અંતરનો અરીસો - 2 Himanshu Mecwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરનો અરીસો - 2

અંતરનો અરીસો

હિમાંશુ મેકવાન

ભાગ - 2

૧૧.

યાદ તમારી”

આંખોની ભીની થઇ કિનારી છે,
ફરી પાછી આવી યાદ તમારી છે.

હું એકલો જ છું દુઃખી પ્રેમ કરીને,
કે પસંદગી આ માટે થઇ મારી છે.

કે'તો હતો ત્યારે માનતા નહોતા,
કે પ્રેમ એક જીવલેણ બીમારી છે.

હસતા હસતા મોત સ્વીકારી લે,
આશિકોની જબરી હોય ખુમારી છે.

પ્રેમની સાબિતી કેટલી આપું કે મને,
જિંદગી બસ તારા નામે ગુજારી છે.

પ્રશ્ન કાશ્મીર જેટલો જ વિકટ છે,
ખબર છે મેં સમસ્યા કેમ નિવારી છે.


૧૨.

“સમજદારીની કેડી”

સમજદારીની કેડી પર ચાલીને જોયું છે ;
સપનું આજે એક આંખો ખોલીને જોયું છે .

મૌન સમજવા જેવા કાબિલ જ ક્યાં હતા ?
એટલે આજે બધે બધું બોલીને જોયું છે !

સમજાતું નથી ક્યાં સંતાઇ જાય આવીને ,
યાદો, દિલને મેં પાછું વલોવીને જોયું છે !

જિંદગીભર જેની બીકે ડરાવતા રહ્યા મને ,
એ મોતને મેં આજે સામે ચાલીને જોયું છે .

ભાર એણે આજીવન ઇચ્છાનો જ ઉઠાવ્યો,
સાવ હલકું હતું શબ તોલીને જોયું છે !

૧૩.

તું નથી તો”


તું નથી તો આશ પણ ક્યાં?
દેહને જો, શ્વાસ પણ ક્યાં!

જીવવું છે મન ભરીને,
કોઈને વિશ્વાસ પણ ક્યાં?

લઇ અલગ અંદાજ ભેગો,
હું ફરું ત્યાં, હાશપણ ક્યાં!

એ કણેકણમાં સમાયો,
એટલે આભાસ પણ ક્યાં?

અંધારે મળતાં રહીને,
આપતાં અજવાસ, પણ ક્યાં?

૧૪.

ઉપાધિ”

થઇ ઘણી ઉપાધિ બધું જાણી લીધા પછી,
આવ્યો છું હોશમાં હવે થોડું પીધા પછી.

બહુ નડે છે શરમ જો સાદામાં રહું તો,
ચડે થોડું ને શબ્દ નીકળે સીધેસીધા પછી.

મદિરાનો નથી વાંક ખોટું તો ના બોલો,
જખમો ઉતરે ઊંડા ખોતરી લીધા પછી.

બહુ બધું બોલીને મેં જોઈ લીધું છે,
મૌન વ્રત લીધું છે, બધું કહી દીધા પછી.

ફરક પડે છે શું ગમે તેટલું સાચવો,
લાશ થઈ ગયો શ્વાસ છોડી દીધા પછી.

જામ અથડાવામાં ડર એ જ લાગે છે,
ઢોળીના દે બુંદ બહુ સાચવી લીધા પછી.

૧૫.

લાગણીનું સરનામું”

લાગણીનું સાચું સરનામું આપો,
પાછી ફરે બધેથી કોક તો રાખો.

લાંબી થઈ છે યાદી આશિકોની,
સાચું કહું છું કેશને ગૂંથી ને રાખો.

અમથા કરે વાતો આપણી બધાં
કામનું નથી કાંઈ કાને ના નાખો

એટલો ખારો કદાચ હોય ના શકું,
દરિયો નથી, હું છું કોઇ તો ચાખો.

લાગણી કૂણી નીકળી પણ શકે,
ભીતરે મારી તમે હાથ તો નાખો.

૧૬

“માં”

ચલાવી કેમની લેતી હતી એ થોડામાં?
પ્રશ્ન હજીયે છે માં શું કરતી રસોડામાં ?

ઊંઘ આવે છે ક્યાં નરમ ગાલીચામાં?
નીંદર કરતી હતી ઘર એના ખોળામાં!

સવાલો ના રહે કોઈ મુશ્કેલ જીવનમાં,
સંતાડતી જયારે મને એના પડખામાં.

સદાયે વ્હાલનો દરિયો એની આંખોમાં,
વિતાવી જિંદગી એણે બસ બે જ જોડામાં.

બધું મળી રહે તમને ફરીવાર જીવનમાં,
એક જ મળે મા બધાંયને આયખામાં.

૧૭.

એવું પણ બને!”

અમાસે ઉજાસ થઇ જાય એવું પણ બને ,
ને દરવાજે તું મળી જાય એવું પણ બને.

કોઈ એક એવો પણ સમય આવે જીવનમાં ,
મને મૌન તારું જ સંભળાય એવું પણ બને .

અલગ છે દુનિયા ને અલગ દુનિયાદારી,
કોરો કાગળ અહીં વંચાય એવું પણ બને .

નામ મારું જાહેરમાં આવતાં અમસ્તા જ ,
અચાનક તુંય જાય શરમાય એવું પણ બને .

લાશને સ્મશાને લઇ જતા આવે એનું ઘર ,
ને અમથી જાય જકડાઈ એવું પણ બને .

૧૮.

“બુટ્ઠી તલવારે”

બુટ્ઠી તલવારે લડવાનું,
કેટ કેટલું સહન કરવાનું.

આભાર છે થયું છે બંધ,
એને જન્મ પહેલા મારવાનું.

શું કામ મોટી વાતો કરીને,
ખોટું અસત્યને છાવરવાનું.

ભારેલો અગ્નિ છે આંખોમાં,
કોણ આવી એને ઠારવાનું?

નક્કી કરી લઈએ આજથી,
એને પૂરતું રક્ષણ આપવાનું.

એ સદાય જીવે દહેશતમાં,
એવું વાતાવરણ આપવાનું ?

બંધ કરાવી દઈએ એમનું,
બા'ર પલળવાનું માંહે સળગવાનું!

૧૯.

યાદ તારી”

હૃદયને મારા હંમેશા રાખે છે ઝંઝોળી,
યાદ તારી મારી સાથે રોજ રમે છે હોળી.

જાણે આવું ક્યાંથી આવી છે શીખીને,
દિલના બારણે કેવી સુંદર રચાવે રંગોળી.

સાચી દિશામાં હતાં અને મકકમ પણ,
વાક્પ્રહારે તારા મને નાખ્યો છે ફંગોળી.

સાચે આપણે સમીપ હતા કે વહેમમાં,
બંને વચ્ચે સબંધોની આમ થાય હોળી?

ઉદાસીના ઉત્સવનો અલગ જ માહોલ,
ગુલાલ નહીં મારા ભાગે રંગ રાખોળી.

૨૦.

“દરવાજો ને બારી”

આમ તેમના જો આંખો મિલાવ,
દરવાજો છે જ ને બારી ના ખખડાવ.

અંદરથી આમ પણ બહુ દુઃખી છું,
બસ છોડ હવે આંખેથી ના રડાવ.

મારી બધી વાતો તો જગ જાહેર છે,
અંદરની તારી ઈચ્છાઓ સંભળાવ.

બધાની સામે ખૂબ ભીડી છે બાથ તે,
પોતાની જાતને સત્ય સાથે ભીડાવ.

અડધું થયું છે આમ ક્યાં થાકી ગયા,
મજાનું છે જીવન અમથું અકળાવ.

છે ખુશી તારી અંદર જ તપાસ્યું નથી,
નાહકની આમ જાત બહાર ના રખડાવ.

***