ટહુકો - 11 Gunvant Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટહુકો - 11

ટહુકો

ગુજરાતી ભાષા…બકરી બેં

(March 18th, 2014)

કેટલાક શબ્દો જે તે ધરતીની ધૂળમાંથી ઊગી નીકળે છે. ‘ધાડ મારવી’ જેવા શબ્દપ્રયોગને અંગ્રેજીમાં, હિન્દીમાં કે અન્ય ભાષામાં ઢાળવાનો પ્રયત્ન કરી જોવા જેવો છે. તમે લાખ પ્રયત્ન કરો અને અનુવાદને સહજ બનાવવા મથો તોય કોઠે ટાઢક નહીં વળે એ નક્કી. આ વાત ન સમજાય તો ‘કોઠે ટાઢક થવી’ જેવા કાઠિયાવાડી શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિન્દીમાં ઉતારવા પ્રયત્ન કરી જોજો. સુરત બાજુ સ્ત્રીઓ છોકરાને ‘ભોંયનાખ્યા’ કહીને ગાળ દે છે. આ શબ્દપ્રયોગ અનુવાદથી પર છે. આપણી સ્ત્રીઓ વાતવાતમાં કોઈને ‘મૂઆ’ કહે છે. તેના જેવો અર્થ ‘ભોંયનાખ્યા’ નો થાય છે. ‘મૂઆ’ ગાળમાં ઉગ્રતાની માત્રા વધે અને જો સામેવાળો વધુ પડતો દુષ્ટ હોય કે મરવાપાત્ર હોય તો સ્ત્રીઓ એને ‘ફાટી મૂઆ’ કહીને ભાંડે છે. જેની માતાએ સવાશેર સૂંઠ ખાધી હોય તે ‘ફાટી મૂઆ’ શબ્દપ્રયોગને અંગ્રેજીમાં કે હિંદીમાં ઢાળી બતાવે.

આખી દુનિયામાં તમે ગમે ત્યાં જાવ અને વળી ભારતમાં બધાં રાજયોમાં ઘૂમી વળો પરંતુ પોતાની માતૃભાષા પ્રત્યેના ગૌરવનો અભાવ તમને ગુજરાત જેટલો ક્યાંય નહીં જડે. સુખી ગુજરાતીઓના કૂતરાઓ પણ અંગ્રેજી માધ્યમમાં જ પ્રત્યાયન કરી શકે છે. ગુજરાતી બોલતાં નથી ફાવતું એમ કહીને અંગ્રેજીમય ગુજરાતી બોલનારું કોન્વેન્ટ કલ્ચર સુખી ગુજરાતી પરિવારોમાં પાંગરી રહ્યું છે. આવા પરિવારોનાં નાનડિયાં મને સુખવૈભવથી છલકાતા અનાથાશ્રમનાં ફરજંદો જેવાં દીસે છે. આવા પરિવારોમાં બારીક નજરે દેખાતો સંબંધવિચ્છેદ (એલિયનેશન) ઝટ ધ્યાનમાં નથી આવતો. બાપુજીમાંથી પપ્પા અને પપ્પામાંથી ડેડ બનેલાઓને ખ્યાલ પણ નથી આવતો કે પોતે શું ગુમાવી ચૂકયા છે.

કોન્વેન્ટ કલ્ચરમાં ઝબોળાઇને ગુજરાતી બોલવામાં નાનમ અનુભવતા, ખોટું ભેળસેળિયું ગુજરાતી બોલવામાં ગૌરવ અનુભવતા અને માટીના મહેકતા સાદનું સૌંદર્ય ગુમાવી ચૂકેલા દુર્વિદગ્ધ ગુજરાતી પરિવારોને અંગ્રેજ કવિ કિટ્સનું વિધાન અર્પણ કરું છું. કહે છે :

‘શિક્ષણનું અંગ્રેજી માધ્યમ

એ ભારત પરની બ્રિટનની

મોટામાં મોટી બૂરાઈ હતી.

એણે ગૌરવવંત પ્રજાને

રંગલા-જાંગલા જેવી

આત્મગૌરવવિહોણી બનાવી દીધી.

