આરતી અને અવિનાશ એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. બન્નેનો હોદ્દો પણ એક જ સરખો હતો. અવિનાશ શરૂઆતમાં કંપનીમાં આવ્યો ત્યારે જ આરતી અને અવિનાશમાં મૈત્રી થઇ હતી. એકબીજાની દરેક કામમાં અવિનાશ અને આરતી મદદ કરતા. સાથે મૂવીઝ જોવી, હરવા ફરવા જવું, એકબીજા સાથે સતત ચેટિંગ કરવું વગેરે-વગેરે. આરતીને અવિનાશ મનોમન ગમવા લાગ્યો હતો પણ એ અવિનાશને કહી ન સકતી. અવિનાશના મનમાં પણ એવી જ ફીલિંગ્સ હતી. જેમ જેમ મહિનાઓ પસાર થતા ગયા એમ એમ અવિનાશ અને આરતી એકબીજાની નજીક આવતા ગયા.
ક્યારેય કોઈપણ પ્રકારની તકરારને આ બન્ને વચ્ચે સ્થાન મળ્યું ન હતું. હમેશા એકબીજાનો દરેક પરિસ્થિતિમાં સાથ આપવો અને હમેશા સાથે રેહવું એવો સંકલ્પ શબ્દોમાં તો નહીં પણ મનથી એકબીજા એ કરી લીધો હતો. અવિનાશનું આરતી પ્રત્યેનું આકર્ષણ થોડું વધારે હતું. જયારે આરતીને અવિનાશ ગમતો એની સાથે રહેવું ગમતું પણ એના સપનાઓ એની ઈચ્છાઓનું ધોરણ ઘણું ઊંચું હતું. એક દિવસ અવિનાશ અને આરતી બેઠા હતા. એમની મૈત્રીને એ સમયે લગભગ છ-સાત મહિના થયા હશે.
"અવિનાશ મારુ એક કામ કરીશ?"
"લે... આવી ફોર્માલિટી કેમ કરે છે? ડાયરેક્ટ કેને જે હોય ઈ.."
"આપણો ટીમ હેડ છે ને વિરાટ...? એની સાથે મારે ફ્રેન્ડશીપ કરવી છે..."
"હા તો કરી લે, એનો નંબર તો છે તારી પાસે..."
"એમ નઈ.. તું એની સાથે વાત કર અને એને કહે કે આરતી તારામાં ઈન્ટરેસ્ટેડ છે..."
"પણ તારે આવું કેમ કરવું છે? તું જાતેજ એને કહી દે તો શું ફેર પડે?"
"એમાં ના મજા આવે પછી એ ભાવ ખાય. અને છોકરી સામેથી ના કે છોકરાને કહેવું જોઈએ.."
"આરતી જો મારા એટલા સારા કોન્ટેક્ટ નથી એની સાથે તું જાણે જ છે. તેમ છતાં હું એકવાર કોશિસ કરીને જોઇશ.. પણ મને એતો કે તને એનો કોન્ટેક્ટ કેમ કરવો છે?"
"તું ખોટું ના લગાડતો તો'જ કહું.."
"હા હવે કેને.. તારી કઈ વાતનું મેં આજ દી સુધી ખોટું લગાડ્યું છે..."
"એ મને ગમે છે... અને જો હા પાડે તો મારે એની સાથે લગ્ન પણ કરવા છે..."
"ઓહ... એવું એમ.. તું તો બહુ છુપી રૂસ્તમ નીકળી... મને કહ્યું પણ નહીં? "
"હા મને એ ઘણા સમયથી ગમે છે.."
"પણ એને તો તને બહુ રડાવી છે. તને કામ માટે થઈને બહુ હેરાન કરી છે. તેમ છતાં તને એ ગમવા લાગ્યો?"
"હા એ મને હેરાન કરે, રડાવે તો પણ એ જ મને ગમે છે. હવે તું ઝાઝા સવાલો ના કર અને જલ્દી મારુ કામ કરજે..."
"હા ઓકે.. ચાલ હવે ૮:૦૦ વાગી ગયા છે. ઘરે જઇયે?"
"હા ઓકે.. કાલે મળીએ.. મારુ કામ ના ભુલતો.."
"હા હવે.. નઈ ભૂલું ચાલ સીયુ.. ટેક્કેર..."
