પ્રેમ અગન 5 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અગન 5

પ્રેમ-અગન:-5

વડોદરાથી પોતાનું બિઝનેસ વર્ક પતાવીને પુનઃ અમદાવાદ તરફ રવાના થતાં શિવનું મગજ ભૂતકાળની એ ગલીઓમાં દોડી જાય છે..જ્યાં પોતાની જવાની શિવ ને થોડી પણ ઈચ્છા નહોતી..છતાં કોણ જાણે કેમ દર વખતે એવું જ બનતું હોય છે કે તમે જે વિશે વિચારવા ના ઇચ્છતાં હોય એનો જ વિચાર વારંવાર આવે..પોતાની ઈશિતા સાથે ની મિત્રતા ની શરૂઆત તથા નિધિ તરફ નાં સાગર નાં ખેંચાણ વિશે વિચારતાં વિચારતાં શિવ ને દેવ દ્વારા નિધિ જોડે કરવામાં આવેલાં ઉદ્ધત વર્તનની યાદ આવી.

એ દિવસે નિધિ,ઈશિતા,શિવ અને સાગર જેવાં કેન્ટીનની નજીક પહોંચ્યાં એ સાથે જ દેવ પોતાની બાઈક એમની આગળ આવીને રોકે છે..બાઇકમાં નીચે ઊતરી દેવ સીધો નિધિ ની સામે આવીને ઉભો રહે છે અને એની તરફ ગુસ્સામાં જોઈને બોલે છે.

"શું થયું..મને મૂકીને ખુશ છે ને..પણ હું તારો પીછો એટલી સરળતાથી નથી મુકવાનો..તારી પાછળ જે સમય અને પૈસા બગાડયાં છે એને તો આ દેવ વસુલ કરીને જ રહેશે.."

"જો દેવ,તમારી બંને વચ્ચે જે કંઈપણ હતું એ બધું ઓવર થઈ ગયું..હવે તું તારાં રસ્તે અને નિધિ એનાં..so please આગળથી નિધિ ની નજીક આવવાની કોશિશ ના કરતો.."નિધિ નો ડરી ગયેલો ચહેરો જોઈ ઈશિતા આક્રમક મૂડમાં દેવ ને ઉદ્દેશીને બોલી.

"એય..તું તારું કામ કર..હું નિધિ જોડે વાત કરું છું એમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી..અને જો તું મારી સાથે રિલેશનમાં રહેવાં માંગતી હોય તો પછી આ નિધિ ને જવાં દઉં.."ઈશિતા ની તરફ જોઈ લુચ્ચાઈભર્યું હસતાં દેવ બોલ્યો.

હજુ તો દેવ ની વાત પૂરી નહોતી થઈ ત્યાં એનાં ચહેરા પર એક જોરદાર મુક્કો વાગ્યો અને દેવનાં હોઠમાંથી લોહી નીકળી ગયું..પોતાની જાતને થોડી સ્વસ્થ કરી દેવે નજર ઉઠાવીને જોયું તો એને મુક્કો મારનાર શિવ હતો..શિવ ની તરફ ખુન્નસથી જોઈને દેવ ગાળો ભાંડતો શિવ ને મારવા આગળ વધ્યો.દેવ શિવ ની નજીક પહોંચે એ પહેલાં તો સાગરે પોતાનું શરીર નમાવી પોતાનું માથું દેવનાં પેટ ઉપર અથડાવ્યું..સાગર શરીરમાં હૃષ્ટપુષ્ટ હતો..એનાં મજબૂત બાંધો ધરાવતાં દેહ ની ટકકરથી દેવ જમીન પર ફસડાઈ પડ્યો.

એને પેટમાં એ હદે વાગ્યું હતું કે એ બેવડ થઈને પેટ ઉપર હાથ મૂકી જમીન પર જ બે મિનિટ તો પડી રહ્યો..થોડીવાર બાદ એને થોડું સારું થયું એટલે એ કહારતો કહારતો ઉભો થયો અને વેદનાયુક્ત અવાજમાં સાગર અને શિવ ને ઉદ્દેશીને બોલ્યો.

"હું તમને બે ને નહીં છોડું.."

એની વાત સાંભળી સાગર પાછો એની તરફ આગળ વધ્યો અને દેવનો કોલર પકડી એને આગળ-પાછળ કરવાં લાગ્યો..સુકલકડી બાંધો ધરાવતો દેવ તો કોઈ નાનો છોડ પવનની લહેરખી થી ડોલવા લાગે એમ ડોલવા લાગ્યો..એ ઇચ્છવાં છતાં પોતાની જાતને સાગરની પકડથી છોડાવવામાં અસમર્થ હતો.

પોતાનાં બીજાં હાથની ખુલ્લી હથેળીનો દેવનાં ચહેરા પર ધક્કો મારતાં સાગર ગુસ્સામાં બોલ્યો.

"એ ચાર પૈસાની ચરકળ..બહુ હવામાં ઉછળવાની કોશિશ કરીશ નહીં..નહીં તો તને હવામાં થી જ એ રીતે નીચે ફેંકીશ ને કે તારાં હાડકાં એ હદે ભાંગી જશે કે કોઈ હાડવૈદ્ય તારો કેસ હાથમાં નહીં લે..આજ પછી મારાં કે મારાં મિત્રો ની નજીક પણ આવ્યો છે તો મારાથી ભૂંડું કોઈ નથી..નિધિ તારી પ્રોપર્ટી નથી..એ વાત યાદ રાખજે.."

સાગર નું આવું આક્રમક વલણ જોઈને તો દેવ નાં હાંજા ગગડી ગયાં હતાં..કેન્ટીનમાં મોજુદ બધાં ની નજર આ હોબાળો સાંભળ્યાં બાદ એ તરફ થઈ ગઈ હતી.દેવ ચૂપચાપ પોતાની બાઈક તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં સાગર એને ઉદ્દેશીને જોરથી બોલ્યો.

"એ દેવ,હજુ બે મિનિટ ઉભો રહે.."

દેવે સાગરની વાત સાંભળી એની તરફ નજર કરી..દેવ ધીરેથી નિધિ ની નજીક ગયો અને ઘૂંટણનાં બળે એની સામે બેસતાં પોતાનો હાથ નિધિ તરફ લંબાવીને બોલ્યો.

"નિધિ,હું તને એમ કહેવા ઈચ્છું છું કે આ દેવ જેવાં છોકરાં તને હેરાન ના કરે એ માટે હું તારો બોડીગાર્ડ બનવા તૈયાર છું..મારી જોડે હાલ બાઈક તો નથી પણ તને મન થશે ત્યાં તને લઈ જઈશ..તારી નાની મોટી દરેક પસંદ-ના પસંદ નો ખ્યાલ રાખીશ..હું તને પ્રેમ કરું છું..પણ હું એમ નથી કહેતો કે તું પણ મને પ્રેમ કર.. બસ મને તારો મિત્ર બનાવી લઈશ તો પણ હું એટલામાં ખુશ છું..ફ્રેન્ડ..?"

સાગર આવું કંઈપણ કરશે એવી તો ત્યાં ઉપસ્થિત કોઈને આશા જ નહોતી..નિધિ તો જાણે મોટો શૉક લાગ્યો હોય એમ ક્યારેક સાગર ને તો ક્યારેક ઈશિતા ને તો ક્યારેક પોતાની આજુબાજુ મોજુદ લોકોની તરફ જોવાં લાગી..સાગર હજુ પોતાની જમણાં હાથની હથેળી ખુલ્લી રાખીને નિધિ ની સામે ઘૂંટણભેર બેઠો હતો..સાગર નાં આ પ્રસ્તાવનાં જવાબમાં નિધિ થોડું વિચાર્યા બાદ બોલી.

"ના..હું તારી મિત્ર નહીં બની શકું..sorry.."

નિધિ નો આ જવાબ સાંભળી સાગર તો હારેલાં યોદ્ધાની માફક હતાશ ચહેરે ઉભો થયો અને નજર ઝુકાવી પોતાનો ચહેરો બીજી દિશામાં ઘુમાવી લીધો.પોતે ઉતાવળ કરી દીધી નિધિ ની સમક્ષ પોતાનાં દિલની વાત રાખવામાં એનો મનોમન અફસોસ સાગરને થઈ રહ્યો હતો..એનાં આ હાલત ઉપર મરીઝ સાહેબનો એક શેર યાદ આવે કે.

"એ ના કહીને સહેજમાં છટકી ગયાં 'મરીઝ'

કરવી ન જોઈતી'તી ઉતાવળ સવાલમાં

નિધિ દ્વારા સાગર ની ફ્રેન્ડશીપ ની પ્રપોઝલ નો પણ અસ્વીકાર થતાં દેવનાં ચહેરા પર સ્મિત ફરકી ગયું..સાગર તો પોતાનાં બંને હોઠ બીડાવી ધીરેથી શિવ ની તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં નિધિ મોટાં સાદે બોલી.

"સાગર,હજુ મારી વાત પૂરી નથી થઈ.."

નિધિ ની વાત સાંભળી સાગર એની તરફ જોતાં મહાપરાણે બોલ્યો.

"બોલ.."

"સાગર,મને તારી ફ્રેન્ડશીપ નથી જોઈતી પણ તારી લવશીપ જોઈએ છે.."

"શું કહ્યું..?"સાગર તો નિધિ એ કહેલી વાત પર વિશ્વાસ જ નહોતો કરી રહ્યો.

"I love you..do you love me?"નિધિ સાગરની નજીક જઈને એની જેમ જ ઘૂંટણભેર બેસતાં બોલી.

સાગરે નિધિને ઉભી કરી એને ગળે લગાવતાં કહ્યું..

"I love you too.. i love you forever.."

આ બધું જોઈ દેવ તો વીલા મોંઢે ત્યાંથી પોતાની બાઈક પર બેસી નીકળી ગયો..આ તરફ નિધિ અને સાગરનું પ્રેમ-પ્રકરણ શરૂ થઈ ગયું હતું તો ઈશિતા અને શિવ એકબીજાની તરફ જોઈ હસી રહ્યાં હતાં..ઈશિતા એ શિવ તરફ જોઈને અંગૂઠો બતાવી થમ્સઅપ ની સાઈન બતાવી.

હકીકતમાં આ બધું પ્લાનિંગ શિવ અને ઈશિતા નું હતું..શિવે ઘણી વખત એક વસ્તુ માર્ક કરી હતી કે જ્યારે જ્યારે દેવ નિધિ ની જોડે હોતો ત્યારે સાગર નું મન વિચલિત થઈ જતું અને એ થોડો ગુસ્સામાં આવી જતો..બીજી વસ્તુ એ હતી કે શિવે સાગર ને ઘણીવાર નિધિની તરફ ચોરીછુપીથી જોતાં જોયો હતો..શિવ જાણી ચુક્યો હતો કે સાગર નિધિ ને મનોમન પ્રેમ કરે છે.

જ્યારે શિવે નિધિ ને આજે કોલેજમાં જોઈ એ સાથે જ દેવ ને એને નિધિ સાથે કરેલાં વ્યવહારની સજા આપવાનું અને સાગર અને નિધિ વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત થાય એ માટે એક યુક્તિ આજમાવી..સાગર જ્યારે એમની જ ક્લાસનાં એક છોકરાં સાથે કોલેજ ગેટ જોડે મુલાકાત થતાં વાતોમાં વ્યસ્ત હતો ત્યારે ઈશિતા ને શિવે ટૂંકમાં સાગર નિધિને પસંદ કરે છે એ જણાવી દીધું..અને પછી પોતે દેવને મેસેજ કરી જણાવ્યું કે નિધિ આજે કોલેજ આવી છે તો એ નિધિથી દૂર રહે.

શિવ જાણતો હતો કે મેસેજ ની અસર થશે અને દેવ ગુસ્સે થઈ નિધિ ને હેરાન કરવા જરૂર આવશે..અને આ સમયે સાગર દેવ ને જોરદાર જવાબ આપી નિધિ ની લાગણી જીતી લેશે.. બધું શિવની યોજના મુજબ જ થયું અને દેવ ત્યાં ગુસ્સામાં આવ્યો અને સાગરે એને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો..અહીં સુધી તો બધું ઠીક હતું પણ સાગર અને નિધિ વચ્ચે આમ લવશીપ થઈ જશે એતો ઈશિતા અને શિવ માટે સુખદ આંચકા સમાન હતું.

ત્યાં હાજર બીજાં સ્ટુડન્ટ્સ એ પણ નિધિ અને સાગર ની આ લવશીપને તાળીઓ અને ચિચિયારીઓથી વધાવી લીધી..નિધિ અને સાગર ને શિવ તથા ઈશિતા એ અભિનંદન પાઠવ્યાં અને પછી બધાં આવીને કેન્ટીનમાં બેઠાં.. શિવે જ્યારે સાગર ને પોતાની યોજના વિશે જણાવ્યું ત્યારે એને શિવને ગળે લગાવીને એનાં કાનમાં કહ્યું.

"શિવલા..તું મારો ખરો ભેરૂબંધ છે..જે કહ્યાં વગર મારાં મનની વાત સમજી ગયો..અને એક હું છું જે તારાં મનની વાત જાણતો હોવાં છતાં કંઈપણ કરી નથી શકતો.."સાગરનો ઈશારો ઈશિતા તરફ હતો એ સમજતાં શિવ ને વાર ના થઈ.

"જો ભાઈ..હું તો આટલામાં ખુશ છું..હાલ પૂરતું તો જે છે એમાં મજા છે..હજુ સમય નથી આવ્યો ઈશિતા ને દિલની વાત કહેવાનો..પણ ચોક્કસ હું યોગ્ય સમય આવતાં એની આગળ દિલની વાત રાખી દઈશ.."ઈશિતા કે નિધિ ને સંભળાય નહીં એ રીતે શિવ બોલ્યો.

આજે સાગર અને નિધિ વચ્ચેનાં સંબંધ ને એક નામ મળી ગયું હતું..એ નામ હતું પ્રેમ..હવે ઈશિતા અને શિવ વચ્ચેની મિત્રતા કઈ રીતે આગળ વધી એ વિશે શિવ વધુ વિચારે એ પહેલાં એનાં મોબાઈલ ની રિંગ વાગી.

શિવે જોયું તો સ્ક્રીન પર મમ્મી લખ્યું હતું..શિવે આનંદની લાગણી સાથે કોલ રિસીવ કરતાં કહ્યું.

"જય શ્રી કૃષ્ણ,મમ્મી..બોલ કેમ કોલ કર્યો..?"

"બસ દીકરા..તારી યાદ આવતી હતી તો તારો અવાજ સાંભળવાં તને કોલ લગાવ્યો.."સામેથી શિવની માતા કુસુમબેન નો લાગણીસભર અવાજ આવ્યો.

"બસ મમ્મી હું મજામાં છું..તું બોલ તારી તબિયત કેમ છે..?"શિવે પૂછ્યું.

"બસ દીકરા સારું છે..આતો તારો ભાવતો દૂધીનો હલવો બનાવ્યો હતો તો તું સાંભળ્યો.."કુસુમબેન બોલ્યાં.

"મમ્મી તું છે ને એ બધો હલવો પેલાં ગબ્બરસિંહ ને ખવડાવી દેજે..એ બહાને એમની વણીમાં થોડી મીઠાશ આવી જાય.."પોતાનાં પિતાજી ને ગબ્બરસિંહ તરીકે સંબોધતાં શિવ હસીને બોલ્યો.

"હા હો..બેટા એ પણ તને મનોમન બહુ યાદ કરે છે..પણ ક્યારેય સામે ચાલીને કોલ તો નહીં જ કરે.."કુસુમબેન એ કહ્યું.

"મને ખબર છે એ નાળિયેર જેવાં છે..બહારથી કડક પણ અંદરથી નરમ.."શિવ બોલ્યો.

"સારું તો હું ફોન રાખું..તું તારી તબિયત સાચવજે.."આટલું કહી કુસુમબેન એ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

કુસુમબેન જોડે વાત કર્યાં બાદ શિવ ઘણી રાહત અનુભવી રહ્યો હતો..ફોન મુકતાં જ શિવ પાછો ભૂતકાળની એ યાદોમાં સરી પડ્યો જ્યાં એ કુસુમબેન નો કોલ આવ્યાં પહેલાં હતો.

પ્રથમ સેમેસ્ટરની એકઝામ હોવાથી દસ દિવસનું રીડિંગ વેકેશન આપવામાં આવ્યું હતુઁ..આ પહેલાં સબમિશન વખતે શિવ,સાગર,ઈશિતા અને નિધિ એ એકબીજાની સબમિશન પૂરું કરવામાં ખૂબ મદદ કરી હતી..આખરે એક્ઝામ પણ પૂર્ણ થઈ ગઈ..ખાલી મિકેનિક્સ ઓફ સોલિડ નાં પેપર સિવાય બધાં ને બાકીનાં પેપર તો સારાં ગયાં હતાં.

