maru gam books and stories free download online pdf in Gujarati

મારુ ગામ

દરેક ને પોતાનું વતન, પોતાનું ગામડું ખુબ જ વ્હાલું હોય છે. પોતાના સપનાઓ પુરા કરવા એ છોડી ને શહેરમાં, બીજા રાજ્યમાં કે પછી વિદેશમાં ગયા હોય છતાં પોતાનું વતન ગામડું હંમેશા યાદ આવતું હોય છે. બાળપણના અમૂલ્ય દિવસો જ્યાં વિતાવ્યા હોય એ દરેક યાદ પોતાની સાથે હંમેશા રહેતી હોય છે. બાળપણના મિત્રો, ગામની શેરીઓ, મોટા ચોક, શાળાઓ, મંદિરો, રમતના મેદાનો, ગામની નાની નાની દુકાનો, વડીલો, ભવાઈઓ, નવરાત્રી ની માંડવીઓ, ગામનો ઝાંપો (પાદર, બસ સ્ટેન્ડ) આપણાં મનમાં ખુબજ નાજુકાઈ થી કોતરાઈ ગયેલ હોય છે. એ અવિસ્મરણીય હોય છે. જીવનની ભાગદોડમાં તમે જયારે કંટાળી જાઓ છો ત્યારે એ યાદો તમારા ચહેરા પર સ્મિત લાવી આપતી હોય છે. જીવનમાં ખુશી નું કારણ ન મળે ત્યારે વ્યક્તિ ને પોતાનું ગામ, પોતાનું વતન સાંભરે છે. જયારે કોઈ વ્યક્તિ તહેવાર કરવા, કોઈના પ્રસંગમાં કે પછી વેકેશન ગાળવા પોતાના ગામમાં પ્રવેશે છે ત્યારે એના ચહેરાની ચમક જ ઘણું કઈ જતી હોય છે. વ્યક્તિ ને પોતાનું વતન , પોતાનું ગામ જનની ની જેમ જ વ્હાલું હોય છે. મને પણ મારુ ગામ એટલું જ વ્હાલું છે.

મારુ ગામ વણોદ સુરેન્દ્રનગર જિલ્લાના ના છેવાળાના ગામો માનું એક છે. ગામમાં હાલ દસ હજાર જેટલા વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના લોકો રહે છે. ગામની ભૌગોલિક પરિસ્થિતિ ની વાત કરું તો આ ગામ બહુચરાજી થી ૧૬ કી.મી. દૂર છે. ગામમાં ચાર તળાવો લાખાસર, પિપળિયું, વંદેલો, સોઢીળું ગામની ચારે દિશામાં આવેલા છે. એક કુમાર શાળા, એક કન્યા શાળા અને એક હાઇસ્કુલ બાળકોના અભ્યાસ માટે ઉપલબ્ધ છે. જ્યાં મેં જીવનના દસ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. ગામમાં કોઠનજીમાં નું મંદિર, રામજી મંદિર, મહાદેવનું મંદિર અને એક વિશાળ જૈન દેરાસર, જૈન ઉપાશ્રય આવેલ છે. જ્યાં લોકો રોજ સવારે, તહેવારોમાં અને શ્રાવણ માસ માં ભગવાન પાસે પ્રાર્થના કરતા નજરે પડે છે. મુસ્લિમ સમુદાય માટે જુમ્મા મસ્જિદ, દરબારી મસ્જિદ, નગીના મસ્જિદ અને પરાવાળી મસ્જિદ આવેલી છે. જ્યાં લોકો દિવસ દરમિયાન ફજર, ઝોહર, અસર , મગરીબ અને ઈશાં એમ પાંચ નમાજો પઢતા નજરે પડે છે. ગામમાં આ ઉપરાંત સરકરી દવાખાનું, સસ્તા અનાજ ની સરકાર માન્ય દુકાનો, નાની બજાર, ક્રિકેટ રમવા માટે નું નાનું મેદાન, ગ્રામ્ય પંચાયત જેવી સુવિધાઓ પણ છે. એક ઐતિહાસિક બીબીમાં ની દરગાહ પણ પીપળીયા તળાવ પાસે છે. વણોદ આઝાદી પહેલા એક સ્ટેટ ગણાતું અને અહીંના રાજા બાર ગામો પર રાજ કરતા. એ રાજ મહલ ૨૦૦૧ માં આવેલ ભૂકંપ સમયે વિલીન થયો.

ગામમાં મોટાભાગે લોકો ખેતી પર નિર્ભર છે. કોઈ પોતાની માલિકી ની જમીન ખેળી ગુજરાન ચલાવે તો કોઈ જમીનો ના નાના નાના ટુકડાઓ ભાગવા રાખી અને એમાં ખેતી કરી ને ગુજરાન ચલાવે છે. જેની પાસે જમીન કે ધંધો નથી એવા લોકો કોઈને ત્યાં નોકરી કરી, કોઈના સાથી બની કે ખેત મજૂરી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે. અમુક લોકો દરજી કામ, કરિયાણું, શાકભાજી નો વેપાર, કટલેરી-સ્ટેશનરી, મેડિકલ સ્ટોર, ફ્લોર ફેક્ટરી, દૂધની ડેરી, હેર કટિંગ, ચા ની કીટલી, નમકીન-ફરસાણ, મોબાઇલ લે-વેચ-રિચાર્જ, ઓટો મોબાઈલ શોપ, પણ-મસાલાના ગલ્લાઓ, ફોટો-વીડિયો શુટિંગ, બાંધકામ નો સામાન, ઝેરોક્ષ-સ્ટેશનરી, ગાય-ભેંસ-બકરી ચરામણ, યજ્ઞ-લગ્ન વિધિ જેવા વ્યવસાયો કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગામમાં દરેક વ્યક્તિ એકબીજા પર નિર્ભર છે અને વિવિધ વ્યવસાયો વિવિધ જાતિના ના લોકો ચલાવે છે. એટલે અહીં બધા જ ધર્મ અને જાતિ નિરપેક્ષ લોકો જોવા મળે છે. કોમી તોફાનોની આ ગામ પર કોઈ જ અસર થઇ નથી. ગામના ખેતરો પણ એવી રીતે છે કે પટેલ ની બાજુમાં મુસ્લિમ નું ખેતર, મુસ્લિમ ની બાજુમાં લુહાર નું ખેતર, લુહારની બાજુમાં દરજી નું ખેતર. કોઈ એક વ્યક્તિ પણ ખેતર ની મુલાકાતે જાય તો બાજુવાળાના ખેતર નું ધ્યાન કરતો આવે. સહકાર ની નીતિ અહીં જ ખુબ જ સારી રીતે જોવા મળે છે.

ગામમાં દિવાળી, ધુળેટી, હોળી, નવરાત્રી, દશેરા, તાજીયા, જશને ઇદ , શ્રાવણ માસ ના પ્રવચનો, રમજાન માસ ની રોનક અને ઉતરાયણ ની મજા અહીં દરેક લોકો માણે છે. દિવાળી માં નવા વર્ષની શુભ કામનાઓ આપવા જયારે એક બીજા ના ઘરે જાય છે ત્યારે લોકો ખુબ જ પ્રેમ થી સ્વાગત કરે છે. મારા દાદા ના સમય માં સાકાર થી મોઢું મીઠું કરાવતા અને હવે મીઠાઈ થી કરાવવામાં આવે છે. તાજીયા (મહોરમ) ના સમય એ બ્રાહ્મણ પરિવાર અને કેટલાક પટેલ ના આગેવાનો થકી સરબત પણ પીવડાવવામાં આવે છે. આ દર્શાવે છે કે મારા ગામમાં કેટલી ધર્મનિરપેક્ષતા અને એકતા છે.

જે રીતે દરેક સિક્કાની બે બાજુઓ હોય એ જ રીતે ગામની અમુક તકલીફો પણ છે. ગામમાં પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નથી એટલે લોકો ખાળ કુવા નો સહારો લે છે પણ અમુક લોકો રસ્તા પર પાણી ની રેલમ છેલ કરે છે. ચૂંટણી ના સમય એ ભાજપ - કોંગ્રેસ વચ્ચે ગામ માં ખુબ હરીફાઈ જોવા મળે છે. માહોલ ક્યારેક ગરમ પણ બની જાય છે. પણ ચૂંટણી પુરી થયા પછી બીજા જ દિવસે બધા હળી મળી ને રહે છે. ગામમાં ટ્રેન નથી પણ કોઈપણ નજીકના શહેર માં જવા માટે જીપ, છકડા, બસ મળી રહે છે. વર્ષો થી સવારે ૫:૦૦ વાગે વણોદ-અમદાવાદ બસ મુકાય છે. મારા જીવનનો સૌથી વધુ પ્રવાસ મેં આ બસ માં કરેલો છે.

ગામના તળાવો ઢોર-ઢાંખર અને તંગી માં સિંચાઇ માં ઉપયોગી બને છે. આજે પણ ઘણા લોકો કુવાનું પાણી પિતા નજરે પડે છે. ગામમાં એક સામુહિક સ્નાનાગર છે. જ્યાં પહેલા પાણી નું સ્તર ઉંચુ હોવાથી મોટર-પંપ વગર ૨૪ કલાક પાણી આવતું. આજે ત્યાં નર્મદા ના પાણી દ્વારા જરૂરિયાત પુરી પાડવામાં આવે છે. ગામના મોટા ભાગના લોકો આજે પણ આ સ્નાનાગર નો ઉપયોગ ન્હાવા ધોવા માટે કરે છે. રમતના મેદાન માં બાળકો અને મોટા લોકો પણ ક્રિકેટ ની રમતની મજા માણે છે. ઉનાળામાં ક્યારેક ડે અથવા નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન પણ કરવામાં આવે છે. ભવાઈ મંડળ દ્વારા લોકો ના મનોરંજન માટે ઉનાળા ની રાત્રીઓ માં ભવાઈ ભજવવાનું અને લોકો ને હસવાનું કામ કરવામાં આવે છે.

શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ ને શિક્ષણ ની સાથે શિસ્ત, રમત ગમત, સ્પર્ધાઓ, રાષ્ટ્રીય તહેવારોના સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપે છે. આથી બાળકોમાં બાળપણ થી સેલ્ફ કોન્ફિડન્સ અને લીડરશીપ જેવા ગુણો વિકસે છે.

તો હતું મારુ ગામ વણોદ તમને કેવું લાગ્યું? મને જરૂર થી તમારા અભિપ્રાય પ્રતિભાવ આપી કે ઇમેઇલ કરી જણાવજો.

--

આપનો પ્રિય
ઈરફાન જુણેજા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED