવ પહોંચીને તેણે શોપિંગ લિસ્ટ તૈયાર કર્યું હતું. ત્વરિતને સાથે રાખ્યા વગર મૂર્તિ ઓળખવી મુશ્કેલ હતી પરંતુ ચોરી કરતી વખતે કોઈને સાથે રાખવાની તેને ટેવ પણ ન હતી એટલે તેણે આબાદ પ્લાન વિચારી લીધો હતો અને ફાતિમાને સાધી હતી.

બાળપણમાં જ બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવેલી ફાતિમા કુમળી વયથી જ દેહવ્યાપારમાં ધકેલાઈને હવે માંડ વીસીએ પહોંચી હતી તોય બરાબર રીઢી થઈ ગઈ હતી. ગ્રાહકોને વૈવિધ્ય મળે અને ધંધો ય જળવાઈ રહે એ માટે આઠ-દસ છોકરીઓ સાથે સતત સ્થળાંતર કરતી રહેતી ફાતિમાનો હાલનો મુકામ રાયપુરમાં છે એ છપ્પન જાણતો હતો.

ત્વરિતની ઓરત તરીકે રણની સહેલગાહે જવાનું છે એમ કહીને તેણે ફાતિમાને ધાબા પર ઉતારીને રાજનંદગાંવનો બીજો આંટો માર્યો હતો. ફાતિમા સાથેની બીજી બે ઓરતને લઈને રાજનંદગાંવ જઈને તેણે લિસ્ટ મુજબનું શોપિંગ કરાવ્યું હતું અને પોતે કેકવાની મદદથી વિલિઝ જીપ ઊઠાવવામાં પરોવાયો હતો.

લાલ રંગનો, લીલી-ભૂરી ટીપકીવાળો ચાંદલિયો ફેંટો, ખમીસ અને ધોતીને ફર્શની ધૂળમાં ઘસીને તેણે 'જૂનાં' બનાવી દીધા અને એક થેલામાં મૂક્યા. દરેક ચીજ તેના અગ્રતાક્રમ મુજબ સામાનમાં ગોઠવીને તેણે આંખે સુરમો આંજ્યો. ચહેરા, ગરદન અને છેક છાતી સુધી ત્રણેક વખત મેંશ ચોપડીને ફક્ત પાણીથી ઘસીને ધોયા પછી હવે તેની સ્કિન નૈસર્ગિક કાળાશ પકડી ચૂકી હતી.

આડેધડ વધેલાં કાબરચિતરા દાઢી-મૂછ, મેંશની કાળાશથી સદંતર બદલાઈ ગયેલો તેના ચહેરાનો વર્ણ, આંખોને વધુ પાણિયાળી બનાવતો સુરમો અને માથા પર સફાઈપૂર્વક વીંટેલો ચાંદલિયો ફેંટો... અરિસામાં પોતાનો હુલિયો ત્રણ-ચાર વખત જોઈને તેને સંતોષ થયો હતો.

ફાતીમા અને ચંદાને તેણે ત્વરિત સાથે મોકલ્યા હતા અને મરિયમને પોતાની સાથે રાખી હતી. મરિયમ એ તેનો 'પ્લાન બી' હતો.

ઊંટના વેપારી તરીકે બીએસએફના જવાનો તેને છેક ડેરા સુલ્તાનખાઁ સુધી ન પણ જવા દે એમ ધારીને તેણે ત્રીજી ઓરતને પોતાની સાથે રાખી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સની બિકાનેર કોર્પ્સની ઓફિસ લાલગઢ ચોકમાં હતી. ત્યાંથી તેણે વેપારી તરીકે સરહદી વિસ્તારમાં જવાની પરમિશન લેવાની હતી. એવી પરમિટ લીધા વગર સરહદી વિસ્તારમાં જવાનું શક્ય ન હતું.

અલબત્ત, યોગ્ય જગ્યા પારખીને રૃપિયા ખર્ચતા આવડે તો હિન્દુસ્તાનમાં તાજમહેલ પણ મળી શકતો હોય તો પરમિશન કઈ ચીજ છે એ છપ્પન જાણતો હતો.

હજુ હમણાં સુધી કેશાવલી માતાના મંદિરે જતા યાત્રાળુઓ માટે ય આવી પરમિશન ફરજિયાત હતી પરંતુ ચૂંટણીમાં કેટલાંક પક્ષોએ દર્શનાર્થીઓની કનડગતના નામે આ મુદ્દો બરાબર ચગાવ્યા પછી યાત્રાળુઓ હવે છેક કેશાવલી સુધી વગર પરમિશને જઈ શકતાં હતાં. તેમણે ફક્ત ચેકપોસ્ટ પર પોતાના ઓળખપત્ર આપવાના થતા હતા.

ત્વરિતને તેણે ઈલેક્શન કાર્ડ આપ્યું હતું, જેમાં તેનું નામ દેવુસિંઘ જયસલાણ, ઠે. કુંઢા, જિ. ભરતપુર હતું. છપ્પનનું નામ હવે મેવાતીલાલ ચંદરિયા હતું, ગામ તરાદિયા, જિ. બિકાનેર.

(ક્રમશઃ)