ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 16 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 16

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(16)

કપ્તાન નેમો

આ શબ્દો સાંભળીને સૂતેલો માનવી બેઠો થયો. તેના ચહેરા પર વીજળીનો પ્રકાશ પડ્યો. તેનું વિશાળ કપાળ, સફેદ દાઢી, ખભા સુધી ઢળતા વાળ અને સત્તાવાહી આંખો---આ બધાને લીધે તેનો ચહોરો પ્રતાપી લાગતો હતો. માંદગીને લીધે તે કંઈક નબળો પડેલો જણાતો હતો. પણ તેનો અવાજ હજુ ગંભીર અને શક્તિશાળી હતો. તે અંગ્રેજીમાં બોલ્યોઃ

“સાહેબ, મારુ કંઈજ નામ નથી.”

“તેમ છતાં, હું આપને ઓળખું છું.” હાર્ડિંગે જવાબ આપ્યો.

કપ્તાન નેમોએ પોતાની વેધક નજર ઈજનેર ઉપર ફેંકી. પછી પથારીમાં પાછો સૂઈ ગયો.

“હવે શું?” કપ્તાન બોલ્યો. “હવે તો મરવા પડ્યો છું.”

હાર્ડિંગ કપ્તાન નેમોની નજીક ગયો, અને સ્પિલેટે તેની નાડ તપાસી. તેનો હાથ તાવથી તપતો હતો. આયર્ટન, પેનક્રોફ્ટ, હર્બર્ટ અને નેબ દૂર એકબાજુ આદરપૂર્વક ઊભા હતા.

કપ્તાન નેમોએ પોતાના હાથ ખેંચી લીધો અને બંનને બેસવાનું કહ્યું.

બધા તેને લાગણીપૂર્વક જોઈ રહ્યા હતા. તેમની સામે તેમનો તારણહાર હતો. કેટલીક વાર તેમણે બધાનું રક્ષણ કર્યું હતુ. મહાન સંકટો વખતે પોતાને ઉગાર્યા હતા. બધા તેના મહાન ઉપકારોના ભાર તળે દબાયેલા હતા. આવો મહાન માનવી અત્યારે મરવાને કાંઠે હતો. પેનક્રોફ્ટ અને નેબ તો કોઈ અદ્દભૂત અને દૈવીશક્તિવાળા માનવીને મળવાની આશા રાખતા હતા.

હાર્ડિંગ કપ્તાન નેમોને શી રીતે ઓળખી ગયો. નેમો પોતાનું નામ સાંભળીને શા માટે ચોંકી ગયો--- એ નામ નેમો માનતો હતો કે કોઈ જાણતું નથી?---

“તમે મેં ધારણ કરેલું નામ જાણો છો?” કપ્તાન નેમોએ હાર્ડિંગને પૂછ્યું.

“હા,” હાર્ડિંગે જવાબ આપ્યો, “ અને આ અદ્દભૂત સબમરીનને પણ.”

“નોટિલસ”?” કપ્તાને સ્મિત કરી પૂછ્યું.

“નોટિલસ”?”

“તમને ખબર છે હું કોણ છું?”

“હ.”

“તેમ છતાં, હું ઘણાં વર્ષથી દુનિયા સાથે સંપર્કમાં નથી.”

ત્રણ વર્ષ મેં સમુદ્રના ઊંડાણમાં ગાળ્યા. ત્યાં હું સંપૂર્ણ સ્વતંત્ર હતો. તો પછી મારા રહસ્યને કોણે પ્રગય કર્યું?

“એક ફ્રેન્ચે!”

“એ ફ્રેન્ચ તો સોળ વર્ષ પહેલાં એકાએક મારી સબમરીન પર આવી ગયો હતો એ?”

“હા, એ જ.”

“તો એ અને એના બંને સાથીઓ વમળામાંથી બચી ગયા! ‘નોટિલસ’ સબમરીન પણ એ વમળમાંથી છૂટવા મથામણ કરતી હતી!”

“તેઓ બચી ગયા, અને એક પુસ્તક પ્રગય થયું.. ‘ટવેન્ટી થાઉઝન્ડ લીગ્ઝ અન્ડર ધ સી’ (સાગળના પેટાળમાં સફર) એમાં આપનો ઈતિહાસ છે.”

“પણ એમાં તો મારા જીવનના થોડા મહિનાનો ઈતિહાસ હશે!”

કપ્તાન નેમોએ કહ્યું. “એ પુસ્તક વાંચીને બધાએ મને ક્રાંતિકારી કે માનવસમાજ સામેનો બહારવટિયો જ ગણ્યો હશે?”

“આપે આવું વિચિત્ર જીવન શા માટે પસંદ કર્યું એ હું જાણતો નથી; પણ એટલું જરૂર જાણું છું કે અમારા લીંકન ટાપુ પરના આગમન પછી કોઈ પરોપકારી હાથે અમને સંકટમાંથી ઉગાર્યા છે. અમે જીવંત છીએ તે એક ભેદી અને અસાધારણ શક્તિશાળી માનવીને કારણે. અને એ ભેદી માનવી, કપ્તાન નેમો, આપ પોતે જ છો!”

“હા, એ હું જ છું!” નેમોએ જવાબ આપ્યો.

બધા તેમને માન આપવા ઊભા થયા અને પાસે ગયા. ત્યારે કપ્તાન નેમોએ તેમને અટકાવ્યા અને કહ્યું..--

“તમે નેમોએ સંક્ષેપમમાં પોતાના જીવનની ઘટનાઓ કહી સંભળાવી. નેમોને એટલી બધી નબળાઈ આવી ગઈ હતી કે તે માંડ માંડ પોતાની કથા કહી શક્યો. સ્પિલેટે તેને દવાદારૂ દ્વારા મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે નેમોએ કહ્યું...--”

“એ બધું વ્યર્થ છે. મારો સમય ભરાઈ ચૂક્યો છે.”

કપ્તાન નેમો એક હિન્દુસ્તાની હતો. તે બુંદેલખંડના રાજાનો પુત્ર રાજકુમાર ધક્કાર હતો. દસ વર્ષની ઉંમરે તેના પિતાએ તેને ઈંગ્લેન્ડ અભ્યાસ કરવા મોકલ્યો હતો. પિતાની ઈચ્છા એવી હતી કે ભણીગણીને તેનો પુત્ર હિંન્દુસ્તાનની નબળી અને પછાત સ્થિતિને સુધારે અને પોતાના દેશને જગતના અન્ય દેશોની હરોળમાં લાવે.

ત્રીસ વર્ષની ઉંમર સુધી એ મહાન બુદ્ધિશાળી રાજકુમારે વિજ્ઞાન, સાહિત્ય અને કળાનું ઊંડું સંશોધન કર્યું. તેણે આખા યુરોપના મુસાફરી ફરી, તેને દુન્યવી આનંદમાં રસ ન હતો. એને તો અસાધારણ જ્ઞાન પિયાસા હતી. તેની ઝંખના હતી કે પોતે સ્વતંત્ર અને પ્રબુદ્ધ લોકોનો શક્તિશાળી રાજા બને.

આ કલાકાર, તત્વજ્ઞાની અને વેજ્ઞાનિક રાજકુમાર ઈ.સ.1849માં બુંદેલ ખંડમાં પાછો ફર્યો. તેણે એક ભારતીય નારી સાથે લગ્ન કર્યાં અને તેને બે બાળકો થયાં. તે પત્ની અને બાળકોને ખૂબ ચાહતો હતો. પ્રજાના સ્વાતંત્ર્ય માટે તે ઝંખતો હતો. 1857માં હિંન્દુસ્તાનમાં અંગ્રેજ સત્તા સામે બળવો ફાટી નીકળ્યો. હિન્દુસ્તાનની પ્રજાને ગુલામ બનાવનાર અંગ્રેજોને હાંકી કાઢવા તેણે બળવામાં મહત્વનો ભાગ ભજવ્યો. તે બળવાખોરોમાં આગલી હરોળમાં લડતો હતો. અનેક વાર તે ઘાયલ થયો પણ બચી ગયો.

બ્રિટિશ રાજ્યના પાયા હચમચી ગયા. રાજકુમારના માથા માટે ઈનામ જાહેર થયું. પણ તે છટકી ગયો. એ વિદ્રોહમાં તેના રાજ્યની, તેના કુટુંબની, તેની પ્રજાની ખુવારી થતી રાજકુમારે નજરે જોઈ. વિજયી પ્રજા હારેલી પ્રજાને કચડી નાખે, એને ગુલામ જેવી સ્થિતિમાં રાખે એ જોઈને તેને રાજસત્તા પર તિરસ્કાર આવ્યો. તેને સુધરેલી ગણાતી દુનિયા સુધરેલી લોકોનું ખરું, સ્વાર્થી અને શોષણખોર સ્વરૂર દેખાયું. આથી તેને સુધરેલી દુનિયા તરફ ઘૃણા ઉત્પન્ન થઈ; અને દુનિયામાં ગુલામ, કચડાયેલી, પછાત અને શોષિત ગણાતી પ્રજાઓ તરફ તેનો પ્રેમ વધતો ચાલ્યો.

આથી રાજ્ય છોડીને તે રાજકુમાર પોતાના થોડાક પ્રિય સાથીદારોને લઈ પ્રશાંત મહાસાગરના એક ઉજ્જડ ટાપુ પર ગયો. ત્યાં તેણે પોતાના મનોરથ સિદ્ધ કરવા પ્રવૃત્તિ શરૂ કરી. વિજ્ઞાનનું એને ઊંડું જ્ઞાન હતું. સાગરની અંદર રહેલી અખૂટ સમૃદ્ધિ જોવાની તેને ઊંડી અભિલાષા હતી. સમુદ્રના પેટાળમાં ઘૂમતા રહેવું અને જગતના કોઈ માણસો સાથે સંબંધ ન રાખવો એવું તેણે નક્કી કર્યું. સમુદ્રના પેટાળમાં તેની સ્વતંત્રતાને કોઈ પડકારી શકે એમ ન હતું. એ ટાપુ પર તેણે પોતાની કલ્પના અને વૈજ્ઞાનિક બુદ્ધિથી એક સબમરીન બાંધી. તેનું નામ તેણે ‘નોટિલસ’ રાખ્યું. અને પોતાનું નામ કપ્તાન નેમો પાડ્યું. જગતના બધા મહાસાગરમાં તેની સબમરીન ઘૂમી વળી હતી. ઉત્તર ધ્રુવથી દક્ષિણધ્રુવના સાગરનો રજેરજ ભાગ તે જોઈ વળ્યો હતો. કેટલીય આગબોટો અને વહાણોનો તેણે ડૂબાડી દીધાં હતાં.

તેની સબમરીન વીજળીની મદદથી ચાલતી હતા. વીજળીની મદદથી તેમાં અજવાળું થતું હતા. વીજળી પાસેથી એ રાજકુમાર ઘણુ કામ કઢાવતો હતો. તેની સબમરીન આસાનીથી દરિયાને તળિયે જઈ શકતી હતી. આથી ડૂબેલા વહાણો અને આગબોટોની સંપત્તિ એ એકઠી કરી લેતો. કરોડો રૂપિયાની સંપત્તિ સાથે સ્પેનનું યુદ્ધ જહાજ વીગો બંદરે ઈ.સ. 1702માં ડૂબ્યું હતું. એ બધી સંપત્તિ કપ્તાન નેમોએ સબમરીનની મદદથી મેળવી લીધી હતી.

આ સંપત્તિનો ઉપયોગ એ અંગત મોજશોખ માટે કરતો ન હતો; પણ કચડાયેલી પ્રજા અને સ્વાતંત્ર્ય માટે લડત ચલાવતા દેશોને એ પડદા પાછળ રહીને ભરપૂર મદદ કરતો હતો. લાંબા સમયથી તેને પોતાના દેશ સાથે સંપર્ક ન હતો. એક દિવસ ત્રણ જણા સબમરીનમાં આવી ચડ્યાં. એક ફ્રેન્ચ પ્રોફેસર હતો. બીજો તેનો નોકર અને ત્રીજો એક કેનેડાનો માછીમાર હતો. અમેરિકાનું યુદ્ધજહાજ ‘અબ્રાહન લીંકન’ સબમરીન સાથે અથડાયું હતું. તેમાં આ ત્રણ જણા સમુદ્રમાં ફેંકાઈ ગયા હતા, તેને મે સબમરીનમાં આશરો આપ્યો હતો.

આ ત્રણ જણા સાતેક મહિના પછી સબમરીનમાંથી નાસી છૂટ્યા હતા. આ સાત માસ દરમિયાન તેમણે દરિયાના પેટાળમાં વીસ હજાર લીગ (આશરે 45,000 માઈલ)ની મુસાફરી કરી હતી. ફ્રાંસમાં પહોંચીને આ ફ્રેંચ પ્રોફેસરે એક પુસ્તક પ્રગય કર્યું હતું. તેમાં દરિયાના પેટાળમાં રહેલી અદ્દભૂત વસ્તુઓ અને તેનાથી પણ વધારે અદ્દભૂત કપ્તાન નેમોના જીવનની વાત લખી હતી. એ પુસ્તકનું નામ ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્ઝ અન્ડર ધ સી’ (સાગર પેટાળમાં સફર) છે.

લાંબા સમય સુધી કપ્તાન નેમોનું આવું એકાંતવાસવાળું વિચિત્ર જીવન ચાલુ રહ્યું, એ સતત દરિયામાં સફર કરતો રહ્યો. એક પછી એક તેના સાથીઓ મૃત્યુ પામ્યા. તે પોતે પણ સાઠ વરસનો થઈ ગયો. તે હવે એકલો રહ્યો હતો.

કોઈ એકાંત સ્થળે જીવન પૂરું કરવાની ઈરાદાથી તે લીંકન ટાપુ પાસે આવ્યો. આ ટાપુ નીચે એક મોટી પોલી ગુફા હતી. તેમાં તે ઘણા વખતથી રહેતો હતો. ‘નોટિલસ’ સબમરીન સાથે એમાં રહી શકાય એમ હતું. અત્યારે આપણે જેમાં છીએ એ જ એ ગુફા.

નેમો અહીં છ વર્ષ રહ્યો. એ મૃત્યુની રાહ જોતો હતો. એકાએક એક બલૂન લીંકન ટાપુને કિનારે ઊતર્યું. ત્યારે તે દરિયાઈ પોશાક પહેરીને ફરતો હતો. તેણે હાર્ડિંગને ડૂબતો જોયો અને તેને ઉગાર્યો. પાંચ નિરાશ્રિતોએ લીંકન ટાપુ પર આશરો લીધો હતો. માનવીને આ ટાપુ પર જોઈને તેને નાસી જવાની ઈચ્છા થઈ હતી.

પણ સબમરીનનું આ બારું બંધ થઈ ગયું હતું. સબમરીનને આ ગુફામાં લાવ્યા પછી તેને બહાર કાઢવાનું શક્ય ન હતુ. જ્વાળામુખીને કારણે થયેલા ધરતીકંપને લીધે ગુફામાંથી નીકળવાના રસ્તા આડે મોટામોટા ખડકો ભરાઈ ગયા છે. આથી તે લગભગ કેદી જેવી હાલતમાં મુકાયો હતો.

આથી નેમોને અહીં ફરજિયાત રહેવું પડ્યું. તેણે આ માણસોને ઉજ્જડ ટાપુ પર ફેંકાતા જોયા. તે ગુપ્ત રહેવા માગતો હતો. ધીમે ધીમે તેને આ પાંચ જણામાં રસ પડ્યો. એ પાંચેય જણા પ્રામાણિક, મહેનતુ અને સંપીલા હતા. ડૂબકી મારવાના દરિયાઈ પોશાકની મદદથી તે કૂવામાં આવી પહોંચતો; અને ત્યાંથી ખડકના ખાંચામાં પગ મૂકી કૂવાને મથાળે આવીને, ગ્રેનાઈટ હાઉસમાં થતી વાતચીત સાંભળી શક્તો. એ દ્વારા અમેરિકામાં ગુલામીની નાબૂદી અને એ માટે આંતરવિગ્રહ વિશે તે જાણી શક્યો હતો.

