humanity books and stories free download online pdf in Gujarati

માનવતા

આપણે જે પરિવારમાં જન્મ્યા એ પરિવાર જે ધર્મ પાળતો હોય એ જ આપણે પાળવા લાગીયે છીએ. એ ઉંમરે એ બાળ અવસ્થા માં આપણને એ જ્ઞાન નથી હોતું કે સાચું શું અને ખોટું શું. દરેક ધર્મ અલગ અલગ સંસ્કૃતિ અને ભૌગોલિક પરિસ્થિતિ ને આધારે અલગ અલગ વિચારસરણી ધરાવે છે. પણ દરેક ધર્મનો નિચોળ એક જ છે, પ્રેમ નું પ્રસરણ. આજે હું ના હિન્દૂ ધર્મ ની વાત કરીશ ના ઇસ્લામ ની. કે ના પછી ખ્રિસ્તી, પારસી કે બૌદ્ધ ની. આજે ફક્ત એ જ ધર્મ ની વાત કરીશ જેની આજે ખુબ જ જરૂર છે.

" ના હિન્દૂ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ તું ઇન્સાન હી બનેગા... "

માનવ ધર્મ દુનિયા નો શ્રેષ્ઠ ધર્મ છે. એવો મારો પોતાનો અનુભવ અને અભિપ્રાય છે.

-------------------

શનિવાર ની સવારે હું ઘરે થી અમદાવાદ એરપોર્ટ તરફ આવેલ નોબલ નગર વિસ્તાર ની એક હિન્દી મીડિયમ સ્કુલ શાળા માં એક સામાજિક સંસ્થા થકી વોલેન્ટિઅરિંગ માટે પહોંચ્યો. એકાદ કલાક હું વહેલા જ પહોંચ્યો જેથી ત્યાં મારા સિવાય કોઈ શિક્ષક કે વોલેન્ટિઅર નહોતા આવ્યા. શાળા ની અંદર મારુ વેહીકલ પાર્ક કરી ને હું એક બાંકળા પર બેસી સંદેશ ન્યુઝ પેપર વાંચી રહ્યો હતો. ત્યાં થોડા બાળકો એક પછી એક આવવા લાગ્યા, એક અઠવાડિયા પહેલાં એક કલાક માટે હું એ શાળાની મુલાકાતે ગયેલો પણ બધા સાથે એટલો વાર્તાલાપ નહોતો થયો. બાળકો આવી મને હાઇ ફાઇવ આપવા લાગ્યા અને મારુ નામ પૂછવા લાગ્યા. એમની આંખો માં ખુબ જ નિખાલસતા નો એહસાસ મેં માણ્યો.

"ભૈયા આપકા નામ ક્યાં હૈ..? " એટલા મધુર સ્વર માં એ બોલતા કે જાણે મારા પોતીકા હોય. મેં મારુ નામ જણાવ્યું અને એ મારી આસ પાસ બાંકડા પર અને ઝાડ ના ફરતે ઓટલા પર ગોઠવતા ગયા. એક પછી એક સવાલો શરુ થયા.

"ભૈયા , આજ આપ ક્યાં શિખાને વાલે હો..?"

"ભૈયા આજ મેં આર્ટ & ક્રાફટ મેં હું આપ વહાઁ આઓગે...?"

"ભૈયા આજ તો મેને ડાન્સ, ગિટાર ઔર સાયન્સ એક્સપેરિમેન્ટ લિયા હૈ... આપ મેરી ક્લાસ મેં આના..."

જેવા માસુમ સવાલો અને આજીજી કરી એમને મને પોતીકો બનાવી દીધો. મેં એક પછી એક વિદ્યાર્થી ના નામ પૂછ્યા. પાયલ, શિવા, આનંદ, જીયા , વાસુદેવ , ઇકબાલ, સોફિયા જેવા નામો મને જાણવા મળ્યા. વિભિન્ન જાતિ, ધર્મ હોવા છતાં એમનો પ્રેમ મને એક જ સરખો અનુભવાયો. થોડા સમય બાદ પાયલ નામની વિદ્યાર્થીની જે ધોરણ - ૫ માં અભ્યાસ કરતી હતી એને પોતાની બેગ માંથી ચોકલેટ કાઢી ને મને આપી. આ એ વાત દર્શાવે છે કે બાળકો માં જે ધર્મ જીવે છે એ માનવ ધર્મ જ છે. એમને હું ઈરફાન છું, હું મુસ્લિમ છું એના થી ના કોઈ આપત્તી છે કે ના કોઈ ભેદભાવ. હું નાનપણ થી જે વાત ને સમજતો તો અને જે પણ સારા મનુષ્ય હોય એને પોતીકું માનતો હતો એ પ્રેમ મને એ બાળકો એ આપી દીધો. કોઈ ની જાતિ , કોઈ ના ધર્મ ને જોયા વગર તમે એના વર્તન થી જ જો તમે એને અપનાવો તો એથી મોટો કોઈ જ ધર્મ નથી.

---------------------

એક દિવસ રવિવારે હું મારી મિત્ર મમતા સાથે અમદાવાદ ના આશ્રમ રોડ , ઇન્કમટેક્ષ નજીક આવેલા એક વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ગયો. ત્યાં સેવા કરી રહેલા બહેન સાથે ઓફીસ માં વાર્તાલાપ કર્યો. મેં અને મારી મિત્ર એ પૂછ્યું કે
"આ આશ્રમ માં કેટલા વૃદ્ધો રહે છે? અમારે એમની મદદ કરવી હોય તો કઈ રીતે કરી સકીયે? અમે એમને મળી વાતો કરી શકીયે...?"

