દરેક મિત્રને એક સવાલ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. બાળકને આજકાલ 3 વર્ષની ઉંમરથી જ શાળાએ મોકલીએ છીએ અને અઢળક રૂપિયાઓ ખર્ચીએ છીએ. સારૂ શિક્ષણ એટલે શું? આ સવાલ આજે મેં મારી જાતને પૂછ્યો. મારા આ સવાલ સામે મનમાં જાણે ઘમાસાન ઉભું થઇ ગયું તો થયું કે આ ઘમાસાનને શબ્દોમાં રજૂ કરું જેથી મારા જેવા વિચારો કોઈ ધરાવતું હોય તો એ પણ પોતાના અભિપ્રાય આપી આ ડિબેટને સંતોષ આપી શકે.
જેવો આ સવાલ મેં મારી જાતને કર્યો તો પહેલા ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડીયમ યાદ આવી ગઈ. આજકાલના પેરેન્ટ્સમાં એક ક્રેઝ જન્મ્યો છે કે મારુ બાળક એક ટોપ લેવલની શાળામાં ભણે જેનું આંતરરાષ્ટ્રીય કક્ષાએ કંઈક લેવલ હોય. પછી ભલે એ સ્કુલમાં બાળકને સારૂ શિક્ષણ મળે કે ન મળે. શું મિત્રો આ વાત વ્યાજ બી છે? બાળક કઈ શાળામાં ભણે છે એ મહત્વનું નથી. બાળક કેવી કેળવણી પ્રાપ્ત કરે છે એ મહત્વનું છે. તમારું બાળક ઈન્ટરનેશનલ સ્કુલમાં ભણીને પણ કોઈ સારી નોકરી ન મેળવી શકે કે પછી ખુદનો કોઈ બિઝનેસ ન કરી શકે તો એ કેળવણી શું કામની? લાખો રૂપિયા ખર્ચી તમે પેટે પાટા બાંધી બાળકને એવી સ્કૂલમાં મોકલી દો, ત્યારબાદ એના એક્સ્ટ્રા ખર્ચ પણ એટલા હોય કે મા-બાપને ઘણીવાર ન પરવડે. બાજુવાળાનો છોકરો જાય તો આપણો પણ જવો જ જોઈએ શું એ વસ્તુ સારા શિક્ષણ સાથે રિલેટ કરે? મને તો નથી લાગતું.
દસમાં અને બારમા ધોરણની પરીક્ષાઓ નજીક જ છે. એ યાદ આવતા મને મારી શાળા યાદ આવી. હું સરકારી હાઇસ્કુલમાં ભણેલો. ગામડે રહેલી મારી શાળામાં પૂરતા શિક્ષકો પણ નહોતા. તેમ છતાં અમે હર્ષોઉલ્લાસ સાથે દસમા ધોરણનો અભ્યાસ કરેલો અને સારી ટકાવારી સાથે પાસ થયેલા. ના ટ્યુશન ના કોઈ ઈન્ટરનેશનલ સ્કુલ અને આજે મારા એ વર્ગમિત્રો માંથી ઘણા ધંધાદારી અને ઘણા સારી નોકરીએ લાગી ગયા છે. મારી સાથે અમુક લોકોએ એન્જિનિયરીંગ કર્યું અને આજે સારા પગારદાર પણ છે. કેળવણી માટે સારી સ્કુલ નહીં સારા ગુરુઓ અને તમારી ધગશની જરૂર છે.
મારા દાદા ક્યારેક હું ગાંડપણ કરું તો કહેતા કે "તું ભણ્યો પણ ગણ્યો નઈ..". આજે એ વાત યાદ કરું તો થાય કે સાચું કહેતા હતા. ભણતર એ ત્રીજી આંખ છે. તમે શિક્ષણની સાથે શિસ્ત, આચરણ, વર્તન, બોલી, વ્યવહાર, આદરભાવ, સારું-ખરાબની ઓળખ બધું શીખો છો. ફક્ત ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ફારસી, પર્યાવરણ, ઉર્દુ, અરબી. આ જ તમારું શિક્ષણ નથી. તમારું શિક્ષણ તમારી રહેણીકેણી, તમારી બોલવાની છટા, તમારો બીજા પ્રત્યેનો વ્યવહાર દરેક વસ્તુઓ પરથી પરખાતો હોય છે.
ચોરી કરી સારા માર્ક્સ લાવનર વિદ્યાર્થીઓ પણ જો આગળ જતા સમજ આવી જાય તો સફળ બનતા હોય છે. પણ જો એ ચોરીની લત લાગે તો એ ગાડી લાંબુ ન ચાલે. જીવનમાં જે કઈ શીખો એ ઈમાનદારી સાથે શીખો અને ભૂલો થઇ હોય તો સમય રહેતા પ્રાયશ્ચિત કરી લો. જીવનમાં ક્યારેક જરૂર સફળ થશો. મહેનત કરીને કોઈ સફળતા મળી હશે તો એ કાયમી સાથે રહેશે.
મિત્રો તો મારુ બસ એ જ કહેવું છે કે બાળક પાછળ એટલા જ પૈસા ખર્ચો જેટલી એની ક્ષમતા છે. તમારું બાળક એક્ટિંગમાં સારું હોય તો એને કોઈ મીડિયા ઇન્સ્ટિટયૂટમાં લઇ જાઓ અને ત્યાં પૈસા ઇન્વેસ્ટ કરો અને સાથે શિક્ષણ આપો જેટલું એને માટે જરૂરી છે. તમારું બાળક ગણિત,વિજ્ઞાનમાં સારો રસ ધરાવે છે તો એને મેડિકલ,એન્જિનિયરીંગ લાઈન અપાવો અથવા કોઈ સ્પેસિફિક વિષયમાં પી.એચ.ડી. કરાવો. તમારું બાળક આંકડાશાસ્ત્રમાં સારું કરે છે તો એને સી.એ., અકાઉન્ટમાં આગળ વધારો, તમારૂ બાળક નાનપણથી મેનેજમેન્ટમાં સારું છે તો એને એન્ટરપ્રિનિયોર બનાવો અથવા એને એમ.બી.એ. કરવો. તો જ તમારા ખર્ચેલા પૈસા લેખે લાગશે.
પૈસા કોઈની દેખાદેખીમાં ન ખર્ચો. શિક્ષણની ગુણવત્તા અને તમારા બાળકની પ્રોગ્રેસ જોઈને ખર્ચો. કેમ કે મા-બાપથી વધુ બાળકને કોઈ ન ઓળખી શકે. તમારું બાળક શેમાં રુચિ ધરાવે છે એ ફક્ત તમે જ જાણી શકો. બાળકને ગમતું કરશો તો પૈસા પણ લેખે લાગશે અને બાળક લાખોની ભીડમાં અલગ તરી આવશે.
બાળકને ક્યારેય ટકવારી લાવવાનું દબાણ ન કરશો. કારણ કે આજે મને અનુભવાય છે કે માર્કશીટ ફક્ત એક ડ્રાઇવિંગ લાઇસન્સ છે. તમારી સાચી ઓળખ તમારી આવડત, તમારા વર્તન અને તમારી ગ્રાસપિંગ સ્કિલ્સ પર જ આધાર રાખે છે. જીવનમાં સફળ થવા માટે પ્રેક્ટિકલ બનવું જોઈએ. ગોખણ પટ્ટી કરવાથી કશું જ મળવાનું નથી.
તો મિત્રો મારા મત મુજબ સારૂ શિક્ષણ એટલે શું? એના વિષે થોડા અભિપ્રાયો રજૂ કર્યા અને ટૂંકમાં કહું તો સારૂ શિક્ષણ એટલે જીવનમાં તમે જે કેળવણી મેળવી એનાથી તમે દુનિયામાં કઈક એવું કરો જે લોકોના હિતમાં હોય. તમારું જ્ઞાન કોઈને કામ લાગે. તમારા જ્ઞાનથી બીજાનું જીવન થોડું સરળ બને અને એના બદલે તમને પૈસા મળે અને તમે પણ તમારું જીવન સારી રીતે જીવી શકો. સારા ખરાબની પરખ કરી શકો. પરિવાર, સમાજ,દેશ અને દુનિયાની મદદ કરી શકો. બસ આ જ સાચું જ્ઞાન અને આજ સારૂ શિક્ષણ.
અસ્તુ..
***
આપનો પ્રિય
ઈરફાન જુણેજા