વાતચીત સાંભળી તેને હાર્ડિંગ અને તેના સાથીઓ પ્રત્યે માન જન્મ્યુ હતું. નેમોએ હાર્ડિંગને બચાવ્યો હતો. તેણે જ કૂતરાને ગુફા પાસે પહોંચાડ્યો હતો. તેણે જ કૂતરાને સરોવરમાં ડ્યુગોગની પકડમાંથી બચાવ્યો હતો. તેણે જ સામગ્રીથી ભરેલી પેટી મોકલી હતી; અને હોડીને પણ તેણ જ પહોંચાડી હતી. ગ્રેનાઈટ હાઉસમાં વાંદરાના હલ્લા વખતે નિસરણી તેણ જ નીચે ફેંકી હતી. ટેબોર ટાપુ પર આયર્યન છે તે જાણ શીશામાં પત્ર દ્વારા તેણે જ કરી હતી. ચાંચિયાના વહાણને ટોરપીડોથી તેણ જ ડબાડ્યું હતું. હર્બર્ટ માટે દવા તેણે જ મોકલી હતી. અને છેલ્લે ચાંચિયાને ઈલેક્ટ્રીક બંદૂકો દ્વારા તેણે જ મારી નાખ્યા હતા. આ રીતે તેણે ઘણી કિંમતી મદદ કરી હતી.

તેનો જીવનદીપ બુઝાવાની અણી ઉપર હતો. તેણે હાર્ડિંગ અને તેના સાથીઓને ગ્રેનાઈટ હાઉસમાંથી ‘નોટિલસ’ સબમરીનની મુલાકાતે બોલાવ્યા હતા. તે બધાને ખૂબ ઉપયોગા સલાહ આપવા ઈચ્છતો હતો.

કપ્તાન નેમોએ પોતાના જીવનનો ઈતિહાસ અહીં પૂરો કર્યો. અંતે તે બોલ્યોઃ

“જીવનમાં ઘણા પ્રસંગોએ મેં ક્રૂરતા આચરી છે.” નેમોએ કહ્યું. “ઘણાનો જીવ મે જાણ્યે અજાણ્યે લીધો છે. આજે તમારા જેવા નરવીરોની સાક્ષીએ હું ઈશ્વર પાસે ક્ષમાયાચના કરું છું. મને ક્ષમા મળશે?”

“ઈશ્વર દયાળુ છે. તેની પાસેની ક્ષમા મળશે જ.” હાર્ડિંગે ભાવવિભોર થઈને કહ્યું. “પણ કપ્તાન નેમો! તમારા અમારા ઉપર અગણિત ઉપકારો છે. અમે તેનો બદલો શી રીતે વાળીશું?”

કપ્તાન નેમોએ હાર્ડિંગની વાત તરફ ધ્યાન ન દોર્યું. તેણે પૂછ્યું..

“તમે મારી જીવનકથા સાંભળી છે.” કપ્તાન નેમોએ કહ્યું...“તમે એ વિષે શું માનો છો?”

“તમારું જીવન અદ્દભૂતતાથી ભરેલું છે. ઈતિહાસ કદી તમને ભૂલી શકશે નહીં.” હાર્ડિંગે જવાબ આપ્યો. “તમારા જવાથી માનવજાતને મોટી ખોટ પડશે.”

કપ્તાન નેમોએ હર્બર્ટને પોતાની પાસે બોલાવ્યો અને માથે હાથ મૂકી કહ્યું...

“બેટા! ઈશ્વર તારું કલ્યાણ કરે!”

કપ્તાન નેમોની આંખમાં આંસુ દેખાયાં.

***