આરતી અને અવિનાશ પોતપોતાના ઘરે ગયા. આરતીની આ વાત અવિનાશને થોડી અજીબ લાગી. જે વ્યક્તિએ એને છેલ્લા છ-સાત મહિનામાં ખુબ જ હેરાન કરી એ જ વ્યક્તિ પ્રત્યે એને આટલી લાગણી આટલો પ્રેમ કઇ રીતે ઉભરાઈ શકે. અવિનાશ જે આરતીની દરેક કામમાં મદદ કરે, હમેશા એની સાથે ઉભો રહે, ક્યારેય એને ઉદાસ ન થવા દે તેમ છતાં એને વિરાટની મૈત્રી અને જીવનસાથી ના સ્વરૂપે પણ એજ જોઇયે આવું કઈ રીતે બની શકે. અવિનાશ એ આ વાત વિશે ખુબ જ વિચાર્યું. પણ અંતે એટલી સભાનતા ન દાખવી.
જેમ જેમ દિવસો વીતતા ગયા એમ એમ આરતી અવિનાશ ને આ વિષય પર સવાલો કરતી ગઈ. પણ અવિનાશ એને કંઇક ને કંઇક બહાના બતાવીને અવગણી દેતો. આરતી જે ક્યારેય અવિનાશ પર ગુસ્સો ન કરતી એ આ વાતને લીધે અવિનાશ પર રોજ ગુસ્સો કરવા લાગી. અવિનાશ તેમ છતાં એને નકારીને સંબંધ સાચવવાની કોશિસ જ કરતો.
એક મહિના સુધી અવિનાશ એ વિરાટ સાથે ફ્રેન્ડશીપ કરવા માટે કઈ ન કર્યું એટલે આરતી એ અવિનાશ ને મળી ને વાત કરી.
"તને આટલા દિવસથી એક કામ આપ્યું છે. તું મારુ કઈ કામ જ કરવા તૈયાર નથી..."
"આરતી એવું નથી પણ તું જાણે છે મારી ટ્યુનિંગ એની સાથે નથી જામતી અને એ મારો મિત્ર પણ નથી.. કઈ રીતે કહું તું જ કે..."
"તારા થી કઈ નઈ થાય.. હવે હું જ કૈક કરીશ.."
"તું આમ ગુસ્સો ના કર.."
"ગુસ્સો ના કરું તો શું કરું.. તું મારુ આટલું પણ કામ નઈ કરતો.."
"આરતી આપણે ઘણા સમયથી સાથે છીયે તું જાણે જ છે કે હું હંમેશા તારી સાથે ઉભો રહું છું ને દરેક કામમાં મદદ કરું છું. પણ આ કામ થોડું વિચિત્ર છે એટલે યાર..."
"સારું વાંધો નહિ જે હોય તે... મારે હવે આ વિશે કંઇજ વાત નથી કરવી.."
"હા ઓકે.. તો આપણે બીજી કોઈ વાત કરીયે.."
"ના મારે.. કંઇજ વાત નથી કરવી.. મારો મૂડ ખરાબ છે. ચાલ ઘરે જઇયે..."
"આ કોઈ પરિસ્થિતિનું સમાધાન છે? ઘરે જઈશ તો એકલા એકલા મૂડ વધુ ખરાબ થશે..."
"એ જે હોય તે.. હું જાઉં છું ... બાય..."
આરતી ગુસ્સા સાથે ઉભી થઈને ચાલતી થઇ ગઈ. અવિનાશ ત્યાં જ બેઠા બેઠા વિચારતો રહ્યો કે શું થઇ રહ્યું છે એની સાથે. અચાનક આરતીમાં આટલો બદલાવ ક્યાંથી આવી ગયો. શું આ આકર્ષણ વિરાટના હોદ્દાનું હશે? શું એને સાચે વિરાટ માં આટલો ઇન્ટરેસ્ટ હશે? એ જ વિચારો સાથે એ પણ પોતાના ઘરે પાછો ફર્યો.
આરતીનું વર્તન હવે ઘણું બદલાઈ ગયું હતું. આરતી હવે ચેટિંગ પણ ઓછું કરતી. ઓનલાઇન હોય તો પણ મેસેજનો જલ્દી જવાબ ન આપતી. એમ જ કહો કે એ અવિનાશ ને હવે ઇગ્નોર જ કરી રહી હતી. ક્યારેક કામ હોય જ્યાં આરતી એકલી ન જઇ શકે તો જ એ અવિનાશ ની મદદ માંગતી. લગભગ આમજ પંદર દિવસ ચાલ્યું અને એ પછી આરતીનો મેસેજ આવ્યો.
"ઓય... શું કરે છે...?"
"હાય.. આરતી.. કઈ નઈ બસ બેઠો છું બોલ..."
"એક ગુડ ન્યુઝ છે..."
"શું?"
"વિરાટની ને મારી ફ્રેન્ડશીપ થઇ ગઈ..."
"અરે.. વાહ.. કોન્ગો..."
"અમે આજે સાંજે સાથે ડીનર કરવા જવાના છીયે.."
"ઓય હોય.. જોરદાર બાકી... બહુ ફાસ્ટ તૂતો.."
"સારું ચાલ હવે મારે તૈયાર થવાનું છે. પછી વાત કરીશ... બાય.."
"હા ઓકે.. મને પિક્સ બતાવજે... કેવી તૈયાર થઇ એના.."
"હા ઓકે.."
અવિનાશ અને આરતી એકબીજાના સારા મિત્રો હતા. પણ ન જાણે કેમ અવિનાશ ને આ વાત સાંભળીને આઘાત લાગ્યો. એના ચહેરા પરનું સ્મિત જાણે ક્યાંક ખોવાઈ જ ગયું. જાણે એની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હોય એમ એ લમણે હાથ દઈને બેઠો. થોડા જ સમયમાં આરતીનો મેસેજ આવ્યો.
એને બ્લુ કેપરી, બ્લેક ટીશર્ટ અને ખુલ્લા વાળ રાખીને પોતાનો ફોટો અવિનાશ ને મોકલ્યો હતો. આરતી આજે રોજ કરતા વધુ સુંદર લાગી રહી હતી. એના ચહેરા પર આજે કંઇક અલગ જ ચમક હતી. અવિનાશ એ પણ જવાબમાં સુંદર, બ્યુટીફૂલ, ગોરજીએસ જેવી તારીફોના પુલ બાંધી દીધા. પણ અવિનાશનું મન ખુબ જ બેચેની અનુભવી રહ્યું હતું.
રાત્રે એક વાગ્યે અવિનાશ મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો ત્યાં આરતીનો મેસેજ આવ્યો.
"હાય... હું આવી ગઈ..."
"ઓહો.. કેવી રહી ફર્સ્ટ મીટીંગ?"
"બહુ જ મસ્ત... હું જેવો વિચારતી હતી એટલો ખડુશ છે નઈ એ.."
"એવું.. તો તો સારું કેહવાય..."
"હા.. એને બધી વાત કરી મને. એના ફેમેલી વિશે. એના ફ્યુચર પ્લાન વિશે.."
"ઓહો નાઇસ.. તો તે એને પૂછ્યું લગ્ન વિશે?"
"ના ના.. હજી તો ફર્સ્ટ મીટીંગ થઇ , થોડો ટાઈમ જવા દે પછી પૂછી લઈશ.."
"હા ઓકે.. હવે તો તારે જલ્સા , કામમાં તને એ એક જ હેરાન કરતો હતો હવે તો નઈ કરે કોઈ તને..."
"હમમમ.. હવે તો હું એને કઈશ મને મજા આવે એવા જ ટાસ્ક લઈશ અને ઇંક્રીમેન્ટ ટાઈમ એ પણ વધારે જ પૈસા માંગીશ.."
"હે હે હે.. જલ્સા બોસ.."
"ચાલ હવે હું શુઈ જાઉં બહુ થાકી ગઈ છું..."
"હા ઓકે ડિયર ગુડ નાઈટ.."
"ગુડ નાઈટ..."
અવિનાશનું મન દો ધારી તલવારની જેમ ચાલી રહ્યું હતું. અંદર એવો ડર કોરી ખાતો હતો કેે જે એની આટલી સારી ફ્રેન્ડ છે એ હવે એની સાથે રહેશે કે નહિ? હવે એની સાથે હરવા ફરવા આવશે કે નહિ? રોજની જેમ વાતો કરશે કે નહિ? જયારે આરતી નવા બનેલા ફ્રેન્ડ સાથે ખુશ હતી.
અવિનાશનો ડર વાસ્તવિકતા પામવા લાગ્યો. હવે આરતી અવિનાશ સાથે હરવા ફરવા ઓછું જતી. પોતાના કામ માટે જયારે એને જરૂર હોય તો જ અવિનાશ ને ફોન કરીને બોલાવતી. ચેટિંગ પણ એ સતત વિરાટ સાથે જ કરતી. અવિનાશ મળવાનું કહે તો પણ એ કહી દેતી કે વિરાટ સાથે જવાનું છે. અવિનાશ ની એ એક ફ્રેન્ડ જ હતી. અવિનાશનું મન હવે આરતી વગર માનતું ન હતું. એમ કહીયે કે અવિનાશ ને મન એક સટ્રોન્ગ બોન્ડિંગ હતી તો પણ ચાલે. આરતીનું આવું વર્તન હોવા છતાં અવિનાશ એને ક્યારેય કોઈ કામની ના ન કહેતો.
થોડા દિવસો પછી રવિવારે બપોરે આરતીનો મેસેજ આવ્યો.
"હેલો.. શું કરે છે?"
"હાય આરતી આજે ઘણા દિવસે યાદ કર્યો..."
"હા હમણાંથી થોડી બીઝી રહું છું.."
"હમ્મ એતો દેખાય જ છે.."
"એક વાત કહેવી તી તને.."
"હા બોલને ડિયર..."
"કાલે હું ને વિરાટ જમવા ગયા હતા. પછી વિરાટ એ મને કહ્યું ચાલો લોન્ગ ડ્રાઇવ પર જઇયે.. તો મેં હા પાડી.."
"કાર લઈને ગયા હતા?"
"ના ના એનું બાઇક હતું.."
"આવી ઠંડીમાં?"
"હા.. અમે બે-બે જેકેટ.. પહેર્યા હતા.."
"ઓકે... પછી?"
"અમે લગભગ ૭૦-૮૦ કિ.મિ. જેટલે દૂર ગયા ત્યાં એક જંગલ જેવું હતું. ત્યાં વિરાટ એ બાઇક રાખી.."
"ઓહ.. પછી?"
"એ મને પૂછતો હતો કે સુમસાન જંગલ, આટલી રાત્રે એક છોકરી ને એક છોકરો તને ડર નથી લાગતો..."
"તો તે શું કહ્યું?"
"મેં કહ્યું ના વિરાટ તું તો મારો ફ્રેન્ડ છે તારાથી શું ડરવું..."
"હમ્મ પછી?"
"પછી ત્યાં અમે બેઠા ને એને મોબાઇલમાં રઈશ મુવી ચાલુ કર્યું.. અમે એ જોતા તા.."
"ઓહહ.. "
"મુવી જોતા જોતા અચાનક એને મારા નેક પાસે એક કિસ કરી. હું થોડી ડરી ગઈ..."
"હે... પછી તે શું કર્યું?"
"કઈ નઈ પછી મેં એને કહ્યું ચાલ વિરાટ ઘરે જઇયે... મને મોડું થાય છે..."
"હમ્મ તો એ શું બોલ્યો?"
"એને કહ્યું કે એકાદ કલાક પછી જઇયે પણ મેં જીદ કરી તો એને બાઇક સ્ટાર્ટ કરીને અમે ઘરે આવી ગયા..."
"ઓકે.. એટલે આજે લેટ જાગી નઈ.."
"હા અમે સવારે વહેલા ૪:૦૦ વાગે જ ઘરે આવ્યા હતા. પણ મને એમ થાય કે વિરાટ આટલું ફાસ્ટ કેમ જાય છે?"
"જો આરતી ખોટું ન લગાડતી. પણ બધા છોકરાઓ સરખા ન હોય. તને ખબર જ છે કે આ ઉંમરમાં કન્ટ્રોલ ન રહે. તું થોડું સંભાળજે એનાથી..."
"હા એતો હવે ટ્રાય કરીશ.."
"અને હા એ તને ઓફર કરે કે સહવાસ વિશે આગળ વધતો લાગે તો રોકી દેજે. કેમ કે જો એ તારી સાથે લગ્ન કરવાનો હોય તો ઠીક છે. બાકી તારું જીવન ખરાબ થશે.."
"હા, મેં એને પૂછ્યું તો એ કે છે કે એનું પરિવાર નઈ માને.."
"તો પછી અડધી રાત્રે એની સાથે જવાનું બંધ કરી દે.. આ રીતે તારી સેફટી દાવ પર છે... અને તું મને કહી ને પણ નથી જતી.. આજે જઈને આવ્યા પછી કહે છે.."
"હા, હું ટ્રાય કરીશ.. પણ એ નારાજ થઇ જાય ને મારી ફ્રેન્ડશીપ તોડી નાખે તો?"
"તને તારી ઈજ્જત વ્હાલી છે કે ફ્રેન્ડશીપ?"
"છે તો ઈજ્જત પણ અવિનાશ તું જાણે છે. મારે હવે પગાર વધારો સારો જોઈએ. કામ પણ એવું જોઈએ કે જે મને આરામથી કરતા ફાવે અને પ્રમોશન પણ મળે. જે વિરાટના જ હાથમાં છે."
