વન્સ અપોન અ ટાઈમ - 16 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 16

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ 16

મુમ્બૈયા અંડરવર્લ્ડના ધુરંધરો સ્મગલિંગ, ડ્રગ ટ્રાફિકિંગ અને સુપારીથી ધરાયા નહોતા. એટલે ખંડણી ઉઘરાવવાની ‘નવી લાઈન’ એમણે શરૂ કરી હતી. મુંબઈમાં કોઈ બિઝનેસમેન કે બિલ્ડરે આ દાદાગીરી સામે ફરિયાદ નોંધાવાની હિંમત કરી નહોતી, પણ અમદાવાદના વેપારી જયલાલ ભાટિયા અને પરમાનંદ ભાટિયાએ હિંમત દાખવીને અંડરવર્લ્ડના કિંગ ગણાતા કરીમલાલાને લોકઅપની ગરમીનો અહેસાસ કરાવી દીધો હતો. કરીમલાલા દાયકાઓ સુધી મુંબઈ પોલીસના પંજાથી દૂર રહી શક્યો હતો, પણ જયલાલ ભાટિયા અને એના પુત્ર પરમાનંદ ભાટિયાની ફરિયાદ કરીમલાલાને ભારે પડી ગઈ હતી. તેમણે કરીમલાલા સામે અમદાવાદના અપહરણ અને ખંડણીની ઊઘરાણીની ફરિયાદ કરી હતી. અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કરીમલાલાની ધરપકડ કરીને એને લોકઅપ ભેગો કર્યો હતો.

જયલાલ ભાટિયા અને એના દીકરા પરમાનંદ ભાટિયાને મુંબઈના પ્રિયકાંત અને અજીતકુમાર સાથે કોઈ ધંધાકીય સબંધ હતો. એમાં ૩૫ લાખ રૂપિયાની રકમને મુદ્દે વાંધો પડતા પ્રિયકાંત અને અજીતકુમારે મુંબઈની કુખ્યાત ગોલ્ડન ગેંગની મદદ લીધી હતી. ગોલ્ડન ગેંગ એ વખતે પિસ્તોલનું નાળચું લમણા પર મૂકીને ખંડણી ઉઘરાવવા માટે પંકાઈ ગઈ હતી. પ્રિયકાંત અને અજીતકુમારે ગોલ્ડન ગેંગની મદદથી જયલાલ ભાટિયાના મુંબઈમાં રહેતા સગા નંદલાલ ભાટિયાનું અપહરણ કરીને જયલાલ ભાટિયાને અમદાવાદ કહેવડાવ્યું કે ‘વહેલામાં વહેલી તકે મુંબઈ આવી જાઓ નહીંતર...’

નંદલાલ ભાટિયાને જૂની ફિલ્મના કોઈ અડ્ડા જેવા ગોડાઉનમાં ગોંધી રખાયો હતો. જયલાલ અને પરમાનંદ ભાટિયા તાબડતોબ આવી પહોંચ્યા હતાં. ત્યારે તો એમણે ભાઈસા’બ બાપા કહીને સમાધાન કરી લીધું હતું પણ પછી એમણે કરીમલાલા પાસે જઈને મદદ માટે ધા નાખી હતી અને તેઓ ઊલમાંથી ચૂલમાં પડ્યા હતાં. કરીમલાલાએ જયલાલ અને પરમાનંદ ભાટિયા પાસેથી રૂપિયા એક લાખ પડાવ્યા હતા અને બીજા ચાર લાખ રૂપિયા પાંચ દિવસમાં પહોંચાડી દેવાનું એમને કહેવાયું હતું. એવી ફરિયાદ જયલાલ ભાટિયાએ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી.

કરીમલાલા વિરુદ્ધની ફરિયાદથી મુંબઈ પોલીસ માટે તો ‘ભાવતું’તું ને વૈદે કીધું’ જેવો ઘાટ થયો હતો. કરીમલાલાની સામે મુંબઈ પોલીસને કોઈ પુરાવા મળતા નહોતા. એટલે મુંબઈ પોલીસ એની સામે કોઈ પગલાં લઈ શકતી નહોતી. પરમાનંદ અને જયલાલે એ તક મુંબઈ પોલીસને આપી હતી અને કરીમલાલાની ધરપકડ થઈ હતી. કરીમલાલાની સાથે પ્રિયકાંત મંગળદાસ અને અજીતકુમાર જાનકીદાસ પણ લોકઅપ ભેગા થઈ ગયા હતાં. પોતાની ધરપકડથી કરીમલાલા હચમચી ગયો હતો. મુંબઈ પોલીસના તેવર બદલાયા હતા. જોકે, ભાટિયા પાસેથી ખંડણી ઉઘરાવવાના કેસમાં એને ખાસ કંઈ થવાનું નહોતું. પણ ધરપકડની ઘટનાએ કરીમલાલાને અસ્વસ્થ બનાવી મૂક્યો હતો,

જો કે અંડરવર્લ્ડના એ પ્રથમ ડોનને હજી આગામી દિવસોની કલ્પના નહોતી. ટૂંક સમયમાં જ એના પર જનોઈવઢ ઘા પડવાનો હતો!

***

કરીમલાલાને કારણે સમદ પોલીસને શરણે જતો રહ્યો અને પાછો જેલમાં ધકેલાઈ ગયો હતો.

આ દરમિયાન મન્યાના એનકાઉન્ટરને કારણે અંડરવર્લ્ડમાં ફેલાયેલા ભયને કારણે અંડરવર્લ્ડની ગૅન્ગવોર પણ થોડો સમય શાંત પડી ગઈ હતી. પરંતુ મુંબઈ પોલીસનો એ ખોફ લાંબો સમય ટક્યો નહીં. અંડરવર્લ્ડમાં એકબીજાના લોહી તરસ્યા બનેલા ખેપાનીઓ થોડા મહિના સખણા રહીને પાછા સક્રિય થઈ ગયા!

***

‘ભાઈ આલમઝેબ ગુજરાત મેં આયા હૈ...’

દાઉદનો એક ખબરી ફોન પર માહિતી આપી રહ્યો હતો.

‘પક્કી ખબર હૈ ?’ દાઉદે પૂછ્યું.

‘હા ભાઈ.’ ખબરીએ કહ્યું.

‘કહાં પે હૈ વો?’ દાઉદે બીજો સવાલ કર્યો.

‘અભી તો વો ભરૂચ મેં હૈ, લેકિન વો અહમદાબાદ આતા-જાતા રહતા હૈ’, ખબરીએ કહ્યું.

‘ઠીક હૈ. તૂ નજર રખ. મેં આતા હૂં.’ કહીને દાઉદે ફોનનું રિસીવર મૂકી દીધું.

***

શબ્બીરના ખૂન પછી આલમઝેબ મુંબઈથી ભાગીને ગુજરાત જતો રહ્યો હતો. અમદાવાદના ડોન અબ્દુલ લતીફ સાથે હાથ મિલાવીને આલમઝેબે ગુજરાતમાં પોતાનો ‘કારોબાર’ શરૂ કર્યો હતો. આલમઝેબ ભરૂચ અને અમદાવાદમાં પોતાનો અડ્ડો જમાવી રહ્યો હોવાની વાત બહુ ઝડપથી દાઉદ સુધી પહોંચી ગઈ હતી. દાઉદ ગુજરાતના દરિયા કાંઠે ‘સ્મગલિંગ ઓપરેશન્સ’ પાર પાડતો હતો એટલે ગુજરાતના નેટવર્કને કારણે એને આલમઝેબ વિશે સહેલાઈથી આ માહિતી મળી ગઈ હતી.

દાઉદે ભરૂચ અને અમદાવાદમાં આલમઝેબ પર વોચ ગોઠવી દીધી. એક દિવસ આલમઝેબ ભરૂચથી અમદાવાદ જવા નીકળ્યો હોવાની ખબર પડી ત્યારે દાઉદ અને એના સાથીદારોએ એને વડોદરા પાસે આંતરવાનો પ્લાન ગોઠવ્યો. વડોદરાથી થોડે દૂર ઈમ્પોર્ટેડ હોન્ડા કારમાં દાઉદ અને એના સાથીદારો હાજી ઈસ્માઈલ, રતીશ પઠાણ અને અબ્દુલ સરકારે આલમઝેબની એમ્બેસેડરનો પીછો કર્યો. શબ્બીરના ખૂનનો બદલો લેવા અધીરા બનેલા એ બધા ઉત્તેજિત થઈને આલમઝેબનો પીછો કરી રહ્યા હતા.

એ વખતે એક હિન્દી ફિલ્મના કોઈ સિનને પણ ટક્કર મારે અકલ્પ્ય ઘટના બની જેને કારણે દાઉદ અને તેની ગૅન્ગ પર આફત આવી પડી!

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 1 અઠવાડિયા પહેલા

Nimisha Patel

Nimisha Patel 10 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Sagar Aachsry

Sagar Aachsry 3 વર્ષ પહેલા

maya

maya 3 વર્ષ પહેલા