તમારે પ્યાર જેટલો દેવો હોય એટલો આપી શકશો
મોટી ઉંમરના પુરુષ અને નાની ઉંમરની સ્ત્રી વચ્ચે પ્રેમ થાય એવી ફિલ્મો ઘણી બની છે. એક સમય એવો હતો કે સમાજમાં આ પ્રકારની ઘટના બનતી હોવા છતાં આ વિષય પરની ફિલ્મને ‘સમય કરતા વહેલી’ ગણીને ફ્લોપ કરાર કરવામાં આવતી, ક્રિટિક દ્વારા નહીં પરંતુ ઓડિયન્સ દ્વારા. પરંતુ, હવે જમાનો બદલાયો છે!
કલાકારો: અજય દેવગણ, તબુ, રકૌલ પ્રીત કૌર, જીમ્મી શેરગીલ, જાવેદ જાફરી, કુમુદ મિશ્રા અને આલોક નાથ
નિર્માતા: ભૂષણ કુમાર, કિશન કુમાર, લવ રંજન અને અંકુર ગર્ગ
નિર્દેશન: અકીવ અલી
રન ટાઈમ: ૧૩૪ મિનીટ
આશિષ (અજય દેવગણ) લંડનમાં એક મોટો ઇન્વેસ્ટર છે. પત્ની અને બાળકો ભારતમાં, મનાલીમાં છે અને તેમનાથી દૂર એટલેકે પત્ની સાથે છૂટો પડીને અહીં એકલો રહે છે. પોતાના એક મિત્રના લગ્ન પહેલાની બેચલર્સ પાર્ટી આયોજીત કરતી વખતે તેની ઓળખાણ આયેશા (રકૌલ પ્રીત કૌર) સાથે થાય છે. પછી જેમ બને છે તેમ મુલાકાતોની સંખ્યા વધતી ચાલે છે અને બંનેની ઉંમર વચ્ચે લગભગ ૨૫ વર્ષનો ફરક હોવા છતાં બંને પ્રેમમાં પડે છે.
આશિષની ઈચ્છા હોય છે કે તે આયેશાની સાથે લગ્ન કરતા પહેલા પોતાના પરિવારને મેળવે જેથી પાછળથી કોઈ ગૂંચવાડો ઉભો ન થાય. આયેશાને પણ એ સમયે આશિષનો આ આઈડિયા Cool લાગે છે. આથી બંને આશિષના ઘેર મનાલી આવે છે અને એવા સમયે આવે છે જ્યારે આશિષની પુત્રીની સગાઈની વાત તેમના આવવાના બીજા જ દિવસે થવાની હોય છે.
પરંતુ, આશિષની પત્ની મંજુ (તબુ) પુત્રી તેમજ સસરાનો (આલોક નાથ) આશિષના ત્યાં આવવા પર અને અચાનક આવવા પરના વિરોધને સંભાળી લે છે અને આશિષ અને આયેશાનું ઘરમાં સ્વાગત કરે છે. પરંતુ અહીં એક તકલીફ પડી જાય છે અને એ તકલીફ છે કે બંને પક્ષો એકબીજાથી કશુંને કશું છુપાવે છે. બસ આ છુપાવવાની વાત ધમાલ, મસ્તી તો ઉભી કરે છે પરંતુ પોતાની સાથે સાથે સાથે સાથે બીજું ઘણું પણ લાગે છે.
રિવ્યુ
ફિલ્મનું ટ્રેલર કહેતું હતું કે આ ફિલ્મ ધમાલ કોમેડી હશે. ફિલ્મ ધમાલ કોમેડી તો છે એમાં ના નથી, પરંતુ તેની સાથે ક્યાંક ગંભીર પણ છે. એક તરફ મોટી ઉંમરના પુરુષને એટલેકે ચાળીસી વટાવી ચૂકેલા પુરુષને કોઈ ખાસ નજરે આપણે જોતા હોઈએ છીએ. અથવાતો અમુક ઉંમર પછી પુરુષે આમ ન કરાય તેમ ન કરાય, જાણેકે એની બધીજ ઈચ્છાઓ અને ઉર્મીઓ ચાળીસ પછી શાંત થઇ ગઈ હોય એવું આપણે માનતા હોઈએ છીએ, પરંતુ એવું નથી હોતું આ ઉંમરે પણ પુરુષ પ્રેમમાં પડી શકે છે અને તે પણ પોતાનાથી અડધી એટલેકે દીકરીની ઉંમરની છોકરી સાથે.