જો ગુજરાતીઓ આજથી નહીં જાગે તો ગુજરાતી પ્રકાશકોની દુકાનો આવતા દાયકાઓમાં કયાં તો પસ્તીભંડાર કે પછી વિડિયોકેસેટ લાઈબ્રેરીઓ બની જશે. ગુજરાતી ભાષા જાણે આમરણ ઉપવાસ પર ઉતરી છે એને ગુજરાતીઓ નસકોરાં બોલાવે છે. ગુજરાતી ભાષા ધીરે ધીરે મરી રહી હોય એવી લાગણી છેક બિનપાયાદાર નથી. કોઈ પણ પ્રજાની અસ્મિતા માતૃભાષાના ધાવણ પામ્યા વગર ન જળવાઈ શકે. ગુજરાતી ભાષા બકરી બેં જેવી સ્થિતિમાં હોય તો ગુજરાતીઓ કદી સિંહ જેવા ગૌરવશાળી ન હોઈ શકે. માણસ એની ભાષા થકી પ્રગટ થતો હોય છે. ઉચ્ચ શિક્ષણમાં પણ માધ્યમ તરીકે ગુજરાતી જ હોય એવો દ્રઢ આગ્રહ રાખનાર સદ્દગત મગનભાઈ પ્ર. દેસાઈનું સ્મરણ થાય છે. ગુજરાતના ભદ્ર વર્ગની એમણે ઘણી ગાળ ખાધી પણ તેઓ એકના બે ન થયા. તેઓ અંગ્રેજીના વિરોધી ન હતા. એમનું અંગ્રેજી અંગ્રેજીના ચુસ્ત હિમાયતીઓ કરતાં અનેકગણું સારું હતું. અંગ્રેજીનો વિરોધ ન હતો; અંગ્રેજી દ્વારા ભણવાનો વિરોધ હતો.

શેખાદમ આબુવાલાને જયારે ખબર પડી ગઈ કે પોતે માત્ર થોડાક દિવસોના જ મહેમાન છે ત્યારે એક દિવસ ઓચિંતા વલસાડ પહોંચી ગયા. ત્યાં સરકીટ હાઉસમાંથી એમણે આચાર્ય રમેશ દેસાઈને ફોન કરી બોલાબી લીધા. બંને મિત્રો ખૂબ ભેટયા અને ખૂબ રડયા. પછી તો કલાકો સુધી વાતો થતી રહી જેમાંની એક વાત આ હતી. શેખાદમ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન વચ્ચે મુલાકાત થયેલી એ વાત ઝાઝી જાણીતી નથી. આઈન્સ્ટાઈન જયાં રહેતા હતા તે જ નગરમાં પહોંચેલા શેખાદમે આઈન્સ્ટાઈનને ફોન જોડીને થોડોક સમય ફાળવવા વિનંતી કરી. આઈન્સ્ટાઈન પાસે સમય ન હતો પરંતુ શેખાદમે આગ્રહ કર્યો ત્યારે મહાન વિજ્ઞાનીએ રસ્તો કાઢ્યો અને કહ્યું : સારું તમે અમારી પ્રાર્થનામાં જોડાઈ શકો છો.

શેખાદમ આપેલા સમયે પહોંચી ગયા અને પરિવારની પ્રાર્થનામાં સામેલ થયા. પ્રાર્થનાને અંતે કોઈ એક પુસ્તકમાંથી થોડુંક વાંચવાનો રિવાજ હશે એટલે આઈન્સ્ટાઈને વાંચવાનું શરૂ કર્યું. મહાત્મા ગાંધીની આત્મકથામાંથી તેઓએ બે-ત્રણ ફકરા અંગ્રેજીમાં વાંચી સંભળાવ્યા. આ વાત કર્યા પછી શેખાદમે રમેશ દેસાઈને કહ્યું : ઝાઝી વાતો ન થઈ શકી પરંતુ એક વાત હું ભૂલી શકું તેમ નથી. અમદાવાદના નવજીવન પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલા એ અંગ્રેજી પુસ્તકના પૂંઠા પર રિવાજ મુજબ (લોગોના) વર્તુળમાં ગુજરાતીમાં જ ‘નવજીવન’ લખેલું તે વાંચીને એક ગુજરાતી તરીકે હું અંદરથી હરખાયેલો.

આ પ્રસંગ અંગ્રેજી માધ્યમની નિશાળમાં જ પોતાનાં બાળકો ભણે એવા ફેશનેબલ રિવાજના ભમ્મરિયા કૂવામાં હોંશેહોંશે ઝંપલાવનારાં નાદાન ગુજરાતી માતાપિતાને અર્પણ કરું છું. આમ કરવામાં કયાંય અંગ્રેજીનો વિરોધ નથી કે નથી એમાં સંકુચિત ગુજરાતવાદી આક્ર્મકતા. સંકુચિતતા બીજા બધાને પાલવે; ગુજરાતીને નહીં. અંગ્રેજી ભણવું અને ખૂબ સારી રીતે ભણવું પરંતુ માધ્યમ તો માતૃભાષાનું જ યોગ્ય ગણાય. અંગ્રેજી ભણવું એક વાત છે અને અંગ્રેજી દ્વારા ભણવું એ સાવ જુદી વાત છે. ગુજરાતી માધ્યમની શાળામાં ઉતમ ગુજરાતી સાથે ઉતમ અંગ્રેજી ભણવાની જોગવાઈ થવી જોઈએ આમાં અંગ્રેજીનો વિરોધ કયાં રહ્યો ?

એક જમાનો હતો જયારે મુંબઈના ગુજરાતીઓ અશુદ્ધ મરાઠી બોલી જાણતા અને મહારાષ્ટ્રીઓ અશુદ્ધ ગુજરાતી બોલી જાણતા. હવે થોડીક પ્રગતિ થઈ છે. હવે અહીંના ગુજરાતીઓ અશુદ્ધ ગુજરાતી બોલે છે અને મહારાષ્ટ્રીઓ અશુદ્ધ મરાઠી બોલે છે. વળી બંને પ્રજાઓ સરખી ક્ષમતા સાથે લગભગ ખોટું અંગ્રેજી ખાસી ઝડપથી બોલી જાણે છે. નહીં ત્રણમાં, નહીં તેરમા અને નહીં છપ્પનના મેળામાં ! પરદેશી ભાષાઓમાં આપણને અંગ્રેજી પ્રત્યે પક્ષપાત હોય એ ક્ષમ્ય છે. આપણું કોલોનિયલ માઈન્ડ અંગ્રેજી તરફ ઢળે તેમાં ઈતિહાસનો વાંક છે, આપણો નથી. બાકી નગરોની કેટલીક નિશાળોમાં અંગ્રેજી ઉપરાંત રશિયન, ફ્રેન્ચ અને સ્પેનિશ શીખવા માટેની સગવડ હોવી જોઈએ.

માતૃભાષા આપણી આંખ છે. એ આંખ વધારે સારું જોઈ શકે એ માટે અન્ય ભાષાનાં શ્રેષ્ઠતમ ચશ્માંની મદદ લેવી જોઈએ. ટપાલી તો કોરો પોસ્ટકાર્ડ પણ યોગ્ય સરનામે પહોંચાડી શકે. ભાષા દ્વારા પ્રત્યાયન થાય છે પરંતુ પ્રત્યાયનનું વસ્તુ (કન્ટેન્ટ) માણસની સમજણમાં ઊતરે તો જ પ્રત્યાયન કામનું. શિક્ષક વિદ્યાર્થીઓને ગુરુત્વાકર્ષણ વિશે ભણાવી રહ્યા છે. ‘ગુરુત્વાકર્ષણ’ એક સંક્લ્પના (કન્સેપટ) છે; માત્ર માહિતીનું પાર્સલ નથી. માહિતી ગોખી શકાય, યાદ રાખી શકાય અને જરૂર પડે ત્યારે ઓકી પણ શકાય. સંકલ્પનાનો સંબંધ સમજણ સાથે છે અને સમજણ પામવામાં માતૃભાષા જ વધારે ખપ લાગે. પાઉડરના દૂધનો વિરોધ નથી પરંતુ પાઉડરના દૂધને માતાના ધાવણ કરતાંય વધારે આદર મળે તેનો વિરોધ જરૂર છે. કોઈ અંગ્રેજ બચ્ચાને ગુજરાતી દ્વારા ભણાવી તો જોજો. મોંમાં ફીણ આવી જશે.

મુંબઈના માળાઓમાં રહેતાં લાખો ગુજરાતી પંખીઓનાં કોન્વેન્ટગામી બચ્ચાંઓ હ્રસ્વ અને દીર્ઘ વચ્ચેનો તફાવત ભૂલી ગયાં છે. તેઓ હવે હ્ર, , જ્ઞ, , અને ક્ષ લખવામાં ભારે મુશ્કેલી અનુભવે છે. ગુજરાતી ભણાવનારા શિક્ષકોને સાર્થ જોડણીકોશ વાપરતાં આવડતું નથી. અનુસ્વારની તો વાત જ ન કરશો. એક જમાનામાં કવિ સુન્દરમે અનુસ્વારના નિયમોને વણી લેતું સુંદર કાવ્ય લખેલું. ગુજરાતનાં અખબારોમાં પ્રૂફ સુધારનારાઓ મૂળ લખાણમાં લેખકે સમજપૂર્વક અનુસ્વાર ન મૂકયું હોય એવી જ્ગ્યાએ પણ અનુસ્વાર ઉમેરીને પોતાની મૌલિકતા માથે મારે છે.

શુદ્ધ ગુજરાતીમાં પાંચ વાકયો બોલનારો યુવાન કયાંક ભેટી જાય ત્યારે દિવસ સુધરી ગયો હોય એવી લાગણી થાય છે. એ વળી ખરું અંગ્રેજી બોલે ત્યારે લાગે કે ભવ સુધરી ગયો. મને ગુજરાતી બોલતાં ફાવતું નથી એમ કહીને સાવ ખોટું અંગ્રેજી બોલનારને લાફો મારવાનું મન થાય છે. મુંબઈના ગુજરાતીઓને ખાસ ભલામણ છે. તમારા નાનડિયાને સુરેશ દલાલ કે હરીન્દ્ર દવે કે અનિલ જોષી કે રમેશ પારેખની કવિતાઓનો ચસકો લગાડો. કવિતા ન પચે તો ગીતોનું ઘેલું લગાડો. આમ કરવામાં કયાંક થોડીક અકવિતા ઘૂસી જાય તો તેની દરકાર ન કરશો. સર્વનાશે સમુત્પન્ને અર્ધં ત્યજતિ પંડિત : આગ લાગે ત્યારે બંબાવાળાઓ ટ્રાફિકના બધા જ નિયમો પાળતા નથી. બહુ વાયડા થવામાં ગુજરાતી સપૂચું છૂટી જશે અને પોતાના જ છોકરાં પરાયાંપરાયાં જણાશે. આ પરાયાપણાનું રસાયણશાસ્ત્ર સમજી રાખવા જેવું છે.

અંગ્રેજી માધ્યમમાં ભણનારાં ગુજરાતી બાળકો નરસિંહ મહેતાના કાવ્ય ‘નાગદમન’થી વંચિત રહ્યાં અને વળી વર્ડઝવર્થના કાવ્ય ‘ધ ડેફોડિલ્સ’ નું સૌંદર્ય પણ ન પામ્યાં. ક્લાપીની ‘ગ્રામમાતા’ ન ભણ્યાં તે તો ઠીક પરંતુ થોમસ હાર્ડીની ‘વેધર્સ’ ની સૌંદર્યાનુભૂતિ પણ ન પામ્યા. તેઓ પ્રેમાનંદ કે મેઘાણીને ન પામ્યાં અને વળી વોલ્ટ વ્હીટમનથી પણ અનભિજ્ઞ રહી ગયાં. બચારાં ન ઘરનાં રહ્યાં, ન ઘાટના. નાદાન માતાપિતાને આ બધું કોણ સમજાવે ? વિચારવાની ટેવ છૂટી જાય પછી તો પોપટની માફક ‘થેકયું, ‘ઓ. કે’ અને ‘સોરી’ બોલનારો લાડકો ગગો પણ સ્માર્ટ લાગે છે.

સમજણ વગરની સ્માર્ટનેસ કોમ્પ્રેસર વગરના એરકન્ડિશનર જેવી કે પાછી રિફિલ વગરની રૂપાળી બોલપેન જેવી છે.

***