હેશટેગ લવ - ભાગ - ૨૩ Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેશટેગ લવ - ભાગ - ૨૩

"હેશટેગ લવ" ભાગ-૨૩
પાંચ દિવસ બાદ હોસ્પિટલમાં  મારી આંખ ખુલી, સામે મારાં મમ્મી પપ્પા ઉભા હતાં, જાણે કોઈ સ્વપ્ન જોઇને ઉઠી હોય એમ મારી આંખો બધાને તાકી રહી હતી, છેલ્લે મને એટલું યાદ હતું કે બગીચામાંથી નીકળતી વખતે એક ગાડીએ મને ટક્કર મારી હતી. એ અકસ્માત બાદ મને તો એવું જ હતું કે જિંદગી અહીંયા પૂર્ણવિરામ મૂકી દેશે. પણ જીવન હજુ બાકી હતું. મારી મમ્મી પાસે આવી, માથે હાથ ફેરવ્યો, અને રડવા લાગી. પપ્પા પણ મારી નજીક આવી ગયા. તેમની આંખોના આંસુ વહેતાં નહોતા. જાણે કોઈ નદીનું પાણી કિનારો તોડી બહાર આવવા મથતું હોય તેમ એમેની આંખોમાં રહેલા આંસુ ઉભરાઈ આવતા હતા. 
મેં મમ્મી ને પૂછ્યું : “કેમ તમે બધા રડો છો, હું સાજી સમી છું. તમારે તો ખુશ થવું જોઈએ કે હું બચી ગઈ, નહિ તો આજે હું હોત જ નહિ” મારી આ વાત સાંભળી મારી મમ્મીની આંખોના આંસુ વધારે તીવ્ર બન્યા અને મારા પપ્પા તો રૂમ છોડી બહાર જ ચાલ્યા ગયા. એમનાથી મારી સામે રડી શકાયું નહિ. ડોક્ટર પણ એજ સમયે રૂમમાં પ્રવેશ્યા અને મને જોતા કહ્યું કે :
 “કેમે છે હવે કાવ્યા ?"
મેં જવાબમાં સ્મિત સાથે "સારું." નો જવાબ આપ્યો. એમને મમ્મી તરફ જોતા કહ્યું :
"હવે એ ભાનમાં આવી ગઈ છે બે દિવસ પછી તમે એને ઘરે લઇ જઈ શકો છો. હા પણ એની સાથે એક વ્યક્તિને સતત હાજર રહેવું પડશે, અને વ્હીલચેર લેવા માટે હું તમને એક એડ્રેસ આપું ત્યાં તમને સારી મળી રહેશે.” આટલું કહી ડોક્ટર મારી સામે સ્મિત કરતાં બહાર નીકળી ગયા. પણ ડોક્ટરની આટલી વાત મને પ્રશ્ન પૂછવા મજબુર કરી ગઈ. મેં મમ્મીને પૂછ્યું :
 “મમ્મી આ ડોકટરે વ્હીલચેર કેમ કહ્યું ?”  
મમ્મી જવાબ આપવાને બદલે વધારે રડવા લાગી. જવાબ આપવા એની પાસે શબ્દો તો હતાં પણ એવું કાળજું નહોતું કે હોઠ સુધી એ વાતને લાવી શકે. પાંચ દિવસ સુધી જે દીકરીને એક જીવતી લાશની જેમ પથારીએ પડેલી જોઈ હતી અને આજે એજ દીકરી એવું માની રહી છે કે કંઈ થયું જ નથી.. જવાબ આપવો મુશ્કેલ હતો પણ જવાબ તો આપવો જ પડશે ને....! મમ્મી એ હૈયું મક્કમ કરતાં કહ્યું કે, “બેટા હવે તું પહેલાંની જેમ ચાલી નહિ શકે, કૉલેજ પણ નહીં જઈ શકે." આટલું બોલતાની સાથે તો મમ્મીની આંખો ચોધાર આંસુ એ વહેવા લાગી. હું કંઈ વિચારી શકતી નહોતી, મેં તરત પોતાના પગ ઉપર રહેલી ચાદર હટાવી અને જોયું તો  ઢીંચણથી ઉપરનું આખું શરીર હેમખેમ હતું પણ નીચેથી મારા બંને પગ કપાઈ ચુક્યા હતાં. હું  એક ચીસ પાડી ઉઠી, પાસે બેસેલી મમ્મીએ મને પોતાના ગળે વળગાળી દીધી. હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મમ્મીએ મને શાંત કરી અને માથે હાથ ફેરવ્યો. તે પણ મારી સાથે રડી જ રહી હતી. 
થોડીવારમાં શાંત થઈ. પોતાની જાતે જ હિંમત એકઠી કરી. હવે રડીને ફાયદો પણ શું હતો ? જે બનવાનું હતું તે બની ચૂક્યું હતું. પપ્પા પણ થોડીવાર પછી રૂમમાં પ્રવેશ્યા. મેં મમ્મીને પૂછ્યું :
 "શોભના અને મેઘના ક્યાં છે ? "
મમ્મીએ જવાબ આપ્યો :
"એ પાંચ દિવસથી રોજ સવારથી સાંજ અહીંયા જ રહેતાં હતાં, રાત્રે પણ જવાની ના કહેતા હતાં , પણ મેં અને તારા પપ્પાએ એમને સમજાવી હોસ્ટેલ મોકલ્યા, કૉલેજ પણ નહોતા જતાં તેથી આજે એમને કૉલેજમાં મારા સમ આપીને જવાનું કહ્યું છે. પણ બપોરે એમને પાછા આવી જઈશું એમ જણાવ્યું."
"મને હોસ્પિટલમાં કોણ લાવ્યું ? અને તમને કેમની જાણ થઈ?" મેં વળતો પ્રશ્ન મમ્મીને પૂછ્યો.
"તારા અકસ્માત બાદ ત્યાં ભીડમાંથી એકભાઈ એમ્બ્યુલન્સમાં તને હોસ્પિટલ લઈ આવ્યા. તારા આઈ કાર્ડ ઉપરથી તારી માહિતી મળી. તારી બેગમાં રહેલી ડાયરીમાં ઘરનો ફોન નંબર એમને મળી ગયો. એટલે એમને જાણ કરી અને અમે તરત દોડી આવ્યા." 
મમ્મીનો જવાબ સાંભળી ત્યાં બનેલી ઘટનાના વિચારોમાં મારુ મન પહોંચી ગયું. અજયથી છૂટા પડીને જ હું રોડક્રોસ કરવા ગઈ હતી. એને પણ મારો અકસ્માત જોયો હશે. તો એ મને લઈને કેમ ના આવ્યો ? એને તો મારી હોસ્ટેલ અને કોલેજ બંને જોયા હતા. મારા ઘરનો ફોન નંબર પણ એની પાસે હતો. તો એ પણ ફોન કરી શકતો હતો. પણ હવે મને બરાબર સમજાઈ ગયું હતું કે અજય માત્ર મારી સાથે રમત જ રમતો હતો. માનવતાની દૃષ્ટિએ પણ એને મારી મદદ કરવાનું ના વિચાર્યું. ગુસ્સો આવતો હતો અજય ઉપર. પણ હવે મારા ગુસ્સાનો કોઈ ફાયદો નહોતો. ના આ વાત કોઈને જણાવી શકું એમ હતી. જો આ વાત કોઈને જણાવું તો બદનામી મારી જ થાય, વાંક મારો જ નીકળે અને મમ્મી પપ્પા પણ મારા વિશે ખોટી ધારણાઓ બાંધી લેતા. એમને તો મને મુંબઈ ભણવા માટે મોકલી હતી. પણ હું ખોટા રસ્તે ચાલી ગઈ હતી. મારા ઉપર મારા મમ્મી પપ્પાએ રાખેલો વિશ્વાસ તૂટી જશે એ ડરથી એ વાતની જાણ મારે એમને નહોતી કરવી. માટે અજય સાથે બનેલી ઘટનાને મારે દિલમાં જ દબાવી રાખવાની હતી.
મમ્મીએ મને જ્યુસ પીવડાવ્યું. અને આરામ કરવાનું કહ્યું. બપોરે શોભના અને મેઘના પણ આવી ગયા. એ લોકો મારી પાસે બેઠા. અમે લોકો શાંતિથી વાતો કરી શકીએ એના માટે મમ્મી પપ્પા પણ બહાર જઈને બેસી ગયા. 
શોભનાએ આ કેવી રીતે બન્યું એ જાણવા મને પ્રશ્ન કર્યો. પણ જવાબ મેં ખોટો આપ્યો. કૉલેજથી છૂટી અને બગીચામાં ફરવા માટે ગઈ હતી. ત્યાં રોડ ક્રોસ કરતાં આ બનાવ બન્યો એમ જણાવી દીધું. એ પણ સાચું માની બેઠી. એ લોકોને પણ હવે સાચું કહેવાનો કોઈ મતલબ નહોતો. મોડા સુધી અમે ત્રણ રૂમમાં બેઠા. એમની સાથે વાતોમાં હું ભૂલી જ ગઈ કે હવે મારે પગ નથી રહ્યાં. જ્યારે મેઘનાએ પૂછ્યું :
"હવે આગળ શું કરવાનું વિચાર્યું છે ?
ત્યારે હૈયામાંથી શબ્દો બહાર આવવાના જ હતાં કે "સાજી થઈને કૉલેજ આવીશ." પણ અચાનક મને યાદ આવ્યું કે "મારા પગ હવે રહ્યાં નથી. હું હવે કૉલેજ જઈ શકું એમ નથી." મારા શબ્દો જીભ ઉપર જ રોકાઈ ગયા અને આંખો બોલી ઉઠી. મેઘના અને શોભના બન્ને સમજી ગયા. મેઘના મને ભેટી પડી. શોભના અને મેઘનાની આંખો પણ છલકાઈ ઉઠી. શોભનાએ મને હિંમત આપી. 
મોડા સુધી એ બંને મારી સાથે જ બેસી રહ્યાં. સાંજ થતાં એ પણ હોસ્ટેલ જવા માટે નીકળ્યા. એ લોકોના ગયા બાદ મમ્મી મારી પાસે આવીને બેસી ગઈ. પપ્પા પણ રૂમમાં આવી બેઠા. પરિસ્થિતિને મેં હવે સ્વીકારી લીધી હતી. આંખોમાં આંસુ પણ હવે લાવવા નહોતી માંગતી. મારા આંસુઓથી મારા મમ્મી પપ્પાને જ તકલીફ થતી હતી. એ પણ મારી સાથે રડવા લાગતા. જેના કારણે મેં હવે રડવાનું નહિ. એમ મનોમન નક્કી કરી લીધું. 
રાત્રે વિચારોમાં મન ઘેરાવવા લાગ્યું. મેઘનાએ પુછેલો પ્રશ્ન "હવે આગળ શું કરવાનું વિચાર્યું ?" એજ પ્રશ્ન હું હવે મારી જાતને પૂછવા લાગી. મોટા મોટા સપનાં લઈને હું મુંબઈ આવી હતી. પણ આજે મારા બધા જ સપના રોળાઈ ગયા. મારુ ભવિષ્ય, મારી કારકિર્દી બધું જ જાણે ચકનાચૂર થઈ ગયું. ક્ષણવાર તો એમ પણ થઈ ગયું કે "આ અકસ્માતમાં હું બચી જ ના હોત તો સારું હતું. પણ નિયતિને કોણ રોકી શકવાનું ? હજુ મારે જીવવાનું હતું, હજુ વધુ તકલીફો સહન કરવાની હતી, હવે તો હું પહેલાની જેમ ચાલી પણ નહીં શકું, મમ્મી પપ્પા ઉપર બોઝ બનીને મારે જીવવાનું હતું."  પણ એ રાત્રે મેં એટલું તો નક્કી કરી લીધું કે "હવે આગળ ભણવું નથી. મુંબઈને હંમેશને માટે છોડીને ચાલ્યા જવું છે. જે શહેરે મારુ બધું જ છીનવી લીધું એ શહેરમાં હું હવે રહેવા નહોતી માંગતી. ના હવે ફરી ક્યારે આ શહેરમાં પાછી આવીશ."
 શોભના અને મેઘના બીજા દિવસે પણ હોસ્પિટલ આવ્યા. એમની સાથે બેસી મને પણ સારું લાગ્યું. એ લોકોને પણ હવે મુંબઈને હંમેશને માટે છોડી રહી છું એવા મારા નિર્ણયને જણાવી દીધો.  
બે દિવસ પછી રવિવાર હતો. હોસ્પિટલમાંથી મને રજા મળી ગઈ. પપ્પાએ ગાડી પણ ભાડે કરી લીધી. હોસ્પિટલથી નીકળી હોસ્ટેલ મારો સમાન લેવા માટે ગાડી પહોંચી. હોસ્ટેલની બધી જ છોકરીઓ મને મળવા માટે નીચે આવી. મારી સામે જોતાં દરેક છોકરીના આંખોમાં આંસુ હતાં. હું પણ આ જગ્યાને કાયમ માટે છોડી રહી હોવાના કારણે મારી આંખો પણ ભીની થઇ ગઇ. વ્હીલચેરમાં મને હોસ્ટેલના કમ્પાઉન્ડમાં બેસાડવામાં આવી. શોભના અને મેઘના મારો સમાન ઉપરથી નીચે લાવી રહ્યાં હતાં. મારી આગળ સમાન મૂકીને :
 "કાવ્યા, જોઈ લે તારો બધો સામાન આવી ગયો ને ? કંઈ બાકી તો નથી રહી જતું ને ?" 
