અંતરનો અરીસો - 4 Himanshu Mecwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરનો અરીસો - 4

અંતરનો અરીસો

હિમાંશુ મેકવાન

ભાગ - 4

૩૧.

“જાદુઇ અરીસો જીવનનો”

શું જોઈએ બધાંને કાશ કોઈ સમજાવો?
નહિ તો આ સમસ્યાનો કોઈ તો અંત લાવો.

જીવનથી થાકી જવામાં પણ એક મજા છે સાહેબ,
કયારેક ભારે લાગે છે શ્વાસનો પણ ગરમાવો.

કોઈ કેટલા ચહેરાઓ છુપ્યા છે એક ચહેરામાં,
ભૂલ પડે છે મારી હવે જાદુઈ કોઈ અરીસો લાવો.

રંગ ના બદલો આટલા જીવન છે સ્પર્ધા નથી,
કોઈ આવું કરી ને પેલા કાચિંડા ને ના શરમાવો.

છું તૈયાર સૂડી એ ચઢવાને વગર વાંકે બસ,
ઈચ્છા આટલી કે સજા તમે જ ફરમાવો.

આમ હપ્તે હપ્તે મરવું મને નંઈ ફાવે,
હાથે તમારા હસ્તે મોંએ ઝેરનો પ્યાલો લઈ આવો.


૩૨.

“એકલતાનો અનુભવ”

બધાંની વચ્ચે એકલો પડેલો હું,
સમાજ ની સામે નીચલો પડેલો હું.

આમ તો એક બાજુનો કેમ ચાલે હિસાબ,
સબંધોની ખાતાવહીમાં ખોટે ચઢેલો હું.

લઇને નામ એનું કામ આરંભીએ તો ખરાં,
ના થાય પૂરું તો દોષે ચઢેલો હું.

કોણ કોને પૂછે છે કારણ વિના,
એમાં ને એમાં શૂળીએ ચઢેલ હું.

મારો વાંક ક્યાં કોઈ તો કહે મને,
નિયમને વહેવાર શબ્દસ: માનેલ હું.

ના બોલાવો ને વહેવાર ના કરો ,
કરેલું બધું ભૂલી ગયો હું.

૩૩.

“મુશાયરામાં છે?”

મશગૂલ કેવા જો મુશાયરામાં છે ?

એ હવે ક્યાં કોઈના દાયરામાં છે?

કેવો રંગ લાગ્યો નવી ઉડાનનો;

કેમ કરી કહેવાય કે એ મારામાં છે?

બદલાય છે એક દિવસમાં ઘણું બધું,

સવારે જે ખોટું હતું, સાંજે સાચામાં છે!

તડપતો છોડી દેવાની આદત જૂની છે,

દિલનો વારો છે આજે અંગારામાં છે!

જીવથી વધારે જેને સાચવ્યો હતો,

સંબંધ તોડી એ આજ અંધારામાં છે!

અજવાશ જે સૌથી વધુ આપતો હતો,

દીવો એ ખુદ આજે અંધારામાં છે!

૩૪.

“જાણે કે તું મળે!”

ખાલીખમ પંથકમાં જાણે કે તું મળે,

ઉકળતા ઉનાળે હૈયે કેવી ટાઢક ભળે.

હું અને તું નોખા જીવ ક્યાં છીએ?

પામવાનો જો એકબીજાને અલૌકિક હક મને.

આમ પણ તારા વિનાનું જીવન સાવ ફિક્કું,

જાણે કે જિંદગીને શ્વાસ નાહક મળે.

આમ સાવ અચાનક આવી જ સ્વપ્નને છોડી ,

તનેય મળવાનો મોકો મળે વાસ્તવિક મળે.

જીવન મરણ સપના ને કલ્પનાઓ બધી ,

ચાલ્યા રાખે આમ જ જો વિચારોની આવક મળે !

૩૫.

“સાચાબોલા આયના”

થોડાક સાચાબોલા મંગાવો આયના ,
બહાર છે,અહીં એવા અંદર કોઈ હોય ના .

હસવાની તો જગ્યાઓ હજાર મળી છે ,
મારાથી બધી જગાએ તો રડાય ના.

પ્રેમતણું આ દરદ અલગ સાવ અલગ છે ,
ચૂપચાપ રહીને એને કેમેય સહેવાય ના .

આવીને જુઓ તો આ હાલત અમારી ,
દુર્દશા આવી દુશ્મનની પણ થાય ના .

તમારી ને મારી વચ્ચે કંઈક તો હશે જ ,
બાકી આપણી વાતો જાહેરમાં ચર્ચાય ના.

હવા એનું અસ્તિત્વ સાબિત કરે છે ,

નહીં તો પરપોટા પાણીમાં એમ થાય ના !

નસીબ એનું પત્થર લખીને આવ્યો છે ,

એક જ ઢગમાં કોઈ પૂજાય ને કોઈ ઠોકર ખાય ના !

૩૬.

“રસ્તા નથી આ કામના”

ચાલો હવે પાછા ફરો, રસ્તા નથી આ કામના ;

અગણિત જખમો છે મળ્યા, મુજને તમારા નામના !

આજે ફરી સમજી ગયો કે ભૂલ મારી શું હતી?

વિશ્વાસ જેની પર હતો, એ નીકળ્યા ના કામના !

અંધાર છે ચોતરફ,અજવાશ ક્યાં મળશે અહીં?

ભૂલાં પડ્યાં છો આપ તો પંથક મહીં આ પ્રેમના!

વાતો બધી સાચી કહીને આપ તો ચાલ્યા જશો ;

ને હું પછી ફરતો રહું સપના તણા એ ગામમાં.

જિંદગી આપી છે તો શાને હવે કોઈ શક કરો ;

દીવો બની સળગી રહું આપના ચોગાનમાં.

૩૭.

“સમર્પિત છે!”

હદયના એ ખૂણામાં યાદ તારી જીવિત છે,

હજુ પણ મનના મંદિરમાં મૂર્તિ તારી પ્રસ્થાપિત છે.

કયાં એવું જ બનતું રહ્યું છે જીવનમાં;

આજે જે સ્થિર છે, કાલે એ વિચલિત છે !

પ્રેમની દુનિયાને અહીં કોણ સમજી શક્યું ?

જે જેટલું મૌન એ એટલું ચર્ચિત છે!

ચૂપચાપ રહીને એ બધુ ઇશારે કહે છે ,

દરેક ઈશારો એમનો બહુ ગર્ભિત છે.

આવો હવે આવીને નિરાંતે વાત કહો;

ભૂત,ભાવિ ને વર્તમાન તમને જ સમર્પિત છે!

૩૮.

“આખરી સ્થાન”

કબરનું ખાલી સ્થાન જોવું છે!

મારુંય આખરી સ્થાન જોવું છે!

દોડભાગ ને બધી જફા મારી ,

જિંદગીનું છેલ્લું ધામ જોવું છે !

ઇતરાઈ જે રહ્યો તું જાત પર,

માટીમાં ભળશે એ નામ જોવું છે?

હું જ મારી કબરને નક્કી કરી લઉં ;

પસંદનું એ છેલ્લું મકાન જોવું છે !

જીવન,મૃત્યુ,શ્વાસ,કફન ને કબર,

છેલ્લું હવે એનું એ ફરમાન જોવું છે!

કરતો રહે મને તું બદનામ ગમ નથી,

દિલમાં સર્વોચ્ચ સ્થાન તારું જોવું છે!

૩૯.

“એમ પણ બને !”

મધ્યાહને આથમે એમ પણ બને,

એ મને ના ઓળખે એમ પણ બને!

જિંદગી આખી જોઈ હતી રાહ મેં,

એ મશાલ દિવસે સળગે એમ પણ બને !

ક્યાંક કશું ખોટું ના પણ થયું હોય,

અમથો જ જીવ બળે એમ પણ બને !

દુનિયાદારીની વાતોમાં તમે ફાવી ગયા,

ને પ્રેમી બસ યાદ વાગોળે એમ પણ બને!

શું કહું હવે કહેવાનું બાકી નથી કશું,

કફન લાશની યાદમાં સળવળે એમ પણ બને !

૪૦.

“જીવતી જાગતી ગઝલ”

જીવતી જાગતી ગઝલ જોઈ હતી,

આંખ એટ્લે જ તો એકલી રોઈ હતી!

તારી યાદનો સહારો છે જીવવા માટે,

તારી માટે જ તો જિંદગી ખોઈ હતી!

પાપથી મારા કંટાળ્યો તો હું પણ હતો,

ને એટલી જ તો જાત ગંગામાં ધોઈ હતી!

સત્ય સાંભળવાની પણ હિમ્મત જોઈશે જ,

આયનાની સામે જ મેં જાતને પરોઈ હતી!

પ્રેમ,જિંદગી, મોત અને કફન છેલ્લે ,

એટ્લે તો જીવતાં મેં મારી કબર જોઈ હતી!

***