અંતરનો અરીસો
હિમાંશુ મેકવાન
ભાગ - 1
૧.
“ઉભરતો શાયર”
એને કશું ના કહો ઉભરતો શાયર છે,
અમસ્તુ ના અડો લાઈવ વાયર છે!
દબાવીને બેઠો છે અંદર ઘણું બધું,
હસે છે બહારથી જબરો લાયર છે.
આમ એને અહીંતહીં રઝળપાટ કરી,
ઘસી નાખ્યું એણે જિંદગીનું ટાયર છે.
આમ લાગતું ભલે ભીનું ભીનું બધે,
સૂકું સૂકું રહેવું હવે એની ડિઝાયર છે.
મધુરું લાગે છે કોઈ કારણ વગર,
એના એકલાનું છે ક્યાં ક્વાયર છે?
૨.
“અપેક્ષા”
બીજું કશું નહી તો, એટલું કરી શકું,
તારી અપેક્ષા પર ખરો ઉતરી શકું.
હવે હું, થાક્યો આપી પુરાવા પ્રેમના,
સામો દે ને ,પ્રવાહ જો હું તરી શકું.
આ મજા છે પ્રેમના વરસાદની કહું,
ભીંજાયો નથી ને તોય નીતરી શકું.
શંકા ખરેખર છે, મને તમારા ઉપર,
બાકી હું જાતને આમ છેતરી ના શકું ?
જોઈએ છે શું ? જીવવા માટે કહો,
બેચાર વસ્તુ માટે, ખુદને વેતરી શકું ?
૩.
“શી જરૂર હતી ?”
કાંધે ક્રોસ ઉપાડવાની, એને શી જરૂર હતી ?
આટલું બધું વેઠવાની, એને શી જરૂર હતી?
માથે કાંટાળો મુગટને, વહેતું સતત રુધિર,
ત્રણ ત્રણ વાર પડવાની, એને શી જરૂર હતી ?
આખા જગતનો તાત, પરમેશ્વરનો પુત્ર ;
રૂપિયા ત્રીસમાં વેચાવાની, એને શી જરૂર હતી ?
અસહ્ય હશે એ ચાબખા ને અનહદપીડા;
મૌન આટલું રાખવાની, એને શી જરૂર હતી ?
મારા દોષે મારા પાપે મને ઉગારવા કાજે ;
માનવતા બચાવવાની, સાચે બહુ જરૂર હતી!
ત્રણ દિવસની શાંતિ, ફરી વિજયોત્સવ ,
મોતને માત આપવાની, સાચે બહુ જરૂર હતી !
૪.
“પ્રેમ”
આખી રાત તારા ગણવાની વાત છે ;
ઈંટો વગર દીવાલ ચણવાની વાત છે !
પ્રેમ કહો છો, એ કાંઈ ઓછી બલા નથી;
એના નામે જિંદગીને ગુણવાની વાત છે !
આપના વગર જીવનમાં શેષ શું રહ્યું ?
ડાકલા, ભૂવા વગર ધૂણવાની વાત છે!
પ્રેમ પહેલાં બધાં જ વચનો એ બાંધી લો;
એ વાવ્યા પહેલાં જ, લણવાની વાત છે !
આમ મોતથી ડરીને જીવવાનું શું કહું ?
કસ્તૂરી ખાતર મૃગને હણવાની વાતછે !
૫.
“વિરહની વેદના”
શીત ચાદર રાતની, કેમ કરી ખાળું હવે,
આવને સપનામાં ,હું તને સંભાળું હવે!
બહુ આંટી ઘુંટી કરી, ને કેવો થાકી ગયો!
શું ઉકેલી શકાય, પ્રેમ તણું જાળું હવે?
જો શરૂઆત છે, રાત આખી બાકી છે ,
લાવ તો જાતને એકલતામાં ઢાળું હવે !
સ્વપનની ક્ષિતિજે, રાહ જોઈ ઊભો છું;
લાવ જલ્દી તું ય પણ રાતનું તાળું હવે !
અલાયદી મજા છે સ્વપ્નની ને રાતની;
એટલે રોજ હું કેવું સવારને ટાળું હવે !
૬.
“કાગળ ઉપર”
ગઝલ નથી, આ મારી જાત કાગળ ઉપર,
તારા જ નામે આ કાયનાત, કાગળ ઉપર.
મૌન તું સમજશે નહિ, હું બોલી નૈ શકું,
એટલે લખી નાખી વાત, કાગળ ઉપર.
કવિને લેખકનો અલગ કેવો હિસાબ?
મોત પછી પણ રહે હયાત, કાગળ ઉપર.
સાચું કહું છું એટલે ચર્ચાઈ જાવ છું,
વિવેચકો સામે શું વિસાત, કાગળ ઉપર.
અમથો કરું પ્રયત્ન ને લખાય જાય છે,
ઉપસી આવી જીવની ભાત, કાગળ ઉપર.
૭.
“મારી માં ના સંભારણાં”
(માંની વિદાય તા.૨/૪/૨૦૦૪)
ખુલ્લી આંખના શમણાં સાથે છે મારી ;
મારી માં ના સંભારણાં સાથે છે મારી!
કાયનાત આખી મારી સામે હોય તો શું ?
એણે લીધેલાં ઓવારણાં સાથે છે મારી !
ક્યારેય પા'ડ માની ના શક્યો એનો ને ;
આપી છે એણે જે પ્રેરણા સાથે છે મારી !
રોજ વિચારું છું એ આવીને ઉઠાડે મને ,
અશક્ય જો કેવી ધારણા સાથે છે મારી !
કેવું વેરાન ને ઉજ્જડ છે બધું જો તો;
મોભ વિનાના બારણાં સાથે છે મારી !
આજના દિવસે માં દૂર ચાલી ગઈ'તી ;
એની મમતાના અમી ઝરણાં સાથે છે મારી !
૮.
“ભ્રષ્ટ ધરમ”
જો ધરમ તારો કેવો ભ્રષ્ટ થઇ ગયો ,
અર્થ પ્રેમનો કેવો સ્પષ્ટ થઇ ગયો !
સર્જન કરવાને નીકળ્યો હતો દુનિયામાં ;
હાલત શું થઇ તું કેવો નષ્ટ થઇ ગયો!
બહુ બધી ઈચ્છાઓને સાચવી રાખી'તી ,
શ્વાસ સાથે જીવને હવે કષ્ટ થઇ ગયો!
બહુ ઉબડ ખાબડ જિંદગીને જોયાપછી,
લાશ થઇએ કેવો સીધો સટ થઇ ગયો !
મરણમાં છે મજા કે આવશે જીવવામાં !
પ્રશ્ન આજે એક નવો વિકટ થઇ ગયો!
૯.
“જાત અપરિચિત”
ધાર્યા કરતાં ઘણી વિપરીત છે ;
પોતાનાથી જાત અપરિચિત છે!
જેને છુપાવી રાખ્યો મૌન રહી,
સબંધ એ આજે બહુ ચર્ચિત છે.
ગામ હવે તારાથી ઓળખે મને ;
ને તું સાચે જ આ વાતે વંચિત છે!
નિર્ણય તમારા બધા મંજૂર મને ;
જા તમારી તારી પાછળ અર્પિત છે .
અનોખા સબંધનો પુરાવો આપ્યો,
લાશ ને કફન જો કેવા પરિચીત છે !
“૧૦.
“જિંદગી જીવતી ગઝલ”
સપનાની લાંબી મજલ થઇ ગઈ છે ,
જિંદગી જીવતી ગઝલ થઇ ગઈ છે !
આયનામાં જોયા પછી એમ લાગ્યું ;
જીવતી જાતની એ નકલ થઇ ગઈ છે!
મારા મતે હવે જે બાકી જિંદગી છે;
એ શ્વાસની ફેરબદલ થઇ ગઈ છે.
મને પ્રેમમાં પડીને એવું લાગ્યું અલા-
જાણે ખોટી ગડમથલ થઇ ગઈ છે !
કફન હતું સાથે છેક છેલ્લે સુધી જો,
સંબંધોની ઓળખ અસલ થઇ ગઈ છે !
***