એવો પ્રશ્ન મેઘનાએ પૂછ્યો. એ સામાનમાં મારી ડાયરીને જોઈને જ મેં જવાબ આપ્યો : 
"હા, બધું જ આવી ગયું."
આ બધા જ સામાનમાં મારી ડાયરી જ મારું સર્વસ્વ હતી. મારી યાદો, મારુ દુઃખ, મારી પીડા, મારી ઈચ્છાઓ અને ખાસ મેં કરેલી બધી જ ભૂલો. આ ડાયરીના પાનામાં કેદ હતી.
મારી નજર નીચેથી મારા રૂમને જોવા લાગી. રેક્ટર મેડમે પણ મને હિંમત આપતી વાતો કરી. બધાએ મને પોતાનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું. મારો બધો જ સમાન ગાડીમાં ગોઠવાઈ ગયો. શોભના અને મેઘનાએ ફોન કરી વાત કરતાં રહીશું સને ક્યારેક મળવા પણ આવીશું એવી હૈયા ધારણા આપી. શોભના અને મેઘના મને વળગીને ખૂબ રડ્યા. સુસ્મિતાના ગયા બાદ અમે ત્રણ જ રૂમમાં હતાં. આજે હું પણ જઈ રહી હતી. જેના કારણે એ બન્ને હવે એકલા થઈ જવાના હતાં. પહેલા દિવસે જ્યારે હું હોસ્ટેલમાં આવી ત્યારે કોઈનાથી પરિચિત નહોતી. આજે આખી હોસ્ટેલ મને ઓળખી રહી હતી. અહીંની દીવાલો પણ મને આજે વિદાય આપવા રડી રહી હતી. ઘણી યાદો આ જગ્યા ઉપર મૂકીને હું મારા શહેરમાં પાછી જવા માટે નીકળી. જતાં જતાં મારી નજર હોસ્ટેલની અગાશી ઉપર પહોંચી. અગાશીની પાળી ઉપર બેસી સુસ્મિતા મને આવજો કહી રહી હોય એમ દેખાવવા લાગ્યું. મારો હાથ પણ એ તરફ આવજોનો ઈશારો કરવા લાગ્યો. મમ્મીએ એ તરફ જોયું. ત્યાં કોઈ નહોતું. મારી સામે જોયું પણ મારી નજર અગાશી ઉપર મને દેખાતી સુસ્મિતા તરફ જ હતી. ગાડી હોસ્ટેલના ગેટની બહાર નીકળી ગઈ. મમ્મીએ મારુ માથું તેના ખભા ઉપર મૂકી દીધું. અને માથે હાથ ફેરવવા લાગી. 
મુંબઈના પરિચિત રસ્તાઓ ઉપરથી આજે અપિરિચિત થઈને હું જઈ રહી હતી. આ શહેર સાથે ઘણી યાદો જોડાયેલી હતી. જ્યારે પહેલીવાર આ શહેરમાં આજ રસ્તાઓ ઊપરથી આવી રહી હતી ત્યારે આંખોમાં સપના હતાં, કઈક કરવાનો ઉમંગ હતો, એક જુદી જ ચમક હતી. પણ આજે જ્યારે હું પાછી જઈ રહી છું ત્યારે આ શહેરમાં આવ્યાનો અફસોસ મનમાં હતો, મારા તૂટેલા સપનાઓ મારી આંખમાં ખૂંચી રહ્યાં હતાં, મારી આશાઓ ધૂળની ઊડતી ડમરીઓમાં વિખેરાઈ રહી હતી. આ શહેરે મને કંઈ ના આપ્યું. પણ આ શહેરને હું મારા પગનું બલિદાન આપી પાછી ફરી રહી હતી.

(શું પોતાના પગ વગર પોતાના જીવનમાં કાવ્યા હવે કેવી રીતે આગળ વધી શકશે ? શું અજય ફરી ક્યારેય કાવ્યાને મળશે ? શું કાવ્યા પોતાના જીવનથી હારી જશે ? જાણવા માટે વાંચતા રહો "હેશટેગ લવ"ના રોમાંચક પ્રકરણો)

લે. નીરવ પટેલ "શ્યામ"