જવાબ માં જાણવા મળ્યું કે..

"ત્યાં હાલ ૧૭ વૃદ્ધ રહે છે, ૪ નું નવું જ એડ્મીસન થયું છે. તમારે મદદ કરવી હોય તો પૈસા લખવો અથવા ફ્રુટ દાન માં આપી દો , અને નંબર આપો જેથી દવા કે કોઈ વસ્તુ ની જરૂર લાગશે તો અમે તમને ફોન કરી ને મંગાવી લઈશું. અહીં કોઈ સાથે મળવાની કે વાત કરવાની અનુમતિ નથી, કેમ કે તમે જાઓ છો પછી એમને સાચવવા અમને ખુબ ભારે પડે છે. એ એમના છોકરાઓ ને યાદ કરી ને રડે છે. જમતા પણ નથી... "

મને અને મમતા ને એમની વાત યોગ્ય લાગી પણ અમારે એમને મળવું હતું એટલે થોડીવાર પછી એ બહેન ઓફીસ માંથી ગયા તો અમે વિચાર કર્યો કે આપણે થોડી ગરમી છે તો આઈસ્ક્રીમ ખાવડાવવાના બહાને મુલાકાત કરી લઈએ. અને રવિવારે બપોરે એમને જમાડવા આવીશું સાથે કોઈ વસ્તુ લઇ આવશું જેથી એ બહેન આપણ ને પીરસવાની પરવાનગી આપે.

અમે આ વાત એ બેન સમક્ષ રજૂ કરી અને એમણે અમને પરવાનગી આપી. સાંજે ૭:૦૦ વાગે બધા આરતી કરવા એકઠા થયા ત્યાં સુધી માં અમે આઈસ્ક્રીમ પાર્સલ કરાવી ને લઈ આવ્યા. ત્યાં બેઠેલા દરેક ને અમે આઈસ્ક્રીમ આપ્યા પણ એ બહેન પાછળ પાછળ ફરતા હતા જેથી અમે કોઈ સાથે બૌ વાત ન કરીયે. થોડીવાર પછી બેન બોલ્યા કે ૩ જણ ઉપર ના માળે છે. ત્યાં તમે આપી આવો અને જલ્દી પાછા આવો. અમે ઉપર ગયા ત્યાં એક બા મને જોઈ ને ગળે વળગી ગયા. મારો દીકરો આવ્યો... મારો દીકરો આવ્યો એવા સ્વર થી મને એમના રૂમ માં રહેલ ચેર પર બેસાડ્યો.

"બેટા , ભગવાન તને ખુબ સુખી કરે.. , તું મોટો સાહેબ બને..."

આવા નિખાલસ ભાવ થી આશીર્વાદ આપ્યા. ના મારૂ નામ જાણ્યું કે ના એ આઈસ્ક્રીમ ના કપ ને ઠુકરાવ્યું. એ બા.. દવે હતા. બ્રાહ્મણ પરિવાર ના હોવા છતાં એમને મને ગળે લગાવતા ના કોઈ ધર્મ નડ્યો કે ના કોઈ લાછણ લાગી. મને માનવતા ધર્મ નો પરિચય અહીં પણ થયો.

બાળકો પછી વૃદ્ધોમાં પણ મને આ માણસાઈ દેખાઈ. હું સમજી ગયો કે સાચે બાળક હોય કે વૃદ્ધ દરેક ને પ્રેમ જોઈએ છે. કોઈ મનભરી વાતો કરી જાય. કોઈ બાળક સાથે શાળા માં નાની અમથી પ્રવુતિ કરી જાય તો એ લોકો હંમેશા યાદ કરે છે.

------------------------

તમે મંદિરે જાઓ કે મસ્જિદ માં , ચર્ચ માં જાઓ કે ગુરુદ્વારા એ, દરગાહ માં જાઓ કે દેવી ના મઢે. બધે જ માણસ ભગવાન પાસે કૈક માંગવા અને મન ની શાંતિ માટે જ જાય છે. ઘરમાં શાંતિ રહે, સગાંવહાલાં સાથે સારા સંબંધ રહે, આસ પાસ રહેતા લોકો સાથે ભાઈ ચારો રહે. ધંધામાં સલામતી અને તરક્કી રહે. જીવન માં પ્રેમ રહે એ જ દરેક ને જોઈતું હોય છે.

માણસ પાણી ની પરબ બંધાવે તો એ નથી જોતો કે અહીં હિન્દૂ પાણી પીસે કે મુસ્લિમ, પારેવડા જયારે તમે બાંધેલા કુંડ માં પાણી પીવે કે ઘરની છત કે આંગણામાં નાખેલી ચણ ખાય ત્યારે એ નથી જોતા કે આ બ્રાહ્મણ નું ઘર છે કે હરિજન નું. આ મુસ્લિમ નું પાણી છે કે ખ્રિસ્તી નું એ ફક્ત ખાઈ-પીને આશીર્વાદ જ આપે છે.



કોઈ લેખકે ખુબ સુંદર લખ્યું છે...

"મંદિર માં ચણ ખાઈ ને એ મસ્જિદ માં પાણી પીવે છે. ધર્મ ને નેવે મૂકી એક ચકલી પણ કેવું સુંદર જીવે છે..."

માનવ ધર્મ જ સર્વ ધર્મો થી ઉપર છે. જ્યાં માનવતા હશે ત્યાં નુકસાન , ઝગડા, વેર-ઝેર ને સ્થાન ક્યારેય નહિ મળે.

બસ... એજ.... અસ્તુ......

--
આપનો પ્રિય
ઈરફાન જુણેજા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED