Bhedi Tapu - Khand - 3 - 17 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 17

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(17)

વચન આપો

દિવસ ઊગી ગયો હતો. પણ સૂર્યનાં કિરણો આ ગુફામાં પ્રવેશી શકે એમ ન હતાં. ભરતીને કારણે પ્રવેશદ્વાર બંધ થઈ ગયું હતું. પણ વીજળીના પ્રકાશથી દિવસ જેવું જ અજવાળું ચારે તરફ પડતું હતું.

કપ્તાન નેમો ખૂબ થાકી ગયો હતો. તે પલંગ પર સૂતો હતો. તેને ગ્રેનાઈટ હાઉસમાં લઈ જવાનો કોઈ અર્થ ન હતો. કારણ કે તે પોતાની સબમરીન છોડવા ઈચ્છતો ન હતો. મૃત્યુ તેના તરફ ઉતાવળે પગલે આવી રહ્યું હતું. તે બેભાન થઈ ગયો હતો. હાર્ડિંગ અને સ્પિલેટે આ મરતા માણસની તબિયત તપાસી. તેના મોઢા પરનું તેજ ઓછું થઈ ગયું હતુ. તેની શક્તિ ઘટતી જતી હતી. તેનો જીવ હવે હ્લદયમાં અને કપાળમાં જ રહ્યો હતો.

આ મરતા માણસને કંઈ મદદ કરી શકાય? તેના જીવનને થોડા દિવસ માટે લંબાવી શકાય? ઈજનેર અને સ્પિલેટે અંદરોઅંદર વિચારણા કરી, કપ્તાન નેમો જરાય ભય વિના મૃત્યુની પ્રતીક્ષા કરતો હતો.

“તેનું મરવાનું કારણ શું છે?” ખલાસીએ પૂછ્યું.

“કારણ કંઈ નથી.” સ્પિલેટે જવાબ આપ્યો. “તેની અવસ્થા પૂરી થઈ છે.”

“પણ આ ગુફામાંથી આપણે તેને બહાર લઈ જઈએ.” ખલાસી બોલ્યો. “એનાથી કદાચ ફેર પડે.”

“ના પેનક્રોફ્ટ.” ઈજનેરે જવાબ આપ્યો. “કપ્તાન નેમો સબમરીન છોડવા રાજી નહીં થાય! તે સબમરીનમાં દસ વર્ષ જીવ્યો છે અને સબમરીનમાં જ મરવાનું પસંદ કરશે!”

કપ્તાન નેમો હાર્ડિંગના આ શબ્દો સાંભળી ગયો હશે. તેણે ધીમે અવાજે કહ્યું...

“તમારી વાત સાચી છે. હું અહીં જ મરવા માગું છું. એવી મારી અંતરની ઈચ્છા છે. મારી એક વિનંતી છે તમે એમ માનતા હો કે મેં તમારા ઉપર કંઈ ઉપકાર કર્યો છે, તો મારી આ છેલ્લી માગણી સ્વીકારી લેજો.”

“કપ્તાન નેમો!” હાર્ડિંગે જવાબ આપ્યો. “અમારી જિંદગીને ભોગે પણ અમે તમારું વચન પાળીશું.”

“વચન આપો છો.” નેમો એ પૂછ્યું.

“અમે વચન આપીએ છીએ.” હાર્ડિંગે જવાબ આપ્યો.

“આવતી કાલે હું મૃત્યુ પામીશ, અને હું ઈચ્છું છું કે ‘નોટિલસ’ મારી કબર બને. મારા સાથીઓ સાગરને તળિયે સૂતા છે. મને તથા મારી આ સબમરીનને સાથે જ સાગરને તળિયે ઉતારી દેજો.”

બધાએ શાંતિથી આ શબ્દો સાંભળ્યા! કપ્તાન નેમો આગળ બોલ્યોઃ

‘નોટિલસ’ આ ગુફામાં કેદ થઈ ગઈ છે. આવતી કાલે મારા મૃત્યુ પછી તમે અને તમારા સાથીઓ ‘નોટિલસ’ ને છોડી જ્જો, અંદર રહેલો બધો ખજાનો મારી સાથે નાશ પામે એમ કરજો. ફક્ત એક ભેટ રાજકુમાર તરીકે તમને અને તમારા સાથીઓને જતાં જતાં આપું છું. અને તે છે બા દાબડો!”

