પ્રેમ અગન 17 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અગન 17

પ્રેમ-અગન:-17

"જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,

પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં…

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,

હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,

ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં…

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,

હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં…

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,

અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…"

શિવ અત્યારે પોતાની શ્રી ને શોધતો શોધતો એવી પરિસ્થિતિ નાં બારણે પહોંચી ચુક્યો હતો જ્યાં પહોંચી હસવું કે રડવું એની સમજણ એને નહોતી પડી રહી..એની શ્રી શિમલામાં જ હતી પણ જે હાલતમાં હતી એ એકરીતે તો શિવની સમજણ બહાર અને અશક્ય હતી..પોલીસ સ્ટેશનમાંથી શ્રી ને હોસ્પિટલમાં તબીબી રિપોર્ટ માટે લઈ જવાઈ હોવાથી શિવની મુલાકાત એની શ્રી જોડે કરાવવાં ઇન્સ્પેકટર શેખ નીકળી પડ્યો હતો.

આખરે સૂરજ માથે ચડ્યો એ સમયે શેખે પોતાની જીપને સીટી હોસ્પિટલ શિમલા જોડે લાવીને થોભાવી દીધી. શેખ પણ મક્કમ બની આ પ્રેમી-પંખીડાં ને એક કરવાની ભગીરથ કોશિશ કરી રહ્યો હતો.

"ભાઈ ચલો ત્યારે..તમારી શ્રી તમારી રાહ જોતી હશે.."જીપમાંથી હેઠે ઉતરતાં ઇન્સ્પેકટર શેખે કહ્યું.

શિવ પણ ઉત્સાહથી તરબતર પોતાની શ્રી ની એક ઝલક જોવાં ઉતાવળો બની ઇન્સ્પેકટર શેખ ની પાછળ-પાછળ હોસ્પિટલમાં પ્રવેશ્યો..શિવ ની સાથે મોજુદ હમીર પણ ખૂબ ઉત્સાહમાં હતો કેમકે આજે પ્રથમ વખત એ પોતાનાં શિવભાઈ ની જીંદગીનું અભિન્ન અંગ બની ચુકેલી એની શક્તિ, એની પ્રેરણા એની જીવવાનું કારણ એવી શ્રી ને જોવાનો હતો.હમીર પોતાની જાતને હનુમાન સમજતો જે પોતાનાં શ્રી રામ સમાન શિવ ભાઈ ની સેવા કરવાં જન્મ્યો છે..તો એ અર્થે શ્રી એનાં માટે માં સીતા સમાન પૂજ્ય હતી.

શેખ ને ખબર હતી કે અત્યારે શ્રી ક્યાં હોવી જોઈએ એટલે એ હોસ્પિટલમાં પગ મુકતાં ની સાથે જ બીજે માળે જતાં દાદરા ચડી ગયો.શિવ પણ એની પાછળ પાછળ અગ્રેસર થઈને ત્યાં આવી પહોંચ્યો જ્યાં શ્રી હશે એવું શેખનું કહેવું હતું.

"Hello ડોકટર..હું શિમલા પોલીસ સ્ટેશનનો ઈન્ચાર્જ પીએસઆઇ શેખ છું.."બીજાં માળે પહોંચતાં જ રસ્તામાં મળેલાં એક ડોકટર યુનિફોર્મમાં સજ્જ વ્યક્તિ ને પોતાની ઓળખ આપતાં શેખે કહ્યું.

"બોલો ને સાહેબ..હું તમારી શું મદદ કરી શકું..?"એ ડૉકટરે વિનય સાથે પૂછ્યું.

"ડોકટર જોસેફ ની કેબીન ક્યાં છે..?"શેખે પૂછ્યું.

"આ જ લોબીમાં..લેફ્ટ સાઈડ જશો એટલે લાસ્ટ માં જે કેબીન છે એમાં જ મેન્ટલ પેશન્ટ સ્પેશિયાલિસ્ટ ડોકટર જોસેફ બેસે છે.."એ ડૉકટરે શેખનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.

"Thanks ડોકટર.."આટલું કહી શેખ એ ડોકટર દ્વારા કહેવામાં આવેલી જગ્યા તરફ આગળ વધ્યો.

શેખ લોબીનાં વળાંક સુધી માંડ પહોંચ્યો હશે ત્યાં એને કોઈકનો અવાજ સંભળાયો.

"ઓફિસર..એક મિનિટ.."

શેખે પાછાં વળીને જોયું તો પોતે જેને ડોકટર જોસેફની કેબિનનો રસ્તો પુછ્યો હતો એજ ડૉકટરે એને અવાજ આપ્યો હતો..શેખ આગળ વધતો અટકી ગયો અને પાછો એ ડોકટર ઉભો હતો એ તરફ આવ્યો.

"બોલો ડોકટર..શું થયું..?"શેખે સવાલ કર્યો.

"તમે ડોકટર જોસેફને મળવાં જાવ છો..?"એ ડૉકટરે શેખ ની તરફ જોઈને પૂછ્યું.

"હા.."શેખ ટૂંકમાં બોલ્યો.

"પણ ઓફિસર,ડોકટર જોસેફ તો અત્યારે હોસ્પિટલમાં નથી..એ તો શું એમનો આખો સ્ટાફ અત્યારે હોસ્પિટલમાં નથી.."શેખને ઉદ્દેશીને એ ડોકટર બોલ્યો.

"પણ કેમ..ક્યાં ગયાં છે ડોકટર.."અધીરા બનેલાં શિવે શેખ પૂછે એ પહેલાં પૂછી લીધું.

"આજે સવારે જ એક યુવતી ને પોલીસ સ્ટેશનમાંથી અહીં લાવવામાં આવી હતી..જેની માનસિક સ્થિતિ સારી નહોતી..એ યુવતીને ચોરી નાં કેસમાં પકડવામાં આવી હતી..પોલીસ દ્વારા એની મેન્ટલ કંડીશન નાં રિપોર્ટ કઢાવવા એને અહીં મૂકી જવાઈ હતી..પણ."એ ડોકટર શિવ નાં સવાલનાં જવાબમાં આટલું બોલી અટકી ગયો.

"શું પણ..ક્યાં છે એ યુવતી..?શું થયું એને..?"શિવનાં મનની બેચેની એનાં શબ્દોમાં હવે છલકાઈ રહી હતી.

"જ્યારે એ યુવતીનાં રિપોર્ટ માટે એને જનરલ વોર્ડમાંથી લેબોરેટરી તરફ લઈ જવાતી હતી ત્યારે એને લઈને જતાં કંપાઉન્ડર પર પોતાની જોડે રહેલી ઓપરેશન સિઝર વડે હુમલો કરી દીધો..એની મદદે અન્ય કોઈ આવે એ પહેલાં એ પાગલ યુવતી એને ધક્કો મારીને ભાગી છૂટી..રસ્તામાં એને પકડવાની કોશિશ કરવાં જતાં અન્ય હોસ્પિટલ સ્ટાફ કર્મચારીને પણ એને ઇજાગ્રસ્ત કરી મૂક્યાં.."

"એક પોલીસ કેસમાં આવેલી યુવતીનું આમ હોસ્પિટલમાંથી પોતાની અંડરથી ભાગી જવું ડોકટર જોસેફ ને પોષાય એમ નહોતું..એટલે એ પોતાની કારમાં પોતાનાં બે સ્ટાફ નાં કર્મચારીઓને લઈને એ યુવતીની શોધખોળ કરવાં નીકળી પડ્યાં છે..પોલીસને જ્યાં સુધી આ વિશે માહિતી મેળવે ત્યાં સુધી પોતે એ પાગલ યુવતીને શોધી લાવશે એમ વિચારી તેઓ ગયાં છે.."એ ડૉકટરે કહ્યું.

એમની વાત સાંભળી ઇન્સ્પેકટર શેખ,શિવ અને હમીર ને 440 વોલ્ટનો ભારે ઝાટકો લાગ્યો હતો..શ્રી નું ત્યાંથી આ રીતે ભાગી જવું શિવ માટે વજ્રપ્રહાર સમાન હતું..એની તો વિચારવાની સઘળી ક્ષમતા ત્યાંજ શૂન્ય થઈ ગઈ..ભગવાન ક્યાં શોધી એની પરીક્ષા લેવાનું વિચારી રહ્યો હતો એ જ શિવને સમજાઈ નહોતું રહ્યું.

શિવને આમ દિશાશુન્ય બની ઉભેલો જોઈ ઇન્સ્પેકટર શેખ એની નજીક ગયો અને શિવનાં ખભે હાથ મૂકીને એને ધીરજ આપતાં બોલ્યો.

"ભાઈલા..તું આમ હિંમત ના હાર..આપણે ગમે તે કરી તારી શ્રી ને શોધીને જ રહીશું..જ્યાં સુધી તારી શ્રી તને નહીં મળે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશનમાં નહીં જાઉં એ મારું વચન છે.."

એક અજાણ્યો માણસ જેને પોતે કલાક પહેલાં ઓળખતો પણ નહોતો એ આમ મક્કમ બની પોતાનો સાથ આપવાની વાત કરી રહ્યો હતો એ જોઈ ઈશ્વર પ્રત્યેની શિવની શ્રદ્ધા હજુપણ જીવિત રહી ગઈ..શેખ દ્વારા આપવામાં આવેલો આ હોંસલો શિવની અંદર નવી ઉર્જા પુરી પાડવાનું કામ કરી ગયો..શિવે પોતાનાં ખભે મોજુદ શેખ નાં હાથ ઉપર પોતાનો બીજો હાથ મૂકી શેખની તરફ જોયું અને આંખો નાં ઈશારાથી જ શેખનો આભાર માન્યો.

"તો ચાલ ભાઈ..હવે નીકળીએ તારી શ્રી ને ગોતવા.."શિવની તરફ જોઈને શેખે કહ્યું.

"ચલો.."શિવ પણ જોશમાં આવી બોલ્યો.

શિવનાં આમ કહેતાં જ શેખ નીચે જતાં દાદરા નાં પગથિયાં તરફ આગળ વધ્યો..શેખની પાછળ પાછળ શિવ અને હમીર પણ હાલી નીકળ્યાં શ્રી ને શોધવા..હજુ શિવ પહેલું પગથિયું માંડ ઉતર્યો હતો ત્યાં એને શેખને 2 મિનિટ થોભી જવાં કહ્યું અને પુનઃ એ ડોકટર તરફ આગળ વધ્યો જેની જોડે એને હમણાં વાત કરી હતી.

"ડોકટર સાહેબ..ઉભાં રહો.."શિવે એ ડોકટર ને અવાજ આપતાં કહ્યું.

શિવનો અવાજ સાંભળી એ ડોકટર અટકી ગયો અને પાછો વળી ઉભો રહ્યો અને આશ્ચર્ય થી શિવની તરફ જોતાં બોલ્યો.

"હા ભાઈ..બોલ હવે શું કામ છે..?"

શિવ એ ડોકટર ની નજીક પહોંચ્યો અને પોતાનાં જમણાં હાથની મુઠ્ઠી વાળી તર્જની આંગળી ને ડોકટર ભણી રાખીને બોલ્યો.

"સાહેબ..તમે જેને પાગલ પાગલ કરતાં હતાં એને પાગલ નહીં બોલવાની..એનું નામ શ્રી છે..શ્રી.."

આટલું કહી શિવ શેખ અને હમીરની તરફ ચાલી નીકળ્યો..શિવનાં અવાજમાં રહેલ પોતાની પ્રેમિકા શ્રી તરફનો પ્રેમ અને એનાં માટે રહેલું માન જોઈ શેખ અને હમીરે તો મનોમન શિવને સલામ કરી લીધી.

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.

હજી વધારે તને ચાહવાની બાકી છે

ગયા પછી તું ફરી આવવાની બાકી છે

હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?

તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી

અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં

નહીં તો જાતને દફનાવવાની બાકી છે."

**************

શિવ પુનઃ ફરીવાર હિંમત ભેગી કરી પોતાની શ્રી ને શોધવા માટે નીકળી પડ્યો હતો..એક અજાણ્યાં શહેરમાં,એક અજાણ્યાં વ્યક્તિનાં સથવારે શિવ પોતાની જીંદગીની સૌથી મોટી શોધ કરવાં માટે નીકળી પડ્યો હતો..જે શોધ પુરી જો પૂર્ણ થાય તો શિવ ને બધું મળી જવાનું હતું પણ જો પુરી નહીં થાય તો એ ખુદને ફરીથી ખોઈ બેસવાનો હતો.

ઘુમલી,પંથઘાટી,શિવનગર,સંજોલી,શાનન, ઈંજન ઘર, જુનગા રોડ, બારોહી, જતોગ, અંજી, સમર હિલ જેવાં શિમલા નાં દરેક વિસ્તારમાં પોતાની જીપ લઈને શેખ ફરી વળ્યો..શેખે પોલીસ સ્ટેશનમાં પણ કોલ કરીને પોલીસની બે ટીમ ને શ્રી ની શોધખોળ માટે વળગી જવાં હુકમ કરી દીધો હતો..શિમલાનાં ચડાવ-ઉતાર વાળાં માર્ગ પર પુરપાટ વેગે શેખ જીપ ભગાવી શક્ય એ દરેક સ્થળે તપાસ કરી રહ્યો હતો જ્યાં શ્રી જઈ હોવાની શક્યતા હતી.

શિમલા ની બધી જ રેસ્ટોરેન્ટ,ખાણી પીણી ની લારીઓ,કાફે એવી દરેક જગ્યા જ્યાં ખાવાનું મળી રહેતું ત્યાં શેખ શિવ અને હમીરને લઈને જઈ આવ્યો હતો..પોતાની જોડે રહેલ શ્રી ની તસ્વીર બતાવી શિવ અને શેખ લોકોને શ્રી વિશે સવાલાત કરતાં.. જેનાં જવાબમાં મોટાંભાગનાં લોકો આવી યુવતીને પોતે નથી જોઈ એમ કહી મોઢું ફેરવી લેતાં..જ્યારે અમુક લોકો એવું તો કહેતાં કે આ યુવતીને પોતે ફલાણી જગ્યાએ જોઈ છે પણ એ જગ્યાએ જ્યારે તેઓ પહોંચતાં ત્યારે ત્યાં શ્રી નહોતી મળતી.

આમ ને આમ રાત પડી ગઈ..પણ શ્રી ની કોઈ ભાળ મળી નહીં.. પોતે આપેલાં વચન મુજબ ઇન્સ્પેકટર શેખ પણ રાતનાં અગિયાર વાગ્યાં સુધી પોતાનું બીજું બધું કામ પડતું મૂકીને શ્રી ને શોધવામાં શિવની સાથે ને સાથે મોજુદ રહ્યો..રાતે જમીને એ લોકો છૂટાં પડ્યાં ત્યારે બાર વાગી ગયાં હતાં..ઇન્સ્પેકટર શેખ શિવ અને હમીરને હોટલ સુધી ઉતારી પોતે આવતી કાલે સવારે એ બંનેને નવ વાગે ત્યાંથી લેવાં આવશે એવું કહી પોતાનાં ઘરે જવાં રવાના થઈ ગયો.

શિવ અને હમીર આખાં દિવસની રઝળપાટ અને છેલ્લે મળેલી નાકામી પછી શારીરિક અને માનસિક બંને રીતે ભાંગી ચુક્યાં હતાં.. પલંગમાં પડતાં હમીર તો સુઈ ગયો પણ શિવને નીંદ નહોતી આવી રહી..અને આવી પણ કઈ રીતે શકે..એક જ શહેરમાં હોવાં છતાં હજુ પણ પોતાની પ્રાણપ્યારી શ્રી સુધી નહીં પહોંચવાનું દુઃખ શિવને અકળાવી રહ્યું હતું.આખરે ના સહન થતાં શિવે હોટલ સર્વિસને કોલ કરી એક રમની બોટલ મંગાવી અને ત્રણ-ચાર પેગ મારી ગયો.રમનો નશો થયાં બાદ છેવટે રાતે બે વાગે શિવ એનાં નશામાં સુઈ ગયો.

સવારે તૈયાર થઈને શિવ અને હમીર નીચે આવ્યાં ત્યારે શેખ આવી પહોંચ્યો હતો..શેખ ની સાથે જીપમાં બેસી શિવ અને હમીર પુનઃ નીકળી પડ્યાં શ્રી ને શોધવા..શિવે પોતાની અને શ્રી ની પ્રેમકહાની નો ટૂંકમાં સાર શેખને કહી સંભળાવ્યો હતો..જે સાંભળ્યાં બાદ શેખ ને શિવની શ્રી પ્રત્યેની દરેક લાગણી પોતાની રંજીતા તરફની લાગણી સમાન લાગવાં લાગી હતી

સવારે નવ વાગ્યાથી શરૂ થયેલી શ્રી ની શોધખોળ ને બપોરે એ લોકો થોડું જમવા રોકાયાં ત્યારે છેક વિરામ મળ્યો..શિવે તો જમવાનું પણ નામ માત્ર નું જ લીધું..જમવાનું પૂર્ણ કરી એ ત્રણેય પાછાં શ્રી ને શોધવાની મુહિમ માં લાગી ગયાં.. ઘણાં લોકો દ્વારા પોતે શ્રી ને જોઈ હોવાની વાત તો સાંભળવાં મળી પણ શ્રી ના મળી..સૂરજ પણ હવે માથેથી નીકળી પશ્ચિમ તરફ અગ્રેસર થઈ ચૂક્યો હતો..સાંજનાં પાંચ વાગી ચુક્યાં હતાં પણ શ્રી નો કોઈ અતોપતો નહોતો લાગ્યો.

IGMC રોડ નજીક આવેલી પોલીસ ચોકીએ શેખે ચા-પાણી કરવાનાં ઉદ્દેશથી પોતાની જીપને રોકી..ચા પીતાં-પીતાં શિવે ઉદાસ થઈને કહ્યું.

"ઓફિસર..હવે તમે તમારી ડ્યુટી પર પાછાં ફરો..તમારે બીજું ઘણું કામ હશે..હું અને હમીર અમારી રીતે શ્રી ને શોધી લઈશું.."

શિવનો નંખાયેલો અવાજ સાંભળી ઇન્સ્પેકટર શેખે કહ્યું.

"એ ભાઈ,આમ નિરાશ ના મળવાનું લખ્યું જ હશે તો ચોક્કસ તારી શ્રી તને મળશે.."

"પણ સાહેબ.. ગઈકાલ નો આખો દિવસ પણ તમે અમારી સાથે જ હતાં.. અને આજે પણ આ સૂરજ ઢળવા આવ્યો..તમારે પણ બીજું કામ હોય..શિવ ભાઈ સાચું કહે છે તમે તમારું બીજું કામ સંભાળો..તમે જેટલી પણ મદદ કરી એ બદલ તમારો આખી જીંદગી ઉપકાર માનવો રહ્યો.."હમીર પણ ઇન્સ્પેકટર શેખ ને ઉદ્દેશીને બોલ્યો.

"સારું હું કાલથી ડ્યુટી જોઈન કરી લઈશ..પણ આજનાં આ દિવસનો જેટલો સમય વધ્યો છે ત્યાં સુધી તો હું તમારી સાથે જ શિવની શ્રી ને શોધવામાં મદદ કરીશ.."શેખ બોલ્યો.

શેખનાં આ આગ્રહનો ના શિવ વિરોધ કરી શક્યો ના હમીર..થોડીવારમાં એ લોકો પુનઃ જીપમાં બેઠાં..પોતે જીપને કઈ દિશામાં લઈ જાય એની અવઢવમાં શેખ પડ્યો હતો..આજ સમયે શિવનાં ચહેરા પર પડતાં સૂર્યનાં તેજે એને ચહેરો બીજી દિશામાં ઘુમાવવા મજબુર કરી દીધો..આ સાથે જ શિવને કંઈક યાદ આવી ગયું.

શિવે ઇન્સ્પેકટર શેખ તરફ જોયું અને ઉતાવળાં સ્વરે બોલ્યો.

"ઓફિસર..મને ખબર છે કે શ્રી ક્યાં હશે.."

"વિરહમાં મળવાની ઝંખના,

મિલનમાં દૂર થઈ જવાની કલ્પના

કેવો છે આ પ્રેમ જેમા..

દરેક ક્ષણ બસ વેદના જ વેદના ?"

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવની ગણતરી મુજબ શ્રી ક્યાં હતી..?શ્રીની આવી હાલત પાછળનું કારણ શું હતું..?શ્રી અને શિવની મુલાકાત નો અંજામ શું આવશે..?શિવ અને શ્રી ની પ્રેમકહાની કેવાં સંજોગોમાં આગળ વધશે..?એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.આ સિવાય આપ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થતી મારી બીજી નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ પણ વાંચી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)