એક્ઝામ પછી તરત જ પંદર દિવસનું બીજું વેકેશન પડ્યું..હવે કોલેજ પંદર દિવસ પછી શરૂ થતી હોવાનાં લીધે એ ચારેય લોકો સાથે એક રેસ્ટોરેન્ટમાં જમીને છૂટાં પડ્યાં.. નિધિ પોતાનાં હાથે સાગરને જમાડી રહી હતી..આ દ્રશ્ય જોઈ ઈશિતા મનોમન કંઈક વિચિત્ર લાગણી અનુભવી રહી હતી..એની નજર રહીરહીને શિવ ઉપર પડતી.

ઈશિતા પોતાની તરફ જોઈ રહી હતી એ જોઈ શિવે પૂછ્યું.

"શું થયું..?કેમ આમ જોવે છે...?ભૂખ નથી કે શું..?"

શિવ નાં આમ પૂછતાં ઈશિતા ફિક્કું હસીને બોલી.

"અરે કંઈ નહીં બસ એમજ.."

જ્યારે પણ કોઈ એમ કહે કે કંઈ નહીં બસ એમજ..તો એ બસ એમજ નથી હોતું..એ બોલવા પાછળ કંઈક લાગણી ધરબાયેલી હોય છે..જે હાલ કહેવાનો કે બહાર લાવવાનો વખત ના આવ્યો હોવાથી માણસ બસ એમજ કહીને ચલાવી લેતો હોય છે.

રેસ્ટોરેન્ટમાંથી છૂટાં પડ્યાં બાદ ચારેય દોસ્તારો પોતપોતાનાં ઘર તરફ અગ્રેસર થયાં.. નિધિ અને સાગર તો ફોન દ્વારા એકબીજાનાં સંપર્કમાં રહેવાનાં હતાં પણ ઈશિતા નાં ઘરેથી એને ફોન હજુ મળ્યો નહોતો..એટલે શિવ માટે તો આ પંદર દિવસ ઈશિતા ની યાદોમાં જ પસાર કરવાનાં હતાં એ નક્કી હતું.

પંદર દિવસ પછી જ્યારે બીજું સેમેસ્ટર શરૂ થવાનું હતું એ શિવ અને ઈશિતા ની જીંદગી નું મિત્રતા પછીનો અધ્યાય લખવાનું નિમિત્ત બનવાનું હતું એ પ્રથમ સેમેસ્ટરની એક્ઝામ પછી છૂટી પડતી વખતે ના ઈશિતા ને ખબર હતી કે ના શિવને.

આ પંદર દિવસ દરમિયાન કોઈ તરસ્યો પાણી માટે,કોઈ ભમરો ફુલનાં રસ માટે અને કોઈ ચકોર ચાંદ માટે તડપે એમ ઈશિતા નાં દર્શન માટે ઝુરતો રહ્યો.

"બીજું સાજણ શું લખું..?લખું એક ફરિયાદ

ક્યારે આવી મને હેડકી..એ પણ નથી યાદ.."

★★★★★★★

વધુ નવાં અધ્યાયમાં.

શિવ અને ઈશિતા વચ્ચેની મિત્રતા કેવાં સંજોગોમાં આગળ વધશે..?શિવ અને ઈશિતા વચ્ચે ભૂતકાળમાં શું બની ગયું હતું અને શિવનાં ભૂતકાળની અસર એનાં વર્તમાન અને ભવિષ્ય પર શું પડવાની હતી એ જાણવાં વાંચતાં રહો આ પ્રેમસભર નવલકથાનો નવો ભાગ.આ નોવેલ ગુરુવારે અને રવિવારે પ્રસારિત થાય છે.

એક બીજી વાત કે આ નવલકથા નો મારી અંગત જીંદગી જોડે કોઈ સંબંધ નથી..પણ મારી દરેક લવસ્ટોરીનું મુખ્ય પાત્રનું નામ હંમેશા શિવ જ રહેશે.આ નોવેલ અંગે આપના કિંમતી અભિપ્રાય મારાં whatsup નંબર 8733097096 પર મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)