કપ્તાન નેમોએ એક દાબડો બધાને બતાવ્યો. બધા આશ્વર્યથી જોઈ રહ્યાં.

“આ દાબડામાં કરોડો રૂપિયાનાં રત્નો છે. એ મેં અને મારા સાથીઓએ ભેગાં કર્યાં હતાં. તમારા જેવા લાયક માણસોના હાથમાં આ ધન જોખમરૂપ નહીં બને. આવતી કાલે તમે આ દાબડો લઈને સબમરીનમાંથી બહાર નીકળી જ્જો. બહાર નીકળીને હોડીમાં બેઠા પછી, અહીંથી જતાં પહેલાં સબમરીનના આગળના ભાગમાં બે નળની ચકલી છે તે ઉઘાડી નાખજો. તેથી બધું પાણી સબમરીનમાં ભરાશે. પછી મારી પ્રિય સબમરીન અને હું સાગરને તળિયે મારા મૃત્યુ પામેલા સાથીઓની સાથે જળસમાધિ લઈશું.”

“પણ--” હાર્ડંગ કંઈક બોલવા જતો હતો.

“ગભરાવાની જરૂર નથી! આવતી કાલે અહીં મારું મડદું જ પડ્યું હશે. તમે વચન આપો છો, સજ્જનો?”

“અમે વચન આપીએ છીએ, કપ્તાન નમો!” હાર્ડિંગે જવાબ આપ્યો.

નેમોએ હાથની નિશાનીથી આભાર માન્યો, અને બધાને થોડા કલાક બહાર જવાનું કહ્યું. સ્પિલેટે આ મરતા માણસ પાસે રહેવાની ઈચ્છા દર્શાવી પણ નેમોએ મનાઈ કરી, અને કહ્યું.

“હું આવતી કાલ સુધી ચોક્કસ જીવીશ!”

બધા નેમાના ખંડની બહાર આવ્યા. તેઓ આ અદ્દ્ભૂત સબમરીનને અને તેના જુદાં જુદાં યંત્રોને અંદર ફરીને જોવા લાગ્યા. સબમરીનની અદ્દભૂતતાથી હાર્ડિંગ પણ આશ્વર્યચકિત થઈ ગયો. થોડી વાર તેઓ શાંત રહ્યાં. તેઓ બધા વિચારતા હતા કે તેમનો મદદગાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. જગત એને કદી ભૂલી શકે એમ ન હતું.

“કેવો અદ્દભૂત માણસ!” ખલાસી બોલ્યો. “તે સાગરના પેટાળમાં જીવતો હતો.”

“આપણને સબમરીન ભેટ આપી હોત તો?” આયર્ટને કહ્યું.. “આપણે તેમાં બેસીને અમેરિકા ન પહોંચી ગયા હોત?”

“દરિયાની સપાટી નીચે મુસાફરી કરવાનું કેમ ફાવે?” ખલાસીએ કહ્યું. “અને સબમરીનને ચલાવે કોણ?”

“સબમરીન ચલાવવી સાવ સહેલી છે.” સ્પિલેટે કહ્યું.

“આ ચર્ચાનો અર્થ નથી.” હાર્ડિંગે કહ્યું. “ધરતીકંપને કારણે સબમરીન ગુફામાં ફસાઈ ગઈ છે. તે હવે બહાર નીકળી શકે એમ નથી. એટલે નમોની ઈચ્છા પ્રમાણે આપણે તેને જળસમાધિ લેવડાવવી જોઈએ.”

કેટલીક લાંબી ચર્ચાઓને અંતે બધા સબમરીનના અંદરના ભાગમાં ગયા. બધા ભોજન કર્યું અને નેમોના ખંડમાં પાછા ફર્યાં. બધાને જોઈને નેમોએ સ્મિત કર્યું. બધા તેની આજુબાજુ ઊભા રહ્યાં.

“તમે લીંકન ટાપુ છોડવા માગો છો?” નેમોએ પૂછ્યું.

“હા.” ખલાસીએ ઉત્તર આપ્યો.“પણ પાછા ફરવા માટે અમે અહીં અમારા દેશનું બારું બનાવવા માગીએ છીએ.”

“તમારા વિચારો બરાબર છે.” નેમોએ કહ્યું. “બધાએ પોતાના દેશને ચાહવો જોઈએ. અને હું! હું જેને ચાહું છું. તેનાથી ઘણે દૂર મરવા પડ્યો છું!”

“તમારે કોઈને સંદેશો આપવો છે?” ઈજનેરે પૂછ્યું. “તમારાં સગાઓ કે મિત્રો ભારતમાં હશે!”

“ના કપ્તાન હાર્ડીંગ; મારા કોઈ મિત્રો રહ્યાં નથી. જે હતા તે બધા મૃત્યુ પામ્યા છે. એકાંતવાસ એ ભયંકર ચીજ છે. માણસ એને સહન કરી ન શકે. મેં જાતે એનો અનુભવ લીધો છે. તમે જરૂર તમારા દેશમાં જ્જો. પેલા હરામખોરોએ તમારું વહાણ ભાંગી નાખ્યું છે.”

“અમે એક મોટું વહાણ બનાવવાના છીએ.” સ્પિલેટે કહ્યું.

થોડીવાર શાંતિ છવાઈ ગઈ. પછી નેમોએ કહ્યું...

“મિ. હાર્ડિંગ, મારે તમારી સાથે વાત કરવી છે.--- તમારા એકલા સાથે.”

બધા ખંડની બહાર નીકળી ગયા. થોડી મિનિટ સુધી હાર્ડિંગ નેમો સાથો રહ્યો. પછી બધાને પાછા બોલાવી લીધા.

રાત પડી ગઈ હતી. ગુફામાં ઘડિયાળ સિવાય રાત દિવસ જાણવાનું બીજું કોઈ સાધન ન હતું. કપ્તાન નેમોને કંઈ વેદના થતી ન હતી. પણ તેનો ચહેરો ફિક્કો પડતો જતો હતો. મૃત્યુ સામે દેખાતું હતું. છતાં કપ્તાન નેમો તદ્દન સ્વસ્થ હતો. તેના હાથપગ ધીમે ધીમે ઠંડા પડતા જતા હતા.

લગભગ મધરાત પછી એક વાગ્યે કપ્તાન નેમોએ હાથ જોડીને ઈશ્વરનું અને પોતાના દેશનું સ્મરણ કર્યું. પછી જીવન માત્ર તેની આંખોમાં જ બાકી રહ્યું. તેની આંખમાં એક જોરદાર ચમકારો થયો. તે ધીમેથી આટલા શબ્દો બોલ્યોઃ

“પ્રભુ! મારો દેશ!”

એ સાથે જ તેનું અવાસન થયું. હાર્ડિંગે નીચા નમીને તેની આંખો બંધ કરી. એક વાર જે રાજકુમાર ધક્કાર હતો તે આજે કપ્તાન નેમો પણ ન હતો!

હર્બર્ટ અને ખલાસી ડૂસકાં ભરીને મોટેથી રડતા હતાં. આયર્ટનની આંખમાંથી આંસુની ધારા ચાલતી હતી. નેબ, સ્પિલેટ પાસે ઘૂંટણિયે પડીને મૂર્તિની જેમ હલ્યાચલ્યા વિના બેઠો હતો.

પછી હાર્ડિંગે ધીમેથી કહ્યું..

“ભગવાન તેના આત્માને શાંતિ આપે! ચાલો આપણે પ્રાર્થના કરીએ!”

હાર્ડિંગ અને તેના સાથીઓ સબમરીનની બહાર નીકળ્યા. તેમની સાથે કપ્તાન નેમોના સંભારણા તરીકે એક દાબડો હતો.

બધા હોડીમાં બેઠા. હાર્ડિંગે નળની બે ચકલીઓ ખોલી નાખી. સબમરીનની ટાંકીઓ પાણીથી ભરાવા લાગી સબમરીન ધીરે ધીરે ડૂબવા લાગી.

હોડી ગુફામાંથી બહાર જઈ રહી હતી. સબમરીનમાંથી નીકળતો પ્રકાશ હજી હોડીને રસ્તો દેખાડતો હતો. ધીમે ધીમે અંધકાર ફેલાવા લાગ્યો. અંતે સબમરીને જળસમાધિ લીધી.

નરવીર કપ્તાન નેમોની કબર સાગરને તળિયે બની.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED