અંતરનો અરીસો - 6 Himanshu Mecwan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરનો અરીસો - 6

અંતરનો અરીસો

હિમાંશુ મેકવાન

ભાગ - 6

૫૧.

”ઝળહળો તો ખરાં”

આપ આવો તો ખરાંને ચમન મહેકાવો તો ખરાં;

પ્રેમના એ દિપ પ્રગટાવો અને ઝળહળો તો ખરાં!

આ રાજ્ય છે પ્રેમનું ને એણે હાકલ આપી છે;

એના કોલ ને તમેય હવે વિસ્તારો તો ખરાં!

હું અને તું ભેગાં મળીને આપણે બની જઈશું,

આ બધુ આપના સમાજને શીખવાડો તો ખરાં!

આપનો અણમોલ સહકાર મળ્યો છે એ જાણજો;

બાકી કોઈ મોટો આભાર માનો તો માનું ખરાં!

બધા સાચા હિસાબ કરતાં હતાં કામથી અહીં,

તો પછી કોઈ ખોટ કઈ ખાધી બતાવો તો ખરાં!

૫૨.

ભીની આંખે”

ભીની આંખે જો કોરાં સપના જોઈ શકાય,

તારી સાથે બાકી બચેલુ જીવન જીવી શકાય.

પુષ્પ ને કંટકનો નિરાળો સબંધ છે ;

બીજું કાંઈ નહિ એમાં સલામતી જોઈ શકાય.

જો ખરે ચાહ હોય તો દરિયાની શી જરૂર ?

ડૂબવું હોય તો એની આંખોમાં ડૂબી શકાય!

ને સતત ઝૂરવાનું છે આપણા નસીબમાં ,

હવે મળવું હોય તો બસ સ્વપ્નમાં મળી શકાય .

વિરહની વેદનાનો સ્વાદ કાંઈ મજાનો છે !

આંસુ નહીં તો એને ખારું પાણી કહી શકાય.

૫૩.

“આરોપો ઘણા છે.”

અપાવી પડશે સફાઈ આરોપો ઘણા છે,

નામ આપ્યા વિના મારા ગુન્હા ગણ્યા છે.

હું તો અજાણ્યો રહ્યો છેલ્લા સમય સુધી,

નજદીક લાગતા સહુએ પુરાવા ધર્યા છે.

સીધા હોવુંએ કદાચ સ્વભાવ હોઈ શકે,

આજે મને મારાજ એ ગુણો નડ્યા છે.

બધાની વચ્ચે ખુશખુશાલ લગતા આપણે,

એકાંતમાં હું ને તું બંને કેટલું રડ્યા છે.

ફરી અતીતની યાદમાં સરી પડ્યો હું,

વર્ષો પછી એ ફળિયાના નાકે મળ્યા છે.

૫૪.

“સવાર પાછળ સાંજ”

સવાર પાછળ સાંજ કે સાંજ પાછળ સવાર,

બન્નેનું આ ચક્ર અનોખું આવે ના કોઈ પાર.

એકની ઓળખ સૂરજ તો બીજાને ચંદ્રનો આભાર,

બંનેનું આ ચક્ર અનોખું આવે ના કોઈ પાર.

એકોબીજે આગળ પાછળ ચાલ્યા જ કરે બસ,

બંનેનું આ ચક્ર અનોખું આવે ના કોઈ પાર.

એકબીજાના પૂરક બનીને અઘરો કરે કારભાર,

બંનેનું આ ચક્ર અનોખું આવે ના કોઈ પાર.

દિવસ સરખો વહેંચાયો છે બેઉ સરખા હિસ્સેદાર,

બંનેનું આ ચક્ર અનોખું આવે ના કોઈ પાર.

૫૫.

“મજા અલગ છે.”

આંખોમાં જોયા કરવાની મજા અલગ છે,

સાચે કહું પ્રેમમાં પડવાની મજા અલગ છે.

એની અગાશીએથી એ જુએ ને ધાબેથી હું,

એમ આંખો ચાર કરવાની મજા અલગ છે.

જો જવાબ હા આવે તો દુનિયા લાગે સ્વર્ગ,

અને એ ના પડેતો એકલા રડવાની મજા અલગ છે.