"જો હું તારો ફ્રેન્ડ છું અને લાગણી છે એટલે જ સાચી સલાહ આપીશ કે પૈસા ને પોઝિશન તો કાબિલિયત હશે તો મળી જશે. તું ટેલેન્ટેડ તો છે જ. આજે નઈ તો બે વર્ષ પછી તારી કાબિલિયત પર મળી જશે. પણ ફાસ્ટ ગ્રોથમાં તું તારી જિંદગી ગુમાવી બેસીસ.."
"હા અવિનાશ હું આ બાબતે વિચાર કરીશ..."
"હા અને કઈ પણ મદદની જરૂર જણાય તો મને કહેજે..."
"હા ચોક્ક્સ.. ચાલ હવે મારે કામ છે બાય"
આરતીની આ વાત સાંભળી અવિનાશની ચિંતા વધવા લાગી. આટલી સમજદાર છોકરી પ્રમોશનના ચક્કરમાં કેમ આટલું ચલાવી લે છે. સમય વીતતો ગયો પણ આરતી વિરાટના સંપર્કમાં જ હતી. ક્યારેક બાઇક તો ક્યારેક ફોર વ્હીલરમાં બને સો-સો કિલોમીટર સુધી લોન્ગ ડ્રાઇવ પર જતા. આરતી થોડી સભાન હતી પણ એક લાલસા માણસને આંધળો બનાવી જ દે. વિરાટ અને આરતીની મૈત્રી ગાઢ બની ને બંને એક બીજા સાથે ખુબ મસ્તી પણ કરતા. પણ આરતીને અવિનાશ હમેશા સલાહ આપતો કે એક બાઉન્ડ્રી રાખજે જે વિરાટ ક્યારેય ન ઓળંગી શકે. આરતી આ વાતનું ધ્યાન રાખતી.
આમ કરતા કરતા છ મહિના નીકળી ગયા. જે કંપનીમાં આરતી અને અવિનાશ કામ કરતા હતા એ કંપનીના ડિરેક્ટર , મેનેજર બદલાઈ ગયા. નવા આવેલા ડિરેક્ટર એ પ્રમોશન , ઇંક્રીમેન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટની પદ્ધતિઓ બદલી દીધી. વિરાટ જેવા ટીમ હેડના હાથમાં રહેલી ઇંક્રીમેન્ટ અને પ્રમોશનની સત્તાઓ છીનવી લીધી. હવે પ્રમોશન કે પગારવધારા માટે ત્રણ થી ચાર ઇન્ટરીયું અને ઘણા લોકોના ફીડબેક લેવાતા. આ પુરી પ્રક્રિયાના અંતે આરતી ને અવિનાશ કરતા ઓછો પગારવધારો મળ્યો અને પ્રમોશન પણ ન મળ્યું. વિરાટ ને આરતી એ આજીજી કરી પણ વિરાટ એ હાથ ઊંચા કરી લીધા. આરતી ને સમજાઈ ગયું કે કાબિલિયતથી જ કંઇક મળશે કોઈના પર નિર્ભર રહેવું એ હારની જ નિશાની છે.
આરતી એ અવિનાશને કહીને તો નહિ પણ અંતરમન થી આભાર માન્યો કે જો અવિનાશ એ આરતીને સચેત ન કરી હોત તો કદાચ એ વિરાટની સાથે શરીર સંબંધ બાંધી ચુકી હોત અને પ્રમોશન પણ ન મળ્યું હોત.
આ ઘટના પછી આરતી એ વિરાટ અને અવિનાશ બન્નેનો સંપર્ક રાખ્યો. પણ હવે એ કોઈ લોભમાં પડી વિરાટ સાથે નાઈટ આઉટ કરવા તૈયાર ન હતી. અવિનાશ પર વિરાટ ને લીધે જે ગુસ્સો કરતી હતી એ પણ દૂર થયો ને પહેલાની જેમ જ અવિનાશ ને પણ એ સમય આપવા લાગી. અવિનાશ પણ આરતીનું આ વર્તન જોઈને ખુશ થયો ને ફરીથી બંનેની મૈત્રીમાં નવી કૂંપળો ફૂટે એમ પ્રેમ ફૂટવા લાગ્યો.
"સક્સેસ કે પીછે મત ભાગો.. કાબિલ બનો કાબિલ..
કામયાબી તો સાલી ઝખમાર કે પીછે આયેગી.."
અસ્તુ..
---
✍ આપનો પ્રિય
ઈરફાન જુણેજા
૩૦/૦૬/૨૦૧૮