બીજી તરફ એક સંદેશ એવો પણ છે કે ભલે તમે બધું નક્કી કરીને હસીખુશીથી કોઈ સંબંધ પૂર્ણ કરી દીધો હોય પરંતુ જ્યારે કોઈ જવાબદારી તમારી સામે આવે છે ત્યારે તમે તે કહેવાતા પૂર્ણ સંબંધ સાથે ફરીથી જોડાઈ જાવ છો. ટૂંકમાં કહીએ તો સંબંધો છોડી દીધા એમ કહેવું કે વિચારવું સહેલું છે પરંતુ તેનો અમલ કરવો એ મહિનાઓ અને વર્ષો પછી પણ શક્ય નથી હોતું આ બંને પ્રકારના સંદેશ આ ફિલ્મમાં આપવામાં આવ્યા છે.
અજય દેવગણ મોટી ઉંમરના પુરુષ જે અનુભવે ઘડાયો પણ છે, મેચ્યોર પણ છે અને જે પ્રેમ કરતી વખતે સાવ યુવાન પણ બની શકે છે એવી બેવડી ભૂમિકામાં બરોબર ફીટ થાય છે. તો સામે તબુ પણ લગભગ એ જ કક્ષાનું પરફોર્મન્સ દેખાડી જાય છે કારણકે તેણે પણ અજય દેવગણ પ્રકારના જ મેન્ડેટને ફિલ્મમાં દેખાડવાનો હતો.
ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે રકૌલ પ્રીત કૌર! સાવ પચ્ચીસ છવ્વીસ વર્ષની ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર છોકરી, જે બિન્ધાસ્ત પણ છે અને જરૂર પડે તો તૂટીને પ્રેમ પણ કરી જાણે છે, પણ થોડી નાદાન પણ છે જે સંબંધોની ઊંડાઈ હજી સુધી સમજી શકી નથી, એવી તમામ લાગણીઓ બરોબર દેખાડે છે અને એક રીતે જુઓ તો આ આખી ફિલ્મ રકૌલ પ્રીત કૌરની આસપાસ જ ફરે છે.
નાની નાની ભૂમિકાઓમાં સહુથી વધુ જામે છે આલોક નાથ અને કુમુદ મિશ્રા. આલોક નાથ એક મુફટ પિતા તરીકે અને કુમુદ મિશ્રા પહેલા એક જવાબદાર અને થોડા જૂનવાણી વિચારો ધરાવતા પિતા તરીકે ઉભરી આવે છે. એકદમ પ્રમાણિકપણે કહેવામાં આવે તો જીમી શેરગીલ વેડફાઈ ગયો છે. જાવેદ જાફરી ઓકે છે એની અને અજય દેવગણની ફ્રેન્ડશીપવાળી કેમિસ્ટ્રી જામે છે.
ફિલ્મ ઈન્ટરવલ સુધી એકધારી ચાલે છે, ઈન્ટરવલ પછી ક્યાંક એવું લાગે કે સહેજ ફિલ્મ ખેંચાઈ રહી છે. કદાચ એટલા માટે કારણકે ફિલ્મનો બીજો હિસ્સો થોડો વધુ ઈમોશનલ છે, પરંતુ ફિલ્મની વાર્તા તેની ડિમાંડ કરતી હોવાથી એ દ્રશ્યો જરૂરી પણ હતા. ઓવરઓલ કહીએ તો જો મનોરંજન અને મેચ્યોરીટીનું મિશ્રણ જોવા માંગતા હોવ તો વિકેન્ડ માટે દે દે પ્યાર દે એક સારો વિકલ્પ પૂરો પાડી શકે તેમ છે. ફિલ્મ તમારા ખર્ચેલા નાણાનું વળતર જરૂર આપશે.
૧૮.૦૫.૨૦૧૯, શનિવાર
અમદાવાદ