મનમાં સતત એજ હોઈ ને દિમાગમાં પણ એ,

એમ કોઈના જ થઈને રહેવાની મજા અલગ છે.

ના નક્કી કરી શકો સાચો છે કે પછી નાહક છે,

પ્રેમની બાજી બંધ રમવાની મજા અલગ છે.

૫૬.

“શ્વાસ રૂંધાય”

અમથો શ્વાસ રૂંધાય એવું પણ બને,

તાપથી પડછાયો રિસાય એવું પણ બને.

ભલેને શ્વાસ તું મારો અને જિંદગી પણ,

જીવન તારા વિના જીવાય એવું પણ બને.

ના આવે ચહેરા પર એક પણ કરચલી ને,

મન અંદરથી બસ રિબાય એવું પણ બને.

આમ તો નિભાવે એ પણ નિયમ કુદરતના,

ફૂલ ક્યારે વસંતમાં કરમાય એવું પણ બને.

પામવા જેને કરે ગડમથલ જીવનભર,

નદીએ સાગરમાં ના સમાય એવું પણ બને.

૫૭.

“અમથા શ્વાસ ભરે છે.”

અમથા શ્વાસ ભરે છે,

કફન ઓઢીને ફરે છે.

ભર્યુંછે પેટ એનું તોય,

ભૂખ એની ક્યાં મરે છે.

પાનખર હોયતો સમજ્યા,

પાન પ્રેમના વસંતે ખરે છે.

સુરાનો શું વાંક હોય શકે?

ખાલી એને બદનામ કરે છે.

છેક ભીતરેથી જાણું છું

હજુ એ મને પ્રેમ કરે છે.

૫૮.

“કાંઈ તો લખો”

કવિતાએ કર્યો સાદ કવિ કાંઈ તો લખો,

અંતરનો સાંભળી નાદ કવિ કાંઈ તો લખો.

ઠાલવીદો ઊર્મિઓ બધી લાગણી સાથે,

કાગળની બુજે પ્યાસ કવિ કાંઇ તો લખો.

જીવન મરણ દર્દ દવા કે ઘાયલ થવા વિષે,

અનુભવ નો લઇ આસ્વાદ કવિ કાંઇ તો લખો.

કેવું લખાશે કોને ગમશે વિચાવાની શી જરૂર?

મૂકી બાજુએ બધા વિવાદ કવિ કાંઇ તો લખો.

એકલતા સાથેનો રોમાંચ કે પ્રેમની હોય વાત,

કે હોય સ્વ સાથેનો સંવાદ કવિ કાંઇ તો લખો.

૫૯.

“પુનરુત્થાનની પ્રભાતે”

ખાલી છે કબર બોલ, ઈસુ ક્યાં છે ?

જે જોયું છે એ બોલ, ઈસુ ઉઠ્યા છે

આપી ઉદાહરણ પોતે, આહુતિ આપી

જીવનની ખોલી પોલ, ઈસુ ઉઠ્યા છે

કેટલી વેઠી પીડા એણે ક્રોસની ઉપર

પૂરો થયો જીવનનો કોલ, ઈસુ ઉઠ્યા છે

આંગળી નાખ વેહમાં ને શ્રદ્ધા તો રાખ

ઉઠ્યા પછી એમના બોલ, ઈસુ ઉઠ્યા છે

હવે થયો ઝેર કેરો મારગ પૂરો અહીંથી

હવે પુનરુથાન અનમોલ, ઈસુ ઉઠ્યા છે

.

૬૦.

“વિચાર્યા કરે”

અમથું શું વિચાર્યા કરે?

ને ખોટું ખોટું ડર્યા કરે!

એક દિવસ તો નક્કી છે,

રોજ શું કામ મર્યા કરે?

કફનને ખિસ્સું હોતું નથી.

આખી જિંદગી ભર્યા કરે!

પાકું સરનામું સ્મશાન છે.

ને તોય કેટલું ફર્યા કરે!

હસવું એટલું મુશ્કેલ છે!

તે એટલું બધું રડ્